આરબોએ જ્યારે ઈરાનને તહસનહસ કરી નાખ્યું અને પારસીઓ પોતાના જ વતનમાં વિદેશીઓ બની ગયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 8 મિનિટ
આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે. પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી. તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે. એક સમયે હાલના આ ઈરાનનું સામ્રાજ્યની જડ યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલી હતી. ત્યારે આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત પાંચ લેખ પ્રગટ થશે. બીજા લેખમાં પર્શિયલ સામ્રાજ્યના, ઉદ્ભવ, વિસ્તાર અને સિંકદર દ્વારા એના સંહારની કહાણી જોઈ હતી. હવે આ લેખમાં જોઈશું પર્શિયા પર આરબોએ આક્રમણ કર્યું હતું ત્યારે શું થયું?
અગાઉના લેખમાં આપણે જોયું હતું કે સિકંદરે પર્શિયન રાજા દારા ત્રીજાને હરાવી દીધો હતો અને પર્શિયાની રાજધાની પર્સેપોલિસને સળગાવી નાખી. મોટા-મોટા મહેલોનો નાશ કર્યો. ઈ.સ. પૂર્વે 323માં સિકંદરના મૃત્યુ પછી તેનું સામ્રાજ્ય ત્રણ ભાગોમાં વહેંચાઈ ગયું હતું. જેમાં સેલ્યૂકસને હિંદુકુશથી લઈને એશિયા માઇનરનો ભાગ મળ્યો. તેમણે સ્થાપેલા સામ્રાજ્યને સેલ્યુસિડ વંશ કહે છે. ઈ.સ. પૂર્વે 312થી ઈ.સ. પૂર્વે 63 સુધી તેનો સમય ગણાય છે. ત્યાર પછી મધ્ય એશિયાની એક જાતિ પાર્થિયાએ સેલ્યુસિડના રાજાઓને ભગાડ્યા.
પાર્થિયન વંશનું ઈરાન પર શાસન રહ્યું, જેને આર્સાસિડ સામ્રાજ્ય પણ કહેવામાં આવે છે. દરમિયાન પાર્થિયનો અને રોમનો વચ્ચે યુદ્ધો ચાલતાં રહ્યાં. પાર્થિયનોમાં વંશવિગ્રહ પણ થયો, વારસદારો પરસ્પર ઝઘડવા લાગ્યા તેને કારણે તેમને રોમનો કરતાં વધારે ખતરો ગૃહયુદ્ધથી પેદા થયો.
જોકે, પાર્થિયનોએ રોમનોને હરાવ્યા હતા અને જ્યાં સુધી પાર્થિયનો ઈરાનમાં સત્તા પર હતા ત્યાં સુધી રોમનો તેમને પૂર્ણ રીતે જીતી શક્યા નહોતા. અઢી સદી સુધી તેઓ ઈરાન પર શાસન કરતા રહ્યા.
આખરે ઇસ્તાખરના શાસક આર્દેશર પ્રથમે પાર્થિયનો સામે બળવો કર્યો અને ઈરાન પર કબજો કરીને ઈ.સ. 224માં સાસાનિયન વંશની સ્થાપના કરી.
આર્દેશર પ્રથમ જરથોસ્તી ધર્મના અનુયાયી હતો. ઇતિહાસકારો નોંધે છે કે તેણે સાસાનિયન સામ્રાજ્યની સ્થાપના કરવા માટે ધર્મનો સહારો લીધો. તે વખતે પર્શિયનો અને રોમ વચ્ચે યુદ્ધો ચાલતાં હતાં. તે વખતે રોમનો સમ્રાટ કૉન્સ્ટેન્ટાઇન હતો. તેણે ખ્રિસ્તી ધર્મનો સહારો લીધો હતો.
જવાહરલાલ નહેરુ લખે છે કે પશ્ચિમમાં યુરોપ અને પૂર્વમાં ઈરાનની હાલત ખરાબ હતી. આફ્રિકા અને પશ્ચિમમાં જ્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર હતો તે કલુષિત અને ઝગડાખોર હતો. ઈરાનમાં જરથોસ્તી ધર્મ રાજધર્મ બની ગયો હતો અને તે પણ લોકો પર થોપવામાં આવતો હતો. "સામાન્ય માણસો તે સમયે ધર્મથી કંટાળી ગયા હતા. તે સમયે ભયંકર બીમારી પણ ફેલાઈ હતી."
જવાહરલાલ નહેરુ લખે છે, "આર્દેશર પ્રથમ જરથુસ્ત્ર ધર્મનો કટ્ટર અનુયાયી હતો. તે અન્ય ધર્મ પ્રત્યે સહનશીલ નહોતો. રોમન અને સાસાનિયન સામ્રાજ્ય વચ્ચે સતત લડાઈ ચાલતી રહી. સાસાનિયનોએ એક સમયે રોમન સામ્રાજ્યના સમ્રાટને પકડી લીધો હતો. ઈરાની સૈન્ય એક સમયે કુસ્તુન્તુનિયાની નજીક પહોંચી ગયું હતું. તેમણે ફરીથી મિસ્ર (ઇજિપ્ત) પર અધિકાર જમાવી લીધો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આર્દેશર પછી શાપુર પ્રથમ ઈરાનનો સમ્રાટ બન્યો. તેણે રોમન સમ્રાટ વેલેરિયનને યુદ્ધમાં હરાવ્યો હતો. ઈરાનની પહાડી પર કોતરાયેલાં શિલ્પો (નક્ષ-એ-રુસ્તમ) સાક્ષી પૂરે છે કે પર્શિયન સમ્રાટ સામે રોમન સમ્રાટ ઘૂંટણિયે પડ્યો હતો. શાપુરના સમયમાં જ વિશ્વ વિખ્યાત વિશ્વવિદ્યાલય 'જન્દે-શાપુર' બંધાયું હતું. તેણે તેના સમયમાં વિશ્વભરમાંથી વૈદિક, ખગોળશાસ્ત્ર, ગતિ, અવકાશ વિજ્ઞાન, સૃષ્ટિની ઉત્પત્તિ તથા લલિત અને હસ્તકલાના ગ્રંથો મંગાવ્યા હતા.
'પારસી પ્રજા' નામના પુસ્તકમાં પારસી ઇતિહાસકાર પિલૂ નાણાવટી લખે છે, "ઈરાનની પડતી શરૂ થઈ, દુષ્કાળ અને યુદ્ધો વચ્ચે દેશ ક્ષીણ થતો ગયો. ઉમરાવ અને ધર્મગુરુઓ વચ્ચેનો સત્તાનો સંઘર્ષ ચાલતો રહ્યો. ધર્મગુરુઓને પ્રજાનો સાથ હતો." શાપુરના મૃત્યુ બાદ શાપુર બીજો સત્તા પર આવ્યો. તેણે કુશાન સામ્રાજ્યને પોતાના રાજ્ય સાથે જોડ્યું અને બલ્ખ (બૅક્ટ્રિયા)ના રાજવંશીઓને ગાદી સોંપી.
ફારસ ફરી વિશાળ અને શક્તિમાન બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈ.સ. 531માં ખુસરો પહેલો ગાદી પર આવ્યો. તેને ન્યાયી નોશિરવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના શાસનકાળમાં ઈરાન સાઇરસ ધ ગ્રેટ તથા દારાના સમયની માફક ટોચ પર પહોંચ્યું. ખુસરો દ્વિતીયએ ઈ.સ. 610માં આર્મિનિયા પાછું મેળવ્યું. બે વર્ષ પછી તેણે ગાઝા જીતી લીધું. ઇજિપ્ત પર ચઢાઈ કરી, બૅબિલોન અને ઍલેક્ઝાન્ડ્રિયા પણ તેમના હાથે પડ્યાં.
પિલૂ નાણાવટી લખે છે, "ખ્રિસ્તી પ્રજા ખુસરો સામે ખળભળી ઊઠી. ઈ.સ. 641માં જેરૂસેલમ ખુસરોના હાથમાં જતું રહ્યું. 50 હજાર ખ્રિસ્તીઓની તેમાં કત્લેઆમ કરવામાં આવી. ખ્રિસ્તી ધર્મના પ્રતીક સમા ક્રૉસને ઈરાન લઈ જવામાં આવ્યો." ઈરાનના ખુસરો દ્વિતીયએ કુસ્તુન્તુનિયાથી સલ્તનતનો કેટલોક ભાગ રોમનો પાસે જીતી લીધો હતો. જોકે, કુસ્તુન્તુનિયાના કિનારા પાસે જ્યારે તે સેના લઈને પહોંચ્યો ત્યારે હરેક્લિયસ નામના યુનાની સમ્રાટે તેને હરાવ્યો હતો.
પિલૂ નાણાવટીના લખ્યા પ્રમાણે, "ઈરાનના જ કોઈ લશ્કરી અમલદારે હરેક્લિયસ સાથે સંધિ કરવાની માગ કરી. ખુસરો ત્યારે મરણપથારીએ હતો. પરંતુ રોમન કુંવરી મારિયાથી થયેલા પુત્રએ ખુસરોને મારી નાખ્યો." પર્શિયન સામ્રાજ્યનો અંત હવે નજીક હતો. બીજાં 14 વર્ષોમાં લગભગ દસ રાજાઓ કે દાવેદારો ઈરાનની ગાદી પર આવ્યા. છેલ્લો રાજા યઝદેજર્દ ત્રીજો હતો. જોકે, સિકંદરના ઈરાન આગમનનાં વર્ષો બાદ આવેલા સાસાનિયન વંશે પર્શિયન સંસ્કૃતિને ફરી સજીવન કરી હતી અને તેને વિશ્વની મહાસત્તા બનાવી.
પર્શિયામાં આરબોનું આગમન, પારસી નોંધારા બન્યા

ઇમેજ સ્રોત, Getty Images
ખુસરો દ્વિતીયને સાસાનિયન વંશનો છેલ્લો કુશળ અને મજબૂત શહેનશાહ માનવામાં આવે છે. તેના સમયમાં કળા અને સંગીત ચરમસીમાએ હતાં. પરંતુ તેની મહાત્ત્વાકાંક્ષા અને રોમનો તથા બાદમાં બાયઝેન્ટાઇન સાથેનાં યુદ્ધોએ પર્શિયાની તિજોરી ખાલી કરી નાખી હતી. ઇતિહાસકારો માને છે કે આ સામ્રાજ્યની દિવાલો ભવ્ય દેખાતી હતી પરંતુ અંદરથી દેશ ખોખલો થઈ ગયો હતો. સતત યુદ્ધો અને વધી રહેલા કરવેરાને કારણે પ્રજા પરેશાન હતી.
ઈ.સ. 651માં ઈરાનમાં પર્શિયન સામ્રાજ્યની પડતી શરૂ થઈ. આરબોએ ઈરાન પર આક્રમણ કર્યું. નેહાવંદની લડાઈ પછી ઈરાનમાં પર્શિયન સામ્રાજ્યના છેલ્લા પાદશાહ યઝદેજર્દ શેહરિયારની હાર થઈ. પારસી ઇતિહાસકારો અનુસાર આરબોએ ઈરાનમાં 'ભયંકર કત્લેઆમ' કરી અને જરથોસ્તી ધર્મ પાળતા 'પારસીઓ પર ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટે દબાણ' કર્યું.
પાલોનજી બરજોરજી દેસાઈ લખે છે, "યઝદેજર્દનું રાજ્ય ગયા પછી એક સદી પણ ન ગુજરી હોય એટલા અરસામાં પારસીઓ અને ઈરાનીઓ જેઓ જરથોસ્તી ધર્મ પાળતા હતા, તેઓમાંના ઘણાખરા ફતેહ કરનારાઓને દરેક રીતે તાબે થયા."
"તે પૈકી કેટલાક લાંબી મુદત સુધી બહારથી ગમે તેવો વેશ ધારણ કર્યો હોય પરંતુ અંદરખાનેથી પોતાનો મજહબ જાળવી રાખ્યો હતો. બીજા કે જેમને પોતાના ધર્મ પર વધારે આસ્થા હતી તેઓ વતન છોડીને આસપાસ વિખેરાઈ ગયા. આ વિખેરાયેલાઓમાં એક તાયફો (સમૂહ) હિંદુસ્તાનમાં આવ્યો."
'હિસ્ટ્રી ઑફ પારસી' પુસ્તકમાં પારસી આગેવાન અને ઇતિહાસકાર ડોસાભાઈ ફરામજી કારાકા લખે છે, "કુરાન સ્વીકારવાને બદલે તેઓ ખોરાસનના પર્વતીય જિલ્લાઓમાં ભાગી ગયા. તેઓ થોડા સમય માટે ત્યાં રોકાયા. પરંતુ ત્યાં પણ શત્રુઓએ તેમનો પીછો ન છોડ્યો. ખોરાસનમાં તેઓ લગભગ સો વર્ષ સુધી રહ્યા. પરંતુ ત્યાં પણ તેમના પર દમન શરૂ થયું. ફરી એક વખત તેઓ ત્યાંથી ભાગી જવા મજબૂર થયા, નોંધપાત્ર સંખ્યામાં લોકો પર્શિયન ગલ્ફના પ્રવેશદ્વાર પર આવેલા ઓર્મસ (હોર્મુઝ)ના નાના ટાપુ સુધી પહોંચવામાં સફળ થયા."
હોર્મુઝથી પારસીઓ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા દીવ બંદરે પહોંચ્યા હતા. ઇતિહાસકારોના મત પ્રમાણે, હોર્મુઝથી દીવ આવેલા પારસીઓએ દીવમાં રહીને ગુજરાતની ભાષા, રીતરિવાજો, ધર્મ અને તેના પ્રદેશ વિશે માહિતી મેળવી હોવી જોઈએ. ત્યાર બાદ તેમણે સંજાણ તરફ પ્રયાણ કર્યું હોવું જોઈએ. 'કિસ્સા-એ-સંજાણ'માં ઉલ્લેખ છે કે પારસીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા બંદર સંજાણમાં વર્ષ 775માં ઊતર્યા હતા. જોકે, કેટલાક ઇતિહાસકારોના મત પ્રમાણે તેઓ વર્ષ 716માં સંજાણ આવ્યા હતા. તે વખતે ત્યાં જાદી રાણાનું રાજ હતું અને તેમની પાસેથી તેમણે અહીં રહેવાની પરવાનગી માગી હતી. પછી સશર્ત જાદી રાણાએ પારસીઓને અહીં રહેવાની પરવાનગી આપી અને પારસીઓ એક કથા પ્રમાણે ભારતમાં 'દૂધમાં સાકરની જેમ ભળી ગયા.'
સંજાણમાં તે વખતે જાદી રાણાનું રાજ હતું કે કેમ તે વિશે પણ ઇતિહાસકારોમાં મતમતાંતર છે.
ગ્રીક હીરો, પર્શિયન વિલન?

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રીકોએ તેમણે લખેલા ઇતિહાસમાં ઠરાવ્યું કે તેમણે સ્વતંત્રતા અને તાર્કિક રીતે વિચારવાની રીત વિશ્વને આપી, તેમણે ગ્રીસ અને રોમની બહારના તમામ સમાજને 'અસંસ્કૃત' ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના મતે ફારસીઓ એટલે કે પર્શિયનો સૌથી વધુ બિહામણા હતા કારણકે તેઓ વિશ્વને જીતવા માગતા હતા. ગ્રીક-પર્શિયન યુદ્ધથી અત્યાર સુધી ફારસીઓને મુક્ત વિશ્વના વિચાર માટે અડચણરૂપ માનવામાં આવે છે.
પરંતુ જૂની ફારસી ભાષામાં કેટલાક શિલાલેખો મળી આવે છે, માટીના દસ્તાવેજો પર લખાયેલા કેટલાક જૂના સ્રોતો મળી આવે છે, જે સામ્રાજ્યનાં કામકાજની રીતો, અર્થતંત્ર અને નાગરિક સેવા અંગે ખ્યાલ આપે છે. આ સ્રોતોમાં ભીંત પરનું લખાણ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, ગોલ્ડ-સિલ્વર પરનાં લખાણ અને પુરાતત્ત્વશાસ્ત્રનો ભવ્ય વારસો છે.
ગ્રીકોએ લખેલા ઇતિહાસને કારણે પ્રાચીન ફારસના ઇતિહાસના અભ્યાસ પર નકારાત્મક અસર પડી છે. પર્શિયનો દ્વારા ગ્રીકની જેમ નૅરેટિવ હિસ્ટ્રી ન લખાઈ તે કારણે આ સમસ્યા વધુ વિકરાળ બનતી ગઈ. જોકે, તેમણે નૅરેટિવ હિસ્ટ્રીના સ્થાને મોટા ભાગે મૌખિક નૅરેટિવ, કવિતાપાઠ અને ગીતો દ્વારા જ ફારસીઓએ પોતાનો ઇતિહાસ સંઘરી રાખ્યો. આમ છતાં, ફારસી ઇતિહાસકાર ફિરદૌસી થઈ ગયા. તેમણે 'શાહનામા' નામે મહાકાવ્ય રચ્યું. જેમાં તેમણે ઈરાનના ખાસ કરીને પર્શિયન સામ્રાજ્યના મહાન રાજાઓનો દુનિયાને પરિચય કરાવ્યો.
પર્શિયન સામ્રાજ્યનું પતન કેમ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર લૉયડ લેવેલિન જૉન્સ કે જેઓ વેલ્સ યુનિવર્સિટીના પ્રોફેસર છે. તેમણે ઈરાનના ઇતિહાસ પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ બીબીસી હિસ્ટ્રી, હિસ્ટ્રી ટુડેમાં પણ પોતાનું યોગદાન આપતા રહે છે.
લૉયડ લેવેલિન જૉન્સ પોતાના પુસ્તક 'પર્શિયન, ધ એજ ઑફ ધ ગ્રેટ કિંગ્સ'માં લખે છે, "ઈ.સ. 651માં સાસાનિયન સામ્રાજ્ય પડ્યું અને ઈરાનમાં ઇસ્લામિક યુગની શરૂઆત થઈ. નવા મુસ્લિમ વહિવટકર્તાઓએ વર્ષોથી સ્થાપિત ઈરાની સંસ્કૃતિ, રાજનીતિ, સામાજિક વ્યવસ્થા અને પરંપરા તથા મૂલ્યોને ઉથલાવી નાખ્યાં કે બદલી નાખ્યાં. સત્તા સુધી પહોંચવાનો અર્થ એ હતો કે ઈરાની લોકોએ આરબ સંસ્કૃતિ અને ઇસ્લામને સ્વીકારવા સિવાય કોઈ છુટકો નહોતો."
"જૂના સાસાનિયન ભદ્ર વર્ગે ધીમે-ધીમે આ નવા સિદ્ધાંતને અપનાવી લીધો. આમ કરીને તેમણે સત્તાનાં મહત્ત્વનાં સ્થાનો મેળવ્યાં." "સાસાનિયન સામ્રાજ્યની વસ્તીને મુસ્લિમ બનાવવામાં 200 વર્ષો લાગી ગયાં," એમ લૉયડ લેવેલિન જૉન્સ લખે છે.
'ધ આરબ કોન્કેસ્ટ ઑફ ઈરાન ઍન્ડ આફ્ટરમથ' પુસ્તકમાં પર્શિયન ઇતિહાસના જાણકાર અબ્દ અલ-હુસૈન ઝર્રિનખુબ લખે છે, "નેહાવંદના યુદ્ધમાં આરબોના વિજયને 'વિજયની માતા' (વિક્ટરી ઑફ વિક્ટરીઝ) કહેવામાં આવે છે." અબ્દ અલ-હુસૈન ઝર્રિનખુબ લખે છે કે ઇસ્લામ ન પાળતા લોકોને જજિયાવેરો ભરવો પડતો હતો. તેઓ લખે છે, "સાસાનીયન સરકારના પતન પછી, કુરાનને 'લોકોના ગ્રંથ' તરીકેની માન્યતા આપવામાં આવી હતી. યહૂદી અને ખ્રિસ્તીઓને 'ધિમ્મી' તરીકેના ધાર્મિક સમુદાય તરીકે માન્યતા આપવામાં આવી. તેમણે જજિયાવેરો ભરીને પોતાના પૂર્વ ધર્મના અનુસાર જીવન જીવવાની પરવાનગી આપવામાં આવી."
જોકે, કેટલાક લોકોના મતે ઇસ્લામનો અર્થ એ થતો હતો કે તેમને ફરજિયાત સૈન્ય સેવામાંથી મુક્તિ મળી હતી. કેટલાક લોકોને જબરજસ્તી મજૂરીમાંથી મુક્તિ મળી હતી. કારણકે ઈરાનમાં અગાઉના શાસનમાં તેઓ આમ કરવા મજબૂર હતા. વિરોધ કરનારા લોકો પર દમન પણ ગુજારવામાં આવ્યું. મોટાં ભાગનાં અગ્નિમંદિરો (જરથોસ્તી ઉપાસનાઘર)નો નાશ કરવામાં આવ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
આરબ મુસ્લિમોના કબજા પછી જરથોસ્તી ધર્મ રાજધર્મ તરીકે મોટાભાગે ખતમ થઈ ગયો. ફક્ત થોડાં સ્થાનો (જેમ કે યઝદ કર્મન બંદર) પર જ જરથોસ્તી પરંપરા ધીમે-ધીમે જીવી રહી. આજે પણ અહીં કેટલાક પારસીઓ રહે છે.
આરબોના આક્રમણ સમયે પર્શિયાનાં સેંકડો વર્ષો જૂનાં પુસ્તકાલયોને સળગાવી નાખવામાં આવ્યાં હતાં. જરથોસ્તીને 'ગબ્ર' એટલે કે 'અપવિત્ર' કહીને બોલાવવામાં આવતા હતા. જરથોસ્તીઓને ઘોડા પર બેસવાની મનાઈ હતી. તેમને એવાં કપડાં પહેરવા પડતાં કે જેથી તેઓ દૂરથી જ 'કાફિર' તરીકે ઓળખાઈ શકે.
અબ્દ અલ-હુસૈન ઝર્રિનખુબ લખે છે, "ઝોરોસ્ટ્રીયન પાદરીવર્ગ (જરથોસ્તી દસ્તુરો)ની શાસન વ્યવસ્થા હેઠળ તેમને જેટલી ધાર્મિક સ્વતંત્રતા મળતી હતી, તેના કરતાં વધુ સ્વતંત્રતા તેમને ઇસ્લામિક શાસન હેઠળ પોતાના ધર્મનું પાલન કરવા માટે પ્રાપ્ત થઈ હતી."
જરથોસ્તી વેપારીઓ પર વધારે કર લગાવવામાં આવ્યો. મુસ્લિમ ધર્મ અપનાવવાથી તેમને રાહત મળતી હતી પરિણામે ધીમે-ધીમે લોકોએ ધર્મ બદલ્યો. કારણકે બિનમુસ્લિમોને મહત્ત્વનાં પદો મળતાં નહોતાં.
આમ સાતમી સદીમાં જ્યારે આરબોનું આક્રમણ ઈરાન પર થયું ત્યારે પર્શિયા પાસે સંસાધનો તો હતાં પરંતુ એકતા નહોતી. તેઓ સત્તા, પદ અને લાલચને લઈને પરસ્પર ઝગડતા રહેતા. આમ, ઈરાનના જરથોસ્તીઓ પોતાના જ વતનમાં વિદેશી બની ગયા. હજારો વર્ષોની આ સંસ્કૃતિને માત્ર થોડા જ દાયકાઓમાં બદલી નાખવામાં આવી. પરિણામે આજે ઈરાન કે જ્યાં જરથોસ્તી ધર્મ ઉદ્ભવ્યો, ઉછર્યો, પાંગર્યો અને વિસ્તાર પામ્યો, તે જ દેશમાં આ ધર્મ પાળનારા બહુ ગણ્યા-ગાઠ્યા લોકો રહી ગયા અને એ ઝોરોસ્ટ્રિયન લોકો ભારતમાં શરણાર્થી તરીકે આવીને 'દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા.'
(હવે પછીના લેખમાં આપણે જોઈશું કે પર્શિયા જીત્યા બાદ આરબો એકબીજા સાથે કેમ ઝગડવા લાગ્યા અને ઈરાની સંસ્કૃતિનું શું થયું?)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















