ગુજરાત : 'સરકસવાળા પાંચ લાખમાં લેવા આવ્યા હતા' ત્રણ ફૂટના ગણેશની ડૉક્ટર બનવાની કહાણી

ડૉક્ટર, ગુજરાત, તબીબ, દરદી, ભાવનગર, પોઝીટીવ, સર ટી હોસ્પિટલ, વામન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, ભાવનગરની સર ટી હૉસ્પિટલના પરિસરમાં ડૉ. ગણેશ બારિયા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"મારું નામ ડૉ. ગણેશ બારિયા છે. મારી ઊંચાઈ ત્રણ ફૂટ અને વીસ કિલો વજન છે. હું એમબીબીએસ (બેચલર ઑફ મેડિસિન બેચલર ઑફ સર્જરી) પૂરું કરીને હાલ ભાવનગરની સર ટી (તખતસિંહજી) જનરલ હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવું છું."

આટલા પરિચય પછી ડૉ. ગણેશ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "લડત અને સંઘર્ષ તો જીવનનો ભાગ છે. સંઘર્ષ વગરની જિંદગી, જિંદગી નથી હોતી."

ડૉ. ગણેશ બારિયા વિશ્વના સૌથી નાના કદના ડૉક્ટર હોવાનો દાવો કરવામાં આવે છે. ભાવનગરની સરકારી હૉસ્પિટલમાં આખો દિવસ દરદીઓને તપાસ્યા પછી સાંજે ગોરખી ગામની વાડીમાં ખાટલા પર બેઠાં બેઠાં આ વાત કહે છે. ગોરખી તળાજા પાસેનું નાનું એવું ગામ છે. વાડીમાં જ ગણેશ બારિયાનું છાપરાવાળું ઘર છે.

ત્રણ ફૂટનું કદ ધરાવતા ગણેશે એનઇઇટી – નીટ (નૅશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કર્યા પછી પણ ડૉક્ટર બનવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું ત્યારે તેઓ ડૉક્ટર બની શક્યા હતા.

ગણેશ જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે સરકસવાળા ગોરખી આવ્યા હતા અને તેમના પપ્પા વિઠ્ઠલભાઈ પાસે એવી માગ કરી હતી કે અમે તમને પાંચ લાખ રૂપિયા આપીએ છીએ. તમે ગણેશ અમને આપી દો.

એ ઘટના યાદ કરતાં વિઠ્ઠલભાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "સરકસવાળા આવીને પૈસાની મોટી મોટી વાતો કરવા માંડ્યા હતા. મેં કહ્યું કે પૈસા દેતા છોકરો નહીં દઈએ."

"તેઓ દાદાગીરી કરવા માંડ્યા કે પરાણે લઈ જઈશું. હિમ્મત ભેગી કરીને અમેય કહ્યું કે તમારી ત્રેવડ હોય તો છોકરાને લઈ જજો."

એ ઘટના પછી તેઓ ક્યારેય ગણેશને એકલો ન મૂકતા.

વિઠ્ઠલભાઈ કહે છે કે, "અમને સરકસવાળાની એટલી બીક બેસી ગઈ હતી કે છોકરાને એકલો મૂકતા જ ન હતા. ગણેશને ગામમાં પણ તેની બહેનો સાથે મોકલતા."

"શાળામાં સાહેબોને કહી દીધું હતું કે શાળા છૂટે પછી અમે આવીએ પછી જ ગણેશને છોડવાનો."

ગણેશ કહે છે કે, "સરકસવાળાને નહીં આપીને પપ્પાએ મને ભણાવ્યો. મારા જીવનની સૌથી મોટી પ્રેરણા જ મારા પપ્પા છે."

ગણેશની શાળા ઘરથી પાંચેક કિલોમીટર દૂર હતી. કદ નાનું હોવાથી પાંચ કિલોમીટર ચાલવું અઘરું પડતું હતું. તેથી પિતા અને બહેનો તેને ક્યારેક ખભે ઊંચકીને લઈ જતા હતા.

પ્રાથમિક શાળાથી જ સંઘર્ષની શરૂઆત

ડૉક્ટર, ગુજરાત, તબીબ, દરદી, ભાવનગર, પોઝીટીવ, સર ટી હોસ્પિટલ, વામન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, પિતા વિઠ્ઠલભાઈ, માતા દેવુબહેન અને પરિવારના અન્ય સભ્યો સાથે ગોરખી ગામના ઘરે ડૉ. ગણેશ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. ગણેશને ગ્રૉથ હોર્મોન ડેફિશિયન્સી છે, જેને લીધે તેમનું કદ વધતાં અટકી ગયું છે. ટૂંકા કદને લીધે શાળામાં તેમની ક્યારેક મજાક-મશ્કરી પણ થતી. ગણેશની શાળાના શિક્ષકોએ તેને હૂંફ પૂરી પાડી હતી.

ગણેશ જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવવા તળાજાના નીલકંઠ વિદ્યાપીઠમાં ગયા ત્યારનો પ્રસંગ જણાવતાં શાળાના સંચાલક રૈવતસિંહ સરવૈયા કહે છે કે, "ગણેશ નવમા ધોરણમાં ઍડમિશન લેવા આવ્યો એટલે હું તેને તેડીને દરેક વર્ગમાં લઈ ગયો હતો. એટલે બધા ખૂબ મજાક કરતા હતા કે આવડો એવો નવમા ધોરણમાં?"

ગણેશે અનેક મહેણાટોણા સાંભળ્યા, પણ તેની અસર ક્યારેય અભ્યાસ પર થવા દીધી નહીં. દસમા ધોરણમાં તેમણે 94 ટકા મેળવ્યા હતા.

ગણેશ બેન્ચ પર સરખી રીતે બેસી શકે તે માટે તકિયો મૂકવાની સગવડ શિક્ષકોએ કરી.

દફ્તર ઊંચકવું ભારે ન પડે તે માટે પાઠ્યપુસ્તકોના બે સેટ, એક શાળામાં અને એક ઘરે રાખવાની વ્યવસ્થા સંચાલક - શિક્ષકો રૈવતસિંહ સરવૈયા અને દલપતભાઈ કાતરિયાએ ગોઠવી હતી.

તેમને ડૉક્ટર બનવાનું સપનું દેખાડવામાં પણ શિક્ષકો નિમિત્ત બન્યા હતા. દલપતભાઈ કાતરિયા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "ગણેશ ભણવામાં હોશિયાર હતો. અમે તેને કહ્યું કે તું જો ડૉક્ટર બનીશ તો સૌથી ટૂંકી ઊંચાઈ ધરાવતો વિશ્વનો પ્રથમ ડૉક્ટર હોઈશ. તારા જેવા હજારો લોકોનું પ્રેરણાસ્થાન બનીશ."

પછી તો ગણેશે પણ અભ્યાસમાં પાછળ વળીને ન જોયું. ધોરણ બાર સાયન્સ- બી ગ્રૂપ પાસ કરીને તેમણે નીટ-એનઇઇટી પરીક્ષા પણ પાસ કરી દીધી. જોકે, ખરો સંઘર્ષ એ પછી શરૂ થયો હતો.

કોર્ટ કેસનો ખર્ચ ગણેશની શાળાએ ઉપાડી લીધો

વીડિયો કૅપ્શન, Bhavnagar ના ગણેશ છે વિશ્વના સૌથી નાના કદના ડૉક્ટરમાંથી એક, 'સંઘર્ષ વગરની જિંદગી, જિંદગી નથી હોતી'

નીટની પરીક્ષા પછી ગણેશની આંખોમાં ચમક હતી કે હવે ડૉક્ટર થવાનું સપનું હકીકતને ઉંબરે આવીને ઊભું છે. જોકે, કેટલાક ઉંબરા ઓળંગવા ભારે થઈ પડે છે.

નીટની પરીક્ષા પછી એમબીબીએસમાં પ્રવેશ માટે ફૉર્મ ભર્યું તો શારીરિક મર્યાદાને કારણે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ તેમનો પ્રવેશ રદ કર્યો હતો. તેમની દલીલ હતી કે તમારી ત્રણ ફૂટની ઊંચાઈ છે તો ઇમર્જન્સીમાં જે કેસ આવશે તે સંભાળી શકાશે નહીં.

ગણેશ કહે છે કે, "એ સમયે હું ખૂબ નિરાશ થઈ ગયો હતો. આશાનું કોઈ કિરણ દેખાયું નહીં."

ગણેશને એમબીબીએસમાં ઍડમિશન મળે તે માટે શિક્ષકો દલપતભાઈ અને રૈવતભાઈએ હાઇકોર્ટ જવાની તૈયારી કરી.

ડૉક્ટર, ગુજરાત, તબીબ, દરદી, ભાવનગર, પોઝીટીવ, સર ટી હોસ્પિટલ, વામન

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, ભાવનગરની હૉસ્પિટલમાં દરદી સાથે ડૉ. ગણેશ

ગણેશનાં મા-બાપ દેવુબહેન અને વિઠ્ઠલભાઈને બીક લાગી. તેઓ એવું માનતાં હતાં કે કોઈ ચોરી કે લૂંટનો કેસ હોય તો જ કોર્ટે ચઢવાનું હોય.

દલપતભાઈએ તેમને સમજાવ્યા કે 'ન્યાય માટે કોર્ટે જવાનું છે. સમાનતા અને ન્યાયની તક મળે તે માટે કોર્ટે જવાનું છે. આ કોઈ ચોરી કે ખૂનનો કેસ નથી.'

ગણેશના પિતાની આર્થિક સ્થિતિ એવી નહોતી કે વકીલની ફી ભરી શકે. ગણેશની શાળાએ તેની તૈયારી દાખવી. હાઇકોર્ટમાં કેસ કર્યો. અને સુનાવણી હાથ ધરાઈ.

ગણેશના શિક્ષક સુપ્રીમ કોર્ટની બહાર રડી પડ્યા

ડૉક્ટર, ગુજરાત, તબીબ, દરદી, ભાવનગર, પોઝીટીવ, સર ટી હોસ્પિટલ, વામન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, ભાવનગરની હૉસ્પિટલમાં દરદી સાથે ડૉ. ગણેશ

હાઇકોર્ટમાં ગણેશ કેસ હારી ગયા. ગણેશ કહે છે કે તેમને જે થોડી ઘણી આશા હતી તે પણ રોળાઈ ગઈ.

તેમણે પરિસ્થિતિ સ્વીકારીને ભાવનગરમાં સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં બીએસસી (બૅચલર ઑફ સાયન્સ)માં ઍડમિશન લઈને ભણવાનું શરૂ કરી દીધું.

જોકે, ગણેશના શિક્ષકોએ તંત મૂક્યો ન હતો. દલપતભાઈ જણાવે છે કે, "અમે જ ગણેશને સપનું બતાવ્યું હતું."

"ડૉક્ટર ન બની શકવાનો વસવસો તેને જીવનભર રહે તેના કરતાં એક પ્રયાસ કરી લેવો સારો. એવું વિચારીને અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી."

ચારેક મહિના સુપ્રીમમાં સુનાવણી ચાલી હતી.

દલપતભાઈ જણાવે છે કે, "22 ઑક્ટોબર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ગણેશને એમબીબીએસમાં ઍડમિશન આપતા રોકી શકાય નહીં."

"વકીલે અંદરથી બહાર આવીને કહ્યું કે આપણે કેસ જીતી ગયા, ત્યારે હું દોઢથી બે કલાક સુપ્રીમ કોર્ટે રડ્યો હતો."

ગણેશનો કિસ્સો દીવાદાંડી બન્યો

ડૉક્ટર, ગુજરાત, તબીબ, દરદી, ભાવનગર, પોઝીટીવ, સર ટી હોસ્પિટલ, વામન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, ગોરખી ગામના ઘરે માતા દેવુબહેન સાથે ડૉ. ગણેશ

પહેલી ઑગસ્ટ 2019ના ભાવનગરની સરકારી સર ટી હૉસ્પિટલ સંલગ્ન મેડિકલ કૉલેજમાં ગણેશે એમબીબીએસ માટે પ્રવેશ મેળવ્યો.

ફેબ્રુઆરી 2024માં તેમણે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને માર્ચ 2025માં ઇન્ટર્નશિપ સાથે એમબીબીએસની ડિગ્રી મેળવી હતી.

હાલ ગણેશ સર ટી હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવે છે.

ગણેશના મિત્ર અને ડૉક્ટર યશ દવેએ જણાવ્યું હતું કે, ગણેશ પણ સમાજનો એક ભાગ છે. સમાજે એ સ્વીકારવું જોઈએ કે આપણે જેવા છીએ એવો જ ગણેશ છે.

ભાવનગર મેડિકલ કૉલેજના ડીન ડૉ. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે માટે અભિનંદન આપવાં જોઈએ કે તે વાત તેમણે સમજી."

"ડૉક્ટર બનવા માટે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા જે નિયમો બનતા હોય છે તે તમામ બારીકીઓને ધ્યાનમાં રાખીને બનતા હોય છે."

"એમાં ક્યારેક એકાદ મુદ્દો રહી જતો હોય તો ગણેશ જેવા કેસમાં તે સામે આવે છે. તેને ધ્યાનમાં રાખીને જ ચુકાદો આપ્યો છે."

"સુપ્રીમના ચુકાદાને લીધે ગણેશ જેવા અનેક વિદ્યાર્થીઓને એક હકારાત્મક સંદેશ મળ્યો છે. સર્વસમાવેશકતાની વાત સાકાર થઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન