અક્ષર પટેલનો કૅચ અને હાર્દિક પંડ્યાનો થ્રો, જેણે મૅચની દિશા ફેરવી અને ભારત જીતી ગયું

ઇમેજ સ્રોત, MB Media/Getty Images
ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લૅન્ડ સામે યોજાયેલી ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલ મૅચમાં ભારતીય ટીમની સાત રને જીત થઈ હતી.
ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેનો લાભ જાણે ભારતીય ટીમે ઉઠાવી લીધો હતો.
ભારતીય ટીમે પોતાના બૅટ્સમૅનોના આક્રમક પ્રદર્શનને બળે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ઇંગ્લૅન્ડની ટીમ સામે જીત માટે મસમોટો 254 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેને ચેઝ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ પણ ગજબની લડાયક પ્રદર્શન કરીને 20 ઓવરમાં 246 રન બનાવવામાં સફળ રહી અને મોટા ટાર્ગેટની સાવ નજીક પહોંચી ગઈ હતી.
ઇંગ્લૅન્ડની ટીમના બૅટ્સમૅનોએ પણ આ તોતિંગ ટાર્ગેટ સામે મનોબળ નબળું પડવા દીધા વગર જબરદસ્ત લડત આપી હતી અને ક્રિકેટ પ્રસંશકોને રોમાંચથી ભરપૂર મૅચનો લહાવો આપ્યો.
આ જીત સાથે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલૅન્ડ સામે આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગઈ છે.
આમ તો મૅચમાં ઘણી યાદગાર ક્ષણો જોવા મળી, પરંતુ કેટલીક એવી ક્ષણો પણ રહી જે ક્રિકેટચાહકોના મનમાં હંમેશાં માટે અંકિત થઈ ગઈ હશે.
એક ભારતની ઇનિંગમાં ત્રીજી ઓવરમાં છૂટેલો ઓપનર સંજુ સેમસનનો કૅચ અને બીજો અક્ષર પટેલે ઇંગ્લૅન્ડના જામી ગયેલા બૅટ્સમૅન વિલ જેક્સનો છેક બાઉન્ડરી પર ઝડપેલો જબરદસ્ત કૅચ.
અક્ષર પટેલ અને શિવમ દુબેની મદદથી પકડ્યો જબરદસ્ત કૅચ

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images
આ વાત છે 14મી ઓવરના અંતિમ બૉલની. આની પહેલાં ઇંગ્લૅન્ડની ટીમ 172 રન બનાવી ચૂકી હતી. જોકે, આ તબક્કા સુધી ઇંગ્લૅન્ડની ટીમની ચાર વિકેટ પડી ચૂકી હતી અને મેદાનમાં વિલ જેક્સ અને જેકબ બેથલની જોડી જબરદસ્ત ફટકાબાજી કરી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેદાનમાં ચારે બાજુ આ જોડીએ ફટકારેલા શૉટ્સને કારણે એક સમયે ભારતની જીત પહેલાં જ ઉજવણી કરવા લાગેલા વાનખેડે સ્ટેડિયમમાં આવેલા પ્રેક્ષકોમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો.
એક સમયે મુશ્કેલીમાં દેખાતી ઇંગ્લૅન્ડની ટીમને 77 રનની પાર્ટનરશિપ કરનારી આ જોડીએ સારી સ્થિતિમાં લાવી દીધી હતી.
પરંતુ ભારતની 14મી ઓવરના અંતિમ બૉલમાં વિલ જેક્સે ઓફ સાઇડમાં બહાર જતા અર્શદીપસિંહના બૉલ પર કવરમાં મોટો શૉટ ફટકાર્યો, પરંતુ હજુ બાઉન્ડરી અને બૉલ વચ્ચે અક્ષર પટેલ નામની દીવાલ હતી.
તેઓ ડીપ કવરમાંથી દોડતાં દોડતાં આવ્યા અને બાઉન્ડરી લાઇનની સાવ નજીક પહોંચીને કૅચ પકડી લીધો. તેમજ છેલ્લી ઘડીએ હાથ લાગેલી તક બાઉન્ડરી તરીકે વેડફાય નહીં તેની તકેદારી રાખતાં તેમણે બૉલ સામેથી બાઉન્ડરી તરફ દોડી આવી રહેલા શિવમ દુબે તરફ ફેંક્યો અને દુબેએ પણ જાણે સ્થિતિ કળી ગયા હોય એમ બૉલ તેમની તરફ આવતાં તરત જ ઝડપી લીધો.
આમ, આ બંને ખેલાડીઓની ગજબની ટાઇમિંગ અને સંકલને સાવ અશક્ય જણાતો કૅચ ઝડપાઈ ગયો અને ઇંગ્લૅન્ડની જીત સુનિશ્ચિત કરી શકે એવી બેથલ અને જેક્સની જોડી તૂટી ગઈ.
જોકે, આ જોડી તૂટ્યા છતાં જેકબ બેથલે એક છેડેથી જોરદાર ફટકાબાજી કરવાનું ચાલુ રાખ્યું.
તેમણે 48 બૉલમાં 105 રન બનાવ્યા અને ભારતીય ટીમના શ્વાસ અધ્ધર લાવી દીધા. બેથલ પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા.
જોકે, ક્રીઝ પર અડગ દેખાઈ રહેલા બેથલને આખરે હાર્દિક પંડ્યાએ બાઉન્ડરીથી મારેલા થ્રોથી આઉટ થયા. હાર્દિક પંડ્યાના અચૂક થ્રોને કારણે બે રન લેવા મથી રહેલા બેથલ ક્રીઝ સુધી પહોંચે એ પહેલાં જ વિકેટકીપર સંજુ સેમસને વિકેટ ઉડાવી દીધી.
અંતિમ ઓવરના પ્રથમ બૉલમાં બેથલ આઉટ થયા અને એ બાદ ક્રીઝ પર આવેલા જોફ્રા આર્ચરે પણ શિવમ દુબેની બૉલિંગમાં ઉપરાછાપરી ત્રણ-ત્રણ છગ્ગા ફટકારી દીધા.
આમ, એક સમયે મોટા અંતરથી હારતી દેખાઈ રહેલી ઇંગ્લૅન્ડની ટીમ લક્ષ્યની સાવ નજીક આવીને હારી.
20 ઓવરના અંતે 254 રનનો પીછો કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ સાત વિકેટના નુકસાને 246 રન કરી ગઈ અને માત્ર સાત રને જ હારીને અંતિમ બૉલ સુધી લડત આપવાનું ઉદાહરણ રજૂ કરતી ગઈ.
સંજુ સેમસનનો કૅચ છૂટ્યો અને ઇંગ્લૅન્ડના હાથમાંથી મૅચ સરકી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડ તરફથી પ્રથમ ઓવર તેમના લીડ બૉલર જોફ્રા આર્ચરને અપાઈ હતી. ભારત તરફથી સ્ટ્રાઇક પર રહેલા ઓપનર બૅટ્સમૅન સંજુ સેમસને પ્રથમ બે બૉલમાં રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ નીવડ્યા.
બે ડોટ બૉલ બાદ સંજુએ ત્રીજા બૉલે ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું.
એ બાદ તરત બીજા બૉલે તેમણે લેગ સાઇડમાં આર્ચરના પેસનો ફાયદો ઉઠાવતાં છગ્ગો ફટકાર્યો. આમ, તેઓ શરૂઆતથી જ આક્રમક જણાયા.
જોફ્રા આર્ચર તેમની બીજી ઓવર અને ઇંગ્લૅન્ડની ઇનિંગની ત્રીજી ઓવર નાખવા આવ્યા ત્યારે પણ સંજુએ આ જ આક્રમક અંદાજ જાળવી રાખ્યો અને ત્રીજી ઓવરની શરૂઆત ચોગ્ગો ફટકારીને કરી.
જોકે, તેમના બીજા જ બૉલે મોટો શૉટ ફટકારવા જતાં સંજુ સેમસને મીડ ઑન તરફ બૉલને ફટકાર્યો અને બૉલ સીધો ઇંગ્લૅન્ડ કપ્તાન હેરી બ્રૂક પાસે ગયો, પરંતુ તેઓ સરળ જણાતો આ કૅચ ન ઝડપી શક્યા અને સંજુને જીવનદાન મળ્યું.
ઇંગ્લૅન્ડના કપ્તાનના મોઢા પર આમ તો એ ઘડીએ સ્મિત દેખાતું હતું, જોકે, અંદરથી તેમને પણ એ વાતની આશંકા તો હશે જ કે કદાચ એ કૅચ નહીં, પરંતુ તેમના હાથમાંથી મૅચ જ છટકી ગઈ છે.
એ બાદ શું હતું? સેમસને ફરી વાર આવી કોઈ તક ઇંગ્લૅન્ડને ન આપી અને મેદાનમાં ચારે બાજુ ફટકાબાજી કરીને માત્ર 42 બૉલમાં 89 રન ફટકારી દીધા. તેમણે પોતાની ઇનિંગમાં આઠ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા. બાદમાં તેઓ વિલ જેક્સના બૉલ પર મોટો શૉટ ફટકારવા જતા ફિલ સૉલ્ટને કૅચ દઈ બેઠા.
તેમની આક્રમક ઇનિંગના બળે ભારતીય ટીમ 50, 100 અને 150નો સ્કોર અત્યંત ઝડપથી પાર કરી ગઈ.
નોંધનીય છે કે આ અગાઉ પણ સુપર-8ની અંતિમ મૅચમાં સંજુ સેમસને વેસ્ટ ઇન્ડીઝ સામેની નિર્ણાયક મૅચમાં ગજબની ઇનિંગ રમી હતી અને લગભગ એકલા હાથે ટીમને જીત અપાવી હતી.
એ મૅચમાં તેમણે 196 રનનો ટાર્ગેટ ચેઝ કરતા એકલા હાથે 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. 50 બૉલમાં તેમણે 12 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ભારતની ઇનિંગ

ઇમેજ સ્રોત, Prakash Singh/Getty Images
સંજુ સેમસનની જબરદસ્ત બૅટિંગની સામે ભારતના અન્ય ઓપનર અભિષેક શર્માનું ખરાબ ફૉર્મ આ મૅચમાં પણ ચાલુ રહ્યું હતું. તેઓ સાત બૉલમાં નવ રનના વ્યક્તિગત સ્કોરે વિલ જેક્સના બૉલ પર ફિલ સૉલ્ટને કૅચ દઈ બેઠા હતા.
જોકે, પ્રારંભિક ફટકા છતાં સંજુ સેમસનની આક્રમક ઇનિંગે ઇંગ્લૅન્ડના બૉલરો પરનું દબાણ હઠવા ન દીધું.
સામે છેડે ઈશાન કિશન પણ જબરદસ્ત બૅટિંગ વડે તેમનો સાથ આપી રહ્યા હતા.
બંને ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગાનો જાણે વરસાદ કરી દીધો હતો.
જોકે, દસમી ઓવરમાં આ જોડી તૂટી હતી અને ઈશાન કિશન મોટો શૉટ મારવાની કોશિશમાં આઉટ થઈ ગયા હતા. ઈશાન કિશને 18 બૉલમાં 39 રન બનાવી આદિલ રશીદની ઓવરમાં વિલ જેક્સને કૅચ દઈ બેઠા. તેમણે ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
14મી ઓવરના પ્રથમ બૉલ પર મોટો શૉટ ફટકારવા જતા સંજુ પણ કૅચઆઉટ થઈ ગયા.
સંજુ સેમસનના આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ ઝાઝી કમાલ નહોતા કરી શક્યા. તેઓ આદિલ રશીદના બૉલ પર આઉટ થઈ ગયા હતા. વિકેટકીપર જોસ બટલરે તેમને સ્ટમ્પ આઉટ કર્યા હતા.
ક્રીઝ પર નવા આવેલા હાર્દિક પંડ્યાએ આક્રમક શૉટ્સ ફટકાર્યા, જોકે, ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં એક છેડે ટકેલા રહેલા શિવમ દુબે રનઆઉટ થઈ ગયા. તેમણે 25 બૉલમાં 43 રન બનાવ્યા.
સામે છેડેથી તિલક વર્માએ તો 19મી ઓવર ઇંગ્લૅન્ડ લીડ બૉલર જોફ્રા આર્ચરની ઓવરમાં એવી તો ફટકાબાજી કરી કે એક જ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારી દીધા. જોકે, બાદમાં તેઓ જોફ્રા આર્ચરના બૉલ પર જ સાત બૉલમાં 21 રન બનાવીને આઉટ થઈ ગયા.
છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ આક્રમક બૅટિંગનું પ્રદર્શન કર્યું અને ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી માત્ર 12 બૉલમાં 27 બનાવી દીધા. જોકે, બે રન લેવા જતા અંતિમ ઓવરમાં તેઓ રનઆઉટ થઈ ગયા.
આમ, બૅટ્સમૅનોના પ્રદર્શનના બળે ભારતીય ટીમ 20 ઓવરમાં 253 રનનો પહાડસમો સ્કોર બનાવવામાં સફળ રહી.
ઇંગ્લૅન્ડના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેના લગભગ તમામ બૉલર ખર્ચાળ સાબિત થયા હતા.
જોફ્રા આર્ચરને એક અને વિલ જેક્સ તેમજ આદિલ રશીદને બબ્બે સફળતા મળી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












