ઇઝરાયલના હુમલા બાદ ઈરાનમાં 'ઍસિડ રેઇન'ની ચેતવણી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Mohammed Hamoud/Getty Images
ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સિઝે ઈરાનની રાજધાની તહેરાનમાં 'અનેક ફ્યૂઅલ સ્ટોરેજ કૉમ્પેલક્સ' ઉપર હુમલો કરવાની પુષ્ટિ કરી હતી અને તે હજુ પણ સળગી રહ્યા છે.
ત્યારે ઈરાનની રેડ ક્રૅસન્ટ સંસ્થાએ આગને કારણે 'ઍસિડ રેઇન' થવાની ચેતવણી આપી છે.
રેડ ક્રૅસન્ટનાં નિવેદનને ટાંકતા બીબીસીની પર્શિયન સર્વિસ જણાવે છે, "ઑઇલના સંગ્રહસ્થાનોમાં ધડાકાને કારણે મોટા પ્રમાણમાં ઝેરી હાઇડ્રૉકાર્બન, સલ્ફર અને નાઇટ્રોજનક ઑક્સાઇડ હવા તથા વાદળોમાં ભળી જાય છે. જો વરસાદ થાય, તો તે ખૂબ જ ખતરનાક હોય છે અને તેમાં ઍસિડિક ગુણધર્મ હોય છે."
રેડ ક્રૅસન્ટનું કહેવું છે, "ઍસિડ રેઇનને કારણે ચામડી ઉપર બળતરા અને ફેફસાંને ગંભીર નુકસાન થઈ શકે છે."
આ સાથે જ કેટલાક દિશાનિર્દેશ પણ આપવામાં આવ્યાં છે અને ઍસિડ રેઇનમાં પલળી જવાય તો એ પછી શું સાવધાની રાખવી જોઈએ, તેના વિશે માહિતી આપવામાં આવી છે.
ઍન્વાયરનમેન્ટલ પ્રોટેક્શન ઑર્ગેનાઇઝેશને નાગરિકોને કારણ વગર ઘરની બહાર નહીં નીકળવા તથા જેમ બને તેમ ઘરમાં જ રહેવા સૂચન કર્યું છે.
ઈરાનના નવા નેતા ચૂંટાયાનો દાવો, ઇઝરાયલે તેના વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Mohammed Hamoud/Getty Images
ઈરાનની ઍસેમ્બલી ઑફ ઍક્સપર્ટ્સના સભ્ય અહમદ આલમોલહોદાએ દાવો કર્યો છે કે ઈરાનના આગામી નેતાને ચૂંટી લેવાયા છે.
ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી 'મેહર'ને ટાંકતા બીબીસીની ફારસી સેવાના ગોંચેહ હબીબિયાઝાદ આ વાત જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેહરની માહિતી પ્રમાણે, ઍસેમ્બલી ઑફ ઍક્સ્પર્ટ્સે હેડ ઑફ સેક્રેટરિયેટ હુસૈની બુશહરીને આ નિર્ણયની સાર્વજનિક રીતે જાહેરાત કરવાની જવાબદારી સોંપી છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ પછી કોણ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા હશે, તેના વિશે કયાસ કાઢવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ, ઇઝરાયલે જાહેરાત કરી છે કે જે કોઈને આગામી નેતા બનાવવામાં આવશે, તેના ઉપર નિશાન સાધવામાં આવશે.
ઇઝરાયલે સ્વીકાર્યું છે કે ગત અઠવાડિયે યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યારસુધીમાં એક હજાર 929 લોકોને ઈજા પહોંચી છે. જોકે, કોઈને પણ મિસાઇલને કારણે સીધી ઈજા નથી પહોંચી.
ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 122 હૉસ્પિટલમાં છે, જેમાંથી નવની પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે.
'ઈરાનની નેવી ખતમ, વાયુસેના ખતમ', ટ્રમ્પે યુદ્ધ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ (એસએનએસસી)ના પ્રમુખ અલી લારીજાનીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
લારીજાનીએ આ પહેલાં કહ્યું હતું કે ઈરાન પર થયેલા હુમલા માટે અમેરિકાએ 'ભારે કિંમત ચૂકવવી' પડશે.
શનિવારે બીબીસીની સહયોગી ચૅનલ સીબીએસ ન્યૂઝને આપેલા એફ ફોન ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે કહ્યું, "મને નથી ખબર કે તેઓ કઈ બાબતની વાત કરે છે. તેઓ કોણ છે? મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તેઓ પહેલાં જ હારી ચૂક્યા છે."
તેમણે દાવો કર્યો, "અમે જે કામ કર્યું છે તે શાનદાર છે, મિસાઇલો નષ્ટ થઈ ગઈ છે."
ટ્રમ્પે વધુમાં કહ્યું, "ફૅક્ટરીઓને ઉડાવી દેવાઈ છે. તેમની નૌસેના સમાપ્ત થઈ ગઈ છે. છ દિવસોમાં 42 જહાજો ડૂબી ગયાં, વાયુસેના સમાપ્ત થઈ ગઈ છે. તેમની સેનાનો તમામ હિસ્સો સમાપ્ત થઈ ગયો છે. તેમનું નેતૃત્વ સમાપ્ત થઈ ગયું છે. એવું કંઈ નથી બચ્યું કે જે ખતમ ન થયું હોય."
તેમણે કહ્યું, "અમે આવા સ્તર પર વધુ ઝડપથી જીતી રહ્યા છે, જે અગાઉ ક્યારેય નહોતુ જોવા મળ્યું."
બૈરુતની હોટલ પર ઇઝરાયલનો હુમલો, ચારનાં મોત

ઇમેજ સ્રોત, Ibrahim AMRO/AFP via Getty Images
લેબનોનની રાજધાની બૈરુતની એક હોટલમાં થયેલા ઇઝરાયલી હુમલામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને 10 લોકો ઘાયલ થયા છે. ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ પ્રમાણે, આ હોટલ એ લોકોને રહેવા માટે ઉપયોગમાં આવતી હતી જે દક્ષિણ લેબનોન તથા બૈરુતના દક્ષીણનાં નગરોમાં ચાલેલી લડાઈને કારણે બેઘર થઈ ગયા હતા.
આગળ વધુ હુમલાના ડરથી કેટલાક લોકો આ ઇમારતથી બહાર નીકળતા જોવા મળ્યા.
બીજી તરફ ઇઝરાયલની સેનાએ ટેલીગ્રામ પર પોસ્ટ કરતા કહ્યું કે "તેમણે સટીક હુમલો કર્યો છે. જેનું નિશાન કુદ્સ ફોર્સના મુખ્ય કમાન્ડર હતા."
ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે તેમણે લેબનોન કૉર્પ્સના અસ્થાયી કમાન્ડર અલીજાદેહને મારી નાખ્યા છે.
ઈરાને ઘણા અમેરિકન સૈનિકોને પકડવાનો દાવો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સીલ (એસએનએસસી)ના પ્રમુખ અલી લારીજાનીએ દાવો કર્યો છે કે 'ઘણા અમેરિકન સૈનિકો ઈરાનની કેદ'માં છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મારી પાસે જાણકારી આવી છે કે ઘણા અમેરિકન સૈનિકોને બંદી બનાવી લેવામાં આવ્યા છે. પરંતુ અમેરિકાનો દાવો છે કે તેઓ યુદ્ધમાં માર્યા ગયા છે."
તેમણે કહ્યું, "પોતાની બેકાર કોશિશો છતાં સત્ય બહુ લાંબા સમય સુધી છુપાયેલું નહીં રહે."
ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ડોવર ઍરફોર્સ બેઝ પર ઈરાન સાથે યુદ્ધમાં માર્યા ગયેલા છ અમેરિકન સૈનિકોના પરિજનો સાથે મુલાકાત કરી હતી.
ગત શનિવારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો, જે બાદ મધ્ય પૂર્વના દેશોમાં તણાવ પેદા થયો છે.
અમદાવાદમાં ટી20 વર્લ્ડકપની ફાઇનલની ટિકિટોનું 'બ્લૅકમાર્કેટિંગ' કરતા બે આરોપી ઝડપાયા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે અમદાવાદમાં રમાનારી ફાઇનલની મૅચની ટિકિટો મેળવવી મુશ્કેલ છે ત્યારે તેનું કાળાબજારમાં વેચાણ થઈ રહ્યું હોવાના ઓરોપો થઈ રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે તેણે શનિવારે મૅચની ટિકિટનું બ્લૅકમાર્કેટિંગ કરનારા બે આરોપીને પકડ્યા હતા.
આજે 8મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ રમાવાની છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે જારી કરેલી પ્રેસનોટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને મળેલી માહિતીના આધારે ઉસ્માનપુરામાં ગુજરાત વિદ્યાપીઠના એસટી સ્ટેન્ડ નજીક સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. તેમાં બે વ્યક્તિને આંતરીને તેમની તલાશી લેવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેમની પાસેથી મૅચની 8 ટિકિટ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો ટિકિટના અસલી ભાવ કરતાં લભભગ ત્રણ ગણા ભાવે 10 હજાર રૂપિયામાં ટિકિટનું વેચાણ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડીને આ નેટવર્ક કેટલું વ્યાપક છે તેની તપાસ શરૂ કરી છે.
ઈરાનનાં ઑઇલ ઠેકાણાં પર ઇઝરાયલનો હુમલો, શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની સેનાએ પુષ્ટિ કરી છે કે તેણે ઈરાનની રાજધાની તહેરાનમાં 'ઘણાં ફ્યૂઅલ સ્ટોરેજ કૉમ્પ્લેક્સો'ને નિશાન બનાવ્યાં છે.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે આ ફ્યૂઅલ ટૅન્કો સામે આ પ્રકારનો હુમલો 'જરૂરી' હતો.
સેનાનો દાવો છે કે ઈરાની શાસન આ ફ્યૂઅલ ટૅન્કોનો ઉપયોગ 'સૈન્ય બુનિયાદી ઢાંચાને સંચાલિત કરવા' માટે સતત કરે છે.
આ પહેલાં ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ સમાચાર આપ્યા હતા કે તહેરાનમાં એક તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યું છે.
આ વચ્ચે બીબીસી વેરિફાઈએ સોશિયલ મીડિયા પર શૅર કરેલા એક વીડિયોની પુષ્ટિ કરી છે. જેમાં તહેરાનની ઉપર આકાશમાં મોટી આગની જ્વાળાઓ ઉઠતી નજરે પડે છે.
જોકે, હજુ સ્પષ્ટ નથી કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં.
ઈરાન સ્કૂલ પર થયેલા હુમલા વિશે ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં એક સ્કૂલ પર થયેલા હુમલાને લઈને કહ્યું છે કે તેની પાછળ 'ઈરાનનો જ હાથ' હોય શકે છે. આ સ્કૂલ ઈરાનના મિનાબમાં આવેલી છે.
ગત શનિવારે ઈરાનના અધિકારીઓએ કહ્યું હતું કે આ હુમલામાં 160થી વધુ લોકોનાં મોત થયાં, જોકે બીબીસી ન્યૂઝ આ આંકડાની સ્વતંત્ર તપાસ કરી શક્યું નથી.
આ મામલે શનિવારે રાત્રે ઍરફોર્સ-વન વિમાનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ઇસ્લામિક રિવલ્યૂશનરી ગાર્ડ કૉરના એક ઠેકાણા પાસે થયેલા આ હુમલા માટે શું અમેરિકા જવાબદાર છે?
તેના પર ટ્રમ્પે કહ્યું, "ના, મારા મત પ્રમાણે અને જે મેં જોયું છે તેના આધારે આ હુમલો ઈરાને કર્યો."
આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને પણ સવાલ કરવામાં આવ્યો. તેમણે કહ્યું, "અમે તેની તપાસ કરી રહ્યા છે, પરંતુ ઈરાન જ સામાન્ય પ્રકારે નાગરિકોને નિશાન બનાવે છે."
ટ્રમ્પે પણ આ વાતને આગળ ધપાવતા કહ્યું, "અમને લાગે છે કે આ હુમલો ઈરાને જ કર્યો. તમે જોણો છો કે તેનાં હથિયારો સટીક નથી હોતાં. તે સચોટ નથી હોતાં."
ગત સપ્તાહે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ કહ્યું હતું કે અમેરિકા જાણીજોઈને કોઈ સ્કૂલને નિશાન નહીં બનાવે. અમેરિકાની સેના પાસે નાગરિક ઠેકાણાં પર હુમલો કરવાનું કોઈ કારણ નથી.
તે સમયે અમેરિકા અને ઇઝરાયલ ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કરીને તેના નેતાઓને નિશાન બનાવી રહ્યાં હતાં.
ઈરાની અધિકારીઓએ સ્કૂલ પર થયેલા હુમલા માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે કે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે આ વિસ્તારમાં કોઈ કાર્યવાહી કરી હોય તેની તેને જાણ નથી.
બીબીસી વેરિફાઇ તરફથી કરવામાં આવેલા સેટેલાઇટ વિશ્લેષણમાં ઘણા વિસ્ફોટોના નિશાન અને સળગતા વિસ્તારો દેખાયા. જેનાથી સંકેત મળે છે કે સ્કૂલ પર એકથી વધુ હુમલા થયા હતા. જોકે, તેમાં કયાં હથિયારોનો ઉપયોગ થયો તે અંગે હથિયારોના અવશેષોની તસવીર સ્પષ્ટ ન હોવાને કારણે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આ હુમલા માટે કોણ જવાબદાર છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન











