'48 કલાકનો સમય છે, નહીંતર કેર વર્તાવીશું' - ટ્રમ્પે ઈરાનને નવી ધમકી આપી : ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 10 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે તેની પાસે 'સમજૂતી કરવા તથા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા' માટે 48 કલાકનો સમય છે, નહીંતર 'કેર વર્તાવવામાં આવશે.'

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં લખ્યું, "યાદ રાખો કે મેં ઈરાનને સમજૂતિ કરી લેવા કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો, એ સમય ખતમ થઈ રહ્યો છે."

ટ્રમ્પે આગળ લખ્યું, "એમની ઉપર કેર વરસવાને હવે 48 કલાક જ બાકી છે."

ઉલ્લેખનીય છે કે તા. 27મી માર્ચના રોજ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ આગામી 20 દિવસ માટે ઈરાનના પાવર પ્લાન્ટ્સ ઉપર કોઈપણ પ્રકારના હુમલાને અટકાવી રહ્યા છે.

ટ્રમ્પે આ પહેલાં અન્ય એક પોસ્ટમાં ટેરિફને કારણે અમેરિકાના અર્થતંત્રને કેટલો ફાયદો થયો તેનો ઉલ્લેખ કર્યો હતો.

બીજી બાજુ, ઈરાનના કોહગિલુયેહ તથા બોયરઅહમદ પ્રાંતના ગવર્નર તથા આઈઆરજીસી એકમના વડાએ અમેરિકાના તોડી પડાયેલા એફ-15ઈ વિમાનના બીજા ક્રૂ મૅમ્બરની ધરપકડ કરવામાં આવી હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

ગવર્નરે એક પાઇલટને અમેરિકા દ્વારા બચાવી લેવામાં આવ્યો હોવાની વાતને પણ 'દુશ્મનની વ્યૂહરચના' ગણાવીને નકારી કાઢી હતી.

ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાના દાવા બાદ અબ્બાસ અરાગચીએ શું ચેતવણી આપી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ બુશહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે થયેલા કથિત હુમલા પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પાસે હુમલાને લઈને પશ્ચિમી દેશોનો ગુસ્સો યાદ છે? હવે ઇઝરાયલ અને અમેરિકા અમારા બુશહર પ્લાન્ટ પર ચાર વખત હુમલો કરી ચૂક્યાં છે."

અરાગચીએ ચેતવણી આપી, "રેડિયોઍક્ટિવ લીકેજની અસર તેહરાન નહીં બલ્કે ગલ્ફ કૉર્પોરેશન કાઉન્સિલ (જીસીસી) ની રાજધાનીઓ પર પણ પડશે."

તેમણે એવું પણ કહ્યું કે ઈરાનના પેટ્રોકેમિકલ ઠેકાણાં પર હુમલા 'વાસ્તવિક હેતુ' દેખાડે છે.

જોકે, અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી આ હુમલામાં પોતાની ભૂમિકાની પુષ્ટિ નથી કરી.

'ઘાયલ છું, એટલે ઘાતક છું,' રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના આરોપોનો જવાબ આપ્યો

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના કેટલાક નેતા દ્વારા તેમના ઉપર મૂકવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો છે.

રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો બહાર પાડીને કહ્યું, "મારી સામે ગઈકાલથી સ્ક્રિપ્ટૅડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે."

"એક જેવી ભાષા અને એક જેવા આરોપ. આ કોઈ યોગાનુયોગ નથી, પરંતુ આયોજનબદ્ધ હુમલો છે."

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આપે મારી ઉપર ત્રણ આરોપ મૂક્યા અને કહ્યું કે આ ત્રણ કારણો સબબ મને સંસદમાં બોલવાની તક નહીં આપે.

રાઘવ ચઢ્ઢાએ એ ત્રણ આરોપોનો જવાબ આપતા કહ્યું, "પહેલો આરોપ છે કે વિપક્ષે વૉકાઉટ કર્યું હોય, ત્યારે હું ત્યાં બેઠો રહું છું. આ વાત સદંતર ખોટી છે."

"હું પડકાર ફેંકું છું કે એવી એક પણ ઘટના જણાવો કે જ્યારે વિપક્ષે વૉકાઉટ કર્યું હોય અને મેં તેમનો સાથ ન આપ્યો હોય. સંસદમાં બધેય સીસીટીવી કૅમેરા છે. તમે ફૂટેજ કાઢીને જોઈ લો."

રાઘવ ચઢ્ઢાએ મુખ્ય ચૂંટણી અધિકારીને (સીઆઈસી) હઠાવવા માટેની અરજી ઉપર સહી કરવાનો ઇન્કાર કર્યો હોવાની વાતને 'સદંતર જૂઠાણું' ગણાવીને નકારી કાઝી હતી.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "આમ આદમી પાર્ટીના કોઈપણ નેતાએ મને ઔપચારિક કે અનઔપચારિક રીતે આ પ્રસ્તાવ ઉપર સહી કરવા માટે નહોતું કહ્યું.

"રાજ્યસભામાં આપના કુલ 10 સંસદસભ્ય છે, તેમાંથી છથી સાત સંસદસભ્યોએ આ પ્રસ્તાવ ઉપર સહી નથી કરી, તો એમાં મારો શું વાંક?"

રાઘવના કહેવા પ્રમાણે, આપે તેમની ઉપર ત્રીજો આરોપ મૂક્યો છે કે તેઓ (ચઢ્ઢા) ડરી ગયા છે, એટલે સંસદમાં 'બેકાર મુદ્દા' ઊઠાવે છે.

રાઘવ ચઢ્ઢાએ તેના જવાબમાં કહ્યું, "હું સંસદમાં બૂમબરાડા પાડવા, ગાળાગાળી કરવા કે માઇક તોડવા માટે નથી ગયો. હું ત્યાં જનતાના મુદ્દા ઉઠાવવા માટે ગયો છું."

"મેં જીએસટીથી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) માંડીને ઇન્કમટૅક્સની વાત કરી છે. પંજાબના પાણીથી લઈને દિલ્હીની હવા જેવા મુદ્દા ઊઠાવ્યા છે."

રાઘવ ચઢ્ઢાએ વીડિયોના અંતભાગમાં કહ્યું કે આજે મારી ઉપર ખોટા આરોપ મૂકવામાં આવી રહ્યા છે, દરેક જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં આવશે. 'કારણ કે હું ઘાયલ છું, એટલે ઘાતક છું.'

ઉલ્લેખનીય છે કે 'ઘાયલ છું, એટલે ઘાતક છું' એ બોલીવૂડની ફિલ્મ ધુરંધરનો ડાયલૉગ છે.

ફિલ્મમાં આર.માધવન તથા રણવીરસિંહના પાત્ર બંને ફિલ્મમાં અલગ-અલગ સમયે આ સંવાદ બોલે છે.

જયપુરમાં દૂષિત પાણી પીવાથી લોકો બીમારી, દરરોજ હૉસ્પિટલ પહોંચી રહ્યા છે દર્દી

રાજસ્થાનની રાજધાની જયપુરથી બીબીસી હિન્દી સહયોગી મોહરસિંહ મીણા અનુસાર જયપુરમાં સિવિલ લાઇન વિધાનસભા ક્ષેત્રના સુશીલપુરા વિસ્તારમાં સીવર લાઇનને નુકસાન થતા લોકો દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા છે.

ગત ચાર દિવસમાં દર્દીઓ સતત હૉસ્પિટલ પહોંચી રહ્યા છે. સરકારી ડિસ્પેન્સરી યુવામ-45ના પ્રભારી ડૉક્ટર અનિલ મહેતાએ બીબીસી ન્યૂઝ હિંદીને ફોન પર કહ્યું કે, "ચાર દિવસોમાં 75 દર્દીઓ આવ્યા છે. અત્યારે પણ કેટલાક દર્દીઓ સારવાર માટે આવ્યા છે."

ડૉક્ટર મહેતાએ કહ્યું કે, "દરરોજ 120ની ઓપીડીમાં ડાયરિયા, પેટ દર્દ અને ઊલ્ટીની ફરિયાદ લઈને લગભગ 20 લોકો પહોંચી રહ્યા છે."

સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં સુશીલપુરાના લોકો દૂષિત પાણીની ફરિયાદ કરતા સ્થાનિક ધારાસભ્યને આ દૂષિત પાણી પીવા માટે આપે છે.

સ્થાનિક રહેવાસી મદન યાદવે બીબીસી ન્યૂઝ હિન્દી સાથે ફોન પર વાત કરતા કહ્યું કે, "ગયા સોમવારે રાત્રે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન સીવર લાઇન તૂટી ગઈ હતી અને પાણીની પાઇપલાઇન પણ ડૅમેજ થવાથી પાણી દૂષિત થઈ ગયું છે."

તેઓ કહે છે કે, "આ માહિતી લોકો પાસે ન હોવાથી સવારે આ જ પાણી પીધું જેનાથી કેટલાક લોકો બીમાર થઈ ગયા અને દવાખાનેથી દવા લાવવી પડી."

ધારાસભ્ય ગોપાલ શર્માએ બીબીસી સાથે ફોન ઉપર વાત કરતા જણાવ્યું, "આ જૂની અને જર્જરિત પાઇપલાઇન છે. જે કૉંગ્રેસ સરકારના સમયમાં આ પાઇપલાઇન નાખવામાં આવી હતી. જેને રોડ બનાવતી વખતે નુકસાન થયું હતું."

ગોપાલ શર્માએ આરોપ મૂક્યો હતો કે પાઇપલાઇનને 'પૂરતી ઊંડાઈએ' નાખવામાં નહોતી આવી, એટલે માર્ગનિર્માણ સમયે તેને નુકસાન થયું.

ગોપાલ શર્માએ દાવો કર્યો હતો, "હવે ચોખ્ખું પાણી આવી રહ્યું છે તથા સાવચેતીનાં પગલાંરૂપે તપાસ ચાલી રહી છે. અન્ય એકસ્થળે પણ પાઇપલાઇન ડૅમેજ થઈ હોવાનું બહાર આવ્યું છે. જેને વહેલાસર રિપેર કરાવીને, માર્ગનિર્માણનું કામ પૂરું કરવામાં આવશે."

ઈરાનને કહ્યું, ઇઝરાયલ-અમેરિકાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે હુમલો કર્યો

ઈરાનના ઍટમિક ઍનર્જી ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે, વર્તમાન યુદ્ધ દરમિયાન બુશહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આજુબાજુમાં ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે.

સંગઠનનું કહેવું છે કે આ હુમલાને પગલે પ્લાન્ટની સુરક્ષામાં તહેનાત એક કર્મચારીનું મૃત્યુ થયું છે તથા આને માટે અમેરિકા તથા ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે. જોકે, અમેરિકા તથા ઇઝરાયલે આ હુમલાની પુષ્ટિ નથી કરી.

નિવેદનમાં જણાવાયું છે કે, પ્રારંભિક તપાસમાં પ્લાન્ટના મુખ્ય ભાગોને કોઈ નુકસાન નથી થયું તથા તે સામાન્ય રીતે કામ કરી રહ્યો છે. સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે જો અહીં રેડિયોઍક્ટિવ મટિરિયલને કારણે ગંભીર નુકસાન થયું, તો મોટો પરમાણુ અકસ્માત સર્જાઈ શકે છે.

બુશહરના આ પ્લાન્ટને રશિયાની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો તથા તે ઈરાનનો એકમાત્ર કાર્યરત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે.

રશિયાએ આ પાવર પ્લાન્ટમાંથી તેના અનેક કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. રશિયાની સરકારી પરમાણુ કંપની રોસાટૉમના વડા એલૅક્સી લિકાચેવે તાજેતરમાં જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે 200 જેટલા રશિયનોને બહાર કાઢવાની છેલ્લી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, એવી શક્યતા છે.

ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો છે તથા તેની ઉપર અનેક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

તા. 28 ફેબ્રુઆરીના અમેરિકા-ઇઝરાયલે મળીને ઈરાનની ઉપર હુમલો કર્યો હતો, એ પછી આ તણાવ મધ્યપૂર્વ એશિયાના અન્ય દેશો સુધી વિસ્તર્યો છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી ભારતના ધ્વજવાળું એલપીજી જહાજ સલામત નીકળ્યું

ભારતના ધ્વજવાળું જહાજ ગ્રીન સાન્વી શુક્રવારે રાત્રે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, તેમાં લગભગ 46 હજાર 650 મેટ્રિક ટન એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) ભરેલો છે.

સૂત્રોને ટાંકતા એજન્સી લખે છે કે ભારતીય નેવી વેપારી જહાજોને અવરજવરમાં મદદ કરવા માટે 'સ્ટેન્ડ-બાય' છે.

ભારત સરકારના જહાજ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલના કહેવા પ્રમાણે, હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતનાં 18 જેટલાં જહાજ અટવાયેલાં છે, જેની ઉપર 485 ક્રૂ મૅમ્બર સવાર છે. અત્યાર સુધીમાં જહાજોના 964 જેટલા ક્રૂ મૅમ્બર્સ ભારત પરત ફર્યા છે અને પોત-પોતાના ઘરે સલામત પહોંચી ગયા છે.

સરકારનું કહેવું છે કે ખાડી દેશોમાં સંકટ ઊભું થયું, ત્યારથી અત્યાર સુધીમાં પાંચ લાખ 98 હજાર લોકો ભારત પરત ફર્યા છે.

તા. 28મી ફેબ્રુઆરીના રોજ ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલે હુમલા કર્યા, એ પછી ઈરાને વળતા હુમલા કર્યા છે, જેના કારણે વિશ્વના આ ભૂભાગમાં અશાંતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિકસ્તરે ઊર્જાઉત્પાદનોની તંગી ઊભી થઈ છે.

ગત શનિવારે એલપીજી કૅરિયર 'જગ વસંત' વાડીનાર બંદરે પહોંચ્યું હતું, જ્યાંથી તેનો ગૅસ અન્ય જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ઈરાની હુમલામાં એક ઇઝરાયલી વ્યક્તિ ઘાયલ, સીરિયામાં પણ સંભળાયા વિસ્ફોટો

ઇઝરાયલની મૅગન ડૅવિડ એડોમ (એમડીએ) ઇમર્જન્સી સર્વિસે કહ્યું છે કે ઈરાની મિસાઇલ હુમલાને રોકવાની કાર્યવાહી વચ્ચે એક વ્યક્તિ ઘાયલ થઈ છે.

એમડીએના જણાવ્યા પ્રમાણે, 45 વર્ષની એક વ્યક્તિને તેલ અવીવના બહારી વિસ્તાર બનેઈ બ્રાક શહેરમાં કાંચના ટુકડાને કારણે હળવી ઈજા થઈ છે. તેમને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.

ત્યાં સીરિયામાં સરકારી ટીવીએ જણાવ્યું છે કે શનિવારે વહેલી સવારે રાજધાની દમિશ્ક તથા તેની આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. રૉયટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ધમાકાનું કારણ સ્પષ્ટ નથી.

સરકારી ટીવીનું કહેવું છે કે આ વિસ્ફોટો ઇઝરાયલી ઍર ડિફેન્સ સિસ્ટમ તરફથી ઈરાની મિસાઈલોને હવામાં રોકવાને કારણે થયા હોવા જોઈએ.

આર્ટેમિસ-2ના ક્રૂ દ્વારા અંતરિક્ષથી પૃથ્વીની લેવાયેલી આ તસવીરો જુઓ

નાસાએ ચંદ્રની ચારો તરફ પોતાની યાત્રા પર જઈ રહેલા આર્ટેમિસ-2ના ક્રૂ તરફથી લેવાયેલી પૃથ્વીની પહેલી હાઈ- રિઝોલ્યૂશન તસવીર શૅર કરી છે.

નાસા પ્રમાણે, મિશનના કમાન્ડર રીડ વાઇસમૅને આ શાનદાર તસવીરો એ સમયે લીધી જ્યારે ક્રૂએ અંતિમ એન્જિન બર્ન પૂર્ણ કર્યું. આ બર્ન બાદ તેમને ચંદ્રમાની દિશામાં આગળ વધાર્યા.

પહેલી તસવીર 'હૅલો, વર્લ્ડ' નામ આપવામાં આવ્યું છે. જેમાં ઍટલાન્ટિક મહાસાગર જોવા મળે છે. જેની ચારો તરફ વાયુમંડળની હલકી ચમક છે. આ દરમિયાન પૃથ્વી સૂર્યને આંશિક રૂપથી ઢાંકતી હોય તેવું દેખાય છે. બંને ઘ્રુવો પર હલી ઑરોરા રોશની પણ નજરે પડે છે.

આ તસવીરમાં પૃથ્વી ઉલટી દેખાય છે, જેમાં ડાબી બાજુ પશ્ચિમી સહારા અને આઇબેરિયન પ્રાયદ્વીપ નજરે પડે છે. જ્યારે કે જમણી બાજુ દક્ષિણ અમેરિકાનો પૂર્વ ભાગ દેખાય છે.

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા?

પેન્ટાગોન તરફથી જારી આંકડા પ્રમાણે, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી કુલ 365 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.

સશસ્ત્રદળની અલગ-અલગ શાખાઓના હિસાબે ઘાયલોની સંખ્યા આ પ્રકારે છે.

આર્મી – 247

નેવી- 63

મરીન- 19

ઍરફોર્સ- 36

આંકડા પ્રમાણે યુદ્ધમાં મૃતક અમેરિકન સૈનિકોની સંખ્યા 13 છે.

ઈરાની સરકારી મીડિયાનો વધુ એક અમેરિકન વિમાન તોડી પડાયાનો દાવો

બીબીસી પર્શિયન સેવાના સંવાદદાતા ગોંચેહ હબીબીઆઝાદ પ્રમાણે, ઈરાનના સરકારી મીડિયાનું કહેવું છે કે ઈરાની સૈન્યે કહ્યું છે કે તેણે વધુ એક અમેરિકન એ-10 વિમાન તોડી પાડ્યું છે.

તેમજ બીબીસી ન્યૂઝના અમેરિકન સહયોગી સીબીએસ ન્યૂઝને અમેરિકાના બે અધિકારીઓએ કહ્યું કે ઈરાનમાં એફ-15 ફાઇટર પ્લેનના બચાવ અભિયાનમાં સામેલ બે અમેરિકન વિમાન પર ગોળીબાર થયો છે.

સીબીએસ ન્યૂઝ પ્રમાણે, શોધખોળ અને બચાવ અભિયાનમાં સામેલ એ-10 વૉરથોગ વિમાન પર હુમલો થયો, જે બાદ પાઇલટે અખાતની ઉપર ઇજેક્ટ કર્યું, જ્યાં તેમને બચાવી લેવાયા.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે શું આ એ જ વૉરથોગ છે, જે અંગે સીબીએસ ન્યૂઝે કહ્યું હતું કે તેને એફ-15ઈના શોધખોળ અને બચાવ અભિયાન દરમિયાન નિશાન બનાવાયું હતું.

સીબીએસનું કહેવું છે કે આ શોધખોળ અભિયાનમાં બે હેલિકૉપ્ટર પણ સામેલ હતાં, જેમણે પહેલાં થયેલા અકસ્માતમાં એફ-15ઈના બે પાઇલટો પૈકી એકને બચાવ્યો.

રિપોર્ટમાં કહેવાયું છે કે બચાવાયેલા પાઇલટને લઈ જઈ રહેલા હેલિકૉપ્ટર પર નાનાં હથિયારો વડે ફાયરિંગ થયું હતું, જેમાં તેમાં સવાર ક્રૂ સભ્ય ઘાયલ થયા. હેલિકૉપ્ટર સુરક્ષિત ઊતરી ગયું અને કર્મચારીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, તોડી પડાયેલા એફ-15ના બીજા પાઇલટની શોધખોળ હજુ પણ ચાલુ છે.

બીબીસી પર્શિયન સેવાના સંવાદદાતા હબીબીઆઝાદ પ્રમાણે, ઈરાનની સરકારી ટીવીએ ઈરાની સૈન્યના હવાલાથી જણાવ્યું છે કે 'એક અમેરિકન એ-10 વિમાનને આર્મી ઍર ડિફેન્સ ફોર્સની ડિફેન્સ સિસ્ટમે નિશાન બનાવી હતી અને એ દક્ષિણ ઈરાનમાં પર્શિયન અખાતમાં પડ્યું.'

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે તેને હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ તોડી પડાયું.

ઈરાનમાં તોડી પાડેલા અમેરિકન ફાઇટર પ્લેનના 'ગુમ પાઇલટ' અંગે ડેપ્યુટી ગવર્નરે શું કહ્યું

ઈરાનના દક્ષિણ પ્રાંત કોહલિગુયેહ-બોયેરઅહમદના ડેપ્યુટી ગવર્નરે કહ્યું છે કે તોડી પડાયેલા અમેરિકન એફ-15 ફાઇટર પ્લેનના 'ગુમ પાઇલટ'ની શોધખોળ માટે સર્ચ ઑપરેશન હજુ પણ 'પૂરી તાકત' સાથે ચાલુ છે.

બીજી તરફ મીડિયા રિપોર્ટો પ્રમાણે અમેરિકા તરફથી પણ ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરો દ્વારા પાઇલટને શોધવાના 'વ્યાપક પ્રયાસો' ચાલુ છે.

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સના એક રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી ગવર્નરનું કહેવું છે કે 'પોલીસ, સુરક્ષા દળ અને સ્થાનિક લોકો પાઇલટની ઓળખ કરવા અને તેને પકડવાના પ્રયાસમાં જોતરાયેલા છે' અને તેમણે લોકોને અપીલ કરી છે કે જો 'ગુમ થયેલા પાઇલટ' વિશે કોઈ પણ માહિતી મળે તો તેઓ અધિકારીઓનો સંપર્ક કરે.

જોકે, વિમાન ક્યાં પડ્યું છે, તેની બરાબર ખબર નથી, પરંતુ અત્યાર સુધી ઈરાનના સરકારી મીડિાયમાં જે બે પ્રાંતનાં નામ વારંવાર સામે આવ્યાં છે, એ છે કોહગિલુયેહ-બોયેરઅહમદ અને ખુજેસ્તાન.

શુક્રવારના રોજ અમેરિકન એફ-15 ફાઇટર પ્લેન ઈરાનના દક્ષિણ ભાગમાં તોડી પડાયાના સમાચાર આવ્યા હતા. બીબીસીના અમેરિકન ભાગીદાર સીબીએસ ન્યૂઝનાં બે સૂત્રોએ આની પુષ્ટિ કરી હતી.

સૂત્રોએ સીબીએસ ન્યૂઝને એવું પણ જણાવ્યું કે તોડી પડાયેલા એફ-15 ફાઇટર પ્લેનના ચાલકદળના એક સભ્યને બચાવી લેવાયા છે.

અબુ ધાબીમાં મિસાઇલનું કાટમાળ પડતાં 12 લોકો ઈજાગ્રસ્ત, તેમાં પાંચ ભારતીય પણ સામેલ

શુક્રવારે અબુ ધાબીમાં અધવચ્ચે તોડી પડાયેલી એક મિસાઇલના કાટમાળથી 12 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં પાંચ ભારતીય નાગરિક પણ સામેલ હતા.

ન્યૂઝ એજ્સી પીટીઆઇ પ્રમાણે, અબુ ધાબી મીડિયા ઑફિસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ ઘટનામાં પાંચ ભારતીય અને છ નેપાળી નાગરિકોને હળવીથી મધ્યમ ઈજાઓ થઈ છે.

તેમાં કહેવાયું કે અન્ય એક નેપાળી નાગરિકને પણ ઈજા થઈ છે. આ ઘટના અબુ ધાબીના અજ્બાન વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે વાયુ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા 'એક મિસાઇલને સફળતાપૂર્વક રોકી લેવાઈ' ત્યાર બાદ તેનો કાટમાળ નીચે પડ્યો.

આ ઘટના અંગે ભારત તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.

28 ફેબ્રુઆરીના રોજ મધ્ય પૂર્વમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ અત્યાર સુધી આઠ ભારતીય નાગરિકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન