You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિપ ઑફ ગોલ્ડ : સોનું ભરેલું જહાજ દરિયામાં ડૂબી ગયું અને ખજાનો શોધનારને દસ વર્ષ જેલ થઈ
- લેેખક, ગ્રેસ એલિઝા ગૂડવિન
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 3 મિનિટ
સોનાના ખજાના સાથે જળસમાધિ લેનારા એક જહાજમાંથી એક સાહસિકે સોનું શોધી કાઢ્યું, પરંતુ તેમાં રહેલા સિક્કા ક્યાં ગયા તેની માહિતી ન આપી. આ કારણથી તે વ્યક્તિને અમેરિકામાં એક દાયકા સુધી જેલમાં પૂરી રખાયા બાદ અંતે મુક્ત કરવામાં આવી છે. જોકે, જહાજમાંથી ગુમ થયેલા 500 સિક્કાનો હજુ સુધી કોઈ પતો નથી. ટૉમી થૉમ્પસન નામની વ્યક્તિ હાલમાં 73 વર્ષની છે.
ટૉમી ઊંડા દરિયામાંથી ખજાનો શોધવાનું કામ કરતા હતા. તેમણે 1857માં સાઉથ કેરોલિના નજીક ડૂબી ગયેલા 'એસએસ સૅન્ટ્રલ અમેરિકા' નામના જહાજમાંથી 1988માં કરોડો ડૉલરના મૂલ્યનો ખજાનો શોધી કાઢ્યો હતો. આ જહાજ 'શિપ ઑફ ગોલ્ડ' તરીકે પણ ઓળખાતું હતું.
થૉમ્પસનના સાહસમાં રોકાણ કરનારા લોકોનો આરોપ છે કે થૉમ્પસને તેમને છેતર્યા હતા અને વચન મુજબ રકમ આપી ન હતી. કેટલાંય વર્ષો સુધી નાસતા રહ્યા પછી 2015માં થૉમ્પસનને પકડવામાં આવ્યા હતા.
રોકાણકારોની સાથે છેતરપિંડી
1857માં જહાજ ડૂબી ગયું ત્યારે તેમાં 30 હજાર પાઉન્ડના મૂલ્યનું સોનું હતું, જે સાન ફ્રાન્સિસ્કોમાં નવું જ ઘડવામાં આવ્યું હતું.
આ જહાજમાં રહેલો સોનાનો ખજાનો બૅન્કોના અનામત (રિઝર્વ) માટે ઈસ્ટ કોસ્ટ મોકલાઈ રહ્યો હતો, ત્યારે સમુદ્રમાં ડૂબીને 7000 ફૂટની ઊંડાઈએ પહોંચી ગયું હતું. તેની સાથે 425 પ્રવાસીઓ અને ચાલકદળના સભ્યો પણ ડૂબી ગયા હતા, જેના કારણે 1857માં નાણાકીય કટોકટી સર્જાઈ હતી.
કુલ મળીને 161 રોકાણકારોએ જહાજનો ખજાનો શોધવા થૉમ્પસનને 12.7 મિલિયન ડૉલર (લગભગ 117.58 કરોડ રૂપિયા) આપ્યા હતા. તેમને આશા હતી કે તેમને રોકાણ સામે વળતર મળશે.
થૉમ્પસન તે સમયે ઓહાયોની 'બૅટલ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ'ના ઓશનિક એન્જિનિયર હતા. તેમણે પોતાના માણસો સાથે મળીને 1988માં સેંકડો ગોલ્ડ બાર (સોનાની લગડીઓ) અને સિક્કા શોધી કાઢ્યા હતા. તેમાંથી મોટા ભાગનો હિસ્સો તેમણે વર્ષ 2000માં એક ગોલ્ડ માર્કેટિંગ કંપનીને પાંચ કરોડ ડૉલરમાં વેચી નાખ્યો હતો.
સમુદ્રના પેટાળમાંથી ખજાનો શોધાયો
બીબીસીની અમેરિકન પાર્ટનર સીબીએસ ન્યૂઝ મુજબ, થૉમ્પસનનું કહેવું હતું કે તેને જે સિક્કા મળ્યા હતા, તે તેણે બેલિઝમાં એક ટ્રસ્ટને આપી દીધા હતા અને સોનાના પ્રથમ જથ્થાના વેચાણમાંથી જે નફો મળ્યો તે બૅન્કની લોન અને કાનૂની ખર્ચ ચૂકવવામાં વપરાઈ ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નારાજ રોકાણકારોએ 2005માં થૉમ્પસન સામે કેસ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ખજાનાના વેચાણમાંથી તેમને કંઈ મળ્યું નથી.
ત્યારબાદ થૉમ્પસન સામે દાખલ થયેલી ફોજદારી (ક્રિમિનલ) ફરિયાદમાં કહેવાયું કે સમુદ્રના પેટાળમાંથી તેને જે ગોલ્ડ બાર અને સિક્કા મળ્યા હતા, તેની કિંમત 40 કરોડ ડૉલર થતી હતી.
કોર્ટમાં હાજર થવાનો આદેશ હોવા છતાં 2012માં થૉમ્પસન ગુમ થઈ ગયા અને વર્ષો સુધી નાસતા-ભાગતા રહ્યા પછી 2015માં તેઓ અને તેમના એક સાથીદાર ફ્લોરિડાના બોકા રેટોન ખાતે પકડાઈ ગયા હતા.
એક દાયકાનો જેલવાસ ભોગવ્યો
તેઓ પોતાનું નામ બદલીને બે વર્ષ સુધી એક હોટલમાં રહ્યા હતા, જ્યાં તેઓ રોકડમાં ભાડું આપતા હતા.
પોલીસથી બચવા માટે તેઓ ટેક્સી અને જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હતા. પરંતુ અંતે તેઓ પકડાઈ ગયા અને ગુમ થયેલા 500 સિક્કા ક્યાં ગયા તેની માહિતી ન આપવા બદલ તેમને ડિસેમ્બર 2015માં જેલમાં મોકલવામાં આવ્યા.
સિવિલ અવમાનનાના કેસમાં સજા સામાન્ય રીતે અનિશ્ચિત મુદત સુધી ચાલે છે, જ્યાં સુધી વ્યક્તિ કોર્ટના આદેશનું પાલન ન કરે.
આ કેસમાં ગુમ થયેલા સિક્કાનું સ્થળ જણાવવાનો આદેશ હતો. પરંતુ ગયા વર્ષે થૉમ્પસનની સિવિલ અવમાનનાની સજા ખતમ કરવા જજ સહમત થયા. સીબીએસ ન્યૂઝ મુજબ, જજે દલીલ કરી કે થૉમ્પસન હવે કોઈ જવાબ આપે તેવી શક્યતા ઘણી ઓછી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન