'અમે હોર્મુઝમાં આવતા અને જતા દરેક જહાજને રોકીશું અને..' ઈરાન સાથેની વાતચીત નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પનું નિવેદન – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty

વાંચવાનો સમય: 6 મિનિટ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાંં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા મામલે વાટાઘાટો ખતમ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે હવે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થનાર દરેક જહાજની નાકાબંધી કરશે.

ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શનિવાર રાત સુધી ચાલેલી વાતચીતનું કોઈ પરિણામ નહોતું આવ્યું.

ઇસ્લામાબાદમાં રવિવાર સવારે છ વાગ્યા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું કે "કોઈ સમજૂતી નથી થઈ અને અમે અમેરિકા પાછા જઈ રહ્યા છીએ."

પાકિસ્તાનના કહેવા પર અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાંના સંઘર્ષવિરામ પર સહમત થયા હતા અને બંને દેશોના પ્રતિનિધિમંડળ વાતચીત માટે ઇસ્લામાબાદ આવ્યા હતા.

વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ટ્રુથ સોશિયલ પર એક લાંબી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, "બેઠક સારી રહી, મોટાભાગના બિંદુઓ પર સહમતી બની ગઈ પણ જો એકમાત્ર બિંદુ સાચે જ મહત્ત્વપૂર્ણ છે - પરમાણુ-તેની પર સહમતી ન બની."

આ પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે "પોતાની નૌસેનાને નિર્દેશ આપ્યો છે કે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં દરેક જહાજને રોકીને તેની તપાસ કરીશું, જેણે ઈરાનને ટોલ આપ્યો છે".

હૈતીના એક પર્યટનસ્થળ પર નાસભાગમાં ઓછામાં ઓચા 30 લોકોનાં મૃત્યુ થયાંની આશંકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, હૈતી, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ અકસ્માત હૈતીના ઉત્તરમાં બનેલા કિલ્લા પાસે થયો છે (ફાઇલ તસવીર)

હૈતીના એક ખ્યાત ટૂરિસ્ટ સ્પૉટ પર શનિવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મૃત્યુ થયાંની આશંકા છે.

હૈતીના નૉર્ડ ડિપાર્ટમેન્ટના સિવિલ પ્રોટેક્શન પ્રમુખ જીન હેનરી પેટિટે જણાવ્યું કે આ ઘટના શનિવારે લાફેરિયર સિટાડેલ (જે એક યુનેસ્કો હેરિટેજ સાઇટ છે)માં વાર્ષિક ઇસ્ટર સમારોહ દરમિયાન થઈ.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે ચેતવણી આપી છે કે મૃત્યુ પામનારાની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે.

વડા પ્રધાન એલિક્સ ડિડિએર ફિલ્મ-એમે કહ્યું કે આ ઘટના ઉત્તરમાં આવેલા શહેર મિલોટમાં "એક ટુરિસ્ટ ઇવેન્ટ દરમિયાન થઈ, જેમાં ઘણા યુવાનો સામેલ હતા."

તેમણે કહ્યું કે મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે અને અસરગ્રસ્તોની મદદ માટે "બધા સંબંધિત અધિકારી"ઓને તહેનાત કરી દેવાયા છે.

સ્થાનિક મીડિયાએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે 19મી સદીના આ કિલ્લાની સ્થાપનાની યાદમાં આયોજિત આ ઇવેન્ટનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરાયા બાદ, ત્યાં વિદ્યાર્થીઓ અને પર્યટકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી.

કહેવાઈ રહ્યું છે કે નાસભાગની શરૂઆત ઍન્ટ્રી ગેટ પાસે થઈ હતી અને ભારે વરસાદ શરૂ થવાને કારણે સ્થિતિ વધુ વણસી.

સિટાડેલ લાફેરિયર, જેને સિટાડેલ હેનરીના નામે પણ ઓળખવામાં આવે છે, નું નિર્માણ ક્રાંતિકારી હેનરી ક્રિસ્ટોફે હૈતીને ફ્રાન્સથી સ્વતંત્રતા મળ્યાના અમુક સમય બાદ કરાવ્યું હતું.

આ કિલ્લાને બનાવવામાં એક દાયકા કરતાં પણ વધુ સમય લાગ્યો હતો અને કેરેબિયન સમુદ્રમાં સ્થિત આ નવા ટાપુ દેશને હુમલાથી બચાવવા માટે નવા કિલ્લાાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો. ત્યારથી આ જગ્યા હૈતીની સ્વતંત્રતાનું પ્રતીક બની ગઈ છે.

પાકિસ્તાનમાં યુએસ-ઈરાનની વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે ટ્રમ્પ શું કરતા હતા?

જેડી વેન્સ, ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો, પાકિસ્તાનની મધ્યસ્થી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકાએ શું કહ્યું, ઈરાને શું કહ્યું, બીબીસી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે વાટાઘાટો ચાલી રહી હતી, એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએફસી ફાઇટની મજા માણી રહ્યા હતા.

ટ્રમ્પની સાથે તેમના પરિવારના અનેક સભ્યો તથા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ સાથે હતા.

બીજી બાજુ, ઇસ્લામાબાદ ખાતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેમાં ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર તથા મધ્યપૂર્વ એશિયા માટે ટ્રમ્પના પ્રતિનિધિ સ્ટિવ વિટકૉફ પણ સામેલ ગહતા.

વાટાઘાટો પડી ભાંગી પછી એ પછી અમેરિકા જવા માટે રવાના થતા પહેલાં જેડી વેન્સે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ "સતત" રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સંપર્કમાં હતા.

વેન્સે કહ્યું, "ગત 21 કલાકમાં અમે તેમની સાથે કેટલી વાર વાત કરી, એ કહેવું તો કપરું છે, પરંતુ કદાચ અડધો ડઝન કે એક ડઝન વખત (વાત કરી હતી.)"

તેમણે કહ્યું, "અમે સતત ટીમ સાથે સંપર્કમાં હતા, કારણ કે અમે સારી મંછા સાથે વાટાઘાટો કરી રહ્યા હતા."

ઇસ્લામાબાદ વાતચીત નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાને શું કહ્યું?

ઇસ્લામાબાદ વાતચીત નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાને શું કહ્યું? - ન્યૂઝ અપડેટ જેડી વેન્સે જણાવ્યું, ટ્રમ્પ સાથે યુએસ-ઈરાન વાટાઘાટો દરમિયાન કેટલી વખત વાતચીત કરી

ઇમેજ સ્રોત, Russian FM Press Service/Anadolu via Getty Images

અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં થયેલી વાતચીત નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રી ઇસહાક ડારનું એક નિવેદન આવ્યું છે.

ઇસહાક ડારે અમેરિકા અને ઈરાનને અપીલ કરતા કહ્યું છે કે "આ અનિવાર્ય છે કે બંને પક્ષ યુદ્ધવિરામ પર પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખે."

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના ઍક્સ હૅન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં કહેવાયું છે કે "અમને આશા છે કે બંને પક્ષ સકારાત્મક ભાવના સાથે આગળ વધશે, જેનાથી આખા ક્ષેત્રમાં આગળ જઈને સ્થાયી શાંતિ અને સમૃદ્ધિ હાંસલ કરી શકાય."

પોસ્ટના અંતમાં પાકિસ્તાને કહ્યું કે તેઓ આવનારા દિવસોમાં પણ અમેરિકા અ ઈરાન વચ્ચે વાતચીત આગળ વધારવામાં પોતાની ભૂમિકા ભજવતું રહેશે.

જેડી વેન્સે જણાવ્યું, ટ્રમ્પ સાથે યુએસ-ઈરાન વાટાઘાટો દરમિયાન કેટલી વખત વાતચીત કરી

જેડી વેન્સ, ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો, પાકિસ્તાનની મધ્યસ્થી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકાએ શું કહ્યું, ઈરાને શું કહ્યું, બીબીસી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈરાનના પ્રતિનિધિમંડળ સાથે વાટાઘાટો કરવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા હતા.

જ્યાં વેન્સે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોમાં સહમતિ સાધી શકાય નથી.

વેન્સે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાટાઘાટો દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સતત સંપર્કમાં હતા.

વેન્સે કહ્યું કે ઈરાન સાથેની વાતચીતમાં ટ્રમ્પ સામેલ થયા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે આ ગાળામાં રાષ્ટ્રપતિએ "અડધો ડઝન" થી લઈને "એક ડઝન વખત" વાત કરી.

વેન્સે કહ્યું કે અમેરિકાએ એક ખૂબ જ સરળ પ્રસ્તાવ આપ્યો છે. એ જ "છેલ્લી અને બેસ્ટ ઑફર" છે.

તેમણે કહ્યું, "અમે જોઈશું કે ઈરાન તેને સ્વીકારે છે કે નહીં."

પત્રકાર પરિષદ બાદ વેન્સ અને તેમની ટીમ ઍરફોર્સ 2માં બેસીને અમેરિકા જવા રવાના થઈ હતી.

ટ્રમ્પના જમાઈ જેરેડ ક્રુશ્નર તથા મધ્યપૂર્વ એશિયા માટે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટિવ વિટકૉફ પણ આ વાટાઘાટોમાં સામેલ થયા હતા. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેઓ વેન્સની પાછળ ઊભા હતા.

લેબનોનના વડા પ્રધાને યુએન-યુએસનો પ્રવાસ મોકૂફ રાખ્યો

લેબનોન, ઇઝરાયલ હુમલા, ઈરાન અને અમેરિકાની વાટાઘાટો પડી ભાંગી

ઇમેજ સ્રોત, Manon Roca / Middle East Images / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, શનિવારે ઇઝરાયલના હુમલા પછી લેબનોનની રાજધાની બૈરુતની એક ઇમારત

લેબનોનના વડા પ્રધાન નવાફ સલામે તેમનો સંયુક્ત રાષ્ટ્રો (યુએન) તથા અમેરિકાનો પ્રવાસ મોકૂફ કર્યો છે.

સલામની ઍક્સ પોસ્ટને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

સલામે લખ્યું, "લેબનોના લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને એકતા પ્રત્યેની મારી ફરજને બજાવવા" તેમણે પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

નવાફ સલામે લખ્યું કે તેઓ રાજધાની બૈરુતમાં જ રહેશે અને સરકારી કામકાજ કરશે.

બીજી બાજુ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ટાંકતા ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સે કહ્યું કે તેઓ સતત પણે લેબનોન સાથે સંપર્કમાં છે અને લેબનોનમાં પણ યુદ્ધવિરામનું પાલન થાય, તે સુનિશ્ચિત કરી રહ્યા છે.

ભારતીય સમય પ્રમાણે, રવિવારે સવારે પાકિસ્તાનમાં ચાલી રહેલી ઈરાન તથા અમેરિકા વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી હતી. તેની લેબનોનના મોરચે શું અસર થાય છે, તે જોવું રહ્યું.

બીજી બાજુ, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી છે કે ઈરાન અને લેબનોન સામેનું તેમનું અભિયાન પૂર્ણ નથી થયું.

એસ જયશંકર યુએઈના પ્રવાસે પહોંચ્યા

એસ જયશંકર, યુએઈ પ્રવાસ, એનઆરઆઈ તથા સ્થાનિક ભારતીયો સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એસ. જયશંકર

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર યુએઈની (સંયુક્ત આરબ અમીરાત) યાત્રાએ અબુધાબી પહોંચ્યા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ લખે છે કે શનિવારે યાત્રાના પહેલા દિવસે તેમણે ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો હતો. એસ. જયશંકર બે દિવસની યાત્રા ઉપર યુએઈ પહોંચ્યા છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એસ. જયશંકરે લખ્યું, "ભારતીય સમુદાય સાથે ચર્ચા દ્વારા મેં મારા યુએઈ પ્રવાસની શરૂઆત કરી. મેં મધ્યપૂર્વ એશિયાના સંઘર્ષ દરમિયાન ભારત સરકારના ક્ષેમ-કુશળ તથા સુરક્ષા માટેના પ્રયાસો વિશે જાણકારી આપી."

એસ. જયશંકરે કપરા સમયમાં ત્યાં ભારતીય સમુદાયે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી તથા ભારતીય સમુદાયના કલ્યાણનું ધ્યાન રાખવા બદલ ત્યાંની સરકારનો આભાર માન્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન