પર્શિયા જીત્યા બાદ આરબો એકબીજા સાથે કેમ ઝઘડવા લાગ્યા, ઈરાની સંસ્કૃતિનું શું થયું?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 11 મિનિટ

આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે. પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી. તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે. એક સમયે હાલના આ ઈરાનના સામ્રાજ્યની જડો યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલી હતી. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત પાંચ પૈકી ત્રણ લેખ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ચોથો લેખ છે.

અગાઉના લેખમાં આપણે જોયું કે સાસાનિયન વંશના કુલ લગભગ 28 જેટલા સમ્રાટોએ ઈ.સ. 226થી લઈને ઈ.સ. 651 સુધી 425 વર્ષ સુધી રાજ કર્યું.

સાસાનિયન વંશના છેલ્લા રાજા યજદેજર્દની નેહાવંદની લડાઈમાં હાર થઈ અને જરથોસ્તી ધર્મના અનુયાયીઓનું આ મહાન સામ્રાજ્ય આરબોના હાથમાં આવી ગયું. આ લેખ વાંચવા માટે નીચે દર્શાવેલી લિંક પર ક્લિક કરો.

ઈરાન કબજે કર્યા બાદ આરબો તેમનું સામ્રાજ્ય વિસ્તારવા લાગ્યા.

ઈ.સ. 650 સુધી આરબોએ ઈરાની સામ્રાજ્યના બલ્ખ તથા આક્સસ પ્રદેશો પર કબજો કરી લીધો.

મહમદ પયગંબર ઈ.સ. 632માં એટલે કે હિજરત બાદ દસ વર્ષે મૃત્યુ પામ્યા. તેમના નિધન બાદ અબુ બકર ખલિફા થયા. બે વર્ષ બાદ અબુ બકર પણ મૃત્યુ પામ્યા એટલે ઉમર તેની જગ્યાએ ખલિફા થયા. તેઓ દસ વર્ષ સુધી ખલિફા રહ્યા. તેમણે આરબ અને ઇસ્લામી મહાનતાનો પાયો નાખ્યો. ખલીફાની હેસિયતથી ધર્માધ્યક્ષ અને રાજનીતિક સરદાર એટલે કે રાજા અને ધર્મના પ્રમુખ એમ બંને હતા.

ઊંચા હોદ્દા અને રાજ્યની વધી રહેલી શક્તિ છતાં, તેમણે પોતાની સાદગી ન છોડી અને એશ-આરામ તથા શાન-શૌકતમાં ન ફસાયા.

ઇસ્લામનું લોકતંત્ર તેમના માટે એક જીવંત ચીજ હતું. પરંતુ તેના અધિકારીઓ, હાકેમો અને આમીરો જલ્દી એશ-આરામમાં ફસાઈ ગયા. ઘણા કિસ્સાઓ છે કે જેમાં અબુ બકર અને ઉમરે તેમના આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી હોય.

તેમનું માનવું હતું કે કુસ્તુન્તિનિયા અને ઈરાનના બાદશાહી દરબારોના એશ-આરામની ચીજોને મંજૂર કરી લેવામાં આવશે, તો આરબ લોકો ભ્રષ્ટ થઈ જશે અને તેમનું પતન થઈ જશે.

દરમિયાનમાં આરબોએ પૂર્વ રોમન, ઈરાન, જેરુસેલમ, સીરિયા, ઇરાક જેવા પ્રદેશો પર કબજો કરી દીધો હતો.

જવાહરલાલ નહેરુ લખે છે, "મહમદ ઘણી સામાજિક પ્રથાઓના વિરોધી હતી. જે ધર્મનો તેમણે પ્રચાર કર્યો તેમાં સાદગી, સરળતા અને પોતાના લોકતંત્રની સમતાની સુગંધ હતી અને તેને કારણે આસપાસના દેશોની જનતાને તેઓ પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યા. નિરંકુશ રાજાઓ તથા પુરોહિતોને જનતાએ ઘણા દિવસ સુધી સહન કર્યા હતા. લોકો જૂની-પુરાણી પ્રણાલીથી કંટાળી ગયા હતા અને કોઈ બદલાવ ઇચ્છતા હતા."

"ઇસ્લામે એક પ્રકારે બદલાવનો પ્રસ્તાવ મૂક્યો. તેનું તેમણે સ્વાગત કર્યું. કારણ કે ઘણી બાબતોમાં પરિવર્તન આવ્યું, ઘણી બુરાઈઓ સમાપ્ત થઈ ગઈ."

"પરંતુ ઇસ્લામના આવવાથી બહુ મોટી સામાજિક ક્રાંતિ નહીં આવી, જેથી જનતાનું શોષણ સમાપ્ત થઈ જાય. હાં, ઇસ્લામને કારણે મુસલમાનોનું શોષણ ઓછું થયું."

આરબોએ યુરોપ સુધી આક્રમણ કર્યું

બીબીસીના પૂર્વ પ્રેઝન્ટર અને પૉલિટિકલ ઍડિટર ઍન્ડ્ર્યૂ મર્ર તેમના પુસ્તક "અ હિસ્ટ્રી ઑફ ધ વર્લ્ડ"માં લખે છે, "આરબોએ 632માં સાસાનિયન સામ્રાજ્યને હરાવ્યું, 637માં સીરિયા, 638માં જેરુસેલમ, 639માં મેસોપોટેમિયા અને 642માં ઇજિપ્ત પર કબજો કરી લીધો."

"ઇસ્લામની સેના જ્યારે આ પ્રદેશો પર હુમલો કરવા આવી ત્યારે તેઓ હજુ રોગચાળા અને યુદ્ધની ખુવારીમાંથી ઊભરવાની કોશિશ કરી રહ્યા હતા."

"તેમની સામે શિસ્તબદ્ધ રીતે ઊભેલા ક્રિશ્ચિયન રોમનો કે પછી પર્શિયન સામ્રાજ્ય જેવી મહાન શક્તિ પણ કશું જ નહોતી."

"તેઓ સીધી તલવાર સાથે લડતા, જે ભારતમાંથી આયાત કરવામાં આવતી હતી."

જવાહરલાલ નહેરુ પણ લખે છે, "ફિરદૌસીના પુસ્તક શાહનામામાં દિલચસ્પ વાત એ આવે છે કે હિંદુસ્તાનની તલવાર અને કટારનો, ઈરાની રાજાઓ દ્વારા કે સરદારો દ્વારા ઉપયોગ કરાતો હતો."

"જેનાથી ખબર પડે છે કે હિંદુસ્તાનમાં ઉત્તમ લોખંડની તલવારો બનતી હતી અને તેની વિદેશમાં ઘણી કદર હતી."

ઇતિહાસકારો લખે છે કે આરબોએ સિકંદરિયા (મિસ્ર એટલે કે ઇજિપ્તનું મોટું શહેર અને બંદર જેને ઍલેક્ઝેન્ડ્રિયા પણ કહે છે)નું મશહૂર પુસ્તકાલય સળગાવી નાખ્યું હતું. પરંતુ આ સાથે એ પણ જોવા મળ્યું છે કે કેટલાક ઇતિહાસકારો કહે છે કે આરબો પુસ્તકોના પ્રેમી હતા તેથી તેઓ આ કામ ન કરી શકે.

ઇતિહાસકારો એમ પણ કહે છે કે કુસ્તુન્તુનિયાના સમ્રાટ થિયોડોસિસ કદાચ આ પુસ્તકાલયને સળગાવી નાખવાનો અપરાધી હોય શકે. આ પુસ્તકાલયનો હિસ્સો તો આ પહેલાં જૂલિયસ સીઝરના જમાનામાં જ બરબાદ થઈ ચૂક્યો હતો.

આરબો પરસ્પર ઝઘડવા લાગ્યા

સ્પેનથી લઈને મધ્ય એશિયા અને ભારતના સિંધથી લઈને મંગોલિયા સુધીના પ્રદેશો આરબોના હાથમાં આવી ગયા. પરંતુ તેમની પરસ્પર ઝઘડવાની આદત નહોતી ગઈ. જેનો મહમદ પયગંબર વિરોધ કરતા હતા તે વિલાસિતાનો તેઓ ભોગ બની ગયા.

ખલીફાનું પદ મેળવવા માટે ગૃહયુદ્ધ પણ થતાં હતાં.

પહેલાં બે ખલીફા- અબુ બકર અને ઉમરના શાસન બાદ આ ઝગડો પેદા થયો. મહમદ પયગંબરનાં પુત્રી ફાતિમાના પતિ અલી કેટલાક દિવસ માટે ખલિફા થયા. તેમની હત્યા કરી દેવામાં આવી.

કેટલાક દિવસ બાદ તેમના પુત્ર હુસૈનને કરબલાના મેદાનમાં મારી નાખવામાં આવ્યા. કરબલાની યાદમાં શિયા મુસ્લિમો મુહર્રમ એટલે કે માતમ મનાવે છે. મુસ્લિમોમાં બે મુખ્ય ફાટા પડ્યા, શિયા અને સુન્ની.

પ્રારંભિક કાળમાં ઈરાનને રાશિદુન, ઉમ્મૈદ અને પછી અબ્બાસી ખલીફાઓના હાથે રાખવામાં આવ્યું હતું.

લગભગ સો વર્ષો સુધી મહમદ પયગંબરના વંશમાંથી જ ખલિફા થતા આવ્યા. પછી સીરિયાના ગવર્નરે રશિદુન વંશના ખલિફાને પડકાર્યા હતા.

મુઅવીયા પ્રથમે ગૃહયુદ્ધ બાદ વિજય પ્રાપ્ત કર્યો અને ખલિફા બન્યા. તેમના શાસનને ઉમ્મૈયા શાસન કહેવાય છે. દમિશ્ક(દમાસ્કસ) તેમની રાજધાની હતી.

ધન અને સામ્રાજ્યને કારણે આરબોમાં બદલાવ આવ્યો. ખલીફા હવે એક છત્ર રાજા થઈ ગયા. તેમની ચૂંટણી કે પસંદગીમાં લોકતંત્ર નહોતું. ખલીફા પણ હવે નિરંકુશ રાજા હતા.

બીબીસીના પૂર્વ પ્રેઝન્ટર અને પૉલિટિકલ ઍડિટર ઍન્ડ્ર્યૂ મર્ર તેમના પુસ્તક "અ હિસ્ટ્રી ઑફ ધ વર્લ્ડ"માં લખે છે,"મુસ્લિમોમાં પણ ખ્રિસ્તીઓની જેમ વિભાજનો થયાં અને તેમને પણ સત્તા અને રાજકારણના પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવ્યો."

"ઇસ્લામ પણ ગુલામો રાખનારો અને તેને વેચનારા સમાજનો હિસ્સો બની ગયો. ટૂંક સમયમાં તે યુદ્ધ કરતાં જૂથોમાં વહેંચાઈ ગયો."

ઍન્ડ્ર્યૂ મર્ર કહે છે, "પરંતુ ઇસ્લામે નક્કી કર્યું કે ધરતીની શક્તિ અને ધાર્મિક માન્યતા એક બાબત બનવી જોઈએ. તલવાર મજબૂત હતી- આ એક જૂનો વિચાર હતો."

"શબ્દ (ધર્મ) મજબૂત હોવો જોઈએ- આ એક નવો વિચાર હતો."

"પરંતુ નાટકીય પતન અને પરિવર્તનની સદી માટે શબ્દ (ધર્મ) સાથે તલવાર જોડાઈ, ત્યારે તેને રોકવું અશક્ય બની ગયું."

આરબો ખરાબ આદતનો 'શિકાર' બન્યા

દમિશ્કમાં સુંદર મહેલો, મસ્જિદો અને ભવનો આકાર પામ્યાં.

દમિશ્કમાં પાણી પ્રબંધની ખાસ વ્યવસ્થા હતી. તે સમયે આરબોએ ઇમારત બનાવવાની ખાસ કલા વિકસિત કરી હતી.

જેને 'સરાસીની-ભવન નિર્માણ કલા' કહેવામાં આવે છે. આ શૈલીમાં વધારે શ્રૃંગાર નથી હોતો, તે સરળ, સુંદર અને શાનદાર કલા હતી. મીનાર, બુર્જ, થાંભલાઓ અને મહેરાબ. આ શૈલી બાદમાં ઇસ્લામ સાથે હિંદુસ્તાન પણ આવી.

નહેરુ લખે છે, "આરબોએ જૂનાં સામ્રાજ્યો એટલે કે રોમન અને ઈરાની સામ્રાજ્યના રિવાજોની નકલ કરવી શરૂ કરી દીધી. તેઓ આ સામ્રાજ્યોની ઘણી ખરાબ આદતોનો શિકાર બની ગયા."

"કુસ્તુન્તુનિયા અને ઈરાનના પ્રભાવને કારણે તેમણે આરબ મહિલાઓમાં પડદાનો રિવાજ શરૂ કરી દીધો. ધીરે-ઘીરે હરમની પ્રણાલી શરૂ થઈ. પુરુષો અને મહિલાઓ વચ્ચે મેલમિલાપ લગબગ બંધ થઈ ગયો."

ધન અને સામ્રાજ્યને કારણે આરબોમાં વિસાલિતા, ખેલ-કૂદ તથા એશ-આરામની રીતો ફેલાઈ.

ઘોડાદોડ આરબોનું પ્રિય મનોરંજન હતું. પોલો, શિકાર તથા શતરંજ પણ તેમને પસંદ હતાં.

સંગીત અને ખાસ કરીને ગાયનનો આરબોને શોખ લાગી ગયો. ફૅશનનો પ્રચાર થયો.

દમિશ્કની રાજધાની ગાયકો અને સાજિંદોથી પરિપૂર્ણ હતી.

ઉમ્મૈયાઓની જગ્યાએ અબ્બાસી ખલીફા

આખરે મહમદ પયગંબરના વંશના બીજાં ઘરાણાંના લોકોએ, જે તેમના કાકા અબ્બાસથી પેદા થયા હતા, તેમણે ઉમ્મૈયાઓને હાંકી કાઢ્યા.

ઇતિહાસકારો નોંધે છે કે અબ્બાસીઓ ઉમ્મૈયોના જુલ્મોનો હિસાબ ચૂકવવા માટે આવ્યા હતા પરંતુ તેમણે જુલ્મ અને માર-કાટમાં ઉમ્મૈયાને પણ પાછળ છોડી દીધા.

ઈ.સ. 750ની આસપાસ ખલીફા તરીકે અબ્બાસીઓનો કાર્યકાળ શરૂ થાય છે, આમ છતાં આરબ ઇતિહાસમાં અબ્બાસીઓના કાર્યકાળને ઉજ્જવળ યુગ ગણાવાય છે.

જોકે, સ્પેનના ઉમ્મૈયા ગવર્નરે અબ્બાસીઓને ખલીફા માનવાનો ઇન્કાર કરી દીધો.

ઉત્તર આફ્રિકાની સુબેદારી સ્વતંત્ર થઈ ગઈ, મિસ્ર એટલે કે ઇજિપ્તે પણ આમ જ કર્યું, તેણે તો પોતાનો બીજો જ ખલીફા બનાવી દીધો. આમ, અબ્બાસીઓના હાથમાં ખલીફાપદ આવતાની સાથે જ આરબ વિશ્વ વહેંચાઈ ગયું.

બગદાદ બન્યું કલા અને સંસ્કૃતિક કેન્દ્ર

અબ્બાસીઓના સમયમાં આરબોની રાજધાની દમાસ્કસથી બગદાદ જતી રહી. બગદાદ રાજધાની બન્યા બાદ આરબોની નજર યુરોપ પર ઓછી એશિયા પર વધારે રહી.

ઈ.સ. 786થી લઈને ઈ.સ. 809 સુધી અબ્બાસી સામ્રાજ્યની શાન-શૌકત ચોટી પર હતી. આ સમય હારુનલ રશીદનો મનાય છે. બગદાદ અને અબ્બાસી સામ્રાજ્ય તમામ કલાઓ, વ્યાપાર, વિદ્યા-પ્રચારમાં યુરોપથી આગળ હતા.

બગદાદ એક સમયે ઈરાની બાદશાહોના ગરમીની સિઝનમાં રહેવા માટેનું શહેર હતું.

તેમણે વિજ્ઞાનમાં સંશોધન કરવાનું શરૂ કર્યું હતું.

નહેરુ લખે છે, "આયુર્વેદ તથા ગણિત જેવા વિષયોમાં તેમણે હિંદુસ્તાન પાસેથી ઘણું શીખ્યું હતું. હિંદુસ્તાની વિદ્વાનો અને ગણિતના જાણકારો મોટી સંખ્યામાં બગદાદ જતા હતા."

"તેની સામે આરબ વિદ્યાર્થીઓ પણ તક્ષશિલા આવજાવ કરતા હતા. તે સમયે તે વિશ્વનું મોટું વિશ્વવિદ્યાલય માનવામાં આવતું હતું."

અબ્બાસી ખલીફાઓના જમાનામાં બગદાદની ઘણી પ્રગતી થઈ.

અહીં મહેલો, સરકારી કચેરીઓ, સ્કૂલ, મોટી-મોટી દુકાનો હતી. અહીં સોદાગરો પૂર્વ અને પશ્ચિમના દેશોથી મોટી માત્રામાં આવીને વ્યાપાર કરતા હતા.

પત્રો મોકલવા માટેની વ્યવસ્થા હતી. દવાખાનાં હતાં. આ શહેર વિદ્વાનો અને કલાકારો માટે વિશેષ હતું.

તે સમયે તેની વસ્તી લગભગ 20 લાખ હોવાનું ઇતિહાસકારો નોંધે છે.

'અલિફ લૈલા'માં બયાન કરવામાં આવેલાં રહસ્યો, પ્રેમની વાર્તા અને કલ્પનાની કહાણીને કારણે પણ બગદાદને યાદ કરવામાં આવે છે.

બગદાદ શહેરની સ્થાપના ઈસવી સન 752માં અબૂ ઝફર બિન અલમન્સૂરે કરી હતી.

થોડાં જ વર્ષોમાં આ નગર દુનિયાના ઇતિહાસનું એક મોટું શહેર બની ગયું.

હિન્દુસ્તાનથી માંડીને ઇજિપ્ત સુધીના શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્વાનો, કવિઓ, ચિંતકો, વિજ્ઞાનીઓ અને વિચારકો બગદાદ પહોંચવા લાગ્યા હતા.

તે જમાનામાં મુસ્લિમોએ પણ ચીની લોકો પાસેથી કાગળ બનાવવાની કળા શીખી લીધી હતી. થોડા જ વખતમાં બગદાદ અભ્યાસનું મોટું કેન્દ્ર બની ગયું હતું.

નવમી સદીમાં બગદાદનો દરેક રહેવાસી શિક્ષિત હતો.

ઇતિહાસકાર ટરટૉયસ ચેન્ડલરના સંશોધન અનુસાર સન 775થી 932 સુધી વસતિની દૃષ્ટિએ બગદાદ દુનિયાનું સૌથી મોટું શહેર હતું.

દસ લાખની વસતિ ધરાવતું દુનિયાનું સૌ પ્રથમ શહેર બનવાનું માન પણ બગદાદને મળ્યું હતું.

બગદાદમાં ગ્રીક, લેટિન, સંસ્કૃત, સીરિયન અને બીજી અનેક ભાષાના ગ્રંથો લાવીને તેના અનુવાદનું કામ થવા લાગ્યું હતું.

સદીઓ પછી આ જ પુસ્તકો વિશ્વમાં ફેલાયાં ત્યારે તેની ભારે અસર પડી હતી.

અલજેબ્રા, અલગોરિધમ, અલકેમી, આલ્કોહૉલ જેવા ડઝનબંધ શબ્દોનું મૂળ બગદાદના આ જ્ઞાનના ફેલાવાના યુગની દેન છે.

બગદાદમાં વસવાટ કરનારા કેટલાક મશહૂરો લોકોની નામાવલી પણ પ્રભાવી છે.

આરબ સમર્થકો અને ઈરાની સમર્થકો વચ્ચે ઝઘડો

બીજી તરફ ખલીફાની ચારે તરફ ગુલામો અને હરમની મહિલાઓનું ઝૂંડ રહેતું હતું. હારુનલ રશીદ ખલીફાના જમાનામાં ચીની સમ્રાટ અને પશ્ચિમના સમ્રાટ શાર્લમૅનથી રાજદૂતો આવ્યા હતા.

પરંતુ હારુનલ રશીદના મોત બાદ અબ્બાસી સામ્રાજ્ય પર આફત આવી.

ઇતિહાસકારો કહે છે કે નવમી સદીમાં અબ્બાસી રાજ્યનું બગદાદથી દૂરના પ્રાંતો પર નિયંત્રણ કમજોર પડી ગયું. ઈ.સ. 810માં હારુનલ-રશીદના પુત્રો- અમીન અને મામુનના સમર્થકો વચ્ચે ગૃહયુદ્ધ શરૂ થયું. સેના અને નોકરશાહીમાં આરબ સમર્થકો અને ઈરાની સમર્થકો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો.

ખલીફા કમજોર પડી ગયા અને સુબાઓ રાજ કરવા લાગ્યા.

એક ખલીફાને તો તેમના જ સિપાહીઓએ મહેલમાંથી ઘસડીને બહાર ફેંકી દીધા અને તેની હત્યા કરી નાખી. આમ, હવે ખલીફા તમામ મુસ્લિમોના નેતા નહોતા રહ્યા.

ખલીફાની સત્તા મધ્ય ઇરાક અને પશ્ચિમ ઈરાન સુધી જ સીમિત રહી ગઈ.

અબ્બાસી ખલિફાઓની સત્તા નબળી પડવાને કારણે ઈરાનમાં અનેક સ્થાનિક વંશો ઊભા થયા. તેમાં તાહિરીદ, સફારિદ, સામાનીદ, બૂચિદ, ગઝનવીદ અને સેલ્જુક વંશનો સમાવેશ થાય છે.

આ બધા વંશો ખલિફાનો નામ માત્રનો સ્વીકાર કરતા.

ઈરાન પર ત્યાર બાદ સેલ્જુક તુર્કોએ રાજ કર્યું. તેમણે કુસ્તુન્તુનિયાની બેઝેન્ટાઇનની સેનાને હરાવી દીધી, જેને કારણે યુરોપને ઘણી નવાઈ લાગી. યુરોપ અને તુર્કો વચ્ચે સીરિયા, પેલેસ્ટાઇન અને એશિયા માઇનરની હકૂમત માટે લડાઈ ચાલતી રહી.

ઈરાનમાં અનેક સ્વતંત્ર ઈરાની રાજવંશોની સ્થાપના

નવમી અને દસમી શતાબ્દી દરમિયાન ખલીફાની સત્તા કમજોર પડવાને કારણે ઈરાનમાં ઘણાં સ્વતંત્ર ઈરાની રાજવંશોની સ્થાપના થઈ.

દેશભરમાં ફેલાયેલા તેમના ગઢોમાંથી તેમણે આરબોને ખદેડી કાઢ્યા. આ સમયને ઇતિહાસકારો 'ઈરાની અંતરાલ' પણ કહે છે.

તાહિરિદ રાજવંશે અબ્બાસી ખલીફાઓના આધીન રહીને ખુલાસન અને અન્ય શેષ ઈરાન પર શાસન કર્યું.

જેકે તેઓ સંપૂર્ણ સ્વતંત્ર નહોતા. તારિરીદો તેમનો વંશ પૌરાણિક પર્શિયન નાયક રુસ્તમ સાથે જોડાયેલો હોવાનો દાવો કરતા હતા. તેમણે તેમની રાજધાની નિશાપુર સ્થળાંતર કરી હતી.

સફ્ફારિદ રાજવંશે પણ ઈરાનના અધિકાંશ ભાગ પર રાજ કર્યું હતું.

તેમણે સાસાનિયન વંશના હોવાનો દાવો કર્યો. તેમણે તાહિરિદ રાજવંશને પરાજિત કર્યો હતો. તેમની રાજધાની ઝારંજ હતી.

સમાનિદ ઇસ્લામી ઈરાની શાસકોના રાજવંશની સ્થાપના ચાર ભાઈઓએ કરી હતી. તેઓ અબ્બાસી ખલીફાઓથી સ્વાયત્ત થઈ ગયા હતા.

તેઓ બહરામ છઠ્ઠાના વંશમાંથી આવતા હોવાનો દાવો કરતા હતા. પહેલાં તેમની રાજધાની સમરકંદ હતી અને બાદમાં બુખારા હતી.

જિયારિદ રાજવંશના રાજાઓએ સાસાનિયન વંશના હોવાનો દાવો કર્યો. તેના રાજાઓએ ઈરાનમાં ફરીથી જરથોસ્તી ધર્મની સ્થાપના કરવાની અને બગદાદને કબજે કરવાની કોશિશ કરી હતી પરંતુ તુર્કો દ્વારા તેમના શાસને ઉખાડી ફેંકવામાં આવ્યું.

ઝિયારિદોએ ઉત્તર ઈરાનમાં ઘણી રાજધાની બદલી, જેમાં રાઈ, અમોલ અને ગોરગન સામેલ છે.

બુયિદ રાજવંશના શાસકો પહેલાં જિયારિદ શાસકોના સેવકો હતા. પરંતુ જિયારિદ શાસકોની હત્યા બાદ બુયિદ વંશના ત્રણ ભાઈઓએ દક્ષિણ જિયારિદ ક્ષેત્રમાં પોતાનું અલગ રાજ્ય ઊભું કરી દીધું.

તેઓ સાસાનિયન વંશના સમ્રાટ બરેહામ પંચમના વંશ હોવાનો દાવો કરતા હતા. તેમણે ત્રણ અલગઅલગ રિયાસતો ઊભી કરી હતી.

ગઝનવી શાસકો તુર્ક દાસ મૂળના હતા. સામનિદ સામ્રાજ્ય દરમિયાન તુર્કોના ગુલામ સેનાપતિઓ જલદી પ્રમુખપદે આવી ગયા.

દસમી સદીમાં સામનિદ સામ્રાજ્ય સમાપ્ત થયું અને સબુક્તગિન નામના ગુલામ સેનાપતિએ ગઝનીની સત્તા પ્રાપ્ત કરી.

સબુક્તગિનના પુત્રનું નામ મહમૂદ ગઝની હતું. મહમૂદ ગઝનીનું સામ્રાજ્ય ભારતના પંજાબ સુધી અને પશ્ચિમી ઈરાન સુધી ફેલાયેલું હતું.

ફિરદૌસીનું શાહનામા મહાકાવ્ય

મહમૂદ ગઝનીએ ભારતના સોમનાથ પર આક્રમણ કરીને ભયંકર કત્લેઆમ અને લૂંટ ચલાવી હતી. મહમૂદ ગઝનીએ ફરદોશી નામના ફારસી કવિને પર્શિયન સમ્રાટોનો ઇતિહાસ લખવા કહ્યું હતું.

તારીખે શહાને ઈરાન નામના પુસ્તકમાં પર્શિયન ઇતિહાસના જાણકાર પાલોનજી બરજોરજી દેસાઈ લખે છે, "સાસાનિયન વંશના પાદશાહ નૌશીરવાનના સમયથી ઈરાનના પાદશાહોના તવારીખ માટેની કોશિશ થતી આવતી હતી."

"આ માટે એક ખાસ દફતર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ પર્શિયન સામ્રાજ્યના છેલ્લા સમ્રાટ યજદેજર્દ શેહરીયાર સુધી ચાલ્યું."

"આ તમામ કામ સાસાનિયન પાદશાહોની જબાન પહેલવીમાં થયું હતું."

"આ કામ બાસ્તાનનામુ નામથી ઓળખાતું હતું."

પાલોનજી દેસાઈ લખે છે કે 'આ બાસ્તાનનામુ જ્યારે આરબોએ ઈરાન જીત્યું ત્યારે પાદશાહના ખજાનામાંથી સાઅદ ઇબ્ન અબુ વક્કાસ નામના સરદારના હાથમાં આવ્યું. તેમણે આ બાસ્તાનનામુને ખલીફાને મોકલી આપ્યું હતું.'

'ઈરાનમાંથી ખલીફાઓનું રાજ ગયું ત્યારે સફ્ફારીદ વંશના પહેલા પાદશાહ યાકુબના હાથમાં આ પુસ્તક આવ્યું હતું. પછી ગઝનીના સુલતાન સબક્તગિનના હાથમાં આવ્યું.'

તેમણે ઈરાનના બાદશાહોની તવારીખ તાલીખે મલુકે અજમના નામથી ઇતિહાસ લખવાનું કામ હાથે લીધું. આ કામ તેમના પુત્ર મહમૂદ ગઝનીએ પૂર્ણ કરવ્યું.

આ કામ ફારસી કવિ ફિરદૌસીએ પૂર્ણ કર્યું. કહેવાય છે કે આ માટે તેમને 30 વર્ષ લાગ્યાં.

તેનું નામ ફિરદૌશીએ શાહનામા રાખ્યું.

મહમૂદે તેમને એક શેરના એક સોનાના દિનાર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ જ્યારે આટલા મોટા મહાકાવ્યને લઈને જ્યારે ફિરદૌશી ગયા ત્યારે મહેમૂદે તેમને ઓછું ઇનામ આપ્યું જેને કારણે ફિરદૌશી નારાજ થયા.

ફિરદૌસીએ મહેમૂદ પાસે મહેનતાણું કે ઇનામ લેવાનો ઇન્કાર કરી દીધો. કેટલાક ઇતિહાસકારો કહે છે કે મહમૂદ ગઝનીના વંશજો પોતાને યજદેજર્દના વંશજો ગણાવતા હતા.

જોકે, કેટલાક કહે છે કે તેમના પૂર્વજો મુસ્લિમ નહોતા અને તેમણે ઇસ્લામ બાદમાં સ્વીકાર્યો હતો. તેઓ બૌદ્ધ કે પછી આર્ય ધર્મ પાળતા હોવા જોઈએ.

દસમી અને અગીયારમી સદીમાં તુર્કી સલ્તનતના ઉદયથી આરબો અને ઈરાનીઓ સાથે ત્રીજો પ્રજાતીય સમૂહ જોડાઈ ગયો. તુર્ક લોકો તુર્કિસ્તાનના મધ્ય એશિયાના ઘાસનાં મેદાનોના કબાઇલી લોકો હતા. ધીરે-ધીરે તેમણે ઇસ્લામ અપનાવી લીધો.

સેલ્જુક સામ્રાજ્યની સ્થાપના તુર્ક સરદાર તુગરિલ પ્રથમે કરી હતી. જેણે 1030ના દશકમાં ગઝની પર આક્રમણ કર્યું પછી ઈરાનના ગઝનીના નિયંત્રિત ભાગો પર કબજો કર્યો. જોકે, તેઓ મૂળ ઈરાની મૂળના નહોતા.

સેલ્જુક લોકોએ પોતાની રાજધાની નિશાપુર બનાવી. પછી રાઈ અને ત્યાર પછી ઇસ્ફહાન બની.

સેલ્જુક વંશ બાદ ખારજ્મિયન વંશનું રાજ આવ્યું. તેઓ પણ તુર્ક ગુલામો હતા. તેમની રાજધાની ઉરગંજ હતી.

આ બધામાં વિશેષતા એ રહી કે ઈરાની અને આરબ એક થઈ ગયા અને તેમણે ત્રીજી સંસ્કૃતિને જન્મ આપ્યો. ધર્મ ભલે બદલાઈ ગયો પરંતુ ઈરાની અને આરબો પરસ્પર મળી ગયા.

દસમી સદી આવતા સુધીમાં ઈરાનમાં સાહિત્ય, કાવ્ય અને દર્શનની ધારા વહેતી રહી.

બારમી સદી સુધીમાં ફિરદૌસી, શેખસાદી, જલાલુદ્દીન રૂમી તથા ઉમર ખય્યામ જેવા મહાકવિ અને દાર્શનિક થઈ ગયા. જેમણે ફારસી ભાષા અને સંસ્કૃતિનો પાયો નાખ્યો.

ખ્વારજ્મિયન વંશ બાદ થોડા સમય માટે મંગોલ રાજ આવ્યું. મંગોલ વંશના ચંગેઝ ખાને ઈરાન પર આક્રમણ કરીને તેને કેટલું તબાહ કર્યું તે આપણે હવે પછીના લેખમાં જોઈશું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન