You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્ટેમિસ 2 : ચંદ્રનું ચક્કર લગાવીને ધરતી પર સુરક્ષિત પરત ફર્યા અવકાશયાત્રી
આર્ટેમિસ 2ના અવકાશયાત્રીઓ નવ દિવસથી વધુના પોતાના મિશનને પૂર્ણ કરી ધરતી પર સુરક્ષિત પરત આવી ગયા છે.
આવકાશત્રીઓને લઈ આવતું કૅપ્સૂલ ભારતીય સમય અનુસાર સવારે લગભગ સાડા પાંચ વાગ્યે પ્રશાંત મહાસાગરમાં 'સ્પ્લૅસ્ડ-ડાઉન' થયું.
મિશન પર ગયેલા અવકાશયાત્રી કમાન્ડર રીડ વાઇઝમૅન કમાન્ડરે તેની પુષ્ટિ કરતાં કહ્યું કે ટીમના સભ્યો સંપૂર્ણપણે સ્વસ્થ છે.
આર્ટેમિસ 2ના આવકાશયાત્રીઓએ આ મિશન મામલે ઇતિહાસ રચ્યો અને ધરતીથી એટલું દૂર પહોંચ્યા જ્યાં માનવ ક્યારેય પહોંચ્યો નહોતો. અવકાશયાત્રીઓ પોતાના સ્પેસક્રાફ્ટમાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણ જોયા પછી પૃથ્વી તરફ પરત ફર્યા છે.
આ પહેલાં કમાન્ડર રીડ વાઇઝમૅને કહ્યું હતું કે આ મિશનમાં સામેલ ઓરાયન સ્પેસક્રાફ્ટના ચાલક દળે "એવા નજારા જોયા છે, જેને આજ સુધી કોઈ માનવે ક્યારેય જોયા નથી."
જ્યારે કે એક અન્ય અવકાશયાત્રી પાઇલટ વિક્ટર ગ્લોવરે કહ્યું કે તેમણે જે જોયું, તેને વર્ણવવા માટે "શબ્દો જ નથી."
આ મિશન પૂર્ણ થવા પર નાસા ચીફ જેરેડ આઇઝૅકમૅને કહ્યું, "અમે ફરીથી માનવોને ચંદ્ર પર મોકલવાના કામમાં પરત આવી ગયા છીએ. આ તો ફક્ત શરૂઆત છે."
આ પોતાની આ યાત્રા દરમિયાન આ સ્પેસક્રાફ્ટ પૃથ્વી થી 2,52,756 માઇલ (4,06,771 કિલોમીટર) સુધી પહોંચ્યું હતું. આ અંતરિક્ષમાં માનવો દ્વારા સફર કરાયેલું સૌથી વધુ અંતર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્રની પાછળ પહોંચ્યા બાદ અવકાશયાત્રીઓનો નાસા સાથે સંપર્ક તૂટી ગયો હતો.
સંપર્ક લગભગ 40 મિનિટ સુધી તૂટેલો રહ્યો. જોકે તેની સંભાવના પહેલેથી જ જણાવી હતી.
જ્યારે સંપર્ક ફરીથી સ્થાપિત થયો ત્યારે મિશન વિશેષજ્ઞ ક્રિસ્ટિના કોચે અંતરિક્ષયાનમાંથી મૌન તોડતાં કહ્યું, "પૃથ્વી પરથી ફરીથી અવાજ સાંભળવો ખૂબ જ શાનદાર છે."
ટ્રમ્પે કરી અવકાશયાત્રીઓ સાથે વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અવકાશયાત્રીઓ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "તમે લોકોએ ઇતિહાસ રચ્યો છે અને સમગ્ર અમેરિકાને ગર્વની અનુભૂતિ કરાવી છે."
તેમણે અવકાશયાત્રીઓને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ પણ આપ્યું.
અવકાશયાત્રી શુક્રવારે ઇસ્ટર્ન અમેરિકન ટાઇમ મુજબ રાત્રે 8:07 વાગ્યે (ભારતીય સમય મુજબ શનિવારે સવારે 5 વાગી 37 મિનિટે) ધરતી પર પરત ફર્યા હતા. તેમનું અમેરિકાના પશ્ચિમ કિનારા પાસે પ્રશાંત મહાસાગરમાં 'સ્પ્લૅસ્ડ-ડાઉન' થયું હતું.
કેટલા સુરક્ષિત છે અવકાશયાત્રી?
નાસાના નિવૃત્ત અંતરિક્ષ યાત્રી ટેરી વર્ટ્સ કહે છે કે સ્પેસશટલના ચાલકદળને ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિનો ઉપયોગ કરતાં તેની પરિક્રમા કરવી પડી હતી.
ટેરી વર્ટ્સ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના કમાન્ડર રહી ચૂક્યા છે.
તેમણે કહ્યું, "તેઓ અંતરિક્ષમાં બહુ દૂર છે, જો તેમની જિંદગી પર કોઈ ખતરો મંડરાય તો તેમને બચાવવાનો કોઈ રસ્તો નથી. ત્યાં તેઓ અત્યંત તેજ રેડિએશનનો (વિકિરણ) સામનો કરી રહ્યા છે, જે પૃથ્વી પર હાજર જ નથી અને તે પાતળી ઍલ્યુમિનિયમના પાતળા આવરણના કેટલાક મિલીમીટર બહાર જ તેમના માટે મૃત્યુ મંડરાઈ રહ્યું હોય છે."
તેઓ આગળ કહે છે, "પૂર્ણ 10 દિવસનું મિશન સુરક્ષિત તો ન કહી શકાય, પરંતુ આજે કંઈ ખાસ થયું નથી. આજે ફક્ત એટલું થયું કે આ કૅપ્સૂલ ચંદ્રની નજીકથી પસાર થયું."
ટેરી વર્ટ્સ અનુસાર તેમણે ચંદ્રના ગુરુત્વાકર્ષણ દ્વારા પોતાની ઉડાનની દિશાને લગભગ 180 ડિગ્રી ફેરવી દીધી જેથી તેમનું સ્પેસક્રાફ્ટ તેમને પાછું પૃથ્વી તરફ લઈ આવે.
તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું, "સર આઇઝેક ન્યૂટન અહીં કમાન સંભાળી રહ્યા છે – હવે ગુરુત્વાકર્ષણ જ કૅપ્સૂલને દિશા આપી રહ્યું છે."
બીબીસીની સાયન્સ ઍડિટર રેબેકા મોરેલે આ મિશન વિષે નાસાની વિજ્ઞાન પ્રમુખ ડૉ. નિકોલા ફૉક્સ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે મિશન કંટ્રૉલમાં વિજ્ઞાન ટીમ માટે આ દિવસ શાનદાર તો હતો પરંતુ અત્યંત વ્યસ્ત પણ રહ્યો.
અવકાશયાત્રીઓએ મિશનના આ મહત્ત્વપૂર્ણ ગાળાની તૈયારી માટે અનેક વર્ષો વિતાવ્યા છે.
તેઓએ નાસાની ટીમ સાથે મળી લ્યુનર સાયન્સનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.
ફૉક્સે કહ્યું કે ક્રૂએ આ દરમિયાન ઉત્તમ કામ કર્યું અને ચંદ્રમા સાથે જોડાયેલાં અનેક અત્યંત મહત્ત્વપૂર્ણ ઇનપુટ્સ આપ્યાં.
એક સૌર વૈજ્ઞાનિક હોવાના કારણે તેઓ ખાસ કરીને ગ્રહણને લઈ અત્યંત ઉત્સાહિત હતાં.
તેમણે કહ્યું કે "તેમણે આવા અનેક ખગોળીય ઘટનાક્રમ જોયા છે, પરંતુ આ વખતે દેખાયેલું દૃશ્ય પૃથ્વી પરથી જોવામાં આવેલા કોઈપણ ગ્રહણથી સંપૂર્ણપણે અલગ હતું."
મિશન વિશે ખાસ વાતો
આર્ટેમિસ 2 મિશનના રૉકેટે ફ્લૉરિડાના કેપ કૅનાવેરલ સ્થિત કૅનેડી સ્પેસ સેન્ટરથી પહેલી એપ્રિલ 2026ના રોજ ઉડાન ભરી હતી.
આ મિશનમાં ત્રણ અમેરિકન અવકાશયાત્રી રીડ વિઝમૅન, ક્રિસ્ટિના કોચ, વિક્ટર ગ્લોવર અને કૅનેડિયન અવકાશયાત્રી જેરેમી હેન્સન સામેલ હતાં.
નાસાના આર્ટેમિસ કાર્યક્રમમાં અનેક વર્ષોની મહેનત લાગી છે, હજારો લોકો તેમાં જોડાયેલા રહ્યા છે અને અત્યાર સુધી તેમાં લગભગ 93 અબજ ડૉલરનો ખર્ચ થયો છે.
50 વર્ષથી પણ પહેલાં, અમેરિકાના અપોલો મિશનોએ ઇતિહાસ રચ્યો હતો, જ્યારે પ્રથમ વખત માનવે ચંદ્રમાની સપાટી પર પગ મૂક્યો હતો.
ચંદ્રની ધરતી જોવામાં ભલે સૂકી, ધૂળભરી અને બિનઉપજાઉ લાગે, પરંતુ હકીકત એથી સંપૂર્ણપણે અલગ છે.
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનાં ગ્રહ વૈજ્ઞાનિક પ્રોફેસર સારા રસેલ કહે છે, "ચંદ્રમાં એ જ તત્ત્વો હાજર છે જે આપણને પૃથ્વી પર મળે છે."
"ઉદાહરણ તરીકે રેયર અર્થ ઍલિમેન્ટ્સ (દુર્લભ ધાતુઓ), જે પૃથ્વી પર બહુ ઓછી મળી આવે છે, ચંદ્રના કેટલાક વિસ્તારોમાં કદાચ એટલી માત્રામાં હાજર હોઈ શકે છે કે તેમને કાઢી શકાય."
આમાં લોખંડ અને ટાઇટેનિયમ જેવી ધાતુઓ પણ છે, અને હીલિયમ પણ – જેનો ઉપયોગ સુપરકન્ડક્ટરથી લઈને મેડિકલ ઉપકરણો સુધી, અનેક વસ્તુઓમાં થાય છે.
પરંતુ જે સંસાધને સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, તે સૌથી વધુ આશ્ચર્યજનક પણ છે – પાણી.
રસેલ કહે છે, "ચાંદનાં કેટલાક ખનિજોમાં પાણી ફસાયેલું છે, અને ધ્રુવો પર પણ પાણીની સારી ખાસી માત્રા હાજર છે."
તેઓ કહે છે કે ત્યાં એવા ખાડા છે જે હંમેશાં છાયામાં રહે છે, જ્યાં બરફ જામેલો હોય શકે છે.
જો તમે ચંદ્ર પર રહેવા માંગો છો, તો પાણી સુધી પહોંચવું અત્યંત જરૂરી છે. આ ફક્ત પીવાના કામમાં જ નથી આવતું, પરંતુ તેને હાઇડ્રોજન અને ઑક્સિજનમાં તોડી અવકાશયાત્રીઓ માટે શ્વાસ લેવા માટે હવા તૈયાર કરી શકાય છે, અને અહીં સુધી કે અંતરિક્ષયાનો માટે ઈંધણ પણ બનાવી શકાય છે.
નાસાની નજર હવે મંગળ ગ્રહ પર ટકી છે અને તે 2030ના દાયકામાં માનવોને ત્યાં મોકલવા ઇચ્છે છે. પરંતુ તેને જે ટૅકનિકલ પડકારોનો સામનો કરવો પડશે, તેને જોતા આ સમયસીમા ઘણી મહત્ત્વાકાંક્ષી કહી શકાય છે.
પરંતુ ક્યાંક ને ક્યાંકથી શરૂઆત તો કરવી જ પડે, અને અમેરિકાએ નક્કી કર્યું છે કે તે શરૂઆત ચંદ્રથી કરશે.
આ જ કડીમાં આર્ટેમિસ 2 મિશન અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન