દયાનંદ સરસ્વતી : ભારતમાં ગોરક્ષાના આંદોલનની શરૂઆત ગુજરાતના સંન્યાસીએ કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- વાંચવાનો સમય: 4 મિનિટ
દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ત્રિદિવસીય ઉજવણી તેમના જન્મસ્થળ ટંકારામાં થઈ રહી છે. આ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
વડા પ્રધાને કહ્યું હતું કે, "ભારતીય મૂલ્યો પર રચાયેલી શિક્ષણ પદ્ધતિની આજે આપણને તાતી જરૂર છે. આર્યસમાજની શાળાઓ આ પ્રકારના શિક્ષણનું કેન્દ્ર રહી છે. સરકાર નવી શિક્ષણ નીતિને લઇને આવી છે. હવે આપણી જવાબદારી છે તે આપણે સમાજને તેની સાથે પ્રયત્નો કરીને જોડીએ."
તેમણે કહ્યું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતી એ સમયે જન્મ્યા હતા જ્યારે ભારતીયો ગુલામી અને સામાજિક દૂષણોમાં ફસાયેલા હતા. એ સમયે તેમણે આપણને વેદો તરફ પાછા વળવાનું આહ્લાન કર્યું હતું.
આજે આ દ્વિશતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ પહોંચ્યા છે.

ઇમેજ સ્રોત, maharshidayanand.com
ગુજરાતના ટંકારા ખાતે મૂળશંકર નામના (વર્ષ 1824) બાળકનો જન્મ થયો. પરિવારના અન્ય સભ્યોની જેમ જ તે પણ શિવભક્ત હતો. શિવરાત્રીની રાત્રે બધા ઊંઘી ગયા હતા, ત્યારે બાળકે જોયું કે એક ઉંદર ભગવાન શિવને ચડાવવામાં આવેલો પ્રસાદ ખાઈ રહ્યો હતો.
આ જોઈને બાળકની ધાર્મિક ભાવના દુભાઈ ગઈ અને તેમણે મૂર્તિપૂજાનો વિરોધ શરૂ કર્યો.
આ બાળકે સંન્યાસ લીધો અને તેમને દયાનંદ સરસ્વતી એવું નવું નામ મળ્યું. વર્ષ 1875માં તેમણે 'આર્યસમાજ'ની સ્થાપના કરી અને ધાર્મિક કર્મકાંડોના બદલે 'વેદો તરફ પાછા વળવા'નું સૂત્ર આપ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળવિવાહ, સતીપ્રથા વગેરે જેવી કુરીતિઓ સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો; અને વિધવાવિવાહ તથા બાળકીઓના શિક્ષણની દિશામાં કામ કર્યું છે.
આ અરસામાં જ તેમણે ગાયને માતા માનવાનું તથા ગાયને બચાવવા માટે અભિયાન શરૂ કર્યું અને લગભગ સવા સદી બાદ તે રાજકારણનો મોટો મુદ્દો બની ગયો છે.
કેટલાક ઇતિહાસકારોના મતે, વૈદિકકાળમાં ગોમાંસનું સેવન થતું હતું.

દયાનંદ સરસ્વતી, ગોરક્ષા અને આંદોલન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વિખ્યાત ઇતિહાસકાર દ્વિજેન્દ્ર નારાયણ ઝાના મતે વર્ષ 1882માં દયાનંદ સરસ્વતીએ 'ગોરક્ષણી સભા'ની સ્થાપના કરી હતી, આ પછી દેશભરમાં ગોરક્ષાએ આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. તેઓ આ રીતે હિંદુઓને એકજૂથ કરવા માગતા હતા.
19મી સદી દરમિયાન 'ગાયમાતા' તથા 'ભારતમાતા'નો જન્મ થયો. દયાનંદ સરસ્વતીએ ગોરક્ષા પર ભાર મૂક્યો, જ્યારે બંકીમચંદ્ર ચેટરજીએ ભારતમાતા શબ્દનો પ્રયોગ કર્યો હતો.
અમુક વર્ષો બાદ આઝમગઢ (યુપી) તથા બૉમ્બે (હાલનું મહારાષ્ટ્ર)માં હુલ્લડો ફાટી નીકળ્યાં, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં, એ પહેલાં આવા મુદ્દે કોમી હિંસા થતી ન હતી. એ પછી ગોરક્ષા આંદોલન ખાસ વેગ ન પકડી શક્યું. 1925માં સ્થાપિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસએ) પછી તેને મુદ્દો બનાવ્યો.
વર્ષ 1930માં દિવાળીના દિવસે દયાનંદ સરસ્વતી જોધપુરના મહારાજા જસવંતસિંહ દ્વિતીયના આમંત્રણ પર અજમેર ગયા હતા, ત્યારે તેમણે કથિત રીતે રાજદરબારનાં નર્તકીને નારાજ કર્યાં, જે બાદ તેમણે એક રસોઇયા સાથે મળીને દયાનંદ સરસ્વતીના દૂધમાં કથિત રીતે ઝેર ભેળવી દીધું અને તેમનું મૃત્યુ થયું.
ઝા પોતાના પુસ્તક 'ધ મિથ ઑફ હૉલી કાઉ'ને કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, આ પુસ્તકે ઝાને લોકપ્રિય અને વિવાદાસ્પદ બનાવ્યા.
2002થી 2017ની વચ્ચે 15 વર્ષના ગાળામાં તેની 26 આવૃત્તિ છપાઈ હતી. આ પુસ્તકમાં તેમણે સાબિત કર્યું છે કે પ્રાચીનકાળમાં ગોમાંસ ખવાતું હતું અને પ્રાચીન ભારતમાં સુવર્ણયુગ હતો, તે વિચાર 19મી સદીના અંત ભાગમાં ઉદ્ભવ્યો હતો.

વૈદિકયુગમાં ગાયો અને બલિ

ઇમેજ સ્રોત, DN JHA
ઇતિહાસકાર ઝાના મતે વૈદિકકાળમાં એવા અનેક ઉદાહરણ મળે છે, જેના દ્વારા આપણને જાણવા મળે છે કે એ સમયમાં પણ ગોમાંસનું સેવન થતું હતું.
જ્યારે કોઈ યજ્ઞ થતો, ત્યારે ગોવંશની બલિ આપવાની પરંપરા હતી. વિશેષ મહેમાન કે ખાસ વ્યક્તિના આગમન સમયે પણ ગાયની બલિ આપવાની પરંપરા હતી.
ગુપ્તકાળ પહેલાં લગ્ન સમયે કે ગૃહપ્રવેશ સમયે ગોમાંસ ખાવાની તથા ખવડાવવાની પરંપરા હતી અને તેની પર પ્રતિબંધ ન હતો.
પાંચમી-છઠ્ઠી સદી આસપાસ નાનાં-નાનાં રાજ્યો બનવા લાગ્યાં અને દાનમાં જમીન આપવાની પરંપરા શરૂ થઈ. ત્યારથી જાનવરો અને તેમાં પણ વિશેષ કરીને ગાય તથા ખેતીનું મહત્ત્વ વધવા લાગ્યું. 'ગોપાષ્ટમી'ના દિવસે તેમની પૂજા થતી, પરંતુ તેમના કોઈ વિશેષ મંદિર બાંધવામાં આવ્યાના પુરાવા નથી મળતા.
ધીમે-ધીમે ગાયોને ન મારવાની વિચારધારા શરૂ થઈ. ગોહત્યાની સરખામણી બ્રહ્મહત્યા સાથે કરવામાં આવી. એ અરસામાં ગોહત્યા કરે તેણે પ્રાયશ્ચિત કરવું પડતું હતું, પરંતુ કોઈ કડક સજાની જોગવાઈ કરવામાં આવી ન હતી. પ્રચલિત માન્યતા પ્રમાણે, તે જીવ લેવા જેટલી ગંભીર ન હતી. માત્ર ગોહત્યા કરનારે બ્રાહ્મભોજન કરાવવું પડતું હતું.
ધર્મશાસ્ત્રોમાં આ કોઈ મોટો ગુનો ન હતો, એટલે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો.
મધ્યકાલીન યુગમાં ગાય ભાવનાત્મક મુદ્દો બની ગયો. મરાઠા સત્તા પર આવ્યા તે પછી ગાયની સાંસ્કૃતિક છાપ વધુ સુદ્રઢ થઈ.
પ્રજા મરાઠા શાસક શિવાજીને ભગવાનનો અવતાર માનતી હતી તથા તેમનો જન્મ બ્રાહ્મણો તથા ગાયોની સેવા માટે થયો હતો. ગાયના નામે લોકોને એક કરવાનો પહેલો પ્રયાસ 1870માં પંજાબમાં શીખોના કૂકા આંદોલન દરમિયાન થયો હોવાનું જણાય છે.

આઝાદી પછી ગોહત્યા અને રક્ષા

ઇમેજ સ્રોત, EPA
ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબનું ભોજન ખાવાનો, ધર્મ તથા તેની નીતિ-રીતિનું પાલન કરવાનો અધિકાર મળેલો છે.
જોકે, બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 48મો અનુચ્છેદ "કૃષિ તથા પશુપાલન" સંબંધિત છે. તેમાં સૂચન કરવામાં આવ્યું છે કે, "રાજ્ય દ્વારા કૃષિ તથા પશુપાલનને આધુનિક બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. ગાય તથા ગોવંશની નસ્લને ઉન્નત બનાવવા આધુનિક તથા વૈજ્ઞાનિક બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે."
ઇતિહાસકાર ઝાના મતે જવાહારલાલ નહેરુ કે ઇન્દિરા ગાંધીના સમયમાં ગોરક્ષા એ ખાસ મુદ્દો ન હતો. આચાર્ય વિનોબા ભાવે પણ ગાયોને માતા માનનારા લોકોમાંથી એક હતા. 1966માં ગોહત્યા વિરુદ્ધ રાષ્ટ્રીયસ્તરે કાયદો બનાવવા માટે પ્રયાસ થયો હતો.
દિલ્હીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો એકઠા થયા હતા. તેઓ પોતાની માગ સાથે વિરોધપ્રદર્શન કરતા સંસદ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી, જેમાં કેટલાકનાં મૃત્યુ થયાં હતાં. જોકે, મૃતકોની ખરી સંખ્યા અંગે હંમેશાં વિવાદ રહ્યો છે.
મોરારજી દેસાઈએ પણ ગોહત્યા અંગે કાયદો બનાવવા માટે વાયદો કર્યો હતો, પરંતુ તેમની સરકારનું પતન થયું અને ફરી આ મુદ્દો અભરાઈએ ચઢી ગયો.
આ વર્ષો દરમિયાન આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)એ ગાયનો મુદ્દો છોડ્યો ન હતો. 1998માં પ્રથમ વખત એનડીએ (નેશનલ ડૅમોક્રૅટિક ઍલાયન્સ) સરકાર બની ત્યારે ગોરક્ષાનો મુદ્દો ફરી ચર્ચાવા લાગ્યો. એ પછી અનેક રાજ્યોમાં ગોમૂત્ર, ગાયનું છાણ તથા ગાય સંબંધિત અનેક ચીજવસ્તુઓ પર સંશોધન ચાલુ થયાં.
2004માં કેન્દ્રમાં યુપીએની સરકાર બની તે પછી આ પ્રવૃત્તિ અટકી. પરંતુ 2014માં ફરી એક વખત ભાજપની સરકાર બની ત્યારે ગોહત્યા પર પ્રતિબંધ મૂકવાની માગ કરનારાઓને બળ મળ્યું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













