You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ગાંધીના પોરબંદરમાં પહેલી વાર દારૂની દુકાનને મંજૂરી, ગાંધીવાદીઓથી લઈને સ્થાનિકો શું બોલ્યા?
ગાંધીના શહેર પોરબંદરમાં પ્રથમ વખત દારૂની એક પરમિટવાળી દુકાન ખૂલવાની જાહેરાત થઈ છે. પોરબંદરની લૉર્ડ્સ હોટલની બે વર્ષ અગાઉ કરેલી એક અરજીને આધારે રાજ્યના ગૃહખાતાએ આ મંજૂરી આપી છે.
આ મંજૂરી બાદ પોરબંદર જિલ્લામાં રહેતા અને લીકરની પરમિટ ધરાવતા લોકોને તે જિલ્લામાં પરવાનાવાળો દારૂ મળી રહેશે.
જોકે આ દારૂની દુકાનની જાહેરાત બાદ, એક તરફ આને એક "રૂટીન પ્રક્રિયા" તરીકે ગણાવાઈ રહી છે, ત્યાં બીજી બાજુ ઘણા લોકો તેનાથી નારાજ છે, કારણ કે પોરબંદર તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે. તેઓ દારૂબંધીની તરફેણમાં હતા અને તેમના વિચારોને પગલે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.
જોકે અહીં વાત થાય છે પરમિટધારકોની. પ્રવાસીઓ, સ્વાસ્થ્યને કારણે જેઓ દારૂનું સેવન કરે છે, તેમજ કૉર્પોરેટ ઇવેન્ટમાં ભાગ લેનારા લોકોને રાજ્યમાં દારૂના સેવન માટે ખાસ પ્રકારની પરવાનગી આપવામાં આવે છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ ઘણા લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે પોરબંદરમાં ખૂલી રહેલી દારૂની દુકાન અંગે તેમનું શું માનવું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં દારૂ પકડાતો હોવાના અહેવાલો મીડિયામાં સતત આવતા રહે છે. ગુજરાત વિધાનસભામાં પણ રાજ્ય સરકાર સંબંધિત જિલ્લા વાર દારૂ અંગેના આંકડા રજૂ કરે છે. તાજેતરમાં રાજ્ય સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં પોલીસે રાજ્યમાંથી કુલ 42 કરોડ રૂપિયાનો દારૂ પકડ્યો છે.
શું કહેવું છે પોરબંદરના પરમિટ શૉપના માલિકનું?
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ લીકર પરમિટ શૉપના માલિક વિક્રમભાઈ ઓડેદરા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, "અમારી માહિતી પ્રમાણે આખા જિલ્લામાં 1500ની આસપાસ પરમિટધારકો છે. આ બધા લોકો હજી સુધી જૂનાગઢ, જામનગર, મોરબી જેવાં શહેરોમાં જતા હતા. હવે તેમને પોતાના પરમીટ પરથી કાયદેસરનો દારૂ મેળવવા માટે આટલે દૂર નહીં જવું પડે, તેમને અહીં જ તે મળી રહેશે."
ઓડેદરાએ આશરે બે વર્ષ પહેલાં આ પરમીટ શૉપ માટે અરજી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "આશરે બે વર્ષ પહેલાંથી તેમણે આ મંજૂરી મેળવવાની કવાયત શરૂ કરી હતી. અમે પહેલા જિલ્લામાં અરજી કરી હતી. તેની મંજૂરી બાદ રાજ્ય કક્ષાની કમિટી સામે અમે રજૂઆત કરી હતી, જે બાદ સંપૂર્ણ ચાર્જ ભર્યા બાદ અમને આ પરમિટ મળી છે."
ઓડેદરાએ આ માટે આશરે રૂપિયા 9 લાખનો ખર્ચ કર્યો છે અને દર ત્રણ મહિને રૂપિયા 6 લાખની રકમ સરકારમાં ચૂકવવાની રહેશે.
પોરબંદરના લોકોએ દારૂબંધી અંગે શું કહ્યું?
આબકારી અને ઍક્સાઇઝ ખાતા પ્રમાણે હાલમાં પોરબંદરમાં 1400થી 1500ની આસપાસ પરમિટધારકો છે, જેમાં ફૉરેન પાસપૉર્ટ ધરાવતા લોકો તેમજ હેલ્થ પરમિટધારકોનો સમાવેશ થાય છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ પોરબંદર ઍક્સાઇઝ ખાતાના અધિકારી બાલુભાઈ કમરટા સાથે વાત કરી હતી.
તેઓ કહે છે કે, "અમારી પાસે માત્ર બે જ અરજી છે, જેમાંથી એકને પરવાનગી મળી ગઈ છે અને બીજી હજી કલેક્ટર કચેરીએ વિચારણામાં છે. કોઈ પણ અરજી આવે ત્યાર બાદ તેને યોગ્ય રીતે ચકાસણી કરીને આગળ કાર્યવાહી કરવામાં આવે છે."
પોરબંદરના રહેવાસીઓ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી. એક ખાનગી કંપનીમાં નોકરી કરતા વિનોદભાઈ આહીર કહે છે કે, "મહાત્મા ગાંધીની ભૂમિ પર દારૂને કાયદેસર ઉપલબ્ધ કરવી તે મોટી ભૂલ છે. જે વસ્તુને લઈને તેઓ સતત વિરોધ કરતા રહ્યા, તેને તેમની જન્મભૂમિ પર કાયદેસર રીતે દુકાનમાં વેચવાની પરવાનગી ન મળવી જોઈએ."
જોકે બીજી બાજુ પોરબંદરમાં એક એનજીઓ ચલાવનારા વીનેશભાઈ ગોસ્વામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મહાત્મા ગાંધી આખા દેશના રાષ્ટ્રપિતા છે, તેમને માત્ર પોરબંદર સાથે જોડવું યોગ્ય નથી. તેઓ પોરબંદર કરતાં વધારે અમદાવાદ અને દિલ્હીમાં રહ્યા હતા. જો તેમના આદરમાં દારૂબંધી લાદવી હોય તો એ બધે હોવી જોઈએ, માત્ર તેમના જન્મસ્થળ પર જ નહીં."
તેઓ વધુમાં કહે છે કે, "હાલમાં આખા જિલ્લામાં અનેક પરમિટધારકો છે, તો જો એ લોકો પોરબંદરમાં રહેતા હોય તો તેમને પરમિટ કેમ આપી? અને જો તેમને પરમિટ આપી છે, તો પછી તેમને પરમિટ શૉપ પણ મળવી જોઈએ."
પોરબંદરના સિનિયર પત્રકાર પરેશ પારેખનું માનવું છે કે, "અમે રિપોર્ટિંગ માટે જ્યારે લોકોને મળીએ તો ઘણી વખત એવું જાણવા મળે કે ઘણા લોકો ઇચ્છે છે કે દારૂબંધી દૂર થઈ જવી જોઈએ, ખાસ તો યુવાપેઢી માને છે કે દારૂ છૂટથી મળવો જોઈએ. જોકે બીજી બાજુ એવા પણ ઘણા લોકો છે કે જે માને છે કે પોરબંદર મહાત્મા ગાંધીની ભૂમિ હોવાથી અહીં પરમિટ શૉપ ન હોવી જોઈએ."
જોકે તેઓ એ પણ દાવો કરે છે કે પોરબંદરમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ તો વર્ષોથી ચાલી જ રહ્યું છે.
'ઓછામાં ઓછું પોરબંદર તો છોડી દેવું હતું'
આ વિશે બીબીસી ગુજરાતીએ ગાંધી વિચારધારા સાથે જોડાયેલા અમુક લોકો સાથે વાત કરી. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને પૂર્વ ટ્રસ્ટી સુદર્શન આયંગાર કહે છે કે, "ઓછામાં ઓછું પોરબંદર તો છોડી દેવું હતું. જો ગાંધી માટે આ સરકારને આદર-માન હોત તો પોરબંદરમાં આ પરવાનગી ન આપી હોત. ગાંધી વિચારધારા સાથે અનેક લોકો જોડાયેલા છે, દુનિયાભરમાં તેમનું માન છે, દુનિયા આખી તેમને માને છે. તેવામાં તેમના જન્મસ્થળને તો બાકાત રાખી જ શકાય હોત."
આવી જ રીતે ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અનામિક શાહ કહે છે કે, "જેમ કોઈ ધાર્મિક સ્થળની આસપાસ તમે શું વેચાશે અને શું નહીં વેચાય તેના પર કંટ્રોલ કરી શકો છો, તેવી જ રીતે પોરબંદરમાં પરમિટ શૉપ પર કેમ કંટ્રોલ ન રાખી શકાય? અને જો પ્રવાસનની વાત કરવામાં આવે તો કોઈ એવા લોકો નહીં હોય જે ગાંધીના જન્મસ્થળે આવીને દારૂનું સેવન કરવા ઇચ્છતા હોય."
વરિષ્ઠ પત્રકાર અને કર્મશીલ પ્રકાશ ન શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરી કે "એક સમય હતો, જ્યારે રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણીઢંઢેરામાં દારૂબંધીને તર્કસંગત બનાવવાની વાત કરી હતી, અત્યારે તે પ્રત્યક્ષ રીતે જોવા મળી રહ્યું છે. જોકે તેનાથી નુકસાન એટલું છે કે જે વાતનો ગાંધી વિરોધ કરતા હતા, તે દારૂ ધીરે ધીરે સુલભ થઈ રહ્યું છે, તેવું લાગી રહ્યું છે."
ગુજરાતમાં દારૂ અંગેનો કાયદો શું કહે છે?
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો મુખ્યત્વે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ, 1949 હેઠળ અમલમાં છે. આ કાયદા મુજબ રાજ્યમાં દારૂનું ઉત્પાદન, વેચાણ, ખરીદી, માલિકી, પરિવહન અને સેવન સામાન્ય રીતે પ્રતિબંધિત છે, સિવાય કે તે સરકાર દ્વારા આપવામાં આવેલાં લાઇસન્સ, પરમિટ અથવા ખાસ મંજૂરી હેઠળ હોય.
કાયદાની કલમ 11 અને 12 મુજબ દારૂનું વેચાણ કે સેવન માત્ર કાયદેસર પરવાનગીના આધારે જ શક્ય છે. એટલે કે ગુજરાતમાં સંપૂર્ણ મુક્ત વેચાણની મંજૂરી નથી, પરંતુ ચોક્કસ કૅટેગરીના લોકો માટે નિયંત્રિત પરવાનગી વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગુજરાતમાં દારૂની પરમિટ શૉપ એવી કાયદેસર દુકાન હોય છે, જે સામાન્ય રીતે કોઈ હોટલમાં હોય છે, જ્યાં માત્ર માન્ય પરમિટ ધરાવતા લોકોને જ દારૂ વેચી શકાય છે. આ પરમીટ પ્રવાસીઓ, વિદેશી નાગરિકો, અન્ય રાજ્યોના રહેવાસીઓ, હેલ્થ પરમિટ ધરાવતા લોકો અથવા ખાસ પ્રસંગો માટે મંજૂરી મેળવનારા લોકોને આપવામાં આવે છે.
કાયદા પ્રમાણે આવા પરમિટધારકો નક્કી કરેલી માત્રામાં જ દારૂ ખરીદી અને તેનું સેવન કરી શકે છે. પરમિટ શૉપ રાજ્યના ગૃહ વિભાગ અથવા ઍક્સાઇઝ વિભાગની મંજૂરી લેવી પડે છે અને તે સામાન્ય ખુલ્લી દારૂની દુકાન જેવી નથી, પરંતુ નિયંત્રિત વેચાણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન