‘પાછો ના આવીશ, ગે હોવાના કારણે તેઓ તારી હત્યા કરી નાખશે’

પ્રતીકાત્મક ચિત્રાંકન
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ચિત્રાંકન
વાંચવાનો સમય: 6 મિનિટ

મોહમ્મદના પરિવારે વર્ષોથી તેને અન્ય છોકરાઓની જેમ મજબૂત, ઓર મર્દાના બનાવવાના પ્રયાસો કર્યાં હતાં. હોલુસિનોજેનિક દવાઓ વડે તેના શરીરમાંથી સ્ત્રીઆત્મા દૂર થાય તે માટે પણ તેઓએ તેમને મોકલ્યા હતા. લયલા મહમૂદ લખે છે કે થાકીને તેમણે તેની હત્યા કરવાનું નક્કી કર્યું.

હર્ગેઇસાના સાંકડા અને વાંકા-ચૂકા માર્ગો પરથી પસાર થતાં મોહમ્મદને ગરમી અકળાવી રહી હતી. 2019ના ઉનાળાની બપોરનો એ સમય હતો.

શહેર રોજની જેમ બપોરનું મીઠું ઝોકું લઈ રહ્યું હતું. દુકાનો, ભોજનાલયો અને કચેરીઓ સઘળું બંધ હતું.

આમ જેમને નજર બચાવીને ઘરની બહાર નીકળવું હતું તેમને માટે આ એકદમ યોગ્ય સમય હતો.

મોહમદ તેના પુરુષમિત્ર અહમદને છુપાઈને મળવા માટે નીકળ્યા.

આ કૃત્ય માટે સોમાલીલૅન્ડમાં જેલ અને ક્યારેક તો મૃત્યુદંડની સજાની પણ જોગવાઈ છે.

હર્ગેઇસા એ આપમેળે પોતાને દેશ તરીકે જાહેર કરનાર સોમાલીલૅન્ડની રાજધાની છે. જે લગભગ 30 વર્ષ અગાઉ સોમાલિયામાંથી અલગ પડ્યો હતો.

અદાલતો ઇસ્લામિક કાનૂન શરિયતને લાગુ પાડે છે. શરિયત હેઠળ સજાતીયતાને ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હોવાથી સોમાલી એલજીબીટી સમુદાયે તેમની જાતીયતાને છુપાવવી પડે છે.

તેમને જાહેર થઈ જવાનો ડર સતત સતાવતો હોય છે. બિલકુલ સ્ત્રૈણ લક્ષણો ધરાવતાં મોહમ્મદ માટે અન્યોની જેમ ખુદને એક વિજાતીય વ્યક્તિ તરીકે રજૂ કરવું કઠીન હતું.

મોહમ્મદ અને અહમદે બંધબારણે તેમને માટે સહજ એવી રોમૅન્ટિક ક્રિયા શરૂ કરી. ત્યાં જ અહમદનાં બહેન અકસ્માતે ઓરડામાં પ્રવેશ્યાં.

તેમણે બૂમો પાડીને સમગ્ર ઘરને જગાવી દીધું.

line

ચાર કે પાંચ વર્ષનો હતો ત્યારે મને મારી જાતીયતા અંગે ગૂંચવણ થઈ

પ્રતીકાત્મક ચિત્રાંકન
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ચિત્રાંકન

ગણતરીની મિનિટોમાં મોહમ્મદ દરવાજાની બહાર હતા અને એક મિત્રના ઘરે જઈને સંતાઈ ગયા, જ્યાં એક શુભચિંતકે તેમને ફોન કરીને જણાવ્યું,“ઘરે પાછો ના આવતો, તેઓ તારી હત્યાની તૈયારી કરી રહ્યાં છે,”

“હું જ્યારે ચાર કે પાંચ વર્ષનો હતો ત્યારે પ્રથમવાર મને ભાન થયું હતું કે મારી જાતીયતા, ઇચ્છા, લૈંગિક પસંદ-નાપસંદ લઈને કંઈક ગૂંચવણ છે,” એમ મોહમદ જણાવે છે.

તેઓ જ્યારે તરુણવયમાં હતા ત્યારે તેમના મોટા ભાઈઓ અને પુરુષ પિતરાઈઓ સાથે એક ઓરડામાં રહેતા હતા.

રાતે પથારીમાં સૂતી વખતે તેઓ મજાકમાં છોકરીઓ વિષે ચર્ચા કરતા અને પછી તેમને સૂચક રીતે પૂછતાં,“તો છોકરીના શરીરનું તને કયું અંગ પસંદ છે?”

“તે વખતે મને જણાયુ કે હું અલગ છું“

મોહમ્મદ સાજશણગાર અને શ્રૃંગાર તરફ આકર્ષાયા અને તેઓ તેમના ભાઈઓ કરતાં બહેનો સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરતા હતા.

તેઓ ઘણીવાર બહેનોનાં વસ્ત્રો પહેરવાનો પ્રયાસ કરતા અને આમ કરતાં પકડાયાં બાદ તેમનાં માતાને લાગ્યું કે તેમણે કોઈ ઉપાય કરવો પડશે.

તેમના સૌથી મોટા ભાઈને કુરાનની કેટલીક આયાતો તથા પયગંબર મોહમ્મદે આપેલા સંદેશમાંથી બનેલી હદિથ શીખવવાની સૂચના આપવામાં આવી હતી.

રોજ રાતે મોહમ્મદ પર આ પાઠ કરવા માટે દબાણ કરાતું હતું, “જે પુરુષો પોતે સ્ત્રીની જેમ દેખાવા પ્રયત્ન કરે છે તેમને તથા જે સ્ત્રી પોતે પુરુષ જેવી દેખાવા પ્રયત્ન કરે છે તેમને ખુદા સજા ફરમાવે છે.”

“તે મને કહેતો હતો કે હું ખુદાને ગુસ્સે કરી રહ્યો છું. તેઓ તને શાપ આપી રહ્યા છે. મૃત્યુ બાદના જીવનમાં તેઓ તને નર્કમાં મોકલવાનું આયોજન કરી રહ્યા છે.”

“હું 10 વર્ષનો હતો. હું તેને સહન કરી શકતો નહોતો. હું ઊંઘમાંથી મધરાતે ઊઠી જતો અને પરસેવે રેબઝેબ થઈ ચીસો પાડતો,‘ઓહ મને મદદ કરો! ખુદાથી મને બચાવો, તે મને દોઝખમાં સળગાવી રહ્યો છે!”

કેટલાક સમય માટે મોહમ્મદે અન્ય છોકરાઓ જેવું વર્તનકરવાની પરિવારની ઇચ્છાને પૂરી કરવા માટે પ્રયત્ન પણ કર્યા.

મોહમ્મદે કહ્યું, “પરંતુ આખરે મને ગમતી વસ્તુને હું કેવી રીતે અટકાવી શકું.”

“અને હું યુવાન હતો. લોકો જ્યારે યુવાન હોય છે ત્યારે વસ્તુઓને ઝડપથી ભૂલતા હોય છે.”

line

રિહેબિલિટેશન સેન્ટરમાં સવારે જ્ઞાન-બોધને રાત્રે બળાત્કાર

પ્રતીકાત્મક ચિત્રાંકન
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ચિત્રાંકન

આખરે, મોહમદ 12 વર્ષનો હતો ત્યારે તેની માતાએ તેને “રિહેબિલિટેશન સેન્ટર”માં મોકલ્યો હતો.

સોમાલી મૂલ્યોથી દૂર થયાં હોય એવાં બાળકો, તરુણો અને પુખ્તોને સુધારવા માટે તૈયાર કરાયેલી છૂટીછવાઈ સંસ્થાઓ હર્ગેઇસા સહિત બાકીના સોમાલીલૅન્ડ અને સોમાલિયામાં પથરાયેલી છે.

ઘણીવાર ત્યાં લોકોને તેમની ઇચ્છાથી વિરુધ્ધ તેમજ ખૂબ ક્રૂર અને અપમાનજનક સ્થિતિમાં રાખવામાં આવે છે.

મોહમ્મદના જણાવ્યા મુજબ મોટાભાગના કિસ્સાઓમાં આવી સંસ્થાઓ ઇસ્લામિક ધાર્મિક સાહિત્યને તોડીમરોડીને નાણાકીય લાભ મેળવવા ઇચ્છતા કૌભાંડીઓ દ્વારા ચલાવવામાં આવે છે.

મોહમ્મદનો પરિવાર માનતો હતો કે તેમના સ્ત્રૈણ વર્તન પાછળનું કારણ તેમની અંદર રહેલું મહિલા જીન અથવા દુષ્ટ આત્મા છે. જેથી સંસ્થાઓના કર્મચારીઓ તેને દૂર ભગાડવાનો દાવો કરતા હતા.

તેઓ પોતાને “જીવન રક્ષક” ગણાવતા હતા અને એવી દલીલ કરતા હતા કે તેઓ દર્દીઓને નર્કથી બચાવે છે.

મોહમ્મદે કહ્યું, “મારા મતે આ સૌથી ખરાબ સ્થળ હતું.”

મોહમ્મદને રોજ પરંપરાગત પુરુષની માફક કેવી રીતે વર્તવું તે શીખવવામાં આવતું. તેમને કેવી રીતે વાત કરવી અને કેવી રીતે ચાલવું એ શીખવવામાં આવતું. તેમજ અન્ય દર્દીઓ સાથે દબાણપૂર્વક ફૂટબૉલ રમવાનું કહેવામાં આવતું.

આ સાથે રોજ ઇસ્લામનું ધાર્મિક વાંચન તો ખરું જ.

ચોથા દિવસે, “જીવન રક્ષકો”એ મોહમ્મદની જાતીય સતામણી શરૂ કરી.

“તેઓ મધરાતે મારા પર બળાત્કાર કરતા અને ક્યારેક તો જૂથમાં કરતા હતા.”

તેઓ કહે છે કે સેન્ટરમાં બળાત્કાર સામાન્ય બાબત હતી અને દર્દીઓ તેમજ કર્મચારીઓ બંને આમ કરતા હતા.

બધાને તેમની પથારી સાથે વિશાળ હૉલમાં ઠસોઠસ ભરી દેવાતા હતા. જેમાં 10 વર્ષથી લઈને 30 વર્ષની વયના લોકો હતા. ત્યાં કોઈ સુરક્ષા ઉપલબ્ધ નહોતી.

દિવસ દરમિયાન સ્ટાફ કંઈક અલગ જ જ્ઞાન-બોધ આપતો હતો અને રાતે તેનાથી તદ્દન વિપરીત વર્તણૂક દાખવતો હતો.

તેઓ કહે છે, “તેઓ આ બધું કરી રહ્યા હતા કેમકે તેઓ જાણતા હતા કે અમે કોઈને આ અંગે નહીં જણાવીએ.”

line

મને ખબર નથી મારી પર બળાત્કાર થયો હતો કે કેમ

પ્રતીકાત્મક ચિત્રાંકન
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ચિત્રાંકન

જીનને બહાર કાઢવા માટે દર્દીઓને ઘણીવાર હરમાલા નામની હર્બલ દવા આપવામાં આવતી હતી. તે આયાહૉસ્કાની જેમ જ આધ્યાત્મિક જ્ઞાન અને શુદ્ધિકરણના વાયદા સાથે ભ્રમણા અને ઊલટી ઉત્પન્ન કરે છે.

જોકે એવું નોંધવામાં આવ્યું છે કે રિહેબિલિટેશન સેન્ટર્સ ખાતે આપવામાં આવતી દવાની માત્રા સુરક્ષિત ડૉઝની સરખામણીમાં ખૂબ વધારે હોય છે, જે તેમને ઘાતક બનાવે છે, ખાસ કરીને બાળકો માટે.

મોહમદ જણાવે છે, “મને માત્ર એટલું યાદ છે કે હું તારાઓથી છલકાતી કોઈ જગ્યાએ ઊડી રહ્યો હતો….હું નથી જાણતો એ દિવસો દરમિયાન શું થયું. મને ખબર નથી કે મારા પર બળાત્કાર થયો હતો કે કેમ. હું બસ કશું જ નથી જાણતો.”

છેલ્લે તેમને હરમલા આપવામાં આવી હતી ત્યારે તેમને હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. તેઓ કહે છે કે ત્યારથી તેમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે.

line

ગુપ્ત ઑનલાઈન ચૅટ ગ્રૂપ પર અહમદ સાથે સંપર્ક

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સેન્ટરમાંથી મુક્ત કરાયા બાદ મોહમ્મદ તેમની જાતીય અભિગમને છુપાવતા શીખ્યા. જોકે સજાતીય સોમાલીઓ માટે બનેલા ગુપ્ત ઑનલાઈન ચૅટ ગ્રૂપ પર અહમદ સાથે સંપર્ક થતાં તેમાં બદલાવ આવ્યો. બંધબારણે તેમને એકબીજાના સંગથી રાહત મળતી હતી.

અહમદના ઘરેથી ભાગ્યા પછી મોહમદે જ્યારે જાણ્યું કે તેમનો પરિવાર તેમની હત્યાની તૈયારી કરી રહ્યો છે ત્યારે તેમણે તત્કાળ ભાગી જવાની યોજના બનાવી.

સોમાલી લોકો માટે અન્ય દેશોના વિઝા મેળવવા આસાન નથી. તેઓ અશક્ય એવા કેટલાક ચોક્કસ ધારા-ધોરણોને પૂર્ણ કરે તો જ વિઝા મંજૂર થતા હોય છે. ઉદાહરણ તરીકે તેમના બૅંક ઍકાઉન્ટમાં હજારો ડૉલર્સ જમા હોય તે એક શરત છે.

આમાં પણ સોમાલીલૅન્ડમાં વસતાં લોકો માટે તો વિઝા મેળવવો વધુ મુશ્કેલ છે. કેમકે ઇથોપિયા, ડીજીબોતી, કૅન્યા અને દક્ષિણ આફ્રિકા જેવા ગણ્યા-ગાંઠ્યા દેશોએ જ સોમાલીલૅન્ડના પાસપોર્ટને માન્યતા આપેલી છે.

તેમની પાસે ખોટો પાસપૉર્ટ, યલો ફિવર વૅક્સિનેશનનું સર્ટિફિકેટ તેમજ ઘણીવાર વિઝા મેળવવા માટે બ્લૅક માર્કેટમાં હજારો ડૉલર્સ ખર્ચ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.

આ રીતે મોહમદ છટક્યા. સહાયકે એકાદ-બે દિવસમાં જરૂરી દસ્તાવેજો મેળવ્યા અને આ સમગ્ર કામગીરી કરી આપનારને હર્ગેઇસા ઍરપૉર્ટની સામેની બાજુ મળવા માટે તેમને સૂચના આપી હતી.

રવાનગીના દિવસે મોહમદે આ દસ્તાવેજો મેળવ્યા (અહમદની બહેને સમગ્ર ઘટનાને પકડી પાડી અને સૌને જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ) તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

આ તેમની પ્રથમ હવાઈ સફર હતી. તેઓ કહે છે, “તે ખૂબ જ આહ્લાદક હતી. હું બારીની બહાર જોવું રોકી શક્યો નહીં.”

તેમનો મુકામ મલેશિયા હતો. કેમકે ત્યાં ટુરિસ્ટ વિઝા પર કોઈ ખર્ચ નહોતો.

જોકે મલેશિયામાં એક સોમાલી રાજ્યાશ્રયવાંચ્છુક તરીકેની જિંદગી કપરી છે અને ત્યાં પણ સજાતીયતા ગેરકાયદેસર છે.

રાજ્યાશ્રય ઇચ્છી રહેલા તમામ લોકો વર્ષો સુધી અધ્ધરતાલ રહ્યા બાદ શરણાર્થી તરીકેની તેમને માન્યતા પ્રાપ્ય થાય છે.

મોહમ્મદના કેસમાં જો કે ઝડપી પ્રક્રિયા કરવામાં આવી અને તેમને પુનર્વસન માટે સ્વીકારવામાં આવ્યા છે.

દરમિયાન, મોહમ્મદની નાણાકીય સ્થિતિ અસ્થિર હતી.. મલેશિયા જીનિવા કન્વેન્શનમાં જોડાયેલું ન હોવાથી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવાનો તેમને અધિકાર નથી.

બીજી બાજુ તેમનો પરિવાર તેમને શોધી કાઢે, તેને હરગૅસા પરત ફરવા દબાણ કરે અને તેની હત્યા કરે તેવી પણ તેમને ચિંતા હતી.

મલેશિયામાં વસતા અન્ય સોમાલી શરણાર્થીઓ અને રાજ્યાશ્રયવાંચ્છુકો પર તેઓ પૂરો વિશ્વાસ કરી શકે તેમ નથી, કારણ કે તેઓ તેને સુપ્રત કરી શકે.

“મને એવી આશા છે કે એક દિવસ હું કોઈ બીજા સ્થળે જઈશ. કદાચ યુરોપ કે અમેરિકા,”એમ મોહ્મદ જણાવે છે.

“ત્યાં સુધી હું કોઈના ધ્યાનમાં ન આવું તે રીતે રહેવાનો પ્રયાસ કરું છું અને મારો પરિવાર મને શોધી ન શકે એ માટે પ્રાર્થના કરું છું.”

અહમદનું શું થયું તેની એમને ખબર નથી. સંપર્ક કરવાના તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.

(આ કહાણીમાં તમામ નામ બદલવામાં આવ્યાં છે.)

ઇલસ્ટ્રેશન - સારાહ ઇલ્સા પિનન

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો