બુંદેલ બાજરા-1 : દૂધઉત્પાદન વધારવા ઓછા પાણીએ મબલક ચારો આપતું આ ધાન કઈ રીતે વિકસાવાયું?

ઇમેજ સ્રોત, ICAR-IGFRI
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 8 મિનિટ
ભારત દુનિયામાં સૌથી વધારે પાલતુ પશુઓની વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ તેમને માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવો પશુપાલકો અને ખેડૂતો માટે મોટો પડકાર છે.
ભારત સરકારની 2025ની એક અખબારી યાદી અનુસાર દેશમાં 53 કરોડ કરતાં વધારે પશુઓ છે જેમાં ગૌવંશના 30 કરોડથી વધારે પ્રાણીઓ અને સાત કરોડથી વધારે બકરીઓનો સમાવેશ થાય છે.
ભારત દુનિયામાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરતો દેશ પણ છે. સરકારના આંકડા અનુસાર 2024-25માં ભારતમાં લગભગ 24.8 કરોડ ટન (1000 કિલો=1 ટન) દૂધનું ઉત્પાદન થયું હતું. દૂધ પાણી કરતાં થોડું ઘાટું હોવાથી સરેરાશ 970 લિટરે એક ટન દૂધ થાય. તે હિસાબે 2024-25ના વર્ષમાં ભારતમાં આશરે 241 અબજ લિટર દૂધનું ઉત્પાદન થયું હતું. દુનિયામાં ઉત્પન્ન થતા દૂધમાં ભારત એકલાનો ફાળો 25 ટકા છે.
પરંતુ સરકારે 2021માં આપેલી માહિતી અનુસાર 2019-20માં ભારતમાં પશુ દીઠ દૂધનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન 1,777 કિલો (આશરે 1,725 લીટર) હતું, જયારે વિશ્વમાં સરેરાશ 2,699 કિલો (આશરે 2,621 લીટર) પ્રતિ વર્ષ હતું. નિષ્ણાતો કહે છે કે સરેરાશ દૂધ ઉત્પાદનનું નીચા રહેવાનું એક કારણ છે પશુઓને મળતો ઘાસચારાનો અપૂરતો જથ્થો.
પરંતુ ભારતમાં ઘાસચારાની ઉપલબ્ધતા આવતા વર્ષથી વધે તેવી શક્યતા છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ઇન્ડિયન ગ્રાસલૅન્ડ ઍન્ડ ફોડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IGFRI-ઈગફ્રી) એટલે કે ભારતીય ગૌચર અને ઘાસચારા સંશોધન સંસ્થાએ 'બુન્દેલ બાજરા-1' નામની ચારાની એક નવી જાત વિકસાવી છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે બાજરાની આ નવી જાત સૂકા વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી પદ્ધતિ કે ઓછા પાણીએ પણ ઉગાડી શકાશે અને મકાઈ જેવા વધારે પાણીની જરુરવાળા ચારાના પાક જેટલું જ ઉત્પાદન મેળવી શકાશે.
વૈજ્ઞાનિકો કહે છે કે એકાદ વર્ષમાં બુન્દેલ બાજરા-1નું બિયારણ ખેડૂતોને મળતું થઇ જશે એટલે તેમના પશુ માટે ઉપલબ્ધ લીલા અને સૂકા ઘાસચારામાં સારા પ્રમાણમાં વૃદ્ધિ થશે.
ભારતમાં ઘાસચારાની કેટલી ઘટ છે?

ઇમેજ સ્રોત, ICAR-IGFRI
ઈગફ્રીના ડાયરેક્ટર ડૉ. પંકજ કૌશલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "વીસથી પચ્ચીસ વર્ષ પહેલાં ભારતમાં લીલા ચારાની ઘટ 50 ટકા અને સૂકા ચારાની ઘટ આશરે 60 ટકા હતી. પરંતુ છેલ્લાં 20 વર્ષ દરમિયાન નવી ટૅક્નૉલૉજીનો વિકાસ થયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ વધુમાં જણાવે છે, "તેમાં વધારે ઉત્પાદન આપતી ઘાસચારાની નવી જાતો, ઉત્પાદનની સારી પદ્ધતિઓ તેમ જ હૉર્ટીપાશ્ચર (બાગાયતી પાકોની સાથે ઉગાડાતો ઘાસચારો) અને સિલ્વિપાશ્ચર (ઘાસનાં મેદાનો/જંગલોમાં ઉગાડાતો ઘાસચારો) વગેરે દ્વારા વધારાનાં સ્ત્રોત ઊભાં કરવાનો અને ખરાબાની જમીનોમાં ઘાસની બારમાસી જાતો વાવવાનો સમાવેશ થાય છે. આ બધાં પગલાંને કારણે અમારી તાજેતરની ગણતરીઓ અનુસાર ભારતમાં ઘાસચારાની ઘટમાં ઘટાડો થયો છે. હવે લીલા ચારાની ઘટ 11 ટકા અને સૂકા ચારાની ઘટ 23 ટકા જેટલી જ રહી છે."
ડૉ. કૌશલે કહ્યું કે આ વર્ષો દરમિયાન ઈગફ્રીએ ખેતરોમાં વાવેતર કરી મેળવતા ઘાસચારાની જાતો તેમ જ બારમાસી ઘાસચારાની જાતો પર સંશોધન કરી નવી જાતો વિકસાવી છે.
તેમણે કહ્યું, "અમે ઘાસચારાના 40 પાકોની વધારે ઉત્પાદન આપતી નવી જાતો વિકસાવી છે. તેમાં ઘાસ, ખેતી પાક તરીકે વાવેતર કરી મેળવતા ચારા અને કઠોળ વર્ગના પોકોનો સમાવેશ થાય છે."
"છેલ્લાં પાંત્રીસથી ચાલીસ વર્ષો દરમિયાન અમે આ 40 પાકોની વધારે ઉત્પાદન આપતી 450 કરતાં પણ વધારે નવી જાતો વાવેતર માટે રિલીઝ કરી છે. સંશોધનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપ આવી છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન જ અમે વધારે ઉત્પાદન આપતી ચારાની 50 કરતાં પણ વધારે જાતો રિલીઝ કરી છે."

ઇમેજ સ્રોત, ICAR-IGFRI
ડાયરેક્ટરે કહ્યું કે 450 જાતોમાંથી 30 જાતોએ સારાં પરિણામો આપતાં ભારતના જીડીપી (ગ્રોસસ ડૉમેસ્ટિક પ્રોડક્શન એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદન)માં છેલ્લાં દસ વર્ષ દરમિયાન રૂપિયા 50,000 કરોડ જેટલો ફાળો આપ્યો છે.
ગુજરાતની કામધેનુ યુનિવર્સીટી સાથે જોડાયેલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં આવેલ પ્રાણી પોષણ સંશોધન કેન્દ્રના વડા ડૉ. એસ. જી. વોરા કહે છે સમતોલ ઘાસચારો અને ખાણદાણ પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા અને સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.
તેમણે બીસીસી ગુજરાતીને જણાવ્યું, "પશુઓને લીલા અને સૂકા એમ બંને ચારાની જરૂર રહે છે પરંતુ લીલા ચારાનું વધારે મહત્ત્વ છે. કારણ કે તે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતાને તે સીધી અસર કરે છે. સારા દૂધ ઉત્પાદન માટે પશુને સારી માત્રામાં ક્રૂડ પ્રોટીન, ફૉસ્ફરસ અને કૅલ્શિયમ ધરાવતો લીલો ચારો આપવો પડે. ધાન્ય વર્ગનાં બાજરા, જુવાર, મકાઈ વગેરે પાકોમાં ફૉસ્ફરસની માત્ર સારી હોય છે જ્યારે રજકા સહિતના કઠોળ વર્ગના ચારામાં પ્રોટીનની માત્ર વધારે હોય છે. વળી ચારો પશુઓ માટે કેટલો સુપાચ્ય છે તે પણ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે."
બુન્દેલ બાજરા-1ને ક્યાં વાવવાની ભલામણ થઇ?

ઇમેજ સ્રોત, ICAR-IGFRI
ઈગફ્રી ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરમાં આવેલું છે.
ઝાંસી જિલ્લો મધ્ય ભારતના બૂંદેલખંડ નામે જાણીતા પ્રદેશનો ભાગ છે. ઓછા વરસાદ અને પાણીની અછત ધરાવતા આ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ રાજ્યના ઝાંસી સહિત સાત જિલ્લા અને મધ્યપ્રદેશના સાગર સહીત છ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ જાત વિકસાવનાર વૈજ્ઞાનિકોની ટીમના વડા ડૉ. શશિકુમારા પી. જણાવે છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદના નેજા હેઠળ ચાલતી 'ઈગફ્રી' ઘાસચારાની નવી વિકસાવેલ જાતોમાંથી કેટલાકને બૂંદેલખંડના નામ પરથી નામ આપે છે અને તે પ્રથા અનુસાર બાજરાની આ નવી જાતને પણ બુન્દેલ બાજરા-1 નામ આપવામાં આવ્યું છે.
ખેતી કરી ઉગાડતા ઘાસચારાની જાતોને મુખ્ય બે વર્ગમાં વહેંચવામાં આવે છે—ધાન્ય વર્ગના પાકો જેમાં બાજરા, જુવાર, મકાઈ, જવ વગેરે મુખ્ય છે અને કઠોળ વર્ગના જેમાં રજકો, ચોળી, વાલ, ગુવાર વગેરે મુખ્ય છે.
ઈગફ્રીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે બુન્દેલ બાજરા-1, એ ધાન્યવર્ગનો પાક છે પરંતુ તેને અનાજના ઉત્પાદન માટે નહિ પણ ફક્ત ચારાની જાત તરીકે વિકસાવવામાં આવ્યો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઈગફ્રીના ડાયરેક્ટર ડૉ. કૌશલે જણાવ્યું, "અમારા વૈજ્ઞાનિકો છેલ્લાં સાત વર્ષથી આ જાતને વિકસાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને છેવટે તેમને સફળતા મળી છે. સરકારે 31મી ડિસેમ્બર, 2025ના રોજ બુન્દેલ બાજરા-1 ને દેશના નેઋત્ય ભાગમાં આવેલાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વાવેતર કરવા માટે ભલામણ કરી છે."
ઈગફ્રીના પાક સુધારણા વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. શાહિદ એહમદે કહ્યું, "દુનિયામાં બાજરાનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે. વિશ્વમાં થતાં કુલ બાજરા અને તેના ચારાના ઉત્પાદનમાંથી 39 ટકા ભારતમાં થાય છે. ભારતમાં અંદાજે દસ લાખ હેક્ટરમાં બાજરાનું વાવેતર માત્ર ચારા માટે જ કરાય છે. મુખત્વે શુષ્ક અને અર્ધશુષ્ક નેઋત્ય ભાગનાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચારા માટે બાજરાનું વાવેતર થાય છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ તેનું વાવેતર થાય છે. બાજરાએ દુષ્કાળમાં, ગરમીમાં અને વરસાદમાં ટકી રહેવા અનુકૂલન સાધી લીધું છે."
બુન્દેલ બાજરા-1ની શું ખાસિયત છે?

ઇમેજ સ્રોત, ICAR-IGFRI
આ નવી જાત વિકસાવવા માટેની ટીમમાં સામેલ પાકસુધારણા વિભાગના વૈજ્ઞાનિક ડૉ. શશિકુમારા પી. જણાવે છે કે બુન્દેલ બાજરા-1 હયાત જાતોની સરખામણીએ ચારાનું વધારે ઉત્પાદન આપવા ઉપરાંત ઊંચો ઇન વિટ્રો ડ્રાય મેટર ડાઇજેસ્ટિબિલિટી (આઈડીવીએમડી) એટલે કે સુપાચ્યતા આંક ધરાવતો હોવાથી પશુઓનું દૂધ ઉત્પાદન અને સ્વાસ્થ્ય સુધરશે.
તેમણે કહ્યું, "બુન્દેલ બાજરા-1 હેક્ટર દીઠ 530 ક્વિન્ટલ (એક ક્વિન્ટલ=100 કિલો) જેટલા લીલા ચારાનું ઉત્પાદન આપે છે. તેના જેવી હયાત જાતો કરતાં આ ઉત્પાદન 10થી 12 ટકા જેટલું વધારે છે. સારા સંજોગોમાં આ ઉત્પાદન 700 ક્વિન્ટલ (3500 મણ) જેટલું થઇ શકે છે. સૂકા ચારાનું ઉત્પાદન 92.6 ક્વિન્ટલ થાય છે. બુન્દેલ બાજરા-1ના પાકમાં પ્રતિ હેક્ટર 9.52 ક્વિન્ટલ જેટલું ક્રૂડ પ્રોટીનનું ઉત્પાદન મળે છે જે દૂધ ઉત્પાદન પર સીધી અસર કરે છે. તેનું આઈડીવીએમડી પણ ખુબ સારું છે."
"બાજરાનું આઈડીવીએમડી સામાન્ય રીતે 50થી 52 ટકા હોય છે. અમારી આ જાતનું આઈડીવીએમડી 56 ટકા છે. વળી, બુન્દેલ બાજરા-1 નો સ્વાદ પશુઓને ભાવે તેવો હોય છે. આનાથી પશુની દૂધ ઉત્પાદકતા વધશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે."
ડૉ. શશિકુમારા પી.એ વધારે વાત કરતાં જણાવ્યું કે બુન્દેલ બાજરા-1ની હેક્ટર દીઠ ઉત્પાદકતા, મકાઈની 400થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા સાથે સરખાવી શકાય તેટલી ઊંચી છે પરંતુ મકાઈને બુન્દેલ-બાજરા-1ની સરખામણીએ પિયત વધારે આપવું પડે છે.
ડૉ. શશિકુમારા પી.એ ઉમેર્યું કે હાલ તો બુન્દેલ-બાજરા-1નું વાવેતર ખરીફ સિઝન એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન કરવાની ભલામણ છે પરંતુ તેને શિયાળા અને ઉનાળામાં પણ વાવી શકાય.
આ વિશે તેમણે કહ્યું, "તેની મહત્ત્વની ખાસિયત એ છે કે તે ચોમાસામાં વરસાદ આધારિત પાક તરીકે વાવી શકાય છે અને જો વાવેતર બાદ વરસાદ ખેંચાય તો પણ તેને બહુ તકલીફ નથી પડતી. આ ઉપરાંત જો તેને શિયાળામાં વાવવામાં આવે તો ચાર પિયત આપવાથી પાક તૈયાર થઇ જાય છે અને ખેડૂતો 60થી 65 દિવસ બાદ તેને વાઢી શકે છે."
બુન્દેલ બાજરા-1માં ચારાનું ઉત્પાદન કેમ વધારે થાય છે?

ઇમેજ સ્રોત, ICAR-IGFRI
ડૉ. શશિકુમારા પી. કહે છે, "આ જાતના બાજરાના થડમાંથી એક મુખ્ય સાંઠા ઉપરાંત સરેરાશ ત્રણથી પાંચ ફુટ એટલે કે ગૌણ સાંઠા નીકળે છે. વળી, બુંદેલ બાજરા-1ના છોડની સરેરાશ ઊંચાઇ 240 સેન્ટિમીટર (આશરે આઠ ફુટ) રહે છે જે સામાન્ય બાજરાની ઊંચાઇ કરતાં વધારે છે."
"આ ઉપરાંત, ધાન્યના ઉત્પાદન માટે વવાતા હાજરામાં ફૂલ (થુલી) આવવાની શરૂઆત વાવેતરના 45 દિવસે થઇ જાય છે. પરંતુ બુન્દેલ બાજરા-1માં ફૂલ 60 થી 65 દિવસ બાદ આવવાનું ચાલુ થાય છે. ફૂલ અવસ્થા મોડી શરું થતી હોવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિનો તબક્કો લાંબો રહે છે. આ ત્રણેય પરિબળોને કારણે બુંદેલ બાજરા-1ના છોડમાં વધારે બાયૉમાસ (અહીં, વાનસ્પતિક સામગ્રી) જમા થાય છે. તેને કારણે અન્ય જાતોની સરખામણીએ ઉત્પાદન વધારે મળે છે."
તેઓ કહે છે, "બુંદેલ બાજરા-1નો ચારો પશુઓને લીલા ચારા તરીકે, સૂકા ચારા તરીકે કે પછી સાઇલેજ તરીકે આપી શકાય છે. જો પિયતની સુવિધા હોય તો વર્ષની ત્રણેય સિઝનમાં તેનું વાવેતર કરી શકાય છે."
નવી ઘાસચારાની જાત કઈ રીતે વિકસાવવામાં આવી?

ઇમેજ સ્રોત, ICAR-IGFRI
ડૉ. શશિકુમારા પી. જણાવે છે કે તેઓ વર્ષ 2019થી આ નવી જાત વિકસાવવા માટે સંશોધન કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, "બાજરાના છોડનું ફલિનીકરણ સામાન્ય રીતે પવનથી થાય છે. પરંતુ નવી જાતમાં ઇચ્છિત ગુણધર્મો લાવવા માટે અમે અમારી પાસે ઉપલબ્ધ IP11336 નામના બાજરાના ગ્રૂપમાંથી પસંદ કરેલ નર છોડની પરાગરજ લઇ માદા તરીકે પસંદ કરેલ છોડનું ફલિનીકરણ કર્યું. ત્યાર બાદ તેમાંથી મળેલાં બીજનું વાવેતર કરી તેમાંથી ઊગેલ છોડમાંથી જે છોડમાં ઇચ્છિત ગુણધર્મો સારા પ્રમાણમાં હતા તેને અલગ તારવતા ગયા. આ રીતે અમે બુન્દેલ બાજરા-1ની નવી જાત વિકસાવી છે."
તેઓ કહે છે કે નવી જાત વિકસાવતા તેમને 14 સિઝન જેટલો એટલે કે સાત વર્ષનો સમય લાગ્યો.
તેમણે ઉમેર્યું, "નવી જાતનાં વેરાઇટલ ટ્રાયલ્સ થઇ ગયાં છે. આ વર્ષની ખરીફ સિઝનમાં અમે બ્રિડર સીડ તૈયાર કરીશું, એટલે 2027ની ખરીફ સિઝનથી ખેડૂતોને આ નવી જાતનું બિયારણ મળતું થઇ જશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












