અમિત ચાવડા અને ભરતસિંહના ગઢમાં પડેલું ગાબડું વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને કેટલું નડશે?

ઇમેજ સ્રોત, FB Amit chavda
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
કૉંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં ભાજપ વૉર્ડ નંબર 8માં ત્રણ બેઠક બિનહરીફ અને વૉર્ડ નંબર 9માં બે બેઠક બિનહરીફ જીતી ગયો હતો, જયારે ઉમરેઠમાં એક બેઠક બિનહરીફ જીત્યો છે. જેણે કૉંગ્રેસને આવનારી ચૂંટણીઓ પહેલાં મોટી ચિંતામાં ધકેલી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં છેલ્લી ઘડીએ કૉંગ્રેસના ઉમેદવારોનાં ફૉર્મ પાછા ખેંચાવા કૉંગ્રેસ માટે આંચકા સમાન છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઉમેદવારી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હતી. તે પછી ખ્યાલ આવ્યો કે, ભાજપ ઘણી બધી બેઠકો બિનહરીફ જીતી ગયો છે.
જોકે, હજુ 15 એપ્રિલ ફૉર્મ પાછું ખેંચાવવાની છેલ્લી તારીખ હતી, તે પછી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દાવો કર્યો કે ભાજપ 700 બેઠકો બિનહરીફ જીતી ગયો છે. જોકે ચૂંટણીપંચે આ મામલે કોઈ ચોક્કસ આંકડો બહાર પાડ્યો નથી.
આણંદ વર્ષોથી કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનો ચૂંટણી જીતવા સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ગઢ ગણાતા આણંદમાં જે રીતે પાંચ બેઠકો પર ભાજપ બિનહરીફ આવ્યો છે, એ જોતાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને કપરા ચઢાણ ચઢવા પડશે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આણંદમાં આટલા ઉમેદવારો બિનહરીફ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Handout
ગુજરાતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થવા જઈ રહી છે.
ત્યારે સંખ્યાબંધ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારોએ ફૉર્મ પાછું ખેંચ્યા છે, તો ફૉર્મ ભરવા હાજર રહ્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધૂરામાંપૂરું કેટલીક જગ્યાએ તો કૉંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી લડવાનો મૅન્ડેટ એટલો મોડો મળ્યો કે ઉમેદવારીપત્રક જ ભરી નથી શક્યા.
આ સંજોગોમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીના ગઢ ગણાતા આણંદ અને ઉમરેઠમાં ભાજપને કૉંગ્રેસના ઉમેદવારનાં ફૉર્મ રદ થયાં તો ક્યાંક કૉંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા કૉંગ્રેસના સેનાપતિના ગઢમાં ગાબડું પડ્યું છે.
રાજકીય વિશ્લેષકોનું શું માનવું છે?

ઇમેજ સ્રોત, Gujarat Congress/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણીતા રાજકીય વિશ્લેષક અને ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારની આણંદ આવૃત્તિના તંત્રી રહી ચૂકેલા પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યુ કે , "સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ એક પક્ષ સંખ્યાબંધ બેઠકો પર બિનહરીફ જીતી જાય એ લોકશાહી માટે યોગ્ય નથી."
તેઓ જણાવે છે, "કૉંગ્રેસના ઘણા ઉમેદવાર પક્ષ તરફથી મૅન્ડેટ મળ્યા પછી પણ ઉમેદવારીપત્રક ભરવા ન જાય અને અચાનક પાછળથી ઉમેદવારી ખેંચી લે એ કૉંગ્રેસ સામેના સાયકોલૉજિકલ નર્વ વૉરમાં ભાજપની જીત છે."
"આ વખતે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ અને ઉમરેઠમાં છ ઉમેદવારોને બિનહરીફ જિતાડ્યા છે, એની મોટી મનોવૈજ્ઞાનિક અસર કૉંગ્રેસના નેતાઓ પર પડશે."
"જેના કારણે 2027ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસને કપરા ચઢાણો ચઢવા પડશે."
"આંણદ અને તેની આસપાસનો વિસ્તાર એક સમયે પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરભાઈ ચાવડા અને તે પછી દિવંગત માધવસિંહ સોલંકી અને તે બાદ તેમના પુત્ર ભરતસિંહ સોલંકીનો ગઢ ગણાતો હતો."
બે વખત ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં 2017માં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો.
પ્રફુલ ત્રિવેદી કહે છે, "ત્યાર બાદ એમના કૌટુંબિક ભાઈ અમિત ચાવડાના હાથમાં બીજીવાર કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખની કમાન અપાઈ ત્યારથી ભરતસિંહ તેમને પડદા પાછળ રહી મદદ કરતા રહ્યા છે."
"સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે એ પહેલાં આણંદના પોતાના ગઢને મજબૂત કરવા માટે કૉંગ્રેસે એક 'ઊંધિયા પાર્ટી' પણ રાખી હતી."
"જેમાં સારો પ્રતિસાદ મળ્યા પછી પ્રદેશ કૉંગ્રેસના નવા હોદ્દેદારોની નિમણૂક પહેલાં પણ અહીં એક શિબિર યોજાઈ હતી."
"જેને આડકતરી રીતે કૉંગ્રેસનું શક્તિપ્રદર્શન કહી શકાય."
"આ સંજોગોમાં એમના મજબૂત ગઢમાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ જીતે અને ઉમરેઠની એક બેઠક પર બિનહરીફ જીતે એટલે સ્વાભાવિક કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને બીજી હરોળના નેતાઓના મનોબળ પર ઘણી માઠી અસર પડી શકે છે."
"હવે એક વર્ષ પછી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના કાર્યકર્તા હતાશા સાથે મેદાનમાં ઊતરે ત્યારે સ્વાભાવિક જ છે કે, એમની બીજી હરોળના નેતાઓમાં હતાશા અને અસલામતીની ભાવના આવે જે એમને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં અસર કરશે."

ઇમેજ સ્રોત, FB/Bharat Solanki
જાણીતા રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપ પહેલેથી રાજકારણમાં બે ડગલાં આગળ ચાલે છે. અત્યારે ભાજપ ગુજરાતમાં સૌથી વધુ ઓબીસી મતદાતા છે એટલે એમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે કૉંગ્રેસમાં હવે લડાયક નેતા તરીકે ભરતસિંહ અને અમિત ચાવડા છે. એમનું ઓબીસી મતદાતામાં પ્રભુત્વ પણ છે."
"કૉંગ્રેસ છોડીને સંખ્યાબંધ નેતાઓ જતા રહ્યા છે, પણ આ નેતાઓ કૉંગ્રેસમાં અડીખમ રહ્યા છે."
"ત્યારે ઊંધિયા પાર્ટી અને કૉંગ્રેસના કાર્યકર્તાની પ્રશિક્ષણ શિબિર કરી ભરતસિંહ અને અમિત ચાવડાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું."
"આ સંજોગોમાં ભરતસિંહ સોલંકીના ગઢ ગણાતા આણંદમાં બિનહરીફ ભાજપના ઉમેદવાર આવે એટલે કૉંગ્રેસની કરોડરજ્જુ તોડવા જેવો પ્રયાસ છે."
"એમાં એક કાંકરે બે પક્ષી મારવામાં આવ્યા છે. ભરતસિંહ અને અમિત ચાવડા સામે કૉંગ્રેસમાં જે લોકોને વિરોધ છે એ લોકો એમની સામે સક્રિય થશે એટલે કૉંગ્રેસ અંદરોઅંદર લડશે, એટલું જ નહીં એમની બીજી હરોળના નેતાઓનું મનોબળ નબળું પડશે, જેનો ફાયદો આગામી 2027ની ચૂંટણીમાં ભાજપને થશે, એટલે આણંદમાં ઉમેદવારો બિનહરીફ જિતાડવા પાછળ ભાજપની લાંબા ગાળાની રણનીતિ છે."
રાજકીય પક્ષો શું કહે છે?
કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સહિત એક પ્રતિનિધિમંડળ ચૂંટણીપંચને મળ્યું હતું.
તેમણે આપેલા આવેદનપત્રમાં ભાજપ દ્વારા પોલીસ અને સરકારી અધિકારીઓની મદદથી કૉંગ્રેસના ઉમેદવારને ડરાવી ધમકાવી ઉમેદવારી ફૉર્મ પાછું ખેંચાવતાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તેમણે આ આવેદનપત્ર આપી આની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.
આ આવેદનપત્ર આપ્યા બાદ બીબીસી સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ કહ્યું કે, "એક કૉંગ્રેસના ઉમેદવારોને કેટલાક પોલીસ અધિકારીઓ અને સરકારી અમલદારો ડરાવી ધમકાવીને ફૉર્મ પાછું ખેંચાવે છે, જે લોકશાહીની વિરુદ્ધ છે. ભાજપે ચૂંટણી લડવા માટે આવા કાવાદાવા કરવાને બદલે તટસ્થતાથી ચૂંટણી લડવી જોઈએ."
તો કૉંગ્રેસના પ્રવક્તા ડૉ હેમાંગ વસાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કૉંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફૉર્મ પાછું ખેંચવા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે, અને જો ઉમેદવાર અડગ રહે અને તેમની વાત ના માને તો એમના ફૉર્મમાં સહી કરનાર ટેકેદારને ધમકાવીને ફૉર્મ રદ થાય એવા પ્રયાસો કરે છે."
"તેથી અમે કેટલાક ઉમેદવારોને ફૉર્મ પાછું ખેંચવાની તારીખ પૂરી ન થાય ત્યાં સુધી અજ્ઞાત સ્થળે લઈ ગયા છીએ."
વસાવડા કહે છે કે, "નવસારી અને બીજી કેટલીક જગ્યાઓ પર લૉજિસ્ટિક કારણોસાર ફૉર્મ મોડાં પહોંચ્યાં છે અને કેટલીક જગ્યાએ ઉમેદવારોની પસંદગીમાં થાપ પણ ખાધી તે કારણે ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસના ઉમેદવારનાં ફૉર્મ પાછાં ખેંચાયાં છે."
તેઓ ઉમેરે છે, "સૌ કોઈ જાણે છે કે, ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને કૉંગ્રેસના ઉમેદવારોનાં ફૉર્મ પાછાં ખેંચાવડાવ્યાં છે, એટલે 2027ની ચૂંટણી સુધીમાં અમે અમારા કાર્યકર્તાઓનું મનોબળ મજબૂત કરીશું એટલે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ વિઘ્ન નહીં આવે."
ભાજપનું શું કહેવું છે?
ભાજપ આણંદના મહામંત્રી યોગેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આણંદમાં ભાજપ વૉર્ડ નંબર 8માં ત્રણ બેઠક બિનહરીફ અને વૉર્ડ નંબર 9માં બે બેઠક બિનહરીફ જીતી ગયો છે જયારે ઉમરેઠમાં એક બેઠક બિનહરીફ જીતી ગયો છે. લોકોના ભાજપ પ્રત્યેના વિશ્વાસને કારણે અહીંથી જીત થઈ છે."
અમદાવાદમાં પ્રચાર કરી રહેલા નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "કૉંગ્રેસ ચૂંટણી પહેલાં જ પોતાની હાર ભાળી ગઈ છે. પહેલાં હારનું ઠીકરું ઈવીએમ પર ફોડતા હતા, હવે પ્રજા એમના આ જુઠ્ઠાણાંને ઓળખી ગઈ છે, એટલે હવે ચૂંટણી પહેલાં અપપ્રચાર કરવા માટે પોલીસ અને સરકાર પર આક્ષેપ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















