રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ : ક્યારે શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યામાં 1500 વર્ગગજ જમીન માટે બે ધાર્મિક સમુદાયોની આસ્થા લગભગ દોઢ સો વર્ષથી કોર્ટકચેરીના ચક્કર લગાવી રહી છે અને બન્નેમાંથી કોના પ્રયાસો ફળશે એ મામલે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
આ પહેલાં વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે વિવાદાસ્પદ જમીનને રામજન્મભૂમિ તરીકે સ્વીકારતાં વિવાદાસ્પદ બાબરી મસ્જિદના ત્રણ ગુંબદને દીર્ઘકાળના કબજાના આધારે ત્રણ પક્ષોમાં વહેંચી દીધા હતા.
આમાંનો એક સનાતની હિંદુઓનું પ્રતિનિધિત્વ કરનારા નિર્મોહી અખાડાને, બીજો ભાગ સત્તાધારી ભાજપની સહયોગી અને હિંદુત્વવાદી સંસ્થા વિશ્વ હિંદુ પરિષદને અને ત્રીજો ભાગ મુસ્લિમ સમુદાયનું પ્રતિબંધ કરનારા સુન્ની વકફ બોર્ડને સોંપવામાં આવ્યો.
જોકે, ત્રણે પક્ષ આ નિર્ણયથી સંતુષ્ટ ન થયા અને સુપ્રીમમાં કુલ 14 અરજીઓ દાખલ કરવામાં આવી.

અત્યાર સુધી સુપ્રીમમાં સુનાવણી કેમ ન થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટમાં કેટલાંય વર્ષો સુધી સુનાવણી ન થવા પાછળનું કારણ અલાહાબાદ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો હતા.
લાખો પાનાંના આ દસ્તાવેજ અંગ્રેજી ઉપરાંત, ઉર્દૂ, ફારસી અને સંસ્કૃતમાં હતા. સુપ્રીમ કોર્ટે પહેલાં દસ્તાવેજોનો અનુવાદ કરવા જણાવ્યું.
આ દરમિયાન ગત લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને તેનાં સહયોગી દળોએ સુપ્રીમ કોર્ટ આ મામલે રોજ સુનાવણી કરી પોતાનો નિર્ણય જણાવે એવી માગ કરી.
જોકે, સુપ્રીમ કોર્ટે વિવાદને વાતચીત થકી ઉકેલવા ત્રણ સભ્યોની એક કમિટી રચી પણ એનાથી વિવાદનો ઉકેલ ન લાવી શકાયો અને તેના રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે 6 ઑગસ્ટથી રોજ સુનાવણી શરૂ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે ટૂંક સમયમાં નિર્ણય આપી શકે એમ છે ત્યારે આ નિર્ણય સંબંધિત પક્ષોને માનવો રહેશે.
જોકે, સૌથી મોટો પડકાર નિર્ણયને લાગુ કરાવવો રહેશે, કારણ કે જો નિર્ણય કોઈ એક પક્ષની તરફેણમાં આવ્યો તો તેનું અમલીકરણ બહુ જ મુશ્કેલ બની રહેશે.

મૂળ વિવાદ શો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યામાં મૂળ વિવાદ 1500 વર્ગગજ જમીન પર છે, જેના પર મસ્જિદના ત્રણ ગુંબદ ઊભા હતા.
જ્યારે ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહની સરકાર બની ત્યારે તેણે આસપાસની 2.77 એકર જમીન સંપાદિત કરી લીધી.
બાબરી મસ્જિદ તૂટી એ વખતે કેન્દ્રની નરસિમ્હા રાવની સરકારે પણ આસપાસની 67 એકર જમીન સંપાદિત કરી લીધી હતી.
આ માટે કાયદો પણ બનાવાયો હતો અને તેના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે ફૈઝાબાદના કમિશનરને નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અહીં એ પણ નોંધવું ઘટે કે જમીનવિવાદમાં રાજ્યની સરકારની કોઈ ખાસ ભૂમિકા નથી. આ વિવાદિત જમીનમાં એ 40 એકર પણ સામેલ છે, જેને જે-તે સમયે કૉંગ્રેસની સરકારે રામકથા પાર્ક માટે સંપાદિત કરી હતી.
બાદમાં કલ્યાણસિંહે આ જમીન વિશ્વ હિંદુ પરિષદને સોંપી દીધી હતી. એવા ઉદ્દેશ સાથે આ જમીનને સંપાદિત કરવામાં આવી હતી કે કોર્ટના અંતિમ નિર્ણય બાદ તેને ધર્મશાળા અને અન્ય ઇમારતો બાંધવાં માટે આપી શકાય.
જોકે, વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સતત એવું દબાણ કરવામાં આવ્યું કે આ સંપાદિત જમીનનો અમુક ભાગ તેને સોંપવામાં આવે, જેથી તે સાંકેતિક રીતે નિર્માણનું કાર્ય શરૂ કરી શકે.
જોકે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે આ 67 એકર જમીનની વહેંચણી પણ અંતિમ નિર્ણય આવ્યા બાદ જ કરવામાં આવશે.

ક્યારે-ક્યારે શું-શું થયું?

- 1528: અયોધ્યામાં એક એવા સ્થળ પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું, જેને કેટલાક હિંદુ રામનું જન્મસ્થળ ગણે છે.
- 1853: પ્રથમ વખત આ સ્થળની આસપાસની સાંપ્રદાયિક હુલ્લડો થયાં. એવું માનવામાં આવે છે કે મુગલ સમ્રાટ બાબરે અહીં મસ્જિદ બનાવી હતી એટલે એ મસ્જિદને 'બાબરી મસ્જિદ'ના નામે ઓળખવામાં આવે છે. કેટલાક હિંદુ સંગઠનો અહીં રામમંદિર બનાવવા માગે છે.
- 1859: બ્રિટિશ શાસકોએ વિવાદાસ્પદ સ્થળ ફરતે વાડ બાંધી અને પરિસરની અંદર મુસ્લિમો તથા બહાર હિંદુઓને પ્રાર્થના કરવાની મંજૂરી આપી દીધી.
- 1949: રામની મૂર્તિ મંદિરની અંદરથી મળી આવી. કથિત રીતે કેટલાક હિંદુઓએ આ મૂર્તિ અહીં મૂકાવી હતી. મુસ્લિમોએ આનો વિરોધ કર્યો અને બન્ને પક્ષો કોર્ટના દરવાજે પહોંચ્યા. સરકારે આ સ્થળને વિવાદિત જાહેર કરીને અહીં તાળું લગાવી દીધું.
- 1984: કેટલાક હિંદુઓએ 'વિશ્વ હિંદુ પરિષદ'ના નેજા હેઠળ ભગવાન રામના જન્મસ્થળને 'મુક્ત' કરાવવા માટે અને ત્યાં રામમંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિની રચના કરી. બાદમાં આ અભિયાનનું નેતૃત્વ ભાજપના એ વખતના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ લીધું.
- 1986: જિલ્લા મૅજિસ્ટ્રેટે હિંદુઓને પ્રાર્થના કરવા દેવા માટે વિવાદિત મસ્જિદના દરવાજાનાં તાળાં ખોલવાનો આદેશ આપ્યો. જેના વિરોધમાં મુસ્લિમોએ બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિની રચના કરી.

ઇમેજ સ્રોત, EPA
- 1989: વિશ્વ હિંદુ પરિષદે રામમંદિરના નિર્માણ માટેનું અભિયાન તેજ કરી દીધું અને વિવાદિત સ્થળની નજીક રામમંદિરનો પાયો નાખ્યો.
- 1990: વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ બાબરી મસ્જિદને નુકસાન પહોંચાડ્યું. એ વખતના વડા પ્રધાન ચંદ્રશેખરે વાતચીત થકી વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી.
- 1992: વિશ્વ હિંદુ પરિષદ, શિવસેના અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડી. એ બાદ દેશમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હુલ્લડ ફાટી નીકળ્યાં, જેમાં 2000થી વધુ લોકો માર્યા ગયા.
- 1998: વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે ગઠબંધનની સરકાર રચી.
- 2001: બાબરી મસ્જિદ તોડવાની વરસીએ તણાવ વધી ગયો અને વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત સ્થળ પર મંદિરના નિર્માણનો સંકલ્પ યાદ કર્યો.
- જાન્યુઆરી 2002: અયોધ્યાવિવાદના ઉકેલ માટે વડા પ્રધાન વાજપેયીએ 'અયોધ્યા સમિતિ'નું ગઠન કર્યું. વરિષ્ઠ અધિકારી શત્રુઘ્નસિંહને હિંદુ અને મુસ્લિમ નેતાઓ સાથે વાતચીત માટે નિયુક્ત કર્યા.
- ફેબ્રુઆરી 2002: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઢંઢેરામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો સામેલ કરવાનો ભાજપે ઇન્કાર કરી દીધો. વિશ્વ હિંદુ પરિષદને 15 માર્ચથી રામમંદિરનું નિર્માણ કરવાની જાહેરાત કરી. કેટલાય હિંદુ અયોધ્યામાં એકઠા થયા. અયોધ્યામાંથી પરત ફરી રહેલા હિંદુકાર્યકરો જે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા, તેના પર ગોધરામાં હુમલો થયો અને 58 કારસેવકો માર્યા ગયા.
- 13 માર્ચ 2002: સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે યથાસ્થિતિ ચાલુ રાખવી અને કોઈ પણ સરકાર સંપાદિત જમીન પર શિલાપૂજનની મંજૂરી નહીં આપી શકે. કેન્દ્ર સરકારે કહ્યું કે કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે.
- 15 માર્ચ 2002: વિશ્વ હિંદુ પરિષદ અને કેન્દ્ર સરકાર વચ્ચે એ વાતને લઈને સમજૂતી થઈ કે પરિષદના નેતા સરકારને મંદિર પરિસરની બહાર શિલા સોંપશે. રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત પરમહંસ રામચંદ્ર દાસ અને વિહિપના કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલના વડપણ હેઠળ લગભગ આઠસો કાર્યકરોએ સરકારી અધિકારીઓને અખાડમાં શીલાઓ સોંપી.
- 22 જૂન, 2002: વિશ્વ હિંદુ પરિષદે મંદિરનિર્માણ માટે વિવાદિત ભૂમિના હસ્તાંતરણની માગ કરી.
- જાન્યુઆરી 2003: રેડિયોતરંગો થકી એ જાણવા પ્રયાસ કરાયો કે વિવાદિત જમીનની નીચે પ્રાચીન ઇમારતના અવેશષો દબાયેલા છે કે કેમ પણ કોઈ પાકા નિષ્કર્ષ પર પહોંચી શકાયું નહીં.
- માર્ચ 2003: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વિવાદાસ્પદ સ્થળ પર પૂજાપાઠની અનુમતિ આપવા વિનંતી કરી જેને ફગાવી દેવાઈ.

ઇમેજ સ્રોત, AFP
- એપ્રિલ 2003: અલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશ પર પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે વિવાદિત સ્થળ પર ખોદકામ શરૂ કર્યું અને જૂન મહિના સુધી ખોદકામ ચાલ્યું. જેના રિપોર્ટમાં જણાવાયું કે મંદિર જેવા અવશેષો મળી આવ્યા છે.
- મે 2003: સીબીઆઈએ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે લાલકૃષ્ણ અડવાણી સહિતના આઠ લોકો વિરુદ્ધ વધારાનું આરોપનામું દાખલ કર્યું.
- જૂન 2003: કાંચીપીઠના શંકારાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ મામલાના ઉકેલ માટે મધ્યસ્થી કરી અને આશા વ્યક્ત કરી કે જુલાઈ સુધીમાં અયોધ્યાના મુદ્દાનો ચોક્કસથી ઉકેલ આવી જશે પણ આવું કંઈ જ ન થયું.
- ઑગસ્ટ 2003: ભાજપના નેતા અડવાણીએ વિશ્વ હિંદુ પરિષદની એ વિનંતી ફગાવી દીધી, જેમાં રામમંદિર બનાવવા માટે વિશેષ ખરડો પસાર કરવાની માગ કરી હતી.
- એપ્રિલ 2004: અડવાણીએ અયોધ્યામાં અસ્થાયી રામમંદિરમાં પૂજા કરી અને કહ્યું કે મંદિરનું નિર્માણ ચોક્કસથી કરાશે.
- જુલાઈ 2004: શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેએ સૂચન કર્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર મંગલ પાંડેના નામે કોઈ રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવે.
- જાન્યુઆરી 2005: લાલકૃષ્ણ અડવાણીને છ ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદના તોડી પાડવામાં તેમની કથિત ભૂમિકા માટે કોર્ટે સમન્સ અપાયા.
- જુલાઈ 2005: પાંચ હથિયારધારી ઉગ્રવાદીઓએ વિવાદાસ્પદ પરિસર પર હુમલો કર્યો, જેમાં ઉગ્રવાદીઓ સહિત છ લોકો માર્યા ગયા.
- 6 જૂલાઈ 2005: અલાહાબાદ હાઈકોર્ટે બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે 'ઉશ્કેરણીજનક ભાષણ' આપવાના કેસમાં અડવાણીને પણ સામેલ કરવાનો આદેશ આપ્યો. આ પહેલાં તેમને મુક્ત કરી દેવાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
- 28 જુલાઈ 2005: લાલકૃષ્ણ અડવાણી 1992માં બાબરી મસ્જિદને તોડી પાડવાના મામલે રાયબરેલી એક કોર્ટમાં હાજર થયા. કોર્ટે અડવાણી વિરુદ્ધ આરોપ નક્કી કર્યા.
- 4 ઑગસ્ટ 2005: ફૈઝાબાદની કોર્ટે અયોધ્યાના વિવાદિત પરિસર પાસે થયેલા હુમલામાં કથિત રીતે સામેલ ચાર લોકોને ન્યાયીક કબજા હેઠળ મોકલ્યા.
- 20 એપ્રિલ 2006: કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકારે લિબ્રહાન આયોગ સમક્ષ લેખિત નિવેદનમાં આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદને તોડી પાડવી એ સુનિયોજિત કાવતરું હતું અને તેમાં ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગદળ અને શિવસેના સામેલ હતાં.
- જુલાઈ 2006: સરકારે અયોધ્યામાં વિવાદિત સ્થળે બનેલા અસ્થાયી રામમંદિની સુરક્ષા માટે બુલેટપ્રૂફ કાચનો ઘેરો બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. યથાસ્થિતિ ચાલુ રાખવાના કોર્ટના આદેશ વિરુદ્ધ આ પ્રસ્તાવને ગણી મુસ્લિમ સમુદાયે વિરોધ કર્યો.
- 19 માર્ચ 2007: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું કે જો નહેરુ-ગાંધી પરિવારનો કોઈ સભ્ય વડા પ્રધાન હોત તો બાબરી મસ્જિદ તોડી શકાઈ ન હોત. તેમના આ નિવેદનની આકરી ટીકા કરાઈ.
- 30 જૂન 2009: બાબરી મસ્જિદને તોડી પાડવાના મામલાની તપાસ કરવા માટે રચાયેલા લિબ્રહાન પંચે 17 વર્ષ બાદ પોતાનો રિપોર્ટ એ વખતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને સોંપ્યો.
- 7 જુલાઈ 2009: ઉત્તર પ્રદેશ સરકારે એક સોગંદનામામાં સ્વીકાર્યું કે અયોધ્યાવિવાદ સાથે સંકળાયેલી 23 મહત્ત્વપૂર્ણ ફાઇલો સચિવાલયમાંથી ગાયબ થઈ ગઈ છે.
- 24 નવેમ્બર 2009: લિબ્રહાન આયોગના રિપોર્ટને સંસદનાં બન્ને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. આયોગે અટલ બિહારી વાજપેયી અને મીડિયા બન્ને દોષી ઠેરવ્યું અને નરસિમ્હા રાવને ક્લિનચીટ આપી.
- 20 મે, 2010: બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે અડવાણી અને અન્ય નેતાઓ વિરુદ્ધ ગુનાહિત મામલો ચલાવવાને લઈને દાખલ કરાયેલી અરજી હાઈકોર્ટમાં ફગાવાઈ દેવાઈ.
- 26 જુલાઈ, 2010: રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ.
- 8 સપ્ટેમ્બર 2010: કોર્ટે અયોધ્યાવિવાદ પર 24 સપ્ટેમ્બરે નિર્ણય આપવાની વાત કરી.
- 17 સપ્ટેમ્બર 2010: હાઈકોર્ટે આદેશ ટાળવાની અરજી ફગાવી દીધી.
- 30 સપ્ટેમ્બર 2010: એક ઐતિહાસિક નિર્ણયમાં અલાહાબાદ કોર્ટની લખનૌ-પીઠે અયોધ્યાના વિવાદિત સ્થળને રામજન્મભૂમિ જાહેર કરી અને ત્રણ ભાગમાં વહેંચી દીધી.
- 9 મે 2011: સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












