'અમદાવાદ અને મુંબઈથી ઑર્ડર આવે છે', ગૅસ સિલિન્ડરની 'તંગી' સર્જાતાં રાજકોટની સગડીની માગ વધી

'અમદાવાદ અને મુંબઈથી ઑર્ડર આવે છે', ગૅસ સિલિન્ડરની 'તંગી' સર્જાતાં રાજકોટની સગડીની માગ વધી

અમેરિકા અને ઇઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ યથાવત્ છે. જેમ-જેમ સંઘર્ષ વધી રહ્યો છે, તેમ-તેમ, દિવસે ને દિવસે તેની અસર યુદ્ધ સાથે નહીં જોડાયેલા વિશ્વના અન્ય દેશો ઉપર પણ જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારતનાં અનેક શહેરોમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી) માટે લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. કેટલાંક સ્થળોએ જાતે ભોજન બનાવતા વિદ્યાર્થીઓ ચિંતિત છે. કેટલાંક સ્થળોએ વિદ્યાર્થીઓની વીશીની સુવિધા બંધ થઈ ગઈ છે.

એલપીજીનો પુરવઠો ખોરવાઈ જવાને કારણે ભારતનાં અનેક શહેરોમાં રેસ્ટોરાં તથા હોટલો બંધ થઈ રહી હોવાના અહેવાલ છે. કેટલાંક સ્થાનોએ જમવાનું મૅન્યુ બદલી ગયું છે અને જમવા માટે ગરમ ભોજન પીરસવામાં નથી આવતું.

તો કેટલાંક સ્થળોએ બળતણનાં લાકડાં વાપરીને ભોજન રાંધવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે.

બીબીસીના અગાઉના અહેવાલો પ્રમાણે ખાતર અને સિરામિક ઉત્પાદનમાં વિક્ષેપ ઊભો થયો છે તથા આમ ને આમ ચાલતું રહ્યું, તો ઉત્પાદન બંધ કરવું પડી શકે છે, એવી ચિંતા સેવાઈ રહી છે.

પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે વપરાશકર્તા અન્ય વિકલ્પો તરફ નજર દોડાવવા માટે મજબૂર બન્યા છે.

જેની સીધી અસર રાજકોટમાં બનતી સગડીની માંગ પર જોવા મળી રહી છે. જ્યાં અમદાવાદ, સુરત અને મુંબઈથી ઑર્ડર મળી રહ્યા છે.

સગડી કેવી રીતે બને તથા એક સગડી કેટલામાં મળે? વેપારીઓ અને ગ્રાહકો પ્રવર્તમાન સ્થિતિ અંગે શું કહી રહ્યા છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન