You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દારૂ પીવાને કારણે મહિલાઓને પુરુષો કરતાં કેવી વધુ ગંભીર અસરો થાય?
- લેેખક, મૅરિસા ટેલર
- પદ, ફીચર્સ સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
આજકાલ મહિલાઓમાં પણ દારૂની લત અતિશય વધી રહી છે, પરંતુ મૅડિકલ ક્ષેત્રે હજુ તેમની સમસ્યાઓ પર જરૂરી ધ્યાન આપ્યું નથી.
એક સમય એવો હતો કે પશ્ચિમી દેશોમાં માત્ર પુરુષો જ વધુ પ્રમાણમાં દારૂ પીતા હતા.
'મૅડ મેન' જેવા પ્રખ્યાત ટીવી શોમાં પણ આવું જ દેખાડવામાં આવતું હતું. આ શોમાં ડ્રોન ડ્રેપર જેવા લોકો ઑફિસમાં છુપાડવામાં આવેલી દારૂની બૉટલોમાંથી દારૂ પીતા હતા.
લંચ વખતે ત્રણ માર્ટિની પીતા હતા અને નોકરી પૂરી થતાં એવી જગ્યાઓ પર જતા હતા જ્યાં મહિલાઓ તો જવાની પણ હિંમત ન કરી શકે.
આપણી બોલીવૂડ ફિલ્મોમાં પણ મહિલાઓને દારૂ પીતી દેખાડવી એવાં દૃશ્યો હજુ પણ ઓછા જોવા મળે છે.
પરંતુ હવે નિષ્ણાતોએ ધ્યાન ખેંચ્યું છે કે દારૂની જાહેરાતોમાં મહિલાઓને ટાર્ગેટ કરવાને કારણે અને સમાજમાં મહિલાઓની ભૂમિકામાં બદલાવને કારણે આ તસ્વીર ધીમે-ધીમે બદલાઈ રહી છે .
હકીકતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં બે ગણી સંભાવના દેખાય છે કે તે એક જ વારમાં વધારે દારૂ પી લે.
પરંતુ યુવાનો માટે આ સ્થિતિ બદલાઈ રહી છે. હકીકતમાં 1991 અને 2000ની વચ્ચે જન્મેલી છોકરીઓ હવે તેમની ઉંમરના છોકરાઓ જેટલો જ દારૂ પી રહી છે. એવા સંકેતો મળી રહ્યા છે તેઓ ઝડપથી છોકરાઓની આગળ નીકળી જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંકડાઓ શું કહી રહ્યા છે?
પુરુષોની જેમ મહિલાઓ પણ હવે દારૂનાં દુષ્પરિણામોથી પીડિત થવા લાગી છે.
અમેરિકાના આંકડાથી ખ્યાલ આવે છે કે 2000 અને 2015 વચ્ચે 45થી 64 વર્ષની ઉમરની મહિલાઓમાં લિવરની બીમારી (સિરોસિસ)થી થનારા મોતના દરમાં 57 ટકાનો ભારે વધારો જોવા મળ્યો છે. જ્યારે પુરુષોમાં આ દર 21 ટકા હતો.
આ સિવાય 25થી 44 વર્ષની મહિલાઓમાં આ જોખમ 18 ટકા વધી ગયું છે. જ્યારે આ ઉંમરના પુરુષોમાં આ જોખમ 10 ટકા ઘટી ગયું છે. એટલું જ નહીં, દારૂના ઑવરડોઝને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય એવી મહિલાઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
પરંતુ અસલ સમસ્યા એ નથી કે મહિલાઓ વધુ દારૂ પીવે છે. સંશોધકોને જાણવા મળ્યું છે કે દારૂ મહિલાઓના શરીર પર પુરુષોની સરખામણીમાં અલગ રીતે પ્રભાવ પાડે છે.
વૈજ્ઞાનિકોને તેમના સંશોધનમાં જાણવા મળ્યું છે મહિલાઓમાં ઍલ્કોહોલ ડિહાઇડ્રોઝનેઝ (ADH) નામના એન્ઝાઇમનું ઉત્પાદન ઓછું થતું હોય છે. આ એન્ઝાઇમ લિવરમાં જોવા મળે છે અને શરીરમાં દારૂને પચાવવા માટે જવાબદાર હોય છે.
એક વાત એ પણ છે કે શરીરની ચરબી દારૂને રોકી રાખે છે જ્યારે પાણી તેને સમગ્ર શરીરમાં ફેલાવવામાં અને પાતળો કરવામાં મદદ કરે છે. મહિલાઓમાં સ્વાભાવિક રીતે પાણીનું પ્રમાણ ઓછું હોય છે એટલે તેમના શરીર પર દારૂનો પ્રભાવ વધુ તીવ્ર હોય છે.
મહિલાઓ પર કેમ દારૂની અસર વધુ થાય છે?
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મનોચિકિત્સક ડૉન શુગરમૅન કહે છે, "મહિલાઓની શારીરિક સંરચના તેમને દારૂ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. એ કારણ છે કે દારૂની લતવાળી મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે."
જે મહિલાઓ વધુ પ્રમાણમાં દારૂ પીવે છે તેમને પુરુષોની સરખામણીમાં લત લાગવાની અને અન્ય બીમારીઓ થવાની સંભાવના વધુ હોય છે. સંશોધકો આને 'ટૅલિસ્કોપિંગ' કહે છે.
પરંતુ તેનો અર્થ શું છે? મહિલાઓ પુરુષોની સરખામણીમાં મોડા દારૂ પીવાનો શરૂ કરે છે પરંતુ તેમને લત જલ્દી લાગી જાય છે. મહિલાઓનું લિવર, હૃદય અને તંત્રિકાઓ પુરુષોની સરખામણીમાં વધુ ઝડપથી ક્ષતિગ્રસ્ત થાય છે.
શરીર પર પડનારા પ્રભાવોમાં લિંગ આધારિત અંતર સમજવા છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ શક્ય બન્યા છે.
ઉદાહરણ તરીકે એડીએચમાં આ અંતર જોવા મળે છે એવું પહેલું અધ્યયન 1990માં પ્રકાશિત થયું હતું.
હકીકતમાં 1990 સુધી દારૂ સંબંધિત તમામ મેડિકલ રિસર્ચ પુરુષો પર જ કરવામાં આવતા હતા.
વૈજ્ઞાનિકોનું માનવું હતું કે રિસર્ચમાં જેટલી ચીજો બદલાય એટલું જ વધુ સારું છે અને લિંગ આધારિત સંશોધનો તેમાં મોટા બદલાવો પૈકી એક હતા.
એ સિવાય એવી સામાન્ય ધારણા હતી કે દારૂ પીવો એ માત્ર પુરુષોની સમસ્યા છે એટલે મહિલાઓ પર કોઈ સંશોધન થતું નહોતું.
કોઈએ એ વાત પર વિચાર ન કર્યો કે તેનાથી પુરુષોને કેટલી સમસ્યા થાય છે.
મહિલાઓને દારૂથી કેવી સમસ્યાઓ થાય છે?
જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ જેવી સરકારી એજન્સીઓએ એક કડક નિયમ લાગુ કર્યો કે જેમાં મહિલાઓ અને અલ્પસંખ્યકોને તમામ મેડિકલ શોધમાં સામેલ કરવાનો આદેશ હતો, એ પછી મેડિકલ શોધમાં લાંબા સમયથી ચાલ્યા આવતું ગંભીર લૈંગિક અંતર સમાપ્ત થઈ ગયું.
નૉર્થ ડાકોટા યુનિવર્સિટીના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સાયકોલૉજી અને બિહેવિયરલ સાયન્સ વિભાગના પ્રોફેસર શેરોન વિલ્નાક કહે છે કે, "લોકોએ મહિલાઓને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. મહિલાઓ વિશે જે થોડીઘણી સમજ હતી એ, એ જ હતી કે જો પુરુષોમાં સંશોધન થાય તો એ જ મહિલાઓ પર લાગુ થતું હશે."
જ્યારે વિલ્નાકે 1970ના દાયકામાં મહિલાઓ અને દારૂ પર તેમનો શોધનિબંધ લખ્યો તો તેમને લાઇબ્રેરીમાં આ વિષય પર માત્ર સાત જ સંશોધનો મળ્યાં હતાં.
ત્યાર પછી તેમના પતિએ મહિલાઓની દારૂ પીવાની આદતો પર મોટું સંશોધન કર્યું.
તેમને જોવા મળ્યું હતું કે મહિલાઓમાં દારૂની લતનાં કારણો પુરુષો કરતાં અલગ હોઈ શકે છે.
ઘણીવાર તેઓ બાળપણમાં થયેલા જાતીય શોષણને કારણે દારૂનો ટેકો લે છે. આજે આ શોધ ખૂબ મહત્ત્વપૂર્ણ થઈ ગઈ છે.
2000ના દાયકામાં કરવામાં આવેલા બ્રેઇન સ્કેનથી એ વાત સામે આવી છે કે મહિલાઓનું મગજ પુરુષોની સરખામણીમાં દારૂ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.
પરંતુ ડૉ. માર્લીન ઑસ્કર-બર્મનને કંઈક અલગ જ જાણવા મળ્યું હતું.
જ્યારે તેમણે લાંબા સમય સુધી દારૂ પીનારા લોકોના મગજનું અધ્યયન કર્યું તો તેમને જાણવા મળ્યું કે શરાબી પુરુષોના મગજમાં 'રિવૉર્ડ સેન્ટર' (એ ભાગ જે આનંદ આપે છે) સંકોચાઈ ગયું હતું. આ ક્ષેત્ર નિર્ણયો લેવા અને જીવિત રહેવા માટે મહત્ત્વપૂર્ણ છે.
પરંતુ દારૂ પીનારી મહિલાઓમાં આ ક્ષેત્ર એટલું સંકોચાયેલું નહોતું જોવા મળ્યું. તેનો અર્થ એ જે કે તેમના મગજને ઓછું નુકસાન પહોંચ્યું હતું.
ડૉ. ઑસ્કર બર્મન કહે છે, "અમને એ જાણીને આશ્ચર્ય થયું. આ પરિણામોએ એ જૂની ધારણાનું ખંડન કર્યું કે મહિલાઓના મગજમાં વધારે ક્ષતિ થાય છે. જોકે, વૈજ્ઞાનિકો આનું કારણ જાણી શક્યા નથી."
ડૉ. સુગરમેનના મતે, આ બધું સાબિત કરે છે કે સ્ત્રીઓ માટે અલગ અભ્યાસ હોવો કેટલો મહત્ત્વપૂર્ણ છે.
તેઓ કહે છે, "જ્યારે દારૂના વ્યસનવાળી મહિલાઓના ફક્ત મહિલાઓ માટેના જૂથમાં અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે તેનાં પરિણામો ખૂબ સારા મળે છે. ત્યાં, તેઓ તેમના વ્યસનનાં વાસ્તવિક કારણો અને તેમના શરીર પર તેની અસરોને સમજી શકે છે."
મહિલાઓ પુરુષો કરતાં અલગ કારણોસર દારૂ પીવે છે. મહિલાઓ ઘણીવાર તેમના ભાવનાત્મક દુ:ખને ભૂલી જવા માટે દારૂ પીવે છે, જ્યારે પુરુષો દબાણ અથવા પીઅર-પ્રેશરને કારણે દારૂ પીવે છે.
સુગરમેન કહે છે, "કેટલીક મહિલાઓની પહેલાં 10 વખત સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેમને ક્યારેય જાણ કરવામાં આવી ન હતી કે મહિલાઓ દારૂથી વધુ પ્રભાવિત થાય છે અથવા તેની તેમના શરીર પર અલગ અલગ અસરો થાય છે."
મહિલાઓની શારીરિક બનાવટ અને ભૂતકાળના આઘાતને કારણે તેમની દારૂ પીવાની રીત અલગ હોય છે.
ઉદાહરણ તરીકે, બળાત્કારનો ભોગ બનેલી મહિલા 70 ટકા પુરુષોના જૂથમાં સુરક્ષિત અનુભવતી નથી.
જ્યારે આવી મહિલાઓ અન્ય મહિલાઓના અનુભવો સાંભળે છે, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તે એકલી નથી અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે.
ટૂંકમાં, જે પુરુષો માટે કામ કરે છે તે મહિલાઓ માટે પણ કામ કરશે તેવી જૂની માનસિકતાનો કાયમ માટે ત્યાગ કરવો જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન