ટ્રમ્પે કેમ કહ્યું, 'હવે અમેરિકા તમને મદદ કરવા આગળ નહીં આવે?' – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ કહેવું છે, "સ્ટ્રેટ ઑફ હોર્મુઝની આસપાસનાં નિયંત્રણોને કારણે બ્રિટન જેવા દેશને વિમાન માટે ઇંધણ નથી મળી રહ્યું. તેમણે થોડી હિંમત ભેગી કરવી જોઈએ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સુધી જવું જોઈએ અને તેને લાવવું જોઈએ."

ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, "દેશોએ હવે પોતાને માટે લડવાનું શીખવું પડશે. અમેરિકા હવે તમારી મદદ માટે આગળ નહીં આવે, જેવી રીતે તમે અમારા માટે નહોતા આવ્યા."

તેમણે ઈરાન સામેની કાર્યવાહીમાં પીછેહઠ કરનારા દેશો માટે આ વાત કરી હતી. તેમણે લખ્યું, "મૂળભૂત રીતે ઈરાનને તારાજ કરી નાખવામાં આવ્યું છે. કપરું કામ પતી ગયું છે."

ટ્રમ્પે છેલ્લે લખ્યું - "જાવ તમારું ક્રૂડઑઇલ જાતે લઈ લો."

ટ્રૂથ સોશિયલ ઉપર અન્ય એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, "ઇઝરાયલ માટે સૈન્યસામાન લઈ જઈ રહેલાં વિમાનોને ફ્રાન્સે પોતાની હવાઈસીમા વાપરવા માટે મંજૂરી ન આપી."

"ઈરાનને સફળતાપૂર્વક ખતમ કરી દેવાયું છે, આ મામલે ફ્રાન્સે બિલકુલ મદદ નથી કરી."

પોસ્ટમાં છેલ્લે ટ્રમ્પે લખ્યું, "અમેરિકા આને યાદ રાખશે."

બીજી બાજુ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે મંગળવારે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સપ્તાહાંત દરમિયાન ટ્રમ્પે ઈરાન ઑપેરશનમાં સામેલ સૈનિકો સાથે મુલાકાત કરી હતી. જોકે, આ મુલાકાત ક્યાં થઈ હતી, તે સ્થળનું નામ સુરક્ષા કારણોસર નહોતું જણાવ્યું.

હેગસેથે કહ્યું હતું કે 'અમેરિકાની સૈન્યશક્તિ વધી રહી છે અને ઈરાનની તાકત ઘટી રહી છે.'

હેગસેથે એમ પણ કહ્યું કે 'રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કરી રહ્યા છે, જે કરવાની કોઈ રાષ્ટ્રપતિમાં હિંમત ન હતી.'

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં કેટલાં મૃત્યુ થયાં?

તા. 28મી ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલે ઈરાનની ઉપર હુમલા શરૂ કર્યા હતા, ત્યારથી મરણાંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં સાડા ચાર હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી સૌથી વધુ મૃત્યુ ઈરાનમાં થયાં છે.

ઈરાન: અમેરિકાસ્થિત સંગઠન હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ઇન ઈરાનના જણાવ્યા પ્રમાણે, યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં ઈરાનમાં 3,492 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાંથી 1,574 સામાન્ય નાગરિક છે. આ સિવાય ઓછામાં ઓછા 236 બાળકો મૃત્યુ પામ્યા છે.

ઇઝરાયલ: ઇઝરાયલની ઍમ્બુલન્સ સેવા મેગન ડેવિડ એડોમના (એમડીએ) જણાવ્યા પ્રમાણે, યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં મિસાઇલ હુમલામાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય લેબેનૉનમાં ઇઝરાયલની સેનાના નવ સૈનિક માર્યા ગયા છે.

લેબેનૉન: લેબેનૉનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તા. 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ત્યાં 1,247 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 124 બાળકોનો પણ સમાવેશ થાય છે.

ખાડી દેશો: ખાડી દેશોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી મોટા ભાગે સુરક્ષાબળોના સભ્ય કે વિદેશી શ્રમિક છે. જેમાંથી સંયુક્ત આરબ અમીરાતમાં (યુએઈ) 11 અને કુવૈતમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય ઓમાન, સાઉદી અરેબિયા તથા બહરીનમાં બે-બે મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ થઈ છે.

અમેરિકા દ્વારા ઈરાન સામેનાં યુદ્ધનો ખર્ચો આરબ દેશોને ભોગવવા માટે કહેવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે આના વિશે પત્રકારોએ પૂછ્યું, ત્યારે વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કૅરોલાઇન લેવિટે કહ્યું, "મને લાગે છે કે આ એવી વાત છે કે જેમાં રાષ્ટ્રપતિને રસ છે."

તેમણે કહ્યું, "હું તેમના પહેલાં કશું નહીં કહું, પરંતુ એટલું ચોક્કસપણે કહી શકું છું કે આ (વાત) તેમના (ટ્રમ્પના) મગજમાં છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં તેઓ આના વિશે તમારી સાથે વાત કરશે."

કૅરોલાઇન લેવિટનું કહેવું છે કે અમેરિકાએ ઈરાનના અગિયાર હજાર કરતાં વધુ સૈન્યઠેકાણાં ઉપર હુમલા કર્યાં છે.

બીજી બાજુ, દુબઈના અધિકારીઓનું કહેવું છે કે ઈરાન સાથે સંબંધિત ડ્રૉન હુમલાને કારણે ઑઇલ ટૅન્કરમાં આગ લાગી હતી, પરંતુ તેમાંથી ઑઇલ લિક નથી થયું.

'અલ-સલામી' નામનું કુવૈતનું ટૅન્કર 20 લાખ બૅરલ સાથે ચીન જઈ રહ્યું હતું, તે દુબઈ પાસે ઊભું હતું, ત્યારે તેની ઉપર ડ્રૉનથી હુમલો થયો હતો.

બિહાર : નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત, અનેક ઘાયલ

બિહારના નાલંદા જિલ્લામાં શીતળા માતા મંદિરમાં મંગળવારે ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં આઠ લોકોનાં મોત થયાં છે અનેક લોકો ઘાયલ થયા છે.

પીટીઆઇ સાથે વાત કરતા ડૉ. વિશ્વજિતે કહ્યું, "લગભગ 13-14 લોકોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આઠ લોકોનાં મોત થયાં છે. બાકીના અહીં સારવાર હેઠળ છે. બે દર્દી ગંભીર હતા, તેમને બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."

સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતા બિહારશરીફની મૉડલ હૉસ્પિટલના ડૉ. વિશ્વજિતકુમારે જણાવ્યું હતું કે મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે.

બીબીસી સંવાદદાતા સીતુ તિવારીએ જણાવ્યું કે નાલંદા નજીક દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મઘડા શીતળા મંદિર પાસે યોજાયેલા મેળામાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે.

પૂજા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.

ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર હોવાથી મંદિર પરિસરમાં મોટી ભીડ એકઠી થઈ હતી.

સમાચાર એજન્સી એએનઆઇએ ઘટનાસ્થળનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ઘાયલોને લઈ જતી ઍમ્બ્યુલન્સ દેખાઈ રહી છે.

સમ્રાટ ચૌધરીએ શું કહ્યું?

બિહારના નાયબ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ ઍક્સ પર એક પોસ્ટમાં ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ઍક્સ પર લખ્યું, "નાલંદાના શીતળા માતા મંદિરમાં થયેલી દુ:ખદ ભાગદોડ અત્યંત પીડાદાયક છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ ભક્તોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું."

ઍરપૉર્ટ પર ઊભેલા વિમાન પર અમેરિકાનો હુમલો, ઈરાને શું કહ્યું?

ઈરાનના મશહદ ઍરપૉર્ટ પર અમેરિકાના હુમલામાં મહાન ઍર (ઈરાન ઍરલાઇન્સ)નું એક વિમાન ક્ષતિગ્રસ્ત થયું છે.

સમાચાર એજન્સી પીટીઆઇએ ઈરાનના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે આ વિમાન ભારત જવાનું હતું, જ્યાંથી દવાઓ અને મદદનો સામાન લઈને લોકો સુધી પહોંચાડી શકાય.

પીટીઆઇના અહેવાલ મુજબ અધિકારીઓનું કહેવું છે કે વિમાન આ અઠવાડિયે નવી દિલ્હી જવાનું હતું. જોકે, બીજી તરફ અમેરિકન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ નથી કરી.

ઈરાને આ ઘટનાને વૉર ક્રાઇમ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.

ભારતસ્થિત ઈરાનના દૂતાવાસે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે, "વિમાનમાં ઘણા દેશોમાંથી મગાવાયેલી દવાઓ અને મેડિકલ ઉપકરણો હતાં તથા તે એક માનવીય મિશન પર હતું. આવા નાગરિક વિમાનને નિશાન બનાવવું એ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે અને માનવીય કાયદાના સિદ્ધાંતોથી વિપરીત છે."

ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે, "શિકાગો કન્વેન્શન (1944) અને મોન્ટ્રીયલ કન્વેન્શન (1971) અનુસાર, નાગરિક વિમાનોની સલામતી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય ગુનો ગણવામાં આવે છે."

દૂતાવાસે નાગરિક ઉડ્ડયન સંગઠન સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરીને કહ્યું કે "આ હુમલા સામે તાત્કાલિક પગલાં ભરે, જવાબદારોને સજા કરે અને ભવિષ્યમાં આવાં જોખમોને રોકે."

'હોર્મુઝ બંધ રહે તો પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગીઓને કહ્યું છે કે તે ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન ખતમ કરવા તૈયાર છે, ભલે હોર્મુઝની સામુદ્રધુની મોટા ભાગે બંધ રહે. આ દાવો વૉલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

અખબારે વહીવટી અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સહયોગીઓનો અંદાજ છે કે આ મહત્ત્વના સમુદ્રી રસ્તાને બળજબરીથી ખોલવાનું મિશન રાખવામાં આવશે તો આ યુદ્ધ તેની નિર્ધારિત સમયસીમા (ચારથી છ સપ્તાહ)થી વધારે ચાલશે.

રિપોર્ટ મુજબ ઈરાનની નૅવી અને મિસાઇલ ભંડારને ભારે નુકસાન પહોંચાડ્યા પછી અમેરિકા ઈરાન પર કૂટનીતિક દબાણ વધારશે, જેથી વ્યાપારનો માર્ગ ફરીથી ખૂલી શકે.

બીબીસીએ આ વિશે ટિપ્પણી માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને અદાલતના તિરસ્કારની કાર્યવાહીની ચેતવણી આપી

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તાજેતરમાં ચેતવણી આપી છે કે કેદમાં રહેલા એક અપરાધીની સજા પૂરી થાય તે અગાઉ છોડી મૂકવાની અરજી પર નિર્ણય નહીં લેવાય તો કોર્ટની તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

લાઇવ લોના અહેવાલ પ્રમાણે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આજીવન કેદની સજા ભોગવતા એક કેદીના કેસમાં આ ટિપ્પણી કરી હતી. સરકારની નીતિ મુજબ કારાવાસનો જરૂરી સમય પૂરો કર્યો હોવા છતાં કેદીને પ્રિમેચ્યોર મુક્ત કરવાની અરજી પર નિર્ણય લેવાયો ન હતો.

કોર્ટે કહ્યું કે પહેલી ડિસેમ્બર, 2025ના રોજ અરજકર્તાએ અધૂરી મુદતે જેલમુક્તિ માટે જે લઘુતમ સમયગાળો જેલમાં કાઢવો પડે, તે પૂરો કરી દીધો હતો. છતાં તે તારીખને ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં અંતિમ નિર્ણય લેવાયો ન હતો.

રશિયાના મોટા ઑઇલ નિકાસના મથકો પર યુક્રેનનો હુમલો, બીબીસી વેરિફાઇએ પુષ્ટિ કરી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં ગયા અઠવાડિયે યુક્રેને બાલ્ટિક સમુદ્ર પાસે રશિયાના મોટા ઑઇલ નિકાસનાં મથકો પર વારંવાર હુમલા કર્યા હતા. આ હુમલા પછી કેટલીક જગ્યાએ આગ ચાલુ રહી હતી.

બીબીસી વેરિફાઇએ પુષ્ટિ કરી છે કે 23 માર્ચથી અત્યાર સુધીમાં રશિયાના લેનિનગ્રાદ વિસ્તારમાં સેન્ટ પીટર્સબર્ગ શહેર નજીક (જે યુક્રેનની સરહદથી લગભગ 800 કિમી દૂર છે) ઓછામાં ઓછા ત્રણ ઑઇલ મથકો પર હુમલા થયા હતા.

બાલ્ટિક સમુદ્રના મહત્ત્વનાં બંદરો ઉસ્ત-લૂગા અને પ્રિમોર્સ્ક પર અલગ-અલગ હુમલા થયા છે. નજીકમાં આવેલી કિરીશી ઑઇલ રિફાઇનરી પર પણ હુમલો થયો છે. ફિનલૅન્ડસ્થિત સેન્ટર ફૉર રિસર્ચ ઑન ઍનર્જી ઍન્ડ ક્લીન ઍર મુજબ 2025માં રશિયાની કુલ ઑઇલ નિકાસમાં 22 ટકા હિસ્સો પ્રિમોર્સ્ક અને 20 ટકા હિસ્સો ઉસ્ત-લૂગાનો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન