ઇસ્લામમાં પશુબલિ ચઢાવવાની પ્રથા કેમ અને કેવી રીતે શરૂ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૈદુલ ઇસ્લામ
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા
ઇસ્લામના વિદ્વાનોનું કહેવું છે કે મક્કામાં દર વર્ષે કુરબાની આપવામા આવતી હતી. જોકે, મક્કામાં રહેનાર તે સમયે અલગ-અલગ દેવી-દેવતાઓનાં નામ પર બલિ ચઢાવતા હતા.
ઇસ્લામના પયગંબર હજરત મહમદસાહેબ તે સમયે મક્કામાં રહેતા હોવા છતાં આ રિવાજનું પાલન કરતા નહોતા.
પયગંબરી હાંસલ કર્યા પછીનાં લગભગ 13 વર્ષ બાદ મદીનામાં હિજરત (ઇસવીસન 622-23) પછી સત્તાવાર રીતે બલિપ્રથા શરૂ થઈ હતી.
મૌલાના અબુ-સાલેહ પટવારી 'ઇસ્લામિક ફાઉન્ડેશન'ના હલાલ સનદ ડિવીઝનના ઉપ-નિદેશક છે.
તેમણે બીબીસીને કહ્યું, “ઇસ્લામાની કેટલીક પ્રથાઓ રસૂલ (હજરત મહમદસાહેબ) મદીના આવ્યા પછી શરૂ થઈ હતી. તેમણે જ્યારે ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો ત્યારે મક્કાના લોકો વચ્ચે એકતા સ્થાપિત કરવી એ સૌથી પહેલું કામ હતું. તેઓ મદીના હિજરતથી પાછા ફર્યા એ બાદ ઇસ્લામના નિયમો જાહેર કરવામા આવ્યા હતા.”
ઈદની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
હિજરીના બીજા વર્ષે રોજા અને ઈદ-ઉલ-ફિતર તહેવારની ઉજવણીની શરૂઆત કરવામા આવી હતી. જોકે, મદીનાના લોકો તે પહેલાં રોજા રાખતા હતા અને આ પ્રકારનો તહેવાર ઉજવતા હતા.
ઢાકા યુનિવર્સિટીમાં ઇસ્લામી ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રોફેસર મહમદ અતાઉર રહમાન નિયાઝીએ કહ્યું કે ઈદની શરૂઆત હિજરીના બીજા વર્ષથી થઈ હતી.
બાંગ્લાદેશના રાષ્ટ્રીય વિશ્વકોશ બાંગ્લાપીડિયામાં પયગંબર મહમદના અનસ નામના એક સાથી દ્વારા વર્ણવેલ એક હદીસને ટાંકીને જણાવામા આવ્યું છે કે નબી જ્યારે મદીના ગયા ત્યારે તેમણે જોયું કે ત્યાંના લોકો વર્ષમાં બે મોટા તહેવારો ઊજવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એ તહેવારો કયા છે એ જાણવાની કોશિશ કરી. એ તહેવારો નૌરોજ અને મિહિરજાન હતા. સ્થાનીક લોકો ધર્મ અને ગૌત્રના રીતિ-રિવાજ પ્રમાણે એક તહેવારને શરદ ઋતુમાં જ્યારે બીજો વસંતમાં ઊજવતા હતા.
પ્રોફેસર મિયાજીએ કહ્યું, “ત્યારબાદ આ બે તહેવારોના આધારે મુસ્લિમો માટે એક વર્ષમાં બે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો શરૂ કરવામા આવ્યા હતા.”
આ બંને ઈદો પૈકી એક હજ દરમિયાન ઉજવવામા આવે છે જેને ઈદ-ઉલ-અઝ્હાના નામથી ઓળખાય છે.
જોકે, આ વિશે કોઈ ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી કે ઇસ્લામના પ્રસાર પછી પ્રથમ બલિ ક્યારે અને કેવી રીતે ચઢાવવામાં આવ્યો હતો.
કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે હઝરત મહમદસાહેબ મદીના આવ્યા પછી પોતાના હાથે બે ઘેટાંનું બલિદાન આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે એક બલિદાન મારા તરફથી અને બીજું બલિદાન ઉમ્મત તરફથી.
બલિ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૌલાના મહમદ અબુ-સાલેહ પટવારીએ કહ્યું, “ઇસ્લામમાં કેટલીક વસ્તુઓ પાછલા પયગંબરોની પરંપરા મુજબ કરવામા આવી હતી. ઉદાહરણ તરીકે શરૂઆતમાં નમાજ બૈતુલ મુકદ્દસ (જેરૂસલેમસ્થિત મસ્જિદ-એ-અક્સા)ની સામે અદા કરવામા આવી હતી. જોકે, ત્યારબાદ એક પયગંબર હજરત ઇબ્રાહીમના આદર્શ પ્રમાણે કાબા (મક્કાસ્થિત) તરફ નજર રાખીને નમાજ પઢવાનું શરૂ થયું હતું. બલિનો મામલો પણ આ જ રીતે આવ્યો હતો.”
પટવારીનું કહેવું છે કે ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન અને હદીસ (હજરત મહમદનાં નિવેદનો) પ્રમાણે, હજરત આદમ (ઇસ્લામી વિશ્વાસ પ્રમાણે દુનિયામાં આવનાર પ્રથમ વ્યક્તિ) સાથે બલિની શરૂઆત થઈ હતી.
જોકે, બલિના નિર્દેશ ‘સુરહ કૌસર’ અને ‘સુરહ હજ’માં મળે છે. આ સુરહ કૌસર હિજરત પહેલાં મક્કામાં પયગંબરના રોકાણ દરમિયાન પ્રકટ થઈ હતી. માનવમા આવે છે કે સુરહ હજ મક્કા અને મદીનામાં અવતરિત થઈ હતી.
આ બંનેમાં બલિનો નિર્દેશ આપવામા આવ્યો હતો.
પટવારીએ કહ્યું, “આ દર્શાવે છે કે બલિનો મુદ્દો મક્કામાં હજરત મહમદસાહેબ જ્યારે મક્કામાં રહેતા હતા તે દરમિયાન સામે આવ્યો હતો. જોકે, આ વિશે કોઈ ચોક્કસ તથ્યો નથી કે તેમણે પહેલી વખત કુરબાની ક્યારે આપી હતી.”
“તિર્મિઝ હદીસમાં ઉલ્લેખ છે કે અબ્દુલ્લાહ ઇબ્ન-એ-ઉમરે કહ્યું કે હિજરત પછી પયગંબર મહમદે દસ વર્ષના રોકાણ દરમિયાન દર વર્ષે કુરબાની આપી હતી. અનસ ઇબ્ન-એ-માલિકે કહ્યું છે કે પયગંબર મહમદે શીંગડાવાળાં બે ઘેટાંની બલિ આપતાં કહ્યું કે એક બલિ મારા તરફથી અને એક બલિ ઉમ્મત તરફથી.”
પટવારી જણાવે છે કે બીજી એક હદીસમાં કહેવામા આવ્યું છે કે તેઓ હંમેશાં બે ઘેટાંની બલિ આપતા હતા.
વિદ્વાનોનું કહેવું છે કે તે સમયે બલિનો મુદ્દો મોટા ભાગે હજ પર કેન્દ્રિત હતો.
હજ કે ઉમરા કરવા જનારા લોકો ઊંટ અથવા ઘેટાં જેવાં પશુઓને બલિ આપવા માટે સાથે લઈ જતા હતા. આ પશુઓને ‘હાદી’ કહેવામા આવતા હતા.
ઢાકા યૂનિવર્સિટીમાં ઇસ્લામિક ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રોફેસર મહમદ અતાઉર રહમાન મિયાજીએ બીબીસીને જણાવ્યું, “પયગંબર જ્યારે છઠી હિજરી કે ઇસવીસન 628માં ઉમરા માટે નીકળ્યા ત્યારે હુદૈબિયા (એક સ્થળનું નામ)માં એક તંબૂમાં રોકાયા હતા. હુદૈબિયાની સમજૂતી પછી તેમણે પોતાના અને પોતાના પરિવાર માટે ઊંટની બલિ ચઢાવી હતી. કહેવામા આવે છે કે તેમણે ત્યારે 63 ઊંટોની બલિ આપી હતી.”
તે સમયે ઇસ્લામના રીતિ-રિવાજોમાં ઊંટ, ભેંસ, ગાય, બકરી અને ઘેટાંની કુરબાની વિશે જાણકારી મળે છે.
આ મુદ્દે મૌલાના મહમદ અબુ સાલેહ પટવારીએ જણાવે છે, “છઠી હીજરીમાં ઉમરા માટે જનારા લોકો સાથે પશુઓને લઈ જવાનો નિયમ હતો. તે સમયે બલિ સિવાય બીજો એક રિવાજ હતો. પશુઓના શરીર પર નિશાન બનાવીને તેમને મક્કા તરફ છોડી દેવામાં આવતાં હતાં જેથી કરીને સમજી શકાય કે આ પશુઓ બલિ માટે છે. હુદૈબિયાની સમજૂતી પછી કેટલાંક પશુઓની બલિ આપવામા આવી હતી અને કેટલાંક પશુને છાતી પર ડાઘ લગાડીને છોડી દેવામાં આવ્યાં હતાં.”
પટવારીએ કહ્યું કે 10મી હિજરીમાં પયગંબરના મક્કાવિજય પછી તેમણે સત્તાવાર રીતે હજ કરી અને બલિ ચઢાવ્યો હતો.
તેના એક વર્ષ પહેલાં, મહમદ સાહેબના નજીકના સાથી (જેને ઇસ્લામિક પરિભાષામાં સાહાબી કહેવાય છે) અબુ બકરના નેતૃત્વમાં એક જૂથને હજ કરવા મોકલવામાં આવ્યું હતું. તે જૂથ સાથે બલિ માટે હાદી અથવા પ્રાણીઓ પણ હતાં.












