કાંટાળા કેક્ટસના ફળથી દેશના ખેડૂતો કઈ રીતે માલામાલ થઈ રહ્યા છે?

    • લેેખક, પ્રીતિ ગુપ્તા
    • પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર, મુંબઈ
    • દ્વારા રિપોર્ટિંગ, Mumbai
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અરૂણ શ્રીનિવાસ કહે છે, "તે 'કરો યા મરો' જેવો નિર્ણય હતો." 2020માં તેમણે નાણાકીય ક્ષેત્રની પોતાની કારકિર્દીને તિલાંજલિ આપી દીધી, પોતાના તમામ શૅર અને સોનું વેચી દીધાં અને કર્ણાટકમાં આવેલા તેમના પારિવારિક ખેતરમાં રોકાણ કર્યું.

તેઓ જણાવે છે, "હું અમારી જમીન ઉપર કશુંક એવું કરવા માગતો હતો કે જેથી મને માનસિક અને નાણાકીય - બંને પ્રકારે લાભ થાય."

કૌટુંબિક ખેતરમાં નારિયેળ અને કેરીની ખેતી થતી, પણ તેમના દિમાગમાં બીજો જ પાક લેવાનો વિચાર ચાલતો હતો: ડ્રૅગન ફ્રૂટ. થોડી તપાસ કરતાં શ્રીનિવાસને વિશ્વાસ બેસી ગયો કે તે એક સારો નિર્ણય પુરવાર થઈ શકે છે.

તેઓ કહે છે, "તે નાણાકીય રીતે સારું વળતર આપતો પાક હોવાની સાથે-સાથે તેને ઘણા ઓછા પાણીની જરૂર પડે છે. વળી, અન્ય ફળોના પાકના મુકાબલે તેમાં બીમારી થવાનું જોખમ પણ ઘણું ઓછું હોય છે. આથી, મને લાગ્યું કે મારી જમીન માટે તે એકદમ યોગ્ય પાક હતો."

શ્રીનિવાસે તેમની આ નવી કારકિર્દીને રોકાણના કોઈ પ્રોજેક્ટ તરીકે લીધી, ડેટા એકત્રિત કર્યો અને વિસ્તૃત યોજનાઓ ઘડી. તેઓ કહે છે, "મેં લગભગ 80થી 100 ખેતરોની મુલાકાત લીધી. ખેડૂતો સાથે વાત કરી, પડકારો, નફો તથા જોખમો વિશે જાણકારી મેળવી અને મારા સ્તર પર વિશ્લેષણ કર્યું - આ તમામ કાર્ય સ્ટોક્સના વિશ્લેષણની માફક જ કર્યું."

તેમની મહેનત રંગ લાવી. હવે તેઓ 11 એકર જમીન ઉપર ડ્રૅગન ફ્રૂટની ખેતી કરે છે અને દર વર્ષે લગભગ 220 ટનની ઉપજ થાય છે.

ખેતીની પદ્ધતિ અને વૈશ્વિક સ્પર્ધા

ડ્રૅગન ફ્રૂટ 'ક્લાઇમ્બિંગ કેક્ટસ' છે, જેને પગલે અનોખી રીતે તેની ખેતી થાય છે. સામાન્યતઃ તેને કૉંક્રીટના થાંભલા ઉપર ઉગાડવામાં આવે છે. તે થાંભલાની ઉપર ગોળાકાર રિંગ હોય છે, જેના ઉપર કેક્ટસના વેલા લટકે છે.

ડ્રૅગન ફ્રૂટનું વતન મધ્ય અમેરિકા છે અને વિયેટનામ તેનું સૌથી વધુ ઉત્પાદન કરે છે, પણ ભારત ઉત્પાદન મામલે તેને પાછળ છોડી દેવા કમર કસી રહ્યું છે.

પરંપરાગત પાકના મુકાબલે ડ્રૅગન ફ્રૂટ ઊંચું વળતર અને પ્રમાણમાં સ્થિર ભાવોની ખાતરી આપે છે. 2020માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફળનું વાવેતર કરવામાં અને તેની નિકાસ કરવામાં સફળતા મેળવવા બદલ ગુજરાતના કચ્છ જિલ્લાના ખેડૂતોને અભિનંદન પાઠવ્યાં, તે પછી આ પાકને વેગ મળ્યો હતો.

બેંગાલુરુસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ' ખાતે 'સેન્ટર ઑફ ઍક્સેલન્સ ફૉર ડ્રૅગન ફ્રૂટ'ના વડા તથા અગ્રણી વિજ્ઞાની ડૉક્ટર જી. કરૂણાકરન કહે છે, "ડ્રૅગન ફ્રૂટ આશરે 2009ની આસપાસ ભારતમાં પ્રવેશ્યું હતું. તે સમયે તેના પાક કે તેને કેવી રીતે ઉગાડવું, તે વિશે ઘણી ઓછી જાણકારી ઉપલબ્ધ હતી. 2013-14માં જ્યારે અમે તેના વાવેતર પર પદ્ધતિસરના અભ્યાસો હાથ ધર્યા, તે પછી ભારતમાં ડ્રૅગન ફ્રૂટને લઈને ગંભીર સંશોધન શરૂ થયું."

વ્યાપક મીડિયા કવરેજને કારણે 2021 પછી તેની ખેતીએ વેગ પકડ્યો હતો. ડૉ. કરૂણાકરન જણાવે છે, "ભારતમાં ડ્રૅગન ફ્રૂટની ખેતી મોબાઇલની માફક ઝડપથી ફેલાઈ ગઈ. એક વખત ખેડૂતોને આવકની શક્યતાઓ જોવા મળી, તે પછી સૌ કોઈ તેની ખેતી કરવા માગતું હતું."

સ્થિર આવક અને પરાગનયનનો પડકાર

ઉપજની ટૂંકી મોસમ ધરાવતી કેરીથી અલગ, ડ્રૅગન ફ્રૂટની ઉપજ સળંગ છ મહિના સુધી ચાલુ રહી શકે છે. કરૂણાકરન કહે છે, "ખેડૂતો દર મહિને નાની માત્રામાં કાપણી કરે છે, જેના કારણે સ્થિર આવક મળી રહે છે. એક પરિવાર એક એકર જમીન ઉપર ખેતી કરી શકે છે અને દર વર્ષે 15 ટન જેટલી ઉપજ મેળવી શકે છે."

ડ્રૅગન ફ્રૂટની ખેતીની એક ખાસિયત એ છે કે તેનાં ફૂલ માત્ર રાત્રે અને મળસ્કે જ ખીલે છે. ઘણી વેરાઇટી માટે, જો પાક જોઈતો હોય, તો ફૂલોનું પરાગનયન અંધારામાં, મોટા ભાગે હાથ વડે કરવું પડે છે. કર્ણાટકમાં શ્રીનિવાસે મધમાખીઓની મદદથી તે સમસ્યા ઉકેલી દીધી હતી. તેઓ કહે છે, "કુદરતે અગાઉથી જ પરાગનયનની ચોકસાઈપૂર્ણ વ્યવસ્થા તૈયાર કરી રાખી છે. જ્યારે માનવી વધુ પડતી દરમિયાનગીરી કરે છે, ત્યારે ઘણી વખત તે સંતુલન બગડી જાય છે."

કેરળના વાયનાડમાં પોતાના ખેતરમાં ડ્રૅગન ફ્રૂટના છોડનું પરાગનયન કરવા માટે રાતના સમયે બહાર નીકળતા ચેરાદીપ મા માટે આ કામ જોખમી બની શકે છે.

તેઓ કહે છે, "વાયનાડમાં રાતના સમયે ખેતરમાં જવું જોખમી છે. ત્યાં સાપ, જંગલી ભૂંડ અને અમુક વખત દીપડા અને હાથી સુદ્ધાં હોય છે." આ વન્યજીવોથી બચવા માટે તેમણે સ્વતઃ-પરાગનયનવાળી વેરાઇટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ચેરાદીપ માએ 2020માં કૉફી અને કાળા મરીની ખેતીના વિકલ્પ સ્વરૂપે ડ્રૅગન ફ્રૂટની ખેતી શરૂ કરી હતી.

આજે તેમનાં ખેતરમાં 80 થી 100 ની વચ્ચે વેરાઇટી છે. જે વેરાઇટી સ્થાનિક આબોહવા સાથે શ્રેષ્ઠ અનુકૂલન સાધી લે છે, તેને તેઓ અન્ય ખેડૂતોને વેચે છે. તેઓ કહે છે, "ડ્રૅગન ફ્રૂટે મને ખેતીની આવકમાં વિવિધતા લાવવામાં મદદ કરી છે. જો કૉફી કે કાળા મરીના ભાવોમાં અસ્થિરતા આવે, તો તેવા સમયે આ ફળ મારું ગુજરાન ચલાવવામાં ઉપયોગી બને છે."

શ્રેષ્ઠ વેરાઇટીની શોધ અને ભવિષ્યની યોજના

ડૉક્ટર સુનીલા કુમારી પણ ભારતીય ખેડૂતો માટે ડ્રૅગન ફ્રૂટની સૌથી આશાસ્પદ વેરાઇટી શોધવાનું અભિયાન ચલાવી રહ્યાં છે. 2019માં તેમણે ભારતભરમાં મુસાફરી ખેડીને સેમ્પલ્સ એકઠાં કર્યાં હતાં અને હરિયાણામાં તેની તુલના કરી હતી.

કુમારી કહે છે, "તે વેરિયન્ટ્સમાંથી અમે એકધારાં મોટાં ફળ અને બહેતર ઉપજ આપતા છોડની ઓળખ કરી તથા શ્રેષ્ઠ 'માતૃ છોડ' તરીકે તેમની પસંદગી કરી." તેમની કંપની 'ડ્રૅગનફ્લોરા ફાર્મ્સ' હવે બે આશાસ્પદ વિશિષ્ટ ઉત્પાદન શ્રેણી ધરાવે છે.

વૈશ્વિક સ્તર પર ડ્રૅગન ફ્રૂટમાં લાલ છાલ-સફેદ ગર, લાલ છાલ-લાલ ગર તથા પીળી છાલ સહિતની ઘણી કૅટેગરી હોય છે. જોકે, ભારતીય બજારે સ્પષ્ટ પ્રાથમિકતા નક્કી કરી દીધી છે - ગ્રાહકોને મોટાં કદનાં લાલ ગર ધરાવતાં ફળ વધુ પસંદ છે. કુમારી કહે છે, "તે વેરાઇટી જોવામાં આકર્ષક, વધુ સ્વાદિષ્ટ અને બહેતર બજાર કિંમત ધરાવે છે."

ખેડૂતોએ હવે ખેતી અને સંગ્રહની તકનીકોને પણ આધુનિક બનાવવી પડશે. કુમારી કહે છે, "અત્યારે આપણે એક મહત્ત્વના પડાવ ઉપર આવીને ઊભાં છીએ. વિયેટનામની માફક વૈશ્વિક પાવરહાઉસ બનવા માટે આપણે માત્રા કેન્દ્રિત દૃષ્ટિકોણને બદલે ચોકસાઈ પ્રેરિત નિકાસની વ્યૂહરચના અપનાવવી પડશે."

તેઓ નોંધે છે કે પ્રત્યેક હેક્ટર પર 15 થી 25 ટનની ભારતીય ઉપજ, 30 ટન કરતાં વધુના આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ કરતાં પાછળ છે. ભારતીય ખેતરોએ સાદા થાંભલાથી આગળ વધીને ઊંચું ઘનત્વ ધરાવતી જાળીદાર સિસ્ટમ ઊભી કરવી પડશે. કુમારીના મતે, "સૌરઊર્જા સંચાલિત પ્રિ-કૂલિંગ એકમો અને સ્પેશ્યલાઇઝ્ડ કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સ વિના આપણાં ફળો કદીયે પ્રીમિયમ યુરોપિયન કે ઉત્તર અમેરિકન બજારો સુધી સર્વોત્તમ સ્થિતિમાં પહોંચી નહીં શકે."

માનસિકતામાં બદલાવ આવવો જરૂરી છે. કુમારી કહે છે, "આપણે ડ્રૅગન ફ્રૂટને દેખભાળ વગર પણ ટકી રહેતા કઠોર કેક્ટસ તરીકે નહીં, બલકે ઊંચું મૂલ્ય ધરાવતી બાગાયતી અસ્કયામત તરીકે જોવો જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન