વડા પ્રધાન મોદી અને કતારના અમીર વચ્ચે ઊર્જા મથકો પર હુમલા પર શું વાત થઈ- ન્યૂઝ અપડેટ

વડા પ્રધાન મોદી અને કતારના અમીર વચ્ચે ઊર્જા મથકો પર હુમલા પર વાત થઈ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Ajay Aggarwal/Hindustan Times via Getty

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદી અને કતારના અમીર વચ્ચે ઊર્જા મથકો પર હુમલા પર વાત થઈ (ફાઇલ ફોટો)
વાંચવાનો સમય: 3 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ ગુરુવારે ફોન કરીને વાત કરી. બંને નેતાઓ વચ્ચે મધ્યપૂર્વનાં ઊર્જા મથકો પર થયેલા હુમલા પર વાત કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીરને ઈદનાં અભિનંદન આપ્યાં. મોદીએ આ મામલે ઍક્સ પર માહિતી આપી.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "મેં મારા ભાઈ, કતારના અમીર તમીમ હમાદ અલ થાની સાથે વાત કરી અને તેમને તથા કતારના લોકોને ઈદના હાર્દિક અભિનંદન આપ્યા. મેં કહ્યું કે અમે કતાર સાથે એકજૂટ થઈને ઊભા છીએ અને ક્ષેત્રમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની કડક ટીકા કરીએ છીએ."

આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે કતારમાં ભારતીય સમુદાયની સંભાળ લેવા અને સહયોગ માટે શેખ તમીમ બિન હમાદ અલ થાનીનો આભાર વ્યક્ત કર્યો.

તેમણે એવું પણ કહ્યું કે, "અમે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત અને સ્વતંત્ર પરિવહનના પક્ષમાં છીએ."

કતારનાં ગૅસ મથકો પર ઈરાનના હુમલા પછી વડા પ્રધાને શું કહ્યું

બીબીસી ગુજરાતી ઈરાન ઇઝરાયલ કતાર

ઇમેજ સ્રોત, Karim JAAFAR / AFP via Getty

ઇમેજ કૅપ્શન, કતારના વડા પ્રધાને કહ્યું કે ઈરાન તરફથી વધતી આક્રમકતા જોખમી છે.

કતારના વડા પ્રધાન અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ કહ્યું છે કે ઈરાન દ્વારા કતાર અને અખાતના નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

તેમણે ગુરુવારે તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.

ઈરાન આ યુદ્ધમાં કહેતું આવ્યું છે કે તે મધ્યપૂર્વમાં બીજા કોઈ દેશના ઠેકાણાને નહીં, પરંતુ માત્ર અમેરિકન મથકોને નિશાન બનાવે છે.

કતારના વડા પ્રધાને કહ્યું કે અફસોસ સાથે કહેવું પડે છે કે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા કતાર અને ક્ષેત્રના અન્ય દેશોમાં અમેરિકન હિતો અથવા ઠેકાણાને નિશાન બનાવાય છે. આ દાવાને નકારવામાં આવે છે અને કોઈ પણ આધાર પર તેને સ્વીકારી શકાય નહીં.

બુધવારે ઈરાન દ્વારા કતારનાં ઊર્જા મથકો પર હુમલા કરવામાં આવ્યા હતા.

એસ. જયશંકરે ઇઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી

બીબીસી ગુજરાતી ઈરાન ઇઝરાયલ ભારત વિદેશ મંત્રી એસ જયશંકર

ઇમેજ સ્રોત, Chandradeep Kumar/ The India Today Group via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વિદેશ મંત્રીએ એસ જયશંકરને પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે માહિતી આપી હતી (ફાઇલ ફોટો)

ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારે ગુરુવારે એસ જયશંકર સાથે વાત કરી હતી અને પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વિશે માહિતી આપી હતી.

ગિદોન સારે ઍક્સ પર પોસ્ટમાં લખ્યું કે "મેં ભારતના વિદેશ મંત્રીને ઇરાનના આતંકી શાસન વિરુદ્ધ અમારી કાર્યવાહીની માહિતી આપી. મેં કહ્યું કે તેઓ હોર્મુઝની સામુદ્રધુનીમાં 'સમુદ્રી આતંકવાદ' કરે છે."

"આ માત્ર અમેરિકા અને ઇઝરાયલનો મામલો નથી, પરંતુ આખી દુનિયાની વ્યવસ્થા અને વૈશ્વિક અર્થતંત્રને પ્રભાવિત કરવાની બુનિયાદી સમસ્યા છે. આ ગંભીર સ્થિતિને રોકવામાં નહીં આવે તો તે આખી દુનિયામાં ફેલાઈ શકે છે."

નોરા ફતેહી અને સંજય દત્ત સહિત સાત લોકોને મહિલા પંચે સમન્સ મોકલ્યા

બીબીસી ગુજરાતી સંજય દત્ત નોરા ફતેહી મહિલા પંચ

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images

ઇમેજ કૅપ્શન, વિવાદાસ્પદ ગીત મામલે સંજય દત્તને પણ સમન્સ પાઠવાયા છે

'સરકે ચુનર' ગીતના શબ્દોને લઈને વિવાદ થયો છે. હવે રાષ્ટ્રીય મહિલાપંચે ફિલ્મના નિર્માતા તથા અભિનેતા-અભિનેત્રીને સમન્સ પાઠવ્યા છે.

રાષ્ટ્રીય મહિલાપંચે જણાવ્યું કે આ ગીત પર જાતે સંજ્ઞાન લઈને તેમણે અભિનેત્રી નોરા ફતેહી, અભિનેતા સંજય દત્ત, ગીતકાર રકીબ આલમ, પ્રોડ્યુસર વેંકટ નારાયણ અને ડાયરેક્ટર કિરણ કુમારને પોતાની સમક્ષ હાજર થવા કહ્યું છે.

પંચે કહ્યું કે ગીતના શબ્દો પહેલી નજરમાં યૌન સંકેત આપનારા અને વાંધાજનક છે. સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા, આઈટી ઍક્ટ અને પૉક્સો ઍક્ટની જોગવાઈઓનો ભંગ કરતા જોવા મળે છે. આ મામલાને પંચે ગંભીરતાથી લીધું છે.

મહિલાપંચે અભિનેતા-અભિનેત્રીને 24 માર્ચ 2026ના બપોરે 12.30 વાગ્યે જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા કહ્યું છે. તેઓ હાજર નહીં થાય તો કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

'કેડી-ધ ડેવિલ' ફિલ્મના 'સરકે ચુનર' ગીત પર વિવાદ થયા પછઈ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન