રાજુ કરપડા : સૌરાષ્ટ્રના આ ખેડૂત નેતાનું આપમાંથી રાજીનામાનું સાચું કારણ શું છે, જેલ જવાનો ડર કે પછી બીજું કંઈ?

ગુજરાત ખેડૂત નેતા સૌરાષ્ટ્ર રાજકોટ વીસાવદર આમ આદમી પાર્ટી આપ, રાજુ કરપડા ખેડૂત ખેતી સમસ્યાઓ પાણી ખેડ ચોમાસું ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા રાજીમાનું કૉંગ્રેસ ભાજપ આપ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI/AAP

ઇમેજ કૅપ્શન, ખેડૂત નેતા રાજુ કરપડાના આપમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આરોપ કર્યા છે
વાંચવાનો સમય: 6 મિનિટ

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

બુધવારે રાજીનામાની જાહેરાત કર્યા પછી રાજુ કરપડાએ ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે રાજીનામાનાં કારણો આપ્યાં હતાં.

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ યોજેલી પત્રકાર પરિષદમાં ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

રાજુ કરપડાએ કહ્યું, "જ્યારે હું જેલમાં હતો ત્યારે હું તેમાંથી બહાર નહીં આવું તે માટે આપના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો હતો."

તેમણે કહ્યું કે તેમની જ પાર્ટીના નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, "હું જ્યાં સુધી આપમાં હતો ત્યાં સુધી વફાદાર હતો અને પાર્ટીને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો. મેં જેલની હવા ખાધી છે. જે ખેડૂતોએ ક્યારેય પોલીસ સ્ટેશન નહોતું જોયું તેમણે પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો."

તેમણે કોઈ નેતાનું નામ નહોતું આપ્યું પરંતુ તેમણે ઇશારો આપતા કહ્યું, "જો હું બિનરાજકીય રીતે ખેડૂતોની આ લડાઈ લડ્યો હોત તો 307 જેવી કલમો ન લાગી હોત. બે રાજકીય પક્ષોની લડાઈમાં મને લાગે છે કે ખેડૂતો ભોગ બન્યા."

"જે પાર્ટીને મજબૂત બનાવવા મેં સમય આપ્યો છે તેના વિશે ખરાબ નથી બોલવું. વીસાવદરમાં ગોપાલભાઈને જીતાડવા મેં રાત-દિન એક કર્યા. પાર્ટીએ કીધું હતું કે હાઇકોર્ટના સારામાં સારા વકીલ આવશે, પહેલી સુનાવણીમાં કોઈ વકીલ હાજર નહોતો."

"કાયદા કથા કરનારી વ્યક્તિ જ્યારે પાર્ટીના લોકોને કાયદાની જરૂર હોય ત્યારે માર્ગદર્શન આપી ન શકે એ કેવું? પક્ષના પ્રદેશ લેવલના નેતાઓએ જ એવી કોશિશ કરી કે રાજુ કરપડા વધુ સમય જેલમાં રહે. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હવે જે પણ કંઈ થશે એ બિનરાજકીય રીતે થશે."

બીબીસી ગુજરાતી આમ આદમી પાર્ટી રાજુ કરપડા ભાજપ આપ ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (આપ)માંથી રાજીનામું આપી દીધું છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી સહયોગી સચીન પીઠવાનાના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં આપના બીજા કાર્યકરો કે જે રાજુ કરપડાના સમર્થકો છે, તેઓ પણ તેમના સમર્થનમાં આપમાંથી રાજીનામા આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે કરપડાએ રાજીનામું આપ્યું ત્યાર પછી લગભગ આપના તમામ વરિષ્ઠ નેતાઓએ તેમના રાજીનામા પાછળ ભાજપ હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે, ભાજપે આ આરોપો નકારી કાઢ્યા હતા.

પત્રકાર પરિષદ દરમિયાન તેમણે હવે કોઈ અન્ય પાર્ટીમાં જોડાવાના સંકેત પણ આપી દીધા હતા. જોકે, આ પાર્ટીના નામનો ફોડ તેમણે પાડ્યો નહોતો. પણ અટકળો ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. બીબીસી ગુજરાતી આ ખબરની પુષ્ટિ કરતું નથી.

રાજીનામાનું સૌથી મુખ્ય અને મોટું કારણ તેમણે એ આપ્યું કે તેઓ બોટાદના હડદડ ગામે થયેલી ધમાલના કેસમાં જેલમાં હતા ત્યારે આપના નેતાઓએ તેમને કાનૂની મદદ કરી ન હતી.

તેમણે આપના નેતા અને વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ આપ્યા વગર તેમની સામે નિશાન તાકીને કહ્યું કે "તેમને ચૂંટણીમાં જીતાડવા માટે પરિવાર કરતાં પણ વધારે મહત્ત્વ આપ્યું હતું. પરંતુ જેલવાસ દરમિયાન જે કડવા અનુભવો થયા તેના કારણે મેં રાજીનામું આપ્યું છે."

બીબીસી ગુજરાતીએ રાજકીય નિષ્ણાતો અને રાજુ કરપડાની સાથે જેલમાં રહેલા લોકો સાથે વાત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો કે રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું કેમ આપ્યું?

આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે શું કારણ આપ્યું?

બીબીસી ગુજરાતી આમ આદમી પાર્ટી રાજુ કરપડા ભાજપ આપ ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, AAP Gujarat/FB

ઇમેજ કૅપ્શન, પ્રવીણ રામ અને રાજુ કરપડા તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા છે.

બોટાદના હડદડ ગામે થયેલી ધમાલના કેસમાં રાજુ કરપડાની સાથે આપના નેતા પ્રવીણ રામ પણ જેલમાં ગયા હતા અને બંનેનો સાથે છુટકારો થયો છે.

પ્રવીણ રામે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "જેલવાસ વખતે જ રાજુભાઈ પોતાના પરિવાર સામેના જૂના કેસોને લઈને ચિંતામાં હતા. તેમની સામે કલમ 307ને લઈને બે કેસથી ચિંતા હતી. એક કેસમાં તેમને પાંચ વર્ષની સજા હતી અને એક કેસ જજમેન્ટના તબક્કામાં હતો. તેમને બીક હતી કે મારે અને મારા પરિવારના લોકોને જેલમાં જવું પડશે તથા હું ચૂંટણી નહીં લડી શકું."

તેમણે કહ્યું કે "રાજુ કરપડા આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે તેવી પૂરી શક્યતા છે."

આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાને જેલવાસ દરમિયાન મદદ નથી કરી તેવા રાજુ કરપડાના આરોપને પ્રવીણ રામે ફગાવી દીધો હતો.

પ્રવીણ રામે કહ્યું કે વકીલો રોકવાથી લઈને પાર્ટી દ્વારા જે મદદ કરી શકાય તે મદદ કરવામાં આવી છે.

પ્રવીણ રામે કહ્યું કે "રાજુ કરપડાનું પગલું એ આમ આદમી પાર્ટી કરતાં પણ ગુજરાતના ખેડૂતો માટે ફટકો છે. કારણ કે ગુજરાતમાં ભાજપ સામે કોઈ અવાજ ઉઠાવે તેને તોડી પાડવામાં આવે છે. આનાથી ગુજરાતના ખેડૂતોમાં ભાજપ સામે નારાજગી વધશે."

તેમણે કહ્યું કે "હવે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે બધું થઈ રહ્યું છે. તેઓ ખેડૂતો માટે જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં રહીને અવાજ ઉઠાવતા હતા તે જ પ્રકારનો અવાજ ભાજપમાં જઈને પણ ઉઠાવશે તો અમને ગમશે."

બીજી તરફ સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાને અગાઉ જણાવ્યું હતું કે, "ભાજપ એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તથા તેણે આવા કાવાદાવા કરવાની જરૂર નથી. રાજુભાઈનો અંતરાત્મા વહેલો જાગ્યો, એટલે તેમણે આપમાંથી રાજીનામું આપ્યું છે."

જોકે, તેમણે રાજુ કરપડા ભાજપમાં જોડાશે કે નહીં તેના કોઈ સંકેતો આપ્યા નહોતા.

અગાઉ આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે રાજુ કરપડાની શું મજબૂરી છે તેની તેમને ખબર નથી. દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આરોપ લગાવ્યો હતો કે આ રાજીનામા પાછળ ભાજપનું દબાણ કારણભૂત છે.

રાજકીય વિશ્લેષકો શું કહે છે?

બીબીસી ગુજરાતી આમ આદમી પાર્ટી રાજુ કરપડા ભાજપ આપ ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

ઇમેજ કૅપ્શન, રાજુ કરપડા આક્રમક ખેડૂત આગેવાનની છાપ ધરાવે છે.

ગુજરાતના રાજકારણ પર નજર રાખતા લોકો માને છે કે જૂના કેસમાં જેલમાં જવાનો ડર રાજુ કરપડાને ભારે પડ્યો હોય તેવી શક્યતા છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "રાજુ કરપડા એ આમ આદમી પાર્ટીના ગુજરાતમાં ટોચના પાંચ-સાત લોકોમાં સ્થાપિત થઈ ગયા હતા. તેઓ ખેડૂતોના મોટા નેતા તરીકેની છબિ ગામડાઓમાં ધરાવતા હતા. છતાં તેઓ એટલા મોટા સિનિયર નેતા નથી કે તેઓ ગોપાલ ઇટાલિયાને પડકારી શકે. આ વાત રાજુ કરપડા પણ સમજે છે."

તેઓ કહે છે કે, "ગોપાલ ઇટાલિયા અત્યારે આપના સૌથી લોકપ્રિય નેતા તથા આપનો મુખ્ય ચહેરો છે. તેથી બંને વચ્ચે અહમની ટક્કર થાય એવું હું નથી માનતો. પરંતુ વાસ્તવિક કારણ રાજુ કરપડા સામેના ગંભીર કેસ હોઈ શકે છે. તેમણે પાછલા દરવાજે ભાજપ સાથે કોઈ ગોઠવણ થઈ હોય તેવું લાગે છે."

તેઓ કહે છે કે "અગાઉ હાર્દિક પટેલ સાથે પણ એવું જ થયું હતું. હાર્દિક સામે પણ ઢગલાબંધ કેસ હતા જેના કારણે દબાણમાં આવીને તેમણે ભાજપમાં જોડાવું પડ્યું. આ બધું ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે થતું હોય એવું લાગે છે, અગાઉ પાટીદાર અનામત આંદોલન વખતે સુરતના જે નેતાઓ ભાજપની વિરુદ્ધ હતા તેમાંથી મોટા ભાગના ભાજપમાં જોડાઈ ગયા છે."

જોકે, ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ આ આરોપોને પહેલા જ નકારી કાઢ્યા હતા.

રાજુ કરપડાનો ગોપાલ ઇટાલિયા સાથે મતભેદ?

બીબીસી ગુજરાતી આમ આદમી પાર્ટી રાજુ કરપડા ભાજપ આપ ગોપાલ ઇટાલિયા

ઇમેજ સ્રોત, AAP/GUJARAT

ઇમેજ કૅપ્શન, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા

બીજી તરફ વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે "ગોપાલ ઇટાલિયા સાથે રાજુ કરપડાને વ્યક્તિગત મતભેદ હોય તે શક્ય છે, પરંતુ મુખ્ય કારણ ભાજપનો ડર છે. તેમની સામે બે કેસ છે અને હજુ હમણા જ જેલમાંથી બહાર આવ્યા છે."

આમ આદમી પાર્ટીને આ ઘટનાથી કેટલો ફટકો લાગશે તે વિશે કૌશિક મહેતાએ કહ્યું કે "ચોટીલાથી લઈને બોટાદ સુધી રાજુ કરપડાએ ઘણું કામ કર્યું છે, ખેડૂતોમાં લોકપ્રિય યુવાન નેતા છે. ચોટીલામાં છેલ્લી ચૂંટણીમાં તેઓ બીજા ક્રમે હતા અને કૉંગ્રેસ કરતા સારો દેખાવ કર્યો હતો."

"અગાઉ પણ ભાજપે વિરોધપક્ષના નેતાઓને તોડ્યા છે અને માથું ઉંચકે તેને શામ, દામ, દંડ અને ભેદથી ધરતી પર લાવી દેવામાં આવે છે તે હકીકત છે. હવે રાજુ કરપડા ભાજપમાં જોડાય તો આ વાત સાબિત થઈ જશે."

તેઓ માને છે કે આગામી પંચાયતો અને કૉર્પોરેશનની ચૂંટણીઓમાં આપ માટે એક તક હતી, પરંતુ આ ઘટનાથી આંચકો લાગ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન