બીબીસીના નવા ડાયરેક્ટર જનરલની નિમણૂક, મૅટ બ્રિટિન લેશે ટિમ ડેવીની જગ્યા– ન્યૂઝ અપડેટ

મૅટ બ્રિટિન

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 8 મિનિટ

બીબીસીના નવા ડાયરેક્ટર જનરલના પદ પર મૅટ બ્રિટિનની નિમણૂક કરાઈ છે. તેઓ ગૂગલના યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકા ઑપરેશન્સના પ્રેસિડન્ટ રહ્યા છે.

મૅટ બ્રિટિન, ટિમ ડેવીની જગ્યા લેશે. ડેવીએ નવેમ્બર 2025માં રાજીનામું આપ્યું હતું, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની એડિટિંગને લઈને વિવાદ થયો હતો.

બીબીસીના ચૅરમૅન સમીર શાહે કહ્યું કે, "મૅટ બ્રિટિન 18 વર્ષ સુધી ગૂગલમાં રહ્યા, તેમણે 2025માં છોડ્યું. તઓ એક મોટી કંપનીનું નેતૃત્વ કરવાનો અનુભવ લઈને બીબીસી આવ્યા છે."

57 વર્ષના મૅટ બ્રિટિને કહ્યું કે તેઓ નવી જવાબદારી માટે ઉત્સાહિત છે. આ પળને તેમણે 'જોખમ ભરેલી, સાથે જ એક અવસર' ગણાવી હતી.

તેમણે કહ્યું કે, "આજે ઝડપથી બદલાતી દુનિયામાં અમને બીબીસીને પહેલાંથી વધારે મજબૂત કરવાની જરૂર છે જે બધા માટે કામ કરે."

"આ એક ખાસ બ્રિટિશ સંસ્થા છે, જેણે 100 વર્ષથી વધારે સમય સુધી કહાણી કહેવા, ટેકનિક અને ક્રિએટિવિટીમાં ઇનોવેશન કર્યું છે. મારા માટે આ સન્માન અને ઉત્સાહની વાત છે તે મને ડાયરેક્ટર જનરલ તરીકે પસંદ કરાયો છે."

બ્રિટિને કહ્યું કે, "બીબીસીને ઝડપ અને ઊર્જા જોઈએ છે જેથી તે દરેક એ જગ્યાએ હોય જ્યાં કહાણીઓ અને દર્શકો છે. આજની પહોંચ, ભરોસા અને ક્રિએટિવ શક્તિ પર આગળ વધવું પડશે. પડકારોનો સાહસ સાથે સામનો કરવો પડશે અને ભવિષ્ય માટે એક મજબૂત પબ્લિસ સર્વિસ બનાવવી પડશે."

ટ્રમ્પ સાથે વડા પ્રધાન મોદીની 'શું વાત થઈ', વિદેશ મંત્રાલયે જણાવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના વિદેશ મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતની માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે વડા પ્રધાન મોદીએ 'જલ્દીમાં જલ્દી શાંતિ સ્થાપવાની' વાત ફરી કહી.

રણધીર જાયસવાલે કહ્યું કે, "કાલે આપણા વડા પ્રધાનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કર્યો હતો. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની બદલાતી પરિસ્થિતિ વિશે વાત કરી. વડા પ્રધાને ભારતના વિચારો વિશે વાત કરી અને કહ્યું કે તણાવ ઘટાડવો જોઈએ અને જલ્દીમાં જલ્દી શાંતિ સ્થાપવી જોઈએ."

"વડા પ્રધાન મોદીએ એવું પણ જણાવ્યું કે હોર્મુઝ સામુદ્રધુની ખૂલે, સુરક્ષિત અને બધા માટે ઉપલબ્ધ રહે તે બહુ જરૂરી છે, કારણ કે આ દુનિયાની શાંતિ, સ્થિરતા અને આર્થિક ભલાઈ માટે મહત્ત્વપૂર્ણ છે."

જાયસવાલે કહ્યું કે, "બંને નેતાઓ એ વાત પર સહમત થયા કે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટેના પ્રયાસો મામલે તેઓ સંપર્કમાં રહેશે."

ઉલ્લેખનીય છે કે મંગળવાર સાંજે વડા પ્રધાન મોદીએ પણ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત થઈ છે.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા બિલ પસાર થવા વિશે અમિત શાહે શું કહ્યું?

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા બિલ પસાર થવા વિશે અમિત શાહે શું કહ્યું

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં યુસીસી બિલ પસાર થયું તેના પર અમિત શાહે આનંદ વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) ખરડો પસાર થયો તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે.

અમિત શાહે બુધવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ યુસીસી પસાર થઈ ગયો છે.

તેમણે લખ્યું કે, "દેશમાં દરેક નાગરિક માટે એક સરખો કાયદો હોય તે ભાજપની સ્થાપના થઈ ત્યારથી સંકલ્પ રહ્યો છે."

"નેતૃત્વમાં ભાજપ સરકાર આ દિશામાં સતત આગળ વધી રહી છે. મને આનંદ છે કે ઉત્તરાખંડ પછી ગુજરાતે પણ સમાન નાગરિક સંહિતા ખરડો પસાર કરવાનું ઐતિહાસિક કાર્ય કરીને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે."

ગૃહ મંત્રી શાહે લખ્યું કે, "દેશ તૃષ્ટિકરણના આધારે નહીં, પણ તમામ નાગિરકો માટે સમાન કાયદાથી ચાલે તે અમારી પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ છે."

યુસીસી ખરડો મંગળવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યો હતો. આ ખરડાનો ડ્રાફ્ટ બનાવવા માટે રિટાયર્ડ જજ રંજન દેસાઈના અધ્યક્ષપદે એક સમિતિ રચાઈ હતી.

LPG સિલિન્ડર રિફિલ કરાવવા અંગે સરકારે કેવી સ્પષ્ટતા કરી?

LPG સિલિન્ડર રિફિલ કરાવવા અંગે સરકારે કેવી સ્પષ્ટતા કરી?

ઇમેજ સ્રોત, Getty Images

એલપીજી સિલિન્ડર બુક કરાવવાની સમયમર્યાદામાં ફેરફાર થયો છે એવા સોશિયલ મીડિયા પર ચાલતા અહેવાલોને સરકારે નકારી કાઢ્યા છે.

પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયે એક પ્રેસ રિલિઝમાં કહ્યું છે કે "સરકારના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલપીજી રિફિલ બુકિંગની નવી ટાઇમલાઇન નક્કી કરવામાં આવી છે. તેમાં PMUY કનેક્શન માટે 45 દિવસ, PMUY સિવાયના સિંગલ સિલિન્ડર માટે 25 દિવસ અને PMUY સિવાયના ડબલ સિલિન્ડર માટે 35 દિવસ જણાવાયું છે. પરંતુ આવો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી."

મંત્રાલયે જણાવ્યું કે રિફિલ બુકિંગ માટે જૂની ટાઇમલાઇન જ ચાલુ રહેશે. શહેરી વિસ્તાર માટે 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસમાં બુકિંગ કરાવી શકાશે.

મંત્રાલયે કહ્યું છે કે "એલપીજી સિલિન્ડરનું વગર કારણે અને ગભરાટમાં બુકિંગ ન કરાવો. ફરીથી જણાવીએ કે દેશમાં એલપીજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ચિંતાની કોઈ જરૂર નથી."

ભારતીય ઑઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની અછતની આશંકા વચ્ચે શું કહ્યું?

ભારતીય ઑઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની અછતની આશંકા વચ્ચે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Vivek Prakash/Bloomberg via Getty

ભારતીય ઑઇલ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડે બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની "કોઈ અછત નથી."

કંપનીએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે સોશિયલ મીડિયા પર પેટ્રોલ કે ડીઝલની અછત સાથે જોડાયેલી અફવાઓ પર ભરોસો ન કરો અને તેને આગળ ન ધપાવો.

ઑઇલ કંપનીએ કહ્યું, "ઑનલાઇન ફેલાઈ રહેલી અફવાઓ વગર કારણે ચિંતા પેદા કરે છે તથા સામાન્ય આપૂર્તિ વ્યવસ્થાને બાધિત કરી શકે છે. ઇન્ડિયન ઑઇલનાં આઉટલેટ્સ પૂર્ણત: ભરેલાં છે અને સામાન્ય રીતે કામ કરી રહ્યાં છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે ગભરાઈને ખરીદી ન કરો માત્ર પુષ્ટિ કરેલી જાણકારી પર જ ભરોસો કરો."

આ પહેલાં મંગળવારે રાત્રે હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડે પણ એક નિવેદન જારી કરીને આ જ પ્રકારની અપીલ કરી હતી.

હિંદુસ્તાન પેટ્રોલિયમે કહ્યું હતું કે "દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કોઈ અછત નથી. ઈંધણની આપૂર્તિ સામાન્ય છે અને પર્યાપ્ત ભંડાર ઉપલબ્ધ છે."

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ઈરાને હોર્મુઝ સામુદ્રધુની સાથે જોડાયેલી એક 'મહત્ત્વપૂર્ણ ભેટ' આપી

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ઈરાને હોર્મુઝ સામુદ્રધુની સાથે જોડાયેલી એક 'મહત્ત્વપૂર્ણ ભેટ' આપી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Graeme Sloan/Bloomberg via Getty

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની વાતચીત કરનારાઓએ અમેરિકાને ઑઇલ અને ગૅસ સાથે જોડાયેલી 'મહત્ત્વપૂર્ણ ભેટ' આપી છે.

ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે આ ભેટ હોર્મુઝ સામુદ્રધુની સાથે જોડાયેલી છે. જોકે તેમણે તે મામલે કોઈ જાણકારી આપી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ભેટને કારણે તેમને લાગ્યું કે તેમનું પ્રશાસન 'યોગ્ય લોકો' સાથે વાતચીત કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દાવો મંગળવારે વ્હાઇટ હાઉસમાં થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં કર્યો હતો.

આ ઉપરાંત તેમણે એ પણ દાવો કર્યો કે 'ઈરાની વાતચીત કરનારા અમેરિકા સાથે સમજૂતી કરવા ઉતાવળા' છે.

ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પાકિસ્તાન તથા આરબ દેશોનો ઉલ્લેખ કરીને શું કહ્યું?

ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પાકિસ્તાન તથા આરબ દેશોનો ઉલ્લેખ કરીને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Iranian Presidency/Anadolu via Getty

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને લઈને પાકિસ્તાન, તુર્કી, ઇરાક, લેબનોન, ઇજિપ્ત અને આરબ દેશોનો ઉલ્લેખ કરીને એક નિવેદન આપ્યું છે.

પેઝેશ્કિયાને કહ્યું, "આજે અમે દુનિયાના ઘણા દેશના લોકોને જાગૃત થતા જોઈ રહ્યા છે. પાકિસ્તાન, તુર્કી, ઇરાક, લેબનોન, ઇજિપ્ત અને આરબ દેશોના લોકો અમેરિકા અને ઇઝરાયલ તથા તેમના અપરાધો પ્રતિ પોતાની નારાજગીને વ્યક્ત કરી રહ્યા છે."

તેમણે કહ્યું, "દુનિયાના સ્વતંત્ર લોકો જાયનિસ્ટો સાથે નથી. ક્ષેત્રમાં સ્થિરતા માત્ર સહયોગ અને દેશોની ઇચ્છાના સન્માનથી જ સંભવ છે."

ઈરાની રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાને શાંતિ માટે વાતચીતની મધ્યસ્થતા પેશ કરી છે.

આ વચ્ચે, અમેરિકા અને ઇઝરાયલી મીડિયાના રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ સમજૂતી માટે પાકિસ્તાન મારફતે ઈરાનને 15 સૂત્રીય પ્લાન સોંપ્યો છે.

'અમેરિકાએ પાકિસ્તાન મારફતે ઈરાનને સમજૂતી માટે 15 સૂત્રીય પ્લાન સોંપ્યો'

'અમેરિકાએ ઈરાનને સમજૂતી માટે 15 સૂત્રીય પ્લાન સોંપ્યો' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Graeme Sloan/Bloomberg via Getty

ન્યૂ યૉર્ક ટાઇમ્સ, રૉયટર્સ અને ઇઝરાયલની ચૅનલ 12ના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ પાકિસ્તાન મારફતે ઈરાનને 15 સૂત્રીય પ્લાન સોંપ્યો છે.

આ રિપોર્ટ્સમાં અજ્ઞાત સૂત્રોના હવાલેથી આમ કહેવાયું છે. બીબીસીએ આ દસ્તાવેજ જોયો નથી. આ સમાચારની પુષ્ટિ કરવાની બીબીસી કોશિશ કરી રહ્યું છે.

પાકિસ્તાને આ પહેલા યુદ્ધમાં સામેલ દેશો વચ્ચે શાંતિ માટે વાતચીતની મધ્યસ્થતા પેશ કરી હતી.

ચૅનલ 12 પ્રમાણે, અમેરિકાએ ઈરાન સામે જે માંગ રાખી છે, તેમાં હોર્મુઝ સામુદ્રધુનીને ખુલ્લી રાખવાની તથા તેને એક મુક્ત સમુદ્ર ક્ષેત્ર ઘોષિત કરવાની વાત પણ સામેલ છે.

ઇઝરાયલે ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા

ઇઝરાયલે ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તેણે ઈરાનની રાજધાની તહેરાનમાં 'નવા હુમલા' શરૂ કરી દીધા છે.

ઇઝરાયલની સેનાના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં તહેરાનમાં 'ઈરાની આતંકવાદી શાસન' સાથે જોડાયેલી માળખાગત સુવિધાને નિશાન બનાવવામાં આવી રહી છે.

બીબીસીએ તહેરાનની અંદર રહેલાં સૂત્રોએ જણાવ્યું છે કે તહેરાનના પૂર્વ, ઉત્તર અને મધ્ય ભાગોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.

આ બધા વચ્ચે તહેરાનથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ઇમારતોમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે.

ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત થવા અંગે આ માહિતી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મધ્યપૂર્વ એશિયા તણાવ, ઈરાન સાથે યુદ્ધ અંગે શું કહ્યું, ઈરાન અને ચીને યુદ્ધ વિશે શું કહ્યું, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Graeme Sloan/Bloomberg via Getty

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમની સરકાર ઈરાનમાં 'યોગ્ય લોકો' સાથે વાટાઘાટો કરી રહી છે અને 'તેઓ સમાધાન કરવા માટે આતુર છે.'

ટ્રમ્પના કહેવા પ્રમાણે, અમેરિકાના રાષ્ટ્રપતિ જેડી વેન્સ તથા વિદેશ મંત્રી માર્કો રૂબિયો વાટાઘાટો કરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પત્રકારપરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ઈરાન તેનો પરમાણુ હથિયાર નહીં બનાવવા માટે સહમત થઈ ગયું છે. તેઓ અગાઉ પણ આવો દાવો કરી ચૂક્યા છે.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાન સાથેનો શાંતિકરાર સફળ રહે, તેના માટે તેઓ કેટલા આશાસ્પદ છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "અમે આ યુદ્ધ જીતી લીધું છે."

બીબીસીના વ્હાઇટ હાઉસ સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે, પ્રેસ કૉન્ફરન્સમાં યુદ્ધ ખરેખર કેવી રીતે સમાપ્ત થશે, તેના વિશે બહુ થોડો ઉલ્લેખ કર્યો હતો.

બીજી બાજુ, ચીનના વિદેશ મંત્રી વાંગ યી તથા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વચ્ચે વાટાઘાટો થઈ હતી.

ચીનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે, અરાગચીએ વાંગ યીને કહ્યું, "ઈરાન માત્ર હંગામી યુદ્ધવિરામ નથી ઇચ્છતું, પરંતુ સંપૂર્ણપણે યુદ્ધને પૂરું કરવા માંગે છે."

અરાગચીએ એમ પણ જણાવ્યું હતું, "હોર્મુઝની સામુદ્રધુની બધાને માટે ખુલ્લી છે અને જહાજ સલામત રીતે નીકળી શકે છે, પરંતુ જે દેશો યુદ્ધમાં સામેલ છે, તેમના જહાજ પસાર નહીં થઈ શકે."

વાંગ યીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "યુદ્ધ કરતાં વાટાઘાટોનો રસ્તો જ સારો" છે. ચીને તમામ પક્ષકારોને શાંતિ બહાલ કરવા અપીલ કરી હતી.

આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાન તથા અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી હતી.

રાજકોટ પેટ્રોલ-ડીઝલની તંગી વિશે અફવા ફેલાવવાના આરોપસર એફઆઇઆર

આઇઓસીએલ, પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાવનાર સામે એફઆઇઆર, રાજકોટ ગોપાલ ચુડાસમા, ધીમંત ઘેલાણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipini Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, આઇઓસીના અધિકારી, રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડિલર ઍસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણી તથા સંગઠનના અધ્યક્ષ ગોપાલ ચુડાસમા (ડાબેથી)

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની ચર્ચા સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચૅનલોમાં થઈ હતી, જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયા જણાવે છે, "સમગ્ર મામલે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના (આઇઓસીએલ) રિજનલ સૅલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડિલર ઍસોસિયેશનના વડા ગોપાલ ચુડાસમા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી છે."

"ગોપાલ ચુડાસમા વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ-1955 તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાઈ છે. જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે."

"આ અંગે અમિત જયસ્વાલનો સંપર્ક કરવામાં આવતા, તેમણે જણાવ્યું હતું કે આ અંગે વાતચીત કરવા માટે તેઓ અધિકૃત નથી."

એફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણે, આઇઓસીએલ પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો હોવાની માહિતી આપવા છતાં સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચૅનલોને પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોવાની માહિતી આપવામાં આવી હતી, જેના કારણે લોકોએ પેટ્રોલપમ્પો પર લાઇનો લગાવી હતી.

બીબીસી દ્વારા ગોપાલ ચુડાસમાનો સંપર્ક સાધવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ બન્યા ન હતા.

આઇપીએલ ફ્રૅન્ચાઇઝી આરસીબી વેચાઈ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, આઇપીએલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આદિત્ય બિરલા બિરલા ગ્રૂપનાં નેતૃત્વવાળા સમૂહે આઇપીએલની (ઇન્ડિયન પ્રિમિયર લીગ) ફ્રૅન્ચાઇઝી આરસીબી (રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ) ખરીદી લીધી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, "એક અબજ 78 કરોડ ડૉલરમાં (લગભગ રૂ. 16 હજાર 706 કરોડ) આ સોદો થયો છે. એબીજીના નેતૃત્વવાળા સમૂહમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથ, અમેરિકાની રોકાણકાર કંપની બ્લૅકસ્ટૉન તથા અમેરિકન રોકાણકાર ડેવિડ બ્લિત્ઝરની કંપની પણ ભાગીદાર છે."

યુનાઇટેડ સ્પિરીટ્સે વિજ્ઞપ્તિ બહાર પાડીને જણાવ્યું હતું કે કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સે પેટા કંપની રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની પૂરેપૂરી ઇક્વિટી વેચવાને મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં આરસીબીએ પ્રથમ વખત આઇપીએલ ટ્રૉફી જીતી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન