ધુરંધરના 'હમઝા અલી મઝારી', એટલે કે રણવીર સિંહનો પાકિસ્તાન સાથે શું સંબંધ છે?

ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, રણવીરસિંહનું પાકિસ્તાન કનેક્શન, હમઝા અલી મઝારી કોણ છે, બોલીવૂડ, હરકિરતસિંહ રંગી, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Dhurandhar - The Revenge

ઇમેજ કૅપ્શન, 'ધુરંધર'નો બીજો ભાગ 'ધુરંધર ધ રિવેન્જ' રિલીઝ થઈ ગયો છે
    • લેેખક, વંદના
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

રણવીરસિંહની ફિલ્મ ધુરંધરે ગયા વર્ષે જબરદસ્ત ધૂમ મચાવી હતી. અને 'ધુરંધર પાર્ટ-2' પણ હવે રીલિઝ થઈ ચૂકી છે. તેના ડાયરેક્ટર પણ આદિત્ય ધર છે.

ફિલ્મમાં એક સીન છે. જેમાં રણવીર સિંહને અક્ષય ખન્ના, એટલે કે રહમાન ડકૈતનો ભાઈ પૂછે છે, "તું ક્યાંથી આવ્યો?"

રણવીર જવાબ આપે છે, "ખારોટાબાદ, ક્વૅટા. નામ – હમઝા અલી મઝારી."

ફિલ્મમાં રણવીર એક ભારતીય એજન્ટ તરીકે પાકિસ્તાન જાય છે, જ્યાં તે પાકિસ્તાની નાગરિક બનીને રહે છે.

અસલ જિંદગીમાં પણ રણવીર સિંહના પરિવારિક સંબંધો ખરેખર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

આ સંબંધને સમજવા માટે 1940ના દાયકામાં જવું પડશે. એ સમયે ભારત-પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને પંજાબમાં એક બર્ક પરિવાર રહેતો હતો, જે ખ્રિસ્તી ધર્મ પાળતો હતો. ભાગલા બાદ એ હિસ્સો હવે પાકિસ્તાનમાં છે.

આ પરિવારમાં એક યુવાન હતો - સૅમ્યુઅલ માર્ટિન બર્ક. જે બાદમાં 11 દેશોમાં પાકિસ્તાનનો રાજદૂત બન્યો. તેમનાં બહેન ચાંદ બર્ક હિન્દી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી બન્યાં. એ જ ચાંદ બર્ક, જે 'ધુરંધર'ના સ્ટાર રણવીર સિંહનાં દાદી છે.

ચાંદ બર્ક ઉર્ફ 'પંજાબની ડાન્સિંગ લિલી'

ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, રણવીરસિંહનું પાકિસ્તાન કનેક્શન, હમઝા અલી મઝારી કોણ છે, બોલીવૂડ, હરકિરતસિંહ રંગી, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Noel Parsons

ઇમેજ કૅપ્શન, બર્ક પરિવારની તસવીરમાં રણવીર સિંહનાં દાદી ચાંદ બર્ક (જમણેથી પ્રથમ) અને સૅમ્યુઅલ માર્ટિન બર્ક (ડાબેથી ચોથા)

સૅમ્યુઅલ માર્ટિન બર્ક વિશે વધુ જાણવાની તાલાવેલીએ મને લંડનમાં રહેતાં તેમનાં દીકરી નોઅલ પારસન્સ સુધી પહોંચાડી.

રણવીરનાં દાદીના ભાઈ સૅમ્યુઅલ માર્ટિન બર્કનો જન્મ 1906માં પંજાબમાં નનકાના સાહેબ પાસે આવેલા માર્ટિનપુર ગામમાં થયો હતો.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન નોઅલ પારસન્સે જણાવ્યું, "ભાગલા દરમિયાન કોઈ પણ એક દેશની પસંદગીની દ્વિધા મારા પિતાને ભીતરથી હલબલાવી દીધા હતા. તેઓ એટલા બધા દુવિધામાં મૂકાઈ ગયા હતા કે અવિભાજિત ભારત અને પોતાની નોકરી બંને છોડીને ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા."

બીજી તરફ, રણવીર સિંહનાં દાદી ચાંદ બર્ક ભાગલા બાદ બૉમ્બે (મુંબઈ) આવી ગયાં. 'સિનેમાજી' ભારતીય ફિલ્મોના ઇતિહાસ સાથે જોડાયેલો પ્રોજેક્ટ છે, જેમાં જૂના જમાનાના કલાકારો સાથે જોડાયેલા દસ્તાવેજોને આર્કાઇવ કરવામાં આવી રહ્યા છે.

સિનેમાજીનાં કો-ફાઉન્ડર આશા બત્રા જણાવે છે, "ચાંદ બર્ક હિન્દી અને પંજાબી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી હતાં અને લાહોરમાં બનતી ફિલ્મોમાં અભિનય કરતાં હતાં. પોતાના ડાન્સ માટે પ્રસિદ્ધ હતાં. એટલે જ તેઓ 'ડાન્સિંગ લિલી ઑફ પંજાબ' તરીકે ઓળખાતાં હતાં."

ભારત કે પાકિસ્તાન? પસંદગીની દુવિધા

ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, રણવીરસિંહનું પાકિસ્તાન કનેક્શન, હમઝા અલી મઝારી કોણ છે, બોલીવૂડ, હરકિરતસિંહ રંગી, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Noel Parsons

ઇમેજ કૅપ્શન, 1946માં સૅમ્યુઅલ માર્ટિન બર્ક પંજાબના પહેલા ઇલેક્શન પિટિશન્સ કમિશનના ચૅરમૅન અર્થાત્ જજ હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અર્થાત્ રણવીર સિંહના પરિવારનાં મૂળ અવિભાજિત ભારતના અનેક ભાગો અને વિદેશ સાથે પણ જોડાયેલાં છે.

જ્યારે ભારતના ભાગલાની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે 1946માં સૅમ્યુઅલ માર્ટિન બર્ક પંજાબના પહેલા ઇલેક્શન પિટિશન્સ કમિશનના ચૅરમૅન અર્થાત્ જજ હતા.

સૅમ્યુઅલ માર્ટિન બર્કની પુત્રી નોઅલ જણાવે છે કે એ વખતે પાકિસ્તાન બનવું જોઈએ કે નહીં તેની ચર્ચા જોરશોરથી થઈ રહી હતી. કમિશનમાં જુદા-જુદા રાજકીય પક્ષના નેતાઓ પોતપોતાનો વિચાર રજૂ કરી રહ્યા હતા.

તેમની આત્મકથા 'A Life of Fulfilment'માં સૅમ્યુઅલ માર્ટિન બર્કે લખ્યું છે, "તે વખતે નિષ્પક્ષ રહેવાનો મારા પાસે એક જ રસ્તો હતો."

"હું સ્પષ્ટપણે કહી દેતો હતો કે ભાગલા પછી ભારત કે પાકિસ્તાન, ક્યાંય પણ સરકારી નોકરી કરવાનો મારો ઇરાદો નથી. નિવૃત્ત થઈ જવાનો વિચાર જ મને સૌથી સન્માનજનક લાગ્યો."

"ભારતીય સિવિલ સર્વિસમાંથી સમય પહેલાં નિવૃત્તિ માગનારો હું પહેલો એશિયન બન્યો."

"પરિણામે નવા બનેલા પાકિસ્તાનમાં હું ન માત્ર બેકાર થઈ ગયો, પણ એક ઇસ્લામિક દેશમાં ખ્રિસ્તી લઘુમતી સમુદાયનો ભાગ પણ બન્યો. જ્યારે અંગ્રેજોના સમયમાં હું ભારતીય સિવિલ સર્વિસમાં જજ હતો."

આ રીતે ભાગલા પછી સૅમ્યુઅલ માર્ટિન બર્ક પોતાનો પરિવાર લઈને બ્રિટન આવી ગયા, જ્યારે બીજા ભાઈ-બહેનો કેનેડા ચાલ્યા ગયા અને એક બહેન બૉમ્બે ગઈ, જેમનું નામ હતું - ચાંદ.

પાકિસ્તાન છોડ્યા બાદ પાકિસ્તાનના રાજદૂત કઈ રીતે બન્યા?

ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, રણવીરસિંહનું પાકિસ્તાન કનેક્શન, હમઝા અલી મઝારી કોણ છે, બોલીવૂડ, હરકિરતસિંહ રંગી, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Noel Parsons

ઇમેજ કૅપ્શન, પિતા સૅમ્યુઅલ માર્ટિન બર્ક સાથે નોઅલ પારસન્સ

એક કોયડો હજુ પણ વણઉકલ્યો હતો કે ભારત, પાકિસ્તાન અને પોતાની નોકરી, ત્રણેય છોડીને બ્રિટન રહેવા જતા રહેલા સૅમ્યુઅલ બાદમાં પાકિસ્તાનના રાજદૂત કેવી રીતે બન્યા?

નોઅલ પારસન્સ જણાવે છે કે ભાગલા વખતે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઝફરુલ્લા ખાન એક રીતે તેમના ગોડફાધર જેવા હતા. તેમણે જ સૅમ્યુઅલ માર્ટિન બર્કને સમજાવ્યા અને પાકિસ્તાની વિદેશ મંત્રાલય ઊભું કરવામાં મદદ માગી.

પછી સૅમ્યુઅલ માર્ટિન બર્ક લંડનમાં પાકિસ્તાની રાજદૂત બન્યા અને ત્યાં પાકિસ્તાની દૂતાવાસ સ્થાપ્યું.

બીજી તરફ તેમનાં બહેન ચાંદ બર્ક ભારત આવીને હિન્દી ફિલ્મોમાં કામ કરવા લાગ્યાં.

સૅમ્યુઅલ અને ચાંદના પિતાનું નામ જનાબ ખૈરુદ્દીન હતું. કહેવાય છે કે તેઓ 'બર્ક' નામથી શાયરી લખતા હતા. નોઅલના જણાવ્યા મુજબ, પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

2009માં વરિષ્ઠ પત્રકાર સાજિદા મોમિને 103 વર્ષના સૅમ્યુઅલ માર્ટિન બર્કની મુલાકાત લીધી હતી.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન સાજિદા મોમિને સૅમ્યુઅલ માર્ટિન બર્ક સાથેના ઘણા રસપ્રદ કિસ્સાઓ જણાવ્યા.

સાજિદાએ જણાવ્યું કે, "સૅમ્યુઅલ માર્ટિન ક્રિકેટના ખૂબ શોખીન હતા. નોઅલે જણાવ્યું હતું કે ભારતના ભાગલા પડ્યા તે પહેલા એક મેચ રમાઈ હતી, જેમાં તેમના પિતાએ પટિયાલાના મહારાજાને આઉટ કર્યા હતા, પરંતુ અમ્પાયરે એવું વર્તન કર્યું જાણે કંઈ જોયું જ ન હોય, કેમકે તે મહારાજાથી ડરતો હતો."

"સૅમ્યુઅલ માર્ટિન બર્કે અમ્પાયરનો નિર્ણય પડકાર્યો પણ મહારાજાએ એવી નજરે જોયું કે અમ્પાયર પોતાનો નિર્ણય બદલી શક્યો નહીં. સેમ્યુઅલે મોહમ્મદ અલી ઝીણા અને લિયાકત અલી ખાન સાથે પણ ખૂબ નજીકથી કામ કર્યું હતું."

રાજ કપૂરે ચાંદ બર્કને તક આપી

ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, રણવીરસિંહનું પાકિસ્તાન કનેક્શન, હમઝા અલી મઝારી કોણ છે, બોલીવૂડ, હરકિરતસિંહ રંગી, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Film Heritage Foundation

ઇમેજ કૅપ્શન, રાજ કપૂરે ચાંદ બર્કને હિન્દી ફિલ્મોમાં ફરીથી કામ કરવાની તક આપી હતી

"શું તમે તમારી ફોઈ અને રણવીરનાં દાદી ચાંદથી પરિચિત છો?" આ પ્રશ્ન સાંભળી ફોનની બીજા છેડેથી નોઅલ પારસન્સે હસતાં હસતાં કહ્યું, "હા, કેમ નહીં, તે મારાં ફોઈ હતાં."

ચાંદની જૂની તસવીરને પલટું છું ત્યારે ત્યારે તેમના અવાજની મીઠાશ અને ચહેરા પરનું સ્મિત, હું જોયા વગર પણ અનુભવી શકું છું.

આશા બત્રા જણાવે છે કે ભાગલા બાદ ઘણાં વર્ષો સુધી ચાંદ ગાયબ થઈ ગયાં હતાં, પરંતુ રાજ કપૂર તેમને પાછાં લઈ આવ્યાં.

જો તમે ફિલ્મ 'બૂટ પોલિશ' જોઈ હોય, તો તેમાં નાનાં અનાથ બાળકો પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારતી એક નિર્દયી, લાલચી અને લગભગ ક્રૂર કહી શકાય તેવી સ્ત્રીનું પાત્ર હતું, જે ભૂલવું મુશ્કેલ છે. આ પાત્ર ચાંદે જ ભજવ્યું હતું.

બાદમાં ચાંદે સુંદર સિંહ ભવનાની સાથે લગ્ન કર્યા અને એ જ ચાંદ બર્કના પૌત્ર છે આજના રણવીર સિંહ.

બર્ક પરિવાર અને રણવીર સિંહ

ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, રણવીરસિંહનું પાકિસ્તાન કનેક્શન, હમઝા અલી મઝારી કોણ છે, બોલીવૂડ, હરકિરતસિંહ રંગી, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

સાજિદાએ જણાવ્યું કે જ્યારે 2009માં તેઓ સૅમ્યુઅલ માર્ટિન બર્કને મળ્યા ત્યારે તેમનો 103મો જન્મદિવસ હતો. તેમને ભારતના પણ અનેક આઈએએસ અધિકારીઓ તરફથી શુભેચ્છાઓ મળી હતી, કારણ કે તે સમયે તેઓ અવિભાજિત ભારતના ભારતીય સિવિલ સર્વિસના સૌથી લાંબું આયુષ્ય ભોગવનાર સભ્ય હતા.

'ધુરંધર' અને બર્ક પરિવારની વાત પર આવીએ. એક ભાઈ ભારતીય જજ હોવા છતાં પાકિસ્તાનનો જાણીતો ડિપ્લોમેટ બની ગયો અને એક બહેન અભિનેત્રી; જેણે રાજ કપૂર, નરગિસ, નિમ્મી, પ્રદીપ કુમાર, પ્રાણ અને મનોજ કુમાર જેવા કલાકારો સાથે કામ કર્યું.

પછી એ જ પરિવારમાં સમય બદલાય છે, પેઢીઓ બદલાય છે અને એક પુત્ર રણવીર સિંહ બોલીવુડનો પ્રસિદ્ધ હીરો બની જાય છે.

શું સૅમ્યુઅલ માર્ટિન બર્કની બ્રિટનમાં રહેતી દીકરી નોઅલ ભારતના રણવીર સિંહ વિશે જાણે છે?

મારો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ નોઅલે ટપાક દઈને કહ્યું, "હા, પણ ક્યારેય સંપર્ક થયો નથી."

બિલ્કુલ એ જ રીતે, જેમ અલગ-અલગ દેશોમાં રહેતી પેઢીઓ વર્ષો સુધી એકબીજાથી દૂર થઈ જાય છે.

'ધુરંધર'નો બીજો ભાગ પણ બનીને તૈયાર છે. એક તરફ ફિલ્મની વાર્તા, અભિનય અને ગીતોની ખૂબ પ્રશંસા થઈ, તો બીજી તરફ કેટલાક લોકોએ એવું કહીને ફિલ્મની ટીકા કરી હતી કે તેમાં પ્રોપેગન્ડા છે. જોકે બૉક્સ ઑફિસ પર ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન