ઈરાન યુદ્ધ : હોર્મુઝની સામુદ્રધુનીમાં 'નાકાબંધી'થી ગુજરાતના વહાણવટા ઉદ્યોગને શું ફાયદો થયો છે?

હોર્મુઝની સામુદ્રધૂની , ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ, વિશ્વ વ્યાપારને અસર, ભારતના દેશી જહાજોને લાભ, ગલ્ફનો અખાત, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવોને અસર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Iranian Army/Handout/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, હોર્મુઝની સામુદ્રધૂનીમાં ઈરાનની સેનાએ હાથ ધરેલી સૈન્યકવાયતની ફાઇલ તસવીર
  • વાંચવાનો સમય: 7 મિનિટ

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર સંયુક્ત રીતે હવાઈ હુમલા કરતા ફાટી નીકળેલાં યુદ્ધને એક અઠવાડિયા કરતાં વધુનો સમય થઈ ગયો છે.

સમાચાર સંસ્થા રૉયટર્સના એક 1 માર્ચના એક અહેવાલ અનુસાર ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીની "નાકાબંધી" કરતા ઇરાનના અખાતમાં જહાજોની અવરજવર લગભગ અટકી ગઈ છે.

જો કે અંગ્રજી અખબાર 'ધ હિન્દુ'ના એક અહેવાલ અનુસાર ભારતની મુલાકાતે આવેલ ઈરાનના નાયબ વિદેશમંત્રી સઇદ ખાતીબજાદેએ ગુરુવારે એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે જણાવ્યું હતું કે ઇરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં માત્ર અમેરિકા, ઇઝરાયલ અને આ બે દેશોને મદદ કરી રહેલા દેશોનાં જહાજો માટે જ હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકાબંધી કરી છે.

જોકે, વીમા કંપનીઓએ તે તરફ જતાં જહોજોને વીમાકવચ આપવાનું બંધ કરતાં જહાજો ત્યાંથી પસાર થઈ રહ્યા નથી.

આ "નાકાબંધી"ના કારણે તે જળમાર્ગે ઑઇલ અને ગૅસનું પરિવહન કરતાં ટૅન્કરો તેમ જ માલસામાનનું પરિવહન કરતાં કન્ટેનર જહાજોનો ટ્રાફિક લગભગ અટકી ગયો છે.

પરિણામે ખાડી દેશોમાંથી ક્રૂડ ઑઇલ (કાચું ખનીજ તેલ) અને લિક્વિફાઇડ નેચરલ ગૅસ (એલએનજી) એટલે કે પ્રવાહિકૃત કુદરતી વાયુની નિકાસ તેમ જ માલસામાનના વેપાર પર ભારે ફટકો પડ્યો છે.

ઈરાનના અખાતમાં મોટાં જહાજોની આવક-જાવક અટકી જવાની સાથે-સાથે ભારત અને પાકિસ્તાનના લાકડાનાં બનેલાં નાનાં વહાણોના ટ્રાફિક પર પણ અસર પડી છે.

ઇન્ડિયન સેઇલિંગ વેસેલ્સ ઍસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાએ શુક્રવારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મોટાં જહાજોએ ઈરાનના અખાતમાં આવેલાં બંદરો પર જવાનું બંધ કરી દેતાં વેપારીઓ તેમનો માલ વિવિધ બંદરો પર પહોંચાડવા માટે ભારતનાં નાનાં વહાણોનો સંપર્ક કરી રહ્યા છે.

આમ, યુદ્ધના અશાંતિ અને ભયના માહોલમાં નાનાં વહાણો માટે વધારે કાર્ગો એટલે કે માલસામાનનું વહન કરવાના ઉજળા સંજોગો ઊભા થયા છે.

ઈરાનના અખાતમાં ભારતનાં વહાણોની શું સ્થિતિ છે?

હોર્મુઝની સામુદ્રધૂની , ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ, વિશ્વ વ્યાપારને અસર, ભારતના દેશી જહાજોને લાભ, ગલ્ફનો અખાત, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવોને અસર, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ દેશી વહાણોને 'સેઈલિંગ વેસલ', 'કન્ટ્રી ક્રાફટ' કે 'ધો' કહેવાય છે. આદમ ભાયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભારતમાં હાલ અંદાજે 450 જેટલાં વહાણ કાર્યરત અવસ્થામાં છે.

આમાંથી 270 જેટલાં વહાણ ગુજરાતનાં છે અને બાકીનાં અંદાજે 200 જેટલાં વહાણ કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંદામાન એને નિકોબાર ટાપુનાં છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે ભારતમાં વહાણો વાર્ષિક ધોરણે અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન માલનું વહન કરે છે જેનું મૂલ્ય અંદાજે 100 અબજ રૂપિયા થાય છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે ત્રણેક લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં આવેલાં સલાયા, પોરબંદર જિલ્લાનાં પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં આવેલાં વેરાવળ અને કચ્છ જિલ્લામાં આવેલાં માંડવી-સલાયા આ પ્રકારનાં વહાણો માટે મોટાં બંદરો ગણાય છે.

આ વહાણો મોટા ભાગે વેરાવળ, પોરબંદર અને મુન્દ્રા બંદરો પરથી માલસામાન ભરી તેને ખાડી દેશો તેમ જ આફ્રિકા ખંડના પૂર્વ કાંઠે આવેલા સોમાલિયા, કૅન્યા, તાન્ઝાનિયા, જિબુટિ, વગેરે દેશોનાં બંદરો સુધી પહોંચાડે છે.

આદમ ભાયાએ કહ્યું કે ભારતીય વહાણો ઈરાનના અખાતના દક્ષિણ તેમ જ પશ્ચિમ કાંઠે આવેલા સંયુક્ત આરબ અમીરાત, કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, ઇરાક વગેરે જેવા ખાડી દેશો, ઓમાનના અખાતમાં આવેલા ઓમાન, ઍડનની ખાડીમાં આવેલ યમન તેમ જ સાઉદી અરેબિયાના રાતા સમુદ્રના ઉત્તર કાંઠે આવેલાં બંદરો પરથી માલ-સમાન ભરીને આફ્રિકા ખંડના દેશોમાં પહોંચાડે છે.

તે જ રીતે આફ્રિકા ખંડનાં બંદરોએથી માલ ભરીને આ દેશોનાં બંદરોએ લઈ જવાનું કામ પણ કરે છે.

આદમ ભાયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીની નાકાબંધી કરતા ગુજરાત અને ભારતનાં કેટલાંય વહાણો ઇરાનના અખાતમાં આવેલાં દુબઈ તથા અન્ય બંદરોમાં અટવાઈ ગયાં છે.

તેમણે કહ્યું, "તેમાંથી કેટલાંક જોખમ વ્હોરીને પોતાની જવાબદારીએ એક પછી એક હોર્મુઝની સામુદ્રધુની વાટે ઇરાનના અખાતમાંથી બહાર આવી રહ્યાં છે, કારણ કે તેમની પાસે બીજો વિકલ્પ નથી. સારી વાત એ છે કે હજુ સુધી ભારતનાં કોઈ વહાણ કે તેના નાવિકોને નુકસાનના સમાચાર નથી."

કચ્છના અશોક ભાનુશાળી આવા જ એક વહાણના માલિક છે. તેમણે બીબીસીગુજરાતીને જણાવ્યું, "યુદ્ધની સ્થિતિ ગંભીર છે.... દુબઈ પૉર્ટમાં 25થી 30 વહાણ તો હશે જ. યુદ્ધને જોતા ત્યાં સલામતી લગતી નથી."

"તેથી, અમુક વહાણો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ બહાર આવી ગયાં છે. ઈરાને તેમને નથી હેરાન કર્યાં, કારણ કે ઈરાનને ખબર છે કે આ ગરીબ માણસોના છે. મારું પોતાનું વહાણ હાલ યમન તરફ છે અને તે સલામત છે."

કચ્છના જ પ્રદીપ શિયાળવાલાનો પરિવાર પણ એક વહાણ ધરાવે છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમારું પોતાનું વહાણ યમનમાં છે અને સલામત છે. જોકે, યુદ્ધના કારણે ચિંતા તો ત્યાં પણ છે. અમને મળતી માહિતી પ્રમાણે, સોમાલિયાનો માલ ભરીને કેટલાંય વહાણ દુબઈમાં પડ્યાં છે, પરંતુ ઇરાનના અખાતમાંથી બહાર નીકળી શકતાં નથી. તેમને ભય છે કે યુદ્ધના કારણે વહાણ અને માલ-સમાનને નુકસાન થઇ શકે છે."

કેવો માલ લઈ જવા માટે આ નાનાં વહાણોનો સંપર્ક થઈ રહ્યો છે?

હોર્મુઝની સામુદ્રધૂની , ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ, વિશ્વ વ્યાપારને અસર, ભારતના દેશી જહાજોને લાભ, ગલ્ફનો અખાત, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવોને અસર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OLIVIER HOSLET/EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારત ખાડી દેશોમાં ચોખા, ખાંડ, ફાળો, શાક-ભાજી અને પશુઓ માટેના ખાણદાણની મોટા પાયે નિકાસ કરે છે.

આદમ ભાયાએ કહ્યું, "કન્ટેનર જહાજોએ ઇરાનના અખાત તરફનો માલ ભરવાનું બંધ કરતા નિકાસકારો વહાણોનો સંપર્ક કરી રહ્યા છે. ખાસ કરીને ખાડી દેશોમાં ચોખા પહોંચાડવા માટે વેપારીઓ વહાણોનો સંપર્ક કરી રહ્યા છે. ઘણા વેપારીઓ પૂછપરછ કરી રહ્યા છે કે વહાણો ઇરાનના અખાતમાં આવેલાં બંદરો સુધી ચોખા પેહોચાડી શકશે કે કેમ?"

"વહાણવટા ઉદ્યોગ માટે આ સારી બાબત છે. પરંતુ સલામતીના કારણોસર વહાણ માલિકોને અમારા ઍસોસિયેશનની સલાહ છે કે ઓમાનના અખાતમાં આવેલાં મસ્કત બંદર સુધીનો કાર્ગૉ (માલસામાન) જ સ્વીકારે. ત્યાં સુધી જવામાં વાંધો નથી, પરંતુ ત્યાંથી પશ્ચિમ દિશાએ આવેલાં ઇરાનના અખાતના દુબઈ વગેરે બંદરો તરફ જવામાં હાલ જોખમ રહેલું છે અને તેથી અમારી સલાહ છે કે તે તરફનો કાર્ગૉ વહાણો ન સ્વીકારે."

ભારત સરકારના આંકડા અનુસાર, 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન ભારતે નિકાસ કરેલા ચોખાનું મૂલ્ય 8.30 અબજ અમેરિકન ડૉલર એટલે કે અંદાજે 747 અબજ રૂપિયા (1 ડૉલર =90 રૂપિયા) હતું.

તેમાં સૌથી વધારે જથ્થો સાઉદી અરેબિયા (77 .37 કરોડ ડૉલર ), ઈરાન (53 .68 કરોડ ડૉલર), ઇરાક (50.48 કરોડ ડૉલર) , સંયુક્ત આરબ અમીરાત (42 .40 કરોડ ડૉલર) અને આફ્રિકા ખંડના બેનિન દેશમાં (41.80 કરોડ ડૉલર ) નિકાસ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ખાડી દેશ યમન પણ પ્રથમ 10 દેશોની યાદીમાં હતો. યમનમાં ભારતે નિકાસ કરેલા ચોખાનું મૂલ્ય 26.45 કરોડ અમેરિકન ડૉલર જેટલું હતું.

વહાણ માલિકો જોખમ લેશે?

હોર્મુઝની સામુદ્રધૂની , ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ, વિશ્વ વ્યાપારને અસર, ભારતના દેશી જહાજોને લાભ, ગલ્ફનો અખાત, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવોને અસર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Handout

ઇમેજ કૅપ્શન, ધોની ફાઇલ તસવીરનો પ્રતીકાત્મક ઉપયોગ

મુંબઈમાં રહેતા એક વહાણના માલિકે પોતાની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મારું વહાણ યમનના એક પૉર્ટમાં હાલ લોડ થઈને ઊભું છે અને ત્યાં તકલીફ નથી, કારણ કે દુબઈથી તે અંદાજે 2,200 કિલોમીટર દૂર છે. હાલ ખાડી દેશોમાં ડુંગળી અને ચોખા પહોંચાડવા માટે અમારી પાસે ઘણી વિનંતીઓ આવે છે. પરંતુ ત્યાં જવા કોઈ તૈયાર નથી, કારણ કે અમારાં વહાણ પર બૉમ્બમારો થાય તો બચાવની કોઈ વ્યવસ્થા નથી અને માણસોનાં જીવ અને વહાણ બંને જોખમાય."

તેમણે ઉમેર્યું, "વહાણવટાનો ધંધો બહુ જોખમી છે. વહાણ હોય ત્યાં સુધી શેઠ કરોડપતિ કહેવાય અને જો વહાણ ડૂબી જાય તો તે રાતોરાત રોડપતિ થઈ જાય, કારણ કે વીમા કંપનીઓ વહાણના વીમા આપતી નથી અને આપે તો વહાણ ડૂબી જવાના કિસ્સામાં દાવા મંજૂર કરવામાં બહુ આનાકાની કરે છે."

કચ્છના હાજી હસન આગરિયાએ કહ્યું કે તેમનું વહાણ પણ સોમવારે પોરબંદરથી અંદાજે 1,000 ટન એટલે કે 10 લાખ કિલો ચોખા ભરીને ઓમાનના સલાલા બંદર જવા માટે નીકળ્યું છે.

બીબીસી ગુજરાતી સાથે શુક્રવારે વાત કરતા તેમણે કહ્યું, "વહાણ હવે સલાલા પૉર્ટ નજીક પહોંચી ગયું છે. ઓમાનના આ બંદર પર હજુ કોઈ હુમલો થયો નથી, પરંતુ મને ઘણી ચિંતા છે. આખરે યુદ્ધ તો યુદ્ધ છે. હું પોતે પણ વહાણ લઈને ખાડી દેશોમાં ગયો છું, પરંતુ મેં મારી જિંદગીમાં આવો માહોલ ક્યારેય જોયો નથી."

પ્રદીપ શિયાળવાલાએ કહ્યું કે તેઓ તેમનું જહાજ ખાડી દેશોના એક બંદરેથી બીજા બંદરે તેમ જ ખાડી દેશોના બંદરોએથી આફ્રિકા ખંડના દેશો વચ્ચે ચલાવવાનું વધારે પસંદ કરે છે.

તેમણે કહ્યું, "હાલ, ચોખા જ ભારતમાંથી વહાણોને મળતો મુખ્ય કાર્ગૉ છે. મારું વહાણ બે મહિના પહેલાં યમનથી મુન્દ્રા આવેલું, પરંતુ ખાડી દેશોમાંથી ભારત લાવવા માટેનો માલ હવે નથી મળતો. તેથી, અમે અમારું વહાણ ઇરાનના અખાત, રાતા સમુદ્ર અને આફ્રિકાના કિનારે આવેલાં બંદરો વચ્ચે ચલાવવાનું વધારે પસંદ કરીએ છીએ. ત્યાં સામાન્ય રીતે એક બંદરથી અન્ય બંદર પહોંચતા બે-અઢી દિવસ લાગે છે."

મોટાં જહાજો સામે વહાણો કઈ રીતે ટકી રહ્યાં છે?

હોર્મુઝની સામુદ્રધૂની , ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ, વિશ્વ વ્યાપારને અસર, ભારતના દેશી જહાજોને લાભ, ગલ્ફનો અખાત, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવોને અસર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

કચ્છ વહાણવટા ઍસોસિયશનના માજી પ્રમુખ આદમ સિદીક થેઇમે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે દાયકાઓ સુધી ભારતમાંથી અમુક જણસી વહાણોમાં ભરીને જ ખાડી દેશોમાં નિકાસ કરી શકાતી અને તે જ રીતે ખજૂર વહાણોમાં લાવીને જ આયાત કરી શકાતી હતી.

તેમણે કહ્યું, "પંદરેક વર્ષ પહેલાં તે કાર્ગૉ રિઝર્વેશન રદ્દ થયું. તેથી વેપારીઓ ચોખા, ખાંડ, લોટ, ડુંગળી, બટાટા વગેરે કન્ટેનર જહાજોમાં મોકલતાં થયાં, કારણ કે મુન્દ્રાથી નીકળેલું જહાજ ચાર દિવસમાં દુબઈ પહોંચી જાય જયારે વહાણને પહોંચતાં સહેજે પાંચ દિવસ થાય. વળી, કન્ટેનર જહાજોમાં ભાડું પણ સસ્તું પડે. તેથી, વહાણવટા ઉદ્યોગને બહુ મોટો ફટકો પડ્યો. મારા પરિવાર પાસે એક સમયે 32 વહાણ હતાં. હવે માત્ર બે જ વધ્યાં છે."

અશોક ભાનુશાળીએ કહ્યું કે હાલ કન્ટેનર જહાજોમાં મુન્દ્રાથી દુબઈ સુધી માલ પહોંચાડવા પ્રતિ ટન 12 ડૉલર એટલે કે અંદાજે 1,100 રૂપિયા ભાડું થાય છે.

તેમણે કહ્યું, "વહાણ આવા ભાડાથી ચલાવી ન શકાય. સ્ટીમર (જહાજ) જો 'ટ્રેન' ગણાય તો વહાણ 'ટ્રક' કહેવાય. તે બંનેના ભાડામાં ફર્ક રહેવાનો જ. પરંતુ વહાણનો ફાયદો એ છે કે તે નાનાં બંદરોમાં પણ જઈ શકે છે અને જ્યાં માલ પહોંચાડવાનો હોય તે સ્થળના નજીકના દરિયાકાંઠે માલ ઊતારી શકે. તેથી, સરવાળે ડિલિવરી વધારે ઝડપથી થઈ શકે છે."

"કન્ટેનર જહાજોમાં માલ મોકલાવીએ તો તે શક્ય નથી, કારણ કે કન્ટેનર જહાજ બહુ મોટાં હોય અને તેને તરતાં રહેવાં માટે વધારે ઊંડાઈવાળું પાણી જોઈએ."

મુંબઈના વહાણ માલિકે કહ્યું કે જે બંદરમાં પાણીની ઊંડાઈ 15 ફૂટ હોય તેવા બંદરમાં પણ વહાણ લાંગરી શકાય છે, પરંતુ કન્ટેનર લઈ જતા મોટાં જહાજોને તેનાં કરતાં સરેરાશ ત્રણ ગણાં ઊંડા પાણીની જરૂર રહે છે.

આદમ સિદીક થેઇમે કહ્યું કે ભારત અને ખાડી દેશો વચ્ચે વહાણો ચાલતાં હોવાને કારણે જ કન્ટેનર જહાજોનાં ભાડાં કાબૂમાં રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન