સુરતમાં સાથે ભણતી બે યુવતીઓના મૃતદેહ એક સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી સુરત યુવતી આત્મહત્યા પોલીસ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

ઇમેજ કૅપ્શન, મંદિરના પરિસરના સીસીટીવી ફૂટેજમાં બંને યુવતીઓ જોવા મળે છે
વાંચવાનો સમય: 5 મિનિટ

સુરતમાં કોલેજમાં સાથે ભણતી બે યુવતીઓના મૃતદેહ એક મંદિરના બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે.

ઉધનાની એક કૉલેજમાં અભ્યાસ કરતી લગભગ 19 વર્ષની બે બહેનપણીઓ કૉલેજે ગયા પછી પરત ન આવતા તેની શોધખોળ કરવામાં આવી હતી.

ત્યાર પછી મંદિરમાં તપાસ કરવામાં આવતા બાથરૂમમાંથી યુવતીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેએ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.

આ ઘટના વિશે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચુડાસમાએ બીબીસીને જણાવ્યું કે "બંને યુવતીઓના મોબાઇલ એફએસએલની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જે બાથરૂમમાંથી યુવતીઓના મૃતદેહ મળ્યા ત્યાંથી ઝેરી દવાઓ મળી હતી."

તેમણે કહ્યું કે "મોબાઇલની ચકાસણી દરમિયાન યુવતીઓએ એઆઈ પ્લૅટફૉર્મ પર આત્મહત્યા કરવાની રીત વિશે સર્ચ કર્યુ હતું. બંનેએ શા માટે આ પગલું લીધું તેનું ચોક્કસ કારણ જાણવાનું બાકી છે."

નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ નિર્દોષ

પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ નિર્દોષ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમની ફાઇલ તસવીર

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 2002માં થયેલી પત્રકારની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રામ રહીમના વકીલ જિતેન્દ્ર ખુરાનાએ શનિવારે આ માહિતી આપી હતી.

ડેરા પ્રમુખને દોષિત ઠેરવ્યા અને તેમને આ મામલે આજીવન કેદની સજા ફટકારાયાના સાત વર્ષ પછી કોર્ટનો આ ચુકાદો આવ્યો છે.

આ વિશે વાત કરતાં રામ રહીમના વકીલ જિતેન્દ્ર ખુરાનાએ કહ્યું, "કોર્ટે તેમને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે."

"અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ગુરમીત રામ રહીમસિંહનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. આજે માનનીય હાઇકોર્ટે પણ આ વાત સ્વીકારી અને તેમને નિર્દોષ જાહેર કર્યા."

તેમણે જણાવ્યું કે આ મામલે અન્ય ત્રણ આરોપીઓની સજા યથાવત્ રાખવામાં આવી છે.

ઈરાનના મેહરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર જોરદાર વિસ્ફોટ

ઈરાનના મેહરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર જોરદાર વિસ્ફોટ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પષ્ટ નથી કે નવા હુમલામાં ઈરાનના મેહરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટના કયા ભાગ પર બૉમ્બમારો થયો છે

ઈરાનના એક મુખ્ય ઍરપૉર્ટ પર મોટો હુમલો થયાની ખબર મળી રહી છે. આ ઈરાનનું સૌથી વ્યસ્ત રહેનારું ઍરપૉર્ટ માનવામાં આવે છે જેનું નામ મેહરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાને નજરે જોનારા લોકો તરફથી શૅર કરવામાં આવેલાં ફૂટેજમાં મેહરાબાદ ઍરપૉર્ટ પર પ્લેન સળગતું દેખાય છે અને તેનો ધુમાડો આકાશમાં દેખાય છે.

શુક્રવારે લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરથી ખબર પડે છે કે આ ઍરપૉર્ટ પર ઘણાં વિમાનો હતાં. ઈરાનની સરકારી મીડિયા પણ રિપોર્ટ કરી રહી છે કે ઍરપૉર્ટના કેટલાક ભાગોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે.

આ ત્યારે થયું જ્યારે ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેઓ ઈરાનમાં 'મોટા પાયે હુમલાઓ' શરૂ કરી રહ્યા છે.

જોકે, એ સ્પષ્ટ નથી કે નવા હુમલામાં ઍરપૉર્ટના કયા ભાગ પર બૉમ્બમારો થયો છે, પરંતુ ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે આ વખતે વધારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.

રાંધણગેસના LPG સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, ઈરાન યુદ્ધની અસર

બીબીસી ગુજરાતી ભારત ઈરાન યુદ્ધ એલપીજી સિલિન્ડર ભાવ રાંધણગેસ બાટલો

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર ગૅસના ભાવ પર પડી છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોના હવાલે ખબર આપી છે કે, ભારતે ઘર વપરાશ માટેના રાંધણગૅસના ભાવમાં સિલિન્ડર દીઠ 60 રૂપિયા વધારો જાહેર કર્યો છે.

કૉમર્શિયલ વપરાશ માટેના 19 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ પણ 115 રૂપિયા વધારવામાં આવ્યો છે.

આ ભાવવધારો સાતમી માર્ચથી એટલે કે શનિવારથી જ અમલમાં આવી ગયો છે.

પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષના કારણે ઊર્જાના ભાવમાં વધારો થયો છે જેનો બોજ ઑઇલ કંપનીઓએ ગ્રાહકો પર નાખ્યો છે.

ઉજ્જવલા સ્કીમના લાભાર્થીઓને બાદ કરતા સામાન્ય વપરાશ માટેના સબસિડી વગરનાં એલપીજી સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં 913 રૂપિયા રહેશે. IOCની વેબસાઇટ પર આ નવા ભાવ અપડેટ થઈ ગયા છે.

ઈરાનના વિદેશમંત્રીએ ભારત અને શ્રીલંકાના વિદેશમંત્રીઓ સાથે વાત કરી

બીબીસી ગુજરાતી ભારત ઈરાન યુદ્ધ વિદેશમંત્રી શ્રીલંકા

ઇમેજ સ્રોત, Noushad Thekkayil/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર સાથે પણ વાત કરી

ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને શ્રીલંકાના વિદેશમંત્રી વિજિથા હેરાથ સાથે ફોન પર વાતચીત કરી છે.

આ વાતચીતમાં તેમણે ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછીના ઘટનાક્રમ અને બંને દેશોના સંબંધો પર વાત કરી છે.

ઈરાની વિદેશ મંત્રાલયે ઍક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે "વાતચીત દરમિયાન વિદેશમંત્રીએ તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલા દરમિયાન થયેલા અપરાધોની વાત કરી હતી. ઈરાનના વિદેશમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે તમામ સરકારો અને સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી છે કે તે અમેરિકા અને ઇઝરાયલનાં ગુનાઈત કામોની આકરી ટીકા કરે."

વિદેશ મંત્રાલયે લખ્યું છે કે "અરાગચીની વાતચીત દરમિયાન ઈરાની નેવીના જહાજ ડેના પર અમેરિકાના અપરાધિક હુમલાની આકરી ટીકા કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ પૂર્વ ચેતવણી વગર 2000 માઇલ દૂર ઇન્ટરનૅશનલ વૉટરમાં નિશાન બનાવવામાં આવ્યું હતું."

નાની વયનાં બાળકો માટે સોશિયિલ મીડિયા પર પ્રતિબંધ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ હરીફાઇમાં

બીબીસી ગુજરાતી બાળકો માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ કર્ણાટક આંધ્ર પ્રદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કર્ણાટક અને આંધ્ર પ્રદેશે નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની યોજના બનાવી છે

કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નાની વયનાં બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકનારાં પ્રથમ રાજ્યો બનવાની દોડમાં છે.

કર્ણાટકે 16 વર્ષ અને આંધ્ર પ્રદેશે 13 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે.

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં પોતાની બજેટ સ્પીચમાં જાહેરાત કરી કે "મોબાઇલ ફોનના વધતા ઉપયોગથી થતી ખરાબ અસરને રોકવા 16 વર્ષથી ઓછી વયનાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા દેવો ન જોઈએ."

આ જાહેરાત પછી તરત આંધ્ર પ્રદેશના આઇટી મંત્રી નારા લોકેશે સોશિયલ મીડિયા પર લખ્યું કે "નકલ કરવી એ પ્રસંશાનું સૌથી સાચું રૂપ હોય છે. કર્ણાટક 16 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનું વિચારે છે તે જાણીને આનંદ થયો. સૌથી પહેલાં આંધ્ર પ્રદેશમાં અમે ડિજિટલ વિશ્વની ખરાબ અસરોથી યુવાનોને બચાવવા માટે આવો પ્રસ્તાવ મૂક્યો હતો. ક્યારેક ક્યારેક સારા વિચારો ઝડપથી ફેલાય છે. તેમને આ યોજનામાં આગળ વધવા માટે શુભકામનાઓ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન