You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૂધમાં ભેળસેળની ઘેર બેઠા ખબર કેવી રીતે પડે, નિષ્ણાતો શું કહે છે?
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભેળસેળવાળું દૂધ એ એક મોટી સમસ્યા છે.
કેટલાક વેપારીઓ અને વિક્રેતાઓ ઊંચા નફાની લાલચમાં દૂધમાં કેટલાક હલકી કક્ષાના અને નુકસાનકારક પદાર્થો ભેળવતા હોવાનો આરોપ છે. તેના કારણે દૂધ વધારે ઘટ્ટ દેખાય છે.
તાજેતરમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ તથા દેશનાં બીજાં રાજ્યોમાં દૂધમાં ભેળસેળના કેટલાક કેસ બહાર આવ્યા છે જેના કારણે લોકોમાં ચિંતા પ્રવર્તે છે.
દૂધને આપણા આરોગ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ તે આપણા સુધી પહોંચે ત્યારે તેની ગુણવત્તા અંગે શંકા પેદા થાય છે.
તો પછી દૂધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત તે કેવી રીતે ખબર પડે? ઘરે બેઠા બેઠા દૂધની શુદ્ધતા કેવી રીતે જાણી શકાય?
બીબીસીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના અધિકારીઓ તથા ડેરી સેક્ટરમાં કામ કરતા લોકો સાથે આ મુદ્દે વાત કરી હતી.
દૂધમાં ભેળસેળ શા માટે અને કેવી રીતે થાય છે?
દૂધ એક પૌષ્ટિક પ્રવાહી આહાર છે. બાળકો માટે તે પોષણનો મુખ્ય સ્રોત ગણાય છે. તેમાં પ્રોટીન, ચરબી અને કૅલ્શિયમ જેવાં પોષક તત્ત્વો હોય છે, જે શરીરના વિકાસ માટે જરૂરી છે.
એફએસએસએઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર સુરેશ ઉપ્પારાપલ્લીએ બીબીસીને જણાવ્યું કે "દૂધમાં ભેળસેળ એક ગંભીર સમસ્યા છે. મુખ્ય રૂપથી દૂધમાં આર્થિક નફો કમાવાના હેતુસર તેમાં હાનિકારક તત્ત્વો ભેળવવામાં આવે છે. ગ્રાહકની સુરક્ષાને જોખમમાં મૂકતી આ પદ્ધતિઓને 'ફૂડ ફ્રૉડ' કહી શકાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરેશ ઉપ્પારાપલ્લીએ જણાવ્યું કે, "દૂધમાં ભેળસેળ ઘણી રીતે થઈ શકે છે અને કેટલાક સરળ ટૅસ્ટ દ્વારા કોઈ પણ તેને ઓળખી શકે છે."
તેમણે જણાવ્યું કે દૂધમાં પાણી, યુરિયા, ડિટર્જન્ટ, ફૉર્મેલિન, હાઇડ્રોડન પેરૉક્સાઈડ વગેરે ભેળવવામાં આવે છે. દૂધમાં ભેળસેળની ઘણી રીત હોઈ શકે છે.
- પાણીની ભેળસેળઃ દૂધનો જથ્થો વધારવા માટે તેમાં પાણી ભેળવવામાં આવે છે. તેનાથી દૂધ પાતળું બને છે અને સ્વાદ નબળો પડે છે. આ કમીને દૂર કરવા તેમાં થોડો સ્ટાર્ચ, ખાંડ અને મીઠું ભેળવવામાં આવે છે.
- તાજગીઃ દૂધ એ ઝડપથી બગડી જતો પદાર્થ છે. તેથી તેને લાંબો સમય ટકાવી રાખવા માટે તેમાં ફૉર્મેલિન અને હાઈડ્રોજન પેરૉક્સાઈડ ઉમેરવામાં આવે છે. તેનાથી દૂધ તાજું દેખાય છે અને તેનો રંગ તથા સુગંધ જળવાઈ રહે છે.
- પોષક તત્ત્વોને વધારી ચઢાવીને દર્શાવવાઃ દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે તેવું દેખાડવા તેમાં યુરિયા ભેળવાય છે. તેમાં સસ્તું તેલ ઉમેરીને તેની ચરબી વધારે દેખાડવામાં આવે છે. પરંતુ આ નૅચરલ પ્રોટીન અથવા ચરબી નથી હોતી.
- દૂધની બનાવટ અને ફીણઃ દૂધને ઘટ્ટ અને કુદરતી ફીણ સાથે દેખાડવા માટે તેમાં ડિટર્જન્ટ ભેળવવામાં આવે છે.
ઘરે બેઠા દૂધમાં ભેળસેળ આ રીતે પકડો
દૂધ માટે કેટલાક ટૅસ્ટ કરીને તમે ઘરે બેઠા જાણી શકો કે તેમાં ભેળસેળ છે કે નહીં.
- દૂધમાં પાણી ભેળવ્યું છે? : એક પ્લેટ અથવા ટાઇલ્સ પર થોડું દૂધ રેડો અને જુઓ. શુદ્ધ દૂધ ઘટ્ટ હોવાથી ધીમે ધીમે વહે છે, જ્યારે પાણીયુક્ત દૂધ ઝડપથી વહે છે.
- દૂધમાં ડિટર્જન્ટ છે? : એક બૉટલમાં થોડું દૂધ લો અને તેમાં થોડું પાણી ભેળવીને સારી રીતે હલાવો. શુદ્ધ દૂધમાં ઓછું ફીણ થશે, જ્યારે ડિટર્જન્ટવાળા દૂધમાં વધારે ફીણ જોવા મળશે જે લાંબા સમય સુધી ટકશે.
- દૂધમાં સ્ટાર્ચ ભેળવ્યું છે? : થોડું દૂધ લઈને તેમાં આયોડિનના બે ટીપાં નાખો. શુદ્ધ દૂધનો રંગ નહીં બદલાય જ્યારે સ્ટાર્ચયુક્ત દૂધ વાદળી અથવા કાળું થઈ જશે.
- દૂધમાં યુરિયા છે?: દૂધમાં થોડો સોયાબિન પાઉડર ઉમેરો અને નિરીક્ષણ કરો. શુદ્ધ દૂધની સુગંધ નહીં બદલાય, પરંતુ યુરિયાયુક્ત દૂધમાંથી એમોનિયા જેવી વાસ આવવા લાગશે.
- સિન્થેટિક દૂધ કેવી રીતે ઓળખવું : તમે દૂધને હથેળીમાં લઈને મસળશો તો શુદ્ધ દૂધ એકદમ સ્મૂધ અને નૅચરલ લાગશે. જ્યારે સિન્થેટિક અથવા ભેળસેળવાળું દૂધ સાબુ જેવું, લપસણું અને બિનકુદરતી લાગે છે.
સુરેશ ઉપ્પારાપલ્લી કહે છે કે આ બધા પ્રાથમિક સંકેત છે. દૂધમાં ભેળસેળનો ચોક્કસ અંદાજ કાઢવા માટે તેનું લૅબોરેટરીમાં પરીક્ષણ કરવું પડે છે.
લૅક્ટૉમિટરની મદદથી ગુણવત્તાની તરત જાણકારી મેળવો
ડેરી કેન્દ્રોમાં ઘણી વખત લૅક્ટૉમિટર તરીકે ઓળખાતી નાના ડિવાઇસનો ઉપયોગ થાય છે. લૅક્ટૉમિટર એવું ઉપકરણ છે જે દૂધની ઘનતા માપે છે.
દૂધમાં પાણી ભેળવવાથી ઘનતા ઘટી જાય છે. કેટલાક નક્કર પદાર્થો ભેળવવાથી તેની ઘનતા વધે છે. આ પરિવર્તનોના આધારે ગુણવત્તાનું પ્રાથમિક આકલન કરી શકાય છે.
વિશાખા ડેરી અને હેરિટેજ ડેરીમાં દૂધની ગુણવત્તાની તપાસ કરતા કર્મચારી રમેશ અને મુરલીએ બીબીસીને જણાવ્યું કે,
"દૂધની ગુણવત્તા નક્કી કરવા માટે તેમાં લૅક્ટૉમિટર ડૂબાડવામાં આવે છે અને તેનું ફ્લોટ લેવલ જાણવામાં આવે છે. સામાન્ય રીતે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર શુદ્ધ દૂધનું લૅક્ટૉમિટર રીડિંગ લગભગ 26થી 32 સુધી આવે છે. જો રીડિંગ ઓછું આવે તો તેમાં પાણી ભેળવ્યું છે તેમ માની શકાય. જો રીડિંગ વધુ આવે તો તેમાં સ્ટાર્ચ અને યુરિયા જેવા પદાર્થ ભેળવ્યા હોઈ શકે છે."
મુરલીએ જણાવ્યું કે "લૅક્ટૉમિટરથી તાત્કાલિક પરિણામ મળે છે. જોકે, તે માત્ર ઘનતા માપે છે. આ ઉપરાંત તેમાં રાસાયણિક ભેળસેળની ખબર નથી પડતી. તેના થકી પરીક્ષણ માત્ર એક પ્રારંભિક સંકેત છે. સચોટ તારણ માટે લૅબોરેટરીમાં પરીક્ષણ આવશ્યક છે."
રમેશે જણાવ્યું કે ચરબી, ચરબીયુક્ત ઘન પદાર્થ અને માઇક્રોબાયૉલૉજિકલ ટેસ્ટ કરીને દૂધની ગુણવત્તાનું સંપૂર્ણ આકલન કરી શકાય છે.
ભેળસેળયુક્ત દૂધ આરોગ્ય માટે કેટલું નુકસાનકારક
સુરેશ ઉપ્પારાપલ્લીએ જણાવ્યું કે ભેળસેળયુક્ત દૂધ પીવાથી કે તેનાં ઉત્પાદનો ખાવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે.
દહીં, છાશ, પનીર, ઘી, આઇસ્ક્રીમ, મીઠાઈઓ અને પાઉડર દૂધ બધામાં ભેળસેળયુક્ત પદાર્થ હાજર હોય છે.
તેનાથી પાચનને લગતી સમસ્યા, હાનિકારક સુક્ષ્મજીવોમાં વૃદ્ધિ, કિડની અને લીવર સંબંધિત તકલીફો થઈ શકે છે.
- પાણી ભેળવેલું દૂધ : પાચનને લગતી સમસ્યાઓ
- યુરિયા : કિડની પર તણાવ અને નુકસાન
- ડિટર્જન્ટ : આંતરડા પર સોજો, ગેસ્ટ્રાઇટિસ
- ફૉર્મેલિન : ઝેરી, લીવર અને કિડની માટે જોખમી
- સ્ટાર્ચ : ઝાડા થઈ શકે, ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી
- હાઇડ્રોડન પેરૉક્સાઈડ : પાચનને લગતી ગંભીર સમસ્યાઓ
'શુદ્ધતા અંગે શંકા હોય તો આટલું કરો'
સુરેશ ઉપ્પારાપલ્લીએ સલાહ આપી કે "તમને દૂધમાં ભેળસેળની શંકા હોય તો તેનું સેવન ન કરો. કોઈ અજાણતા તેનું સેવન કરે તો ઊલટી, ઝાડા અને માથાનો દુ:ખાવો જેવી સમસ્યા થઈ શકે. બાળકો અને ગર્ભવતી મહિલાઓએ તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ બધું સાવધાનીથી કરવું જોઈએ."
તેમણે કહ્યું કે દૂધમાં કોઈ ભેળસેળની શંકા હોય તો તેને સીલબંધ કરી દો અને સ્થાનિક ખાદ્ય નિરીક્ષક પાસે તેની ફરિયાદ દાખલ કરો.
તેમણે કહ્યું કે, ગ્રાહકના આરોગ્ય અને સુરક્ષાને ખતરામાં નાખતી પ્રથાઓને 'ફૂડ ફ્રૉડ' કહી શકાય છે.
જોકે, ભેળસેળરહીત દૂધ ખરીદવું, તેની ગુણવત્તાની ચકાસણી કરવી અને ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ વધારવી જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન