8 મહિનાથી ગુમ 'પુષ્પા'નું હાડપિંજર કેવી રીતે શોધી કાઢવામાં આવ્યું, આખું પોલીસસ્ટેશન સસ્પેન્ડ થયું

    • લેેખક, મોહમ્મદ સરતાજ આલમ
    • પદ, બીબીસી હિંદી માટે, રાંચીથી
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઝારખંડના બોકારો સ્થિત પિંડ્રાજોરા પોલીસ થાણામાં તહેનાત તમામ 28 પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે.

આ પોલીસ કર્મચારીઓમાં 10 સબ-ઇન્સ્પેક્ટર, પાંચ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, બે હવાલદાર અને 11 કૉન્સ્ટેબલોનો સમાવેશ થાય છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ પર આરોપ છે કે તેમણે આઠ મહિના પહેલાં ગુમ થયેલી પુષ્પા મહતોના અપહરણ અને હત્યાના આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને કેસની તપાસને 'નબળી' બનાવી હતી.

પુષ્પા મહતોના પિતા અનંતસિંહની આંખોમાં આંસુ છે. દીકરીને હવે ક્યારેય ન મળી શકવાનો અફસોસ અને દીકરી માટે ન્યાયની લાંબી લડાઈ લડવાની ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ નજરે પડે છે.

જોકે, તાજેતરની કાર્યવાહીથી તેમને થોડો દિલાસો મળ્યો છે.

તેઓ કહે છે, "લગભગ આઠ મહિના પછી ઝારખંડ હાઇકોર્ટના હસ્તક્ષેપને કારણે પોલીસ કર્મચારીઓ સામેની આ કાર્યવાહી શક્ય બની છે."

વાસ્તવમાં હાઇકોર્ટના હસ્તક્ષેપ પછી ઝારખંડના પોલીસ વડા તદાશા મિશ્રાના આદેશને પગલે જિલ્લા પોલીસ વડા હરવિંદરસિંહે એક ખાસ તપાસ ટુકડી (એસઆઈટી)ની રચના કરી હતી. આ કાર્યવાહી પહેલાં જ એસઆઈટીએ મુખ્ય આરોપી દિનેશ મહતોની 11 એપ્રિલની સવારે ધરપકડ કરી હતી.

મુખ્ય આરોપીને સઘન પૂછપરછ કર્યા બાદ 11 એપ્રિલની સાંજે જ એસઆઈટીએ પુષ્પા મહતોના કથિત હાડપિંજરના અવશેષો તેની કૉલેજથી એક કિલોમીટર દૂર આવેલા જંગલમાંથી જપ્ત કર્યા હતા.

'પોલીસ સક્રિય હોત તો દીકરી જીવતી હોત'

જિલ્લા પોલીસ વડા હરવિંદરસિંહે જણાવ્યું હતું કે હાડપિંજરના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે બીબીસી ન્યૂઝને કહ્યું હતું, "આ કેસમાં આરોપી દિનેશ મહતો વિરુદ્ધ હત્યાની કલમ લગાવવામાં આવી છે."

દીકરીનું કથિત હાડપિંજર મળ્યા પછી અત્યંત ગમગીન અનંત મહતો કહે છે, "21 જુલાઈની સાંજે મારી પત્ની પોલીસ સ્ટેશને ગઈ ત્યારે પોલીસ સક્રિય થઈ ગઈ હોત તો મારી દીકરી કદાચ આજે જીવતી હોત."

40 વર્ષના અનંતસિંહ સાથે સહમત તેમનાં પત્ની રેખાદેવી ફરિયાદના સ્વરમાં કહે છે, "મેં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જથી માંડીને પોલીસ વડા સુધીના દરેકને સંખ્યાબંધ ફરિયાદ કરી હતી, પરંતુ મારી ગુમ થયેલી દીકરીની નોંધ કોઈએ સમયસર લીધી નહીં."

પરિવારજનોના આરોપોને ફગાવતાં પોલીસ વડા હરવિંદરસિંહ બીબીસીને કહે છે, "પરિવારજનો મારી પાસે આવતા હતા. હું તેમને મળતો હતો, તેમની વાત સાંભળતો હતો અને એમને જણાવતો હતો કે હું મામલા પર નજર રાખી રહ્યો છું. હું એવું કરતો પણ હતો."

કૉલેજ જવા નીકળી અને પુષ્પા ક્યારેય પાછી ન ફરી

બોકારોના ખુટાંડીહ ગામની રહેવાસી 18 વર્ષની પુષ્પા મહતો, તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલા ચાસ સ્થિત તેની કૉલેજે જવા માટે 2025ની 21 જુલાઈએ સાઇકલ લઈને નીકળી હતી.

પુષ્પાનાં માતા રેખાદેવી સ્થાનિક ખેતરોમાં મજૂરી કરવા ગયાં હતાં. સાંજે પાછા ફર્યાં ત્યારે ખબર પડી કે પુષ્પા ઘરે પાછી આવી ન હતી. એ પછી તેઓ દીકરીની શોધમાં કલાકો સુધી ગામની શેરીઓમાં આંટાફેરા કરતા રહ્યાં હતાં.

કોઈ સગડ ન મળતાં રેખાદેવી પિંડ્રાજોરા પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં.

પોલીસે આશ્વાસન આપીને તેમને પાછાં મોકલ્યાં હોવાનો આરોપ છે. તેઓ રોજ પોલીસ સ્ટેશન જતાં હતાં અને દીકરીની શોધ માટે ફરિયાદ કરતાં હતાં. સ્ટેશન ઇન્ચાર્જ અભિષેક રંજન સનહાએ 24 જુલાઈના રોજ જનરલ ડાયરીમાં ઍન્ટ્રી નોંધી હતી.

રેખાદેવી કહે છે, "ડાયરીમાં ઍન્ટ્રી નોંધવામાં આવી હતી, પરંતુ એફઆઈઆર દાખલ કરવાનું તેઓ સતત ટાળતા રહ્યા હતા. ઘણી વિનંતી પછી એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી હતી."

રેખાદેવીના જણાવ્યા મુજબ, તેમણે સ્ટેશન ઇન્ચાર્જને પાડોશી યુવક દિનેશકુમાર મહતો પર શંકા હોવાની વાત કરી હતી.

જોકે, તેઓ ફરિયાદ કરતા કહે છે, "પરંતુ પોલીસ પહેલા દિવસથી જ દિનેશકુમાર મહતોને બચાવવામાં વ્યસ્ત હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જથી માંડીને જિલ્લા પોલીસ વડા સુધીના કોઈએ મારી વાત સાંભળી નહીં."

આ આરોપ વિશે પોલીસ વડા હરવિંદરસિંહ કહે છે, "મેં પહેલાં જ પોલીસ સ્ટેશનસ્તરની એક એસઆઈટીની રચના કરી હતી. કામ સંતોષકારક ન હોવાને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. એ પછી નવી એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને તેની તપાસમાં આરોપી પડકાઈ ગયો હતો."

દિનેશકુમાર પર શંકાનું કારણ પૂછતાં રેખાદેવી કહે છે, "મારી દીકરીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. એ સાંભળીને દિનેશે મારી દીકરીને અનેકવાર હેરાન કરી હતી. તેથી તેના પર શંકા થવી સ્વાભાવિક છે."

તેઓ કહે છે, "21 જુલાઈએ મારી દીકરી ન મળી એટલે આખરે હું દિનેશના ઘરે ગઈ હતી. દિનેશ ઘરમાં ન હોવાની માહિતી મળી હતી. ત્યારે હું ડરી ગઈ હતી કે દિનેશને કારણે મારી દીકરી સાથે કંઈક અપ્રિય ઘટના બની શકે છે. એ પછી મારા પતિના કહેવાથી હું સીધી પોલીસ સ્ટેશન ગઈ હતી."

13 દિવસ પછી નોંધાઈ અપહરણની એફઆઈઆર

પુષ્પા ગુમ થયાના તેરમા દિવસે પિંડ્રાજોરા પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધી હતી. અજાણી વ્યક્તિ સામે માનવ તસ્કરી સંબંધી ભારતીય ન્યાય સંહિતાની ધારા 140 (3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સવાલ એ છે કે એફઆઈઆર નોંધવામાં 13 દિવસ કેમ થયા? આ સવાલના જવાબમાં સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અભિષેક રંજન દલીલ કરે છે કે પરિવાર ફક્ત તેની દીકરીને શોધવા ઇચ્છતો હતો.

તેઓ કહે છે, "દીકરીની સગાઈ થઈ ગઈ હોવાને કારણે એફઆઈઆર નોંધાય તેવું પરિવારજનો શરૂઆતમાં ઇચ્છતા ન હતા."

દીકરીની સગાઈની વાત સ્વીકારતાં પુષ્પા મહતોના પિતા અનંત મહતોએ પોલીસના દાવાને ફગાવી દે છે અને કહે છે, "પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ખુદ એફઆઈઆર નોંધવા ઇચ્છતા ન હતા."

તેઓ ઉમેરે છે, "એફઆઈઆર તો નોંધવામાં આવી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં."

આ આરોપ વિશે અભિષેક રંજન કહે છે, "પરિવારજનોની શંકાને આધારે અમે આરોપી દિનેશ મહતોને અનેકવાર પૂછપરછ કરી હતી. તેનો સીડીઆર રિપોર્ટ મેળવ્યો હતો, પરંતુ પુષ્પા અને આરોપી દિનેશ વચ્ચે વાતચીતનો રેકૉર્ડ મળ્યો ન હતો. તેથી તેને મુક્ત કરવો પડ્યો હતો."

એ દરમિયાન અનંત મહતોએ સરપંચથી માંડીને ધારાસભ્ય સુધીના બોકારો જિલ્લાના દરેક લોકપ્રતિનિધિને દીકરીને સકુશળ પાછી લાવવાની ફરિયાદ કરી હતી, પરંતુ તેમને નિરાશા સાંપડી હતી.

હાઇકોર્ટની ઝાટકણીના બે દિવસમાં થઈ કાર્યવાહી

આ બધામાં છ મહિના પસાર થઈ ગયા પછી અનંત મહતોની મુલાકાત બોકારો જિલ્લા પરિષદનાં ઉપાધ્યક્ષ બબીતાદેવી સાથે થઈ હતી.

બબીતાદેવી કહે છે, "પહેલાં પુષ્પાના પરિવારજનો સાથે હું પોલીસ વડાને મળી હતી, પરંતુ આ કેસ બાબતે તેમનું વલણ સંતોષકારક ન હતું. એ પરિસ્થિતિમાં અમારી અંતિમ આશા હાઇકોર્ટ હતી."

પુષ્પા કેસમાં હાઇકોર્ટે 27 ફેબ્રુઆરી, નવમી માર્ચ અને 23 માર્ચના રોજ પોલીસ વડા હરવિંદરસિંહ સામે આકરું વલણ લીધું હતું.

પીડિત પક્ષના વકીલ વિન્સેન્ટ માર્કીનો આરોપ છે કે હાઇકોર્ટનાં આકરા વલણ પછી પુષ્પાના પરિવારને ડરાવવાના હેતુથી પોલીસે ત્રીજી એપ્રિલે અનંત મહતોના વૃદ્ધ કાકા સમ્પદ મહતોને પોલીસ સ્ટેશને લઈ જઈને તેમને માર માર્યો હતો.

વિન્સેન્ટ માર્કી કહે છે, "સમ્પદ મહતોને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવેલા મારની લેખિત માહિતી અમે સાતમી એપ્રિલે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી હતી. તેને ધ્યાનમાં લઈને હાઇકોર્ટે બોકારોના પોલીસ વડાની સાથે ઝારખંડના ડીજીપીને પણ સમન્સ મોકલ્યાં હતાં."

હાઇકોર્ટે સાતમી માર્ચના તેના લેખિત આદેશમાં પોલીસ વડાને ચેતવણી આપી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે "એ સ્પષ્ટ કરવામાં આવે છે કે અરજદાર અથવા તેમના પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેના માટે બોકારોના પોલીસ વડા વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે."

હાઇકોર્ટની આ ટિપ્પણી પછી ડીજીપી તદાશા મિશ્રાએ સીઆઈડી ડીઆઈજી સંધ્યા રાની મેહતોને તપાસ સોંપી હતી.

બીજી તરફ પોલીસ વડા હરવિંદરસિંહે ડીએસપી આલોક રંજનના વડપણ હેઠળ એક નવી એસઆઈટી ટીમની રચના કરી હતી.

નવમી એપ્રિલે રચવામાં આવેલી એસઆઈટીએ 10 એપ્રિલે તપાસ શરૂ કરી હતી. 11 એપ્રિલે સવારે દિનેશ મહતોની ધરપકડ બાદ તેને પૂછપરછ કરી હતી અને તેના આધારે પુષ્પાના કથિત હાડપિંજરના અવશેષો જપ્ત કર્યા હતા.

એ ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચાકુ, ઘટના સમયે પહેરેલાં કપડાં, 23 મોબાઇલ સિમકાર્ડ, ચાર મોબાઇલ ફોન અને અન્ય પુરાવા પણ એસઆઈટીએ જપ્ત કર્યાં હતાં.

'આરોપી પાસેથી પૈસા લીધી, તેની સાથે પાર્ટી કરી'

એસઆઈટીના વડા આલોક રંજને જણાવ્યું હતું કે અગાઉની તપાસ દરમિયાન, ફરિયાદ પક્ષને નબળો પાડવા અને આરોપીઓને ફાયદો કરાવવાના હેતુસર કામ કરવામાં આવી રહ્યું હતું.

પોલીસ વડા હરવિંદરસિંહે એસઆઈટીના રિપોર્ટના આધારે પિન્ડ્રાજોરા પોલીસ સ્ટેશનના 28 કર્મચારીઓને 11 એપ્રિલની સાંજે સસ્પેન્ડ કર્યા હતા.

હરવિંદરસિંહ કહે છે, "પિન્ડ્રાજોરા પોલીસ સ્ટેશનના પદાધિકારી અને કર્મચારીઓએ ગુનો શોધવામાં અપેક્ષિત મદદ કરી ન હતી. અન્ય સ્રોતોમાંથી જાણવા મળ્યું હતું કે તેમણે આરોપી પક્ષને બચાવવા માટે કામ કર્યું હતું. આરોપી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને તેમની સાથે પાર્ટી કરવામાં આવી હતી. આ કારણે પિન્ડ્રાજોરા પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલથી માંડીને સ્ટેશન ઇન્ચાર્જ સુધીના દરેક કર્મચારીને તત્કાળ અસરથી સામાન્ય જીવનભથ્થા પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."

જોકે, સસ્પેન્ડેડ સ્ટેશન ઇન્ચાર્જ અભિષેક રંજન ખુદને નિર્દોષ ગણાવે છે.

તેઓ કહે છે, "અમે તપાસમાં જે મુદ્દાઓને શોધ્યા હતા તેને જ નવી એસઆઈટી ટીમે સાંકળ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરી હતી."

તમને આ મુદ્દાઓની તપાસ કરવામાં આઠ મહિના લાગ્યા છતાં આરોપીને શોધી શક્યા નહીં અને પુષ્પા વિશેની માહિતી પણ મેળવી શક્યા નહીં, એવું કેમ, એવો સવાલ અભિષેક રંજનને પૂછ્યો.

તેના જવાબમાં અભિષેક રંજન કહે છે, "આરોપી બહુ ચાલાક હતો. તેણે પોલીસને ગેરમાર્ગે દોરી હતી. એ કારણે સમય લાગ્યો હતો."

આરોપી સાથેની સાંઠગાંઠના સવાલ બાબતે અભિષેક રંજન કહે છે, "એક આરોપીએ કહ્યું અને તમે માની લીધું. આની તપાસ થશે તો હું નિર્દોષ સાબિત થઈશ."

એક અન્ય સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલ ધનંજયસિંહ તેમના સસ્પેશન્શ વિશે સવાલ કરે છે, "તમે જ કહો કે તપાસમાં કૉન્સ્ટેબલની ભૂમિકા શું હોય છે, છતાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હું 16 વર્ષથી કાર્યરત છું. ઘણા જિલ્લાઓમાં કામ કર્યું છે અને મારી કારકિર્દી બેદાગ રહી છે."

ભણતર છોડીને મજૂરી કરવા લાગ્યો પુષ્પાનો ભાઈ

સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શન સિવાયની પણ કોઈ કાર્યવાહી થશે ખરી?

આ સવાલનો જવાબ આપતાં ડીએસપી આલોક રંજન કહે છે, "તત્કાળ સસ્પેન્શન પછી હવે તપાસ કરવામાં આવી રહી છે. સસ્પેન્ડેડ કર્મચારીઓ સામે શું પગલાં લેવાશે એ તો તપાસનો અહેવાલ આવ્યા પછી જ કહી શકાશે."

આ કાર્યવાહી બાબતે પુષ્પાના પિતા કહે છે, "આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઈએ, જેથી આરોપી ઉપરાંત સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓના કારનામાઓની પણ નિષ્પક્ષ તપાસ થાય. અન્યથા થોડા દિવસ પછી બધાનું સસ્પેન્શન ખતમ થઈ જશે. તેઓ કોઈ પીડિતને મળનારા ન્યાયના માર્ગમાં ફરી નડતર બનશે."

તેઓ ઉમેરે છે, "અમારી દીકરી તો પાછી નહીં આવે, પરંતુ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ."

અનંત મહતોના પરિવારમાં તેમનાં પત્ની અને 16 વર્ષનો એક પુત્ર છે. પુત્રનો અભ્યાસ આ કેસને કારણે પડતો મૂકવો પડ્યો છે.

અનંત મહતો કહે છે, "હું રાજસ્થાનની જે કંપનીમાં મજૂરી કરતો હતો ત્યાં દીકરાને મોકલી આપ્યો છે. એ મારી જગ્યાએ કામ કરી રહ્યો છે. આમ પણ વર્તમાન પરિસ્થિતિમાં તેને અહીં રાખવાનું જોખમ અમે લઈ શકીએ તેમ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન