ભારતમાં 15 મિનિટમાં ઘરકામ કરનાર મળી જાય, પણ શું તે વ્યવસ્થા વાજબી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિકિતા યાદવ
- વાંચવાનો સમય: 6 મિનિટ
દેશની રાજધાની દિલ્હીની નજીક નોઇડામાં મંગળવારે બપોરે સીમા કુમારી જાંબલી રંગની ટી-શર્ટ પહેરીને આવે છે અને સીધાં જ કામે વળગી જાય છે.
રસોડાનાં કાઉન્ટર્સ અને બાલ્કની સાફ કરે છે, ચાદર બરાબર પાથરે છે અને ઘરમાં પોતું લગાવે છે. 55 મિનિટમાં તો ઘર ચોખ્ખું-ચણાક અને એકદમ વ્યવસ્થિત થઈ જાય છે.
સીમા અર્બન કંપનીમાં કામ કરે છે. આ ઍપ થકી ગ્રાહકો ઍટ-હોમ સર્વિસ બુક કરાવે છે, જેમાં સાફ-સફાઈથી લઈને બ્યૂટી ટ્રિટમેન્ટ્સ જેવી સેવાઓ અમુક વખત તો 15 મિનિટની અંદર જ પ્રાપ્ત કરી શકાય છે.
ભારતમાં ઘરેલુ કામ કરનારાઓની ગોઠવણ લાંબા સમયથી મૌખિક રીતે જ થતી આવે છે. વર્કરોને અનૌપચારિક રીતે કામ પર રાખવામાં આવે છે અને રોકડ ચૂકવણી થતી હોય છે.
હવે, સ્ટાર્ટઅપ્સ આ સેવાઓ ઑનલાઇન શરૂ કરી રહ્યાં છે અને નાનાં કાર્યો માટે શહેરોમાં ઑન-ડિમાન્ડ બુકિંગ્ઝની સેવા પૂરી પાડી રહ્યાં છે.
તેઓ એક વિશાળ અને મહદઅંશે અનિયમિત બજારમાં પ્રવેશ કરી રહ્યાં છે - જેમાં અંદાજે ત્રણ કરોડ ડોમેસ્ટિક વર્કર્સનો સમાવેશ થાય છે.
વળી, તેમાં ઘણી મહિલાઓ છે, જેમની પાસે ઔપચારિક નોકરીના અત્યંત ઓછા વિકલ્પો ઉપલબ્ધ છે.
કેવી રીતે કામ કરે છે વ્યવસ્થા?

ગયા વર્ષે લૉન્ચ થયેલી ઍપ પ્રૉન્ટોના જણાવ્યા પ્રમાણે, તેણે માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં જ દૈનિક 15,000 બુકિંગ્ઝનો આંકડો હાંસલ કરી લીધો છે અને તેમાં દિલ્હી તથા આસપાસનાં શહેરોમાં સૌથી ઊંચી માગ જોવા મળે છે. તે પછીના ક્રમે મુંબઈ અને બેંગલુરુ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં ઘરેલુ કામ માટે ઓછું વેતન ચૂકવાય છે. વળી, આ ક્ષેત્ર અસુરક્ષિત તથા મહદ્અંશે અનિયમિત છે, કારણ કે, આ કામ ખાનગી ઘરોમાં થતું હોય છે.
અર્બન કંપની અને પ્રૉન્ટો જેવી કંપનીઓ કહે છે કે, તેઓ તાલીમ, સ્ટાન્ડર્ડાઇઝ્ડ પ્રાઇસિંગ અને ડિજિટલ ચૂકવણી થકી આ ક્ષેત્રને ઔપચારિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી રહી છે. તેના કારણે વર્કરો માટે નવી તકો સર્જાય છે પણ સાથે જ દબાણ અને નિયંત્રણો પણ આવે છે.
આ પ્લૅટફૉર્મ સાથે જોડાતાં પહેલાં સીમા ગાર્મેન્ટ ફૅક્ટરીમાં કામ કરતાં હતાં અને મહિને 10,000થી 14,000 રૂપિયા (108 ડૉલર, 81 પાઉન્ડ) જેટલી આવક રળતાં હતાં.
ગયા વર્ષે અર્બન કંપનીમાં ભરતી થઈ રહી હોવાનું જાણ્યા પછી તેમણે નોકરી છોડી દીધી.
"હવે હું દર મહિને 20,000 રૂપિયા જેટલું કમાઈ લઉં છું અને આ આવક મારાં બે બાળકોના ઉછેરમાં સહાયરૂપ બની રહે છે," એમ તેમણે કહ્યું હતું.
પણ આ નવી વ્યવસ્થાને કારણે તેમણે અગાઉ કદીયે ન અનુભવેલા દબાણનો સામનો કરવો પડે છે.
દરેક કામ પછી તેમણે સારું રેટિંગ માગવું પડે છે - જે આગામી કામ માટે જરૂરી બની રહે છે. જો રેટિંગ નીચું મળે, તો તેમની વિઝિબિલિટી કે બુકિંગ્ઝ ઘટી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
પરંપરાગત વ્યવસ્થાઓથી અલગ, પ્લૅટફૉર્મ ઉપરનું કામ અલગોરિધમ ઉપર આધારિત હોય છે, જે કામ પૂરું પાડે છે, પર્ફોર્મન્સને ટ્રૅક કરે છે તથા દંડ પણ વસૂલે છે.
પણ તેની સામે પરંપરાગત કામ આદર્શ સ્થિતિથી સાવ વિપરીત હોય છે.
ખાનગી ઘરોમાં ઘણી વખત કલાકો સુધી કામ કરવું પડે છે, કામનો પ્રકાર નક્કી નથી હોતો, વળતર મળવામાં મોડું થતું હોય છે અને કેટલીક વખત ચૂકવણીને લઈને પરેશાન પણ કરવામાં આવે છે અને નજીવી સુરક્ષા મળતી હોય છે. આ વ્યવસ્થાની અનૌપચારિકતા વર્કરોને અસુરક્ષિત બનાવે છે.
સીમા જણાવે છે કે, તેઓ ઑન પેપર દર મહિને 25,000 રૂપિયા જેટલું કમાય છે, પણ નીચા રેટિંગ્ઝ, વિલંબ તથા કૅન્સલેશન બદલ દંડ થયા પછી તેના કરતાં ઓછી રકમ હાથમાં આવે છે.
"મને સંપૂર્ણ રકમ ફક્ત એક વખત જ મળી હતી, જ્યારે મેં એક પણ રજા નહોતી લીધી અને રોજ ઓછામાં ઓછા આઠ કલાક સુધી કામ કર્યું હતું."
પરિસ્થિતિ તેમના હાથમાં ન હોય, તેવા સમયે થતા વિલંબને કારણે પણ તેમને નુકસાન જતું હોય છે.
"ઘણી વખત અમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતાં જવું પડે છે. ક્યારેક સિક્યૉરિટી ગાર્ડ્ઝ બિલ્ડિંગમાં અમારાં પ્રવેશની ખરાઈ કરતી વખતે અમને ગૅટ પર ઊભાં રાખે છે."
"તેના લીધે અમારે મોડું થાય છે અને પછી અમારી પાસેથી દંડ વસૂલાય છે - પછી ભલે અમારે પાંચ મિનિટ જ મોડું થયું હોય."
ગુડગાંવસ્થિત અન્ય એક મહિલાએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, તેમની હોમ-સર્વિસ મૅઇડ (ઘરકામ કરનાર) થોડી મોડી પડતાં સર્વિસ પ્રોવાઇડરે તેને 10 રૂપિયાનો દંડ કર્યો હતો - જે તે મૅઇડે તેમને ઍપ ઉપર બતાવ્યો હતો.
બીબીસીએ અર્બન કંપનીનો સંપર્ક સાધતાં, તેમણે મોડા પડવા બદલ કરવામાં આવતા દંડ વિશે ટિપ્પણી કરી ન હતી. પ્રૉન્ટોએ સ્પષ્ટતા કરી હતી કે, તે મોડાં આવનારા વર્કરો પાસેથી દંડ વસૂલતી નથી.
ત્યાર બાદ રિવ્યૂ પણ માથાનો દુખાવો બનતા હોય છે. એક હેલ્પરથી પડદાનો સળિયો તૂટી ગયો હતો. તે પછી તે હેલ્પરે તેને "નૅગેટિવ રેટિંગ" ન આપવાની આજીજી કરી હતી.
"મારી પ્રોફાઇલ ઉપર તેની અવળી અસર પડશે," એમ તેમણે કહ્યું હતું.
આ કામદારો પાસેથી કેવી અપેક્ષાઓ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રમ અધિકાર ચળવળકર્તાઓ તેનો વિરોધ કરતાં કહે છે કે, આવી સમય આધારિત અપેક્ષાઓ અવાસ્તવિક હોઈ શકે છે.
કર્મશીલ આકૃતિ ભાટિયાએ જણાવ્યું હતું, "એવી અપેક્ષા સેવવી અમાનવીય છે કે, કોઈ વ્યક્તિ 15 મિનિટમાં હાજર થઈ જાય. તે લોકો પણ માણસો છે, ઑટોમેટિક મશીનો નથી."
દબાણ કેવળ ઝડપ પૂરતું સીમિત નથી હોતું - તેની અસર ચૂકવણી ઉપર પણ પડતી હોય છે.
પ્લૅટફૉર્મ્સમાં નિશ્ચિત આવકથી લઈને પ્રોત્સાહન સાથેના પ્રત્યેક કામદીઠ ચૂકવણીનાં મૉડલ્સ સુધીની ભિન્નતા પ્રવર્તે છે, જેના કારણે આવક નક્કી નથી હોતી અને તે રેટિંગ્ઝ અને અલગોરિધમના આધારે નક્કી થાય છે.
પ્રૉન્ટોનાં સ્થાપક અંજલિ સરદાના કહે છે કે, તેમના સ્ટાર્ટઅપનો હેતુ સીધાં બૅન્ક સૅલરી પેમેન્ટ્સ તથા આરોગ્ય અને અકસ્માત વીમા મારફત આ ક્ષેત્રને ઔપચારિક સ્વરૂપ આપવાનો છે.
પંરતુ, આલોચકોને તે અંગે શંકા છે.
ભાટિયા કહે છે કે, ચૂકવણીની પ્રક્રિયા ઔપચારિક થઈ હોવા છતાં, વર્કરો હજુયે પેઇડ લિવ અને પેન્શન જેવા મૂળભૂત હક્કોથી વંચિત છે. શ્રમિક સંગઠનોની પાંખી હાજરીને કારણે મોટાભાગના વર્કરો પાસે સોદાબાજી કરવાની શક્તિનો અભાવ વર્તાય છે.
પ્લૅટફૉર્મ્સ કહે છે કે, તેમણે ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરી છે અને જો સ્ટાફ કોઈ પ્રતિકૂળ સ્થિતિમાં ફસાઈ જાય, તો તે સ્થિતિમાં તેમને ઝડપી સહાયતા પૂરી પાડવામાં આવે છે.
તેમ છતાં, આ પગલાં કામની રોજિંદી વાસ્તવિકતાઓને બદલવામાં ખાસ મદદરૂપ થતાં નથી, પરિણામે સ્થિતિ મુશ્કેલ બને છે.
હૈદરાબાદમાં રહેતાં અમૃતા સાફ-સફાઈનું કામ કર્યા પછી કાર્યસ્થળે પાણી પીવાનો ઇનકાર કરી દે છે.
તેઓ કહે છે કે, તેઓ શિફ્ટ દરમિયાન પાણી પીવાનું ટાળે છે, કારણ કે, તેમને ખબર નથી હોતી કે, બુકિંગ્ઝ દરમિયાન તેમને વૉશરૂમ મળશે કે નહીં.
ભારતનાં ઘણાં ઘરોમાં ઘર માલિકો ઘરેલુ કામ કરનારાઓને શૌચાલયનો ઉપયોગ કરવાની પરવાનગી આપતા નથી.
કંપનીઓનું કહેવું છે કે, તેઓ સેવા કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા પૂરી પાડે છે, પણ વર્કરોને ઘણી વખત તે અંગે જાણકારી નથી હોતી. બે કામની વચ્ચે તેઓ બગીચા, સીડી અથવા બસ સ્ટૉપ જેવાં જાહેર સ્થળો પર રાહ જુએ છે.
આમ, તેમનો આરામનો સમય હવે બચતો નથી. કામદારો કહે છે કે, માગ વધવા સાથે તેમના આરામનો સમય સતત ઘટી રહ્યો છે.
સીમા કહે છે, "કેટલીક વખત તો મને જમવાનો પણ સમય મળતો નથી. મારા આરોગ્ય ઉપર તેની અસર થઈ રહી છે."
સમસ્યા જૂની અને અલગ પણ
લવચિકતા અને દબાણ વચ્ચેનું આ સમાધાન કંઈ નવું નથી. ઉબર જેવી રાઇડ-હેઇલિંગ સેવાઓ અને ઝોમેટો જેવાં ગિગ પ્લૅટફૉર્મ્સ પ્રથમ વખત ભારતમાં આવ્યાં, તે સમયે પણ આવી સ્થિતિ જોવા મળી હતી.
ભાટિયા કહે છે, "આ પૅટર્ન અગાઉ પણ જોવા મળી છે. ઘણાં પ્લૅટફૉર્મ્સ શરૂઆતમાં યૂઝર્સ તથા વર્કરોને આકર્ષવા માટે ઊંચાં વેતન તથા ડિસ્કાઉન્ટ્સ ઓફર કરે છે. પણ સમય વીતવા સાથે સંતુલન બદલાવા માંડે છે."
યુવાન શહેરી યૂઝર્સમાં ઝડપી ઘરેલુ સેવાઓ લોકપ્રિય થઈ રહી છે, તેમ છતાં કેટલાક પરિવારો હજુયે ખચકાટ અનુભવે છે.
દિલ્હીમાં રહેતાં સુષ્મા કહે છે કે, તેમના ઘરે કામ કરવા આવતી બાઈ રજા પર હોવાથી તેમનાં બાળકોએ જ્યારે પ્રથમ વખત ઍપના આધારે ક્લિનરનું બુકિંગ કર્યું, ત્યારે તેમને ખાસ વિશ્વાસ નહોતો બેઠો.
તેમણે કહ્યું હતું કે, "હું તે વ્યક્તિને જાણતી નહોતી, તો તેને મારા ઘરમાં કેવી રીતે આવવા દઉં?"
વળી, સુષ્માને એ ચિંતા પણ સતાવતી હતી કે, આ જાણીને તેમની નિયમિત કામવાળીને કેવું લાગશે?
તેમનો આ ખચકાટ પરિવારો અને તેમના ઘરેલુ કામદારો વચ્ચેના લાંબા ગાળાના સંબંધો માટે આ પ્લૅટફૉર્મ્સ શું અર્થ ધરાવે છે, તેનું પ્રતિબિંબ પાડે છે.
આ સેવાઓ વધી રહી છે, તેની સાથે કામની વ્યવસ્થા અને તેને લઈને બંને પક્ષોના અનુભવો પણ નવો આકાર પામી રહ્યા છે.
આ દરમિયાન, નોઇડામાં સીમા તેમના ફોનમાં આવેલું નવું બુકિંગ ચેક કરે છે.
"આ કામ અઘરું છે અને હું બીજી તકો તરફ નજર દોડાવી રહી છું, પણ હાલના તબક્કે તો આ કામને કારણે હું મારાં બાળકોની કાળજી લઈ શકું છું. આથી, મેં તે ચાલુ રાખ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

































