You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન યુદ્ધ : આઇઆરજીસીના ઇન્ટેલિજન્સ ચીફનું ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં મૃત્યુ - ન્યૂઝ અપડેટ
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના (આઈઆરજીસી) ગુપ્તચર સંગઠનના વડા માજિદ ખાદેમીનું ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં મૃત્યુ થયું છે.
આઇઆરજીસી નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે, તેમણે લખ્યું, "માજિદ ખાદેમીનું સોમવારે સવારે તા. છઠ્ઠી એપ્રિલના અવસાન થયું."
ઇઝરાયલના સંરક્ષણ મંત્રી કાટ્ઝ તથા ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સિસે (આઈડીએફ) માજિદ ખાદેમીને મારવાની જવાબદારી લીધી છે.
આઈડીએફે ટેલિગ્રામ ઉપર લખ્યું કે માજિદ ખાદેમીનું મોત "વધુ એક મોટો આંચકો" છે.
તા. 15 જૂન 2025ના ઇઝરાયલના હુમલામાં કાજેમીની હત્યાના ચાર દિવસ પછી તેમના સ્થાને ખાદેમીને આઈઆરજીસી ઇન્ટેલિજન્સ સંગઠનના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઈરાનની સાયબર સ્પેસની 'સંપ્રભુતાનું સંરક્ષણ' કરવાને જરૂરી ગણાવીને ગત ઑગસ્ટ મહિનામાં ખાદેમીએ સંસદને આંતરિક ઇન્ટ્રાનેટને પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો હતો.
બીજી બાજુ, અમેરિકાના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું છે કે યુદ્ધવિરામ ન થાય, ત્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સફળતાપૂર્વક વાતચીત થાય, એની શક્યતા મુશ્કેલ છે.
અધિકારીએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ગત બે અઠવાડિયાંથી મધ્યસ્થતાના પ્રયાસ ચાલી રહ્યા છે, જોકે, તેનો ખાસ્સો ભાગ સાર્વજનિક કરવામાં નહોતો આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીએ કહ્યું હતું કે ઈરાન સુધી સંદેશ પહોંચાડવા તથા જવાબ મેળવવામાં સમય લાગી રહ્યો છે. એક જવાબ આવતા સરેરાશ એક દિવસનો સમય લાગી રહ્યો છે. ઈરાનને કહેવામાં આવ્યું છે કે જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવા મુદ્દે સમજૂતિ ન થઈ, તો "બધું ઉડાવી દેવામાં" આવશે.
પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત પણ મધ્યસ્થતાના પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે શનિવારે તેમણે આ ત્રણ દેશોના વિદેશ મંત્રીઓએ વિટકૉફ તથા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.
ઈરાને અમેરિકા-ઇઝરાયલને આપી ચેતવણી, 'જો નાગરિકોને નિશાન બનાવશે તો...'
ઈરાનના સરકારી મીડિયા અનુસાર, ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના નાગરિકોને નિશાન બનાવશે, તો તે વધુ "ખતરનાક" જવાબ આપશે.
ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર (ઈરાનનું સર્વોચ્ચ લશ્કરી કમાન્ડ યુનિટ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું, "જો સામાન્ય નાગરિકો પર હુમલાઓનું પુનરાવર્તન થયું, તો અમારા આગામી હુમલાઓ અને બદલો પહેલાં કરતાં વધુ ખતરનાક અને મોટા પાયે હશે."
આ નિવેદન ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રૉડકાસ્ટિંગ (આઇઆરઆઇબી) પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
ઈરાનની આ ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન મંગળવાર સુધીમાં હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી નહીં ખોલે તો "અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજ પર હુમલો કરશે."
ટ્રમ્પની ધમકી અંગે ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયો અને તમામ દેશોને કહ્યું છે કે આવા ભયાનક વૉર ક્રાઇમને રોકવા તેમની કાનૂની જવાબદારી છે.
તહેરાન યુનિવર્સિટી પર હુમલો, આસપાસના વિસ્તારોમાં ગૅસ સપ્લાય બંધ
સોમવારે સવારે ઈરાનની રાજધાની તહેરાનમાં શરીફ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના ગૅસ સ્ટેશન પર હુમલો થયો હતો.
આ માહિતી તહેરાનના જિલ્લા-9ના મેયરે આપી છે.
યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં ગૅસ પુરવઠો અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનિવર્સિટીના કેટલાક ભાગો, જેમ કે ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી સેન્ટર બિલ્ડિંગ અને યુનિવર્સિટી મસ્જિદ પણ હુમલાથી પ્રભાવિત થયા હતા.
સોમવારે સવારે જાહેર કરાયેલી તસવીરોમાં તહેરાનના પશ્ચિમી વિસ્તારોમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
યુદ્ધ શરૂ થયું ત્યારથી ઘણી યુનિવર્સિટીઓ પર હુમલા થયા છે, જેમાં તહેરાન યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી અને શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપવામાં આવેલી સમયમર્યાદા મંગળવાર સુધી લંબાવી હતી. તેમણે કહ્યું હતું કે મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ અને બ્રિજ પર હુમલા થશે.
ટ્રમ્પે અપશબ્દો સાથે આપી ધમકી આપી તો ઈરાની દૂતાવાસે શું કહ્યું?
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સામુદ્રધુનીને લઈને બોલેલા અપશબ્દો બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાપક વિરોધનો સામનો કરી રહ્યા છે.
રવિવારે ટ્રુથ સોશિયલ પર કરેલી એક પોસ્ટમાં ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેમણે તાત્કાલિક હોર્મુઝ સામુદ્રધુની ફરીથી ખોલવાની અથવા ગંભીર પરિણામો ભોગવવા અંગેની ચેતવણી આપી હતી.
તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર ન્યૂ યૉર્કના ડેમૉક્રેટિક પાર્ટીના સાંસદ ચક શુમરે આકરી ટિપ્પણીઓ કરી છે.
દરમિયાન, થાઇલૅન્ડમાં ઈરાની દૂતાવાસે ટ્રમ્પની પોસ્ટ પછી લખ્યું, "જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ અપશબ્દોથી ભરેલી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેનાથી એવું લાગે છે કે અમેરિકા પહેલાંથી જ પાષાણ યુગમાં પહોંચી ગયું છે."
શુમરે સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન લોકોને ઇસ્ટરની શુભકામના પાઠવી, તેમણે લખ્યું, "જ્યારે તમે ચર્ચમાં જઈ રહ્યા છો અને તમારા મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા પર એક બેકાબૂ થયેલા પાગલની જેમ બબડાટ કરી રહ્યા છે."
પાકિસ્તાનમાં ઈરાનના દૂતાવાસે ટ્રમ્પના નિવેદનનો જવાબ આપતા લખ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમના અસંતુલિત વર્તન અને ઉચ્ચ સ્તરીય સરકારી હોદ્દાઓ સંભાળવામાં અસમર્થતાને કારણે મહાભિયોગ ચલાવવો જોઈએ અને તેમને પદ પરથી દૂર કરવા જોઈએ."
વિદેશમંત્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સાથે વાત કરી
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે માહિતી આપી છે કે તેમણે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન પર વાત કરી છે.
એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , "ઈરાનના વિદેશમંત્રી અરાગચીનો ફોન આવ્યો. વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી."
ભારતમાં ઈરાની દૂતાવાસે ઍક્સ પર જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન બંને નેતાઓએ દેશના પરસ્પર સંબંધો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
અગાઉ, જયશંકરે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથેની તેમની વાતચીત વિશે જાણકારી આપી હતી .
તેમણે કતારના વડા પ્રધાન અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે પણ વાતચીત કરી .
એસ જયશંકરે ત્રણેય દેશોના વિદેશમંત્રીઓ સાથે મધ્યપૂર્વની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન