જે ઝાડ માટે એક કરોડનું વળતર ચૂકવાયું, તે માત્ર '10 હજારનું નીકળ્યું', હવે શું થશે?

ઇમેજ સ્રોત, family of keshav shinde/BBC
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 4 મિનિટ
બૉમ્બે હાઇકોર્ટે એક ખેડૂતને લાલ ચંદનના ઝાડ માટે એક કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. રેલવેએ વળતર આપી પણ દીધું પરંતુ પછી ફરી કોર્ટમાં એક રિપોર્ટ પ્રસ્તુત કર્યો છે અને કહ્યું છે કે આ ઝાડ લાલ ચંદનનું નથી, પરંતુ 10 હજારની કિંમતનું છે. આમ, આ મામલામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે.
વળી, યવતમાલના જે ખેડૂત અને અરજીકર્તા કેશવ શિંદે પાસેથી રેલવેએ એક કરોડ રૂપિયા પરત માંગ્યા છે તેમનું પણ નિધન થઈ ગયું છે.
તેમને ડાયાબિટીસની બીમારી હતી અને ઘરે પડી ગયા હતા. પછી તેમનું નિધન થઈ ગયું હતું.
મૃતક ખેડૂત કેશવ શિંદેએ એક કરોડ રૂપિયાના વળતરમાંથી 50 લાખ રૂપિયા તો કાઢી લીધા હતા અને 50 લાખ હજુ હાઇકોર્ટમાં જમા છે.
શિંદેએ જે 50 લાખ રૂપિયા કાઢી લીધા હતા તેનું શું થશે? આ સવાલ ઊભો થયો છે. હવે રેલવેએ ફરી કોર્ટમાં જોઈને આ પૈસા પાછા આપવાની માગ કરી છે.
રેલવે તરફથી વકીલ નીરજા ચૌબેએ કહ્યું છે કે, "હાઇકોર્ટે અમને નીચલી અદાલતમાં જવા કહ્યું છે. બેંગલુરુ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ વુડ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઝાડ લાલ ચંદનનું નથી પરંતુ બીજાસાલનું છે."
"પરંતુ હવે ખેડૂતને નીચલી કોર્ટમાં એ સાબિત કરવું પડશે કે આ ઝાડ લાલ ચંદનનું છે. જો તેઓ સાબિત નહીં કરી શકે તો આ વળતર 10 હજાર કરી દેવામાં આવશે અને બાકીના પૈસા ખેડૂતને પાછા આપવા પડશે."
જોકે, ખેડૂતના પરિવારે આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે તે મૂલ્યાંકન બરાબર થયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતપક્ષના વકીલે શું કહ્યું?
ખેડૂતનું પ્રતિનિધિત્વ કરી રહેલાં વકીલ અંજના રાઉતે કહ્યું હતું કે, "રેલવે દ્વારા કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવેલા રિપોર્ટમાં વૃક્ષનું મૂલ્ય ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા લાકડાના મૂલ્યને આધારે નક્કી કરવામાં આવ્યું હતું."
"પરંતુ વૃક્ષ તો હજુ ઊભું છે. અમારા વૃક્ષનું વજન 400 ટન છે અને તેનું મૂલ્ય એ આધારે જ નક્કી કરવું જોઈએ."
તેમણે એ પણ જણાવ્યું કે, "ઝાડનું ફરી પુન:મૂલ્યાંકન કરવામાં આવે. જો મૂલ્યાંકનમાં વૃક્ષની કિંમત ખેડૂતને આપવામાં આવેલા 50 લાખથી ઓછી થાય તો તેમણે રેલવેને પૈસા પાછા આપવા પડશે અન્યથા બાકીના પૈસા તેમને ચૂકવવામાં આવે."
કોર્ટે સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી કરી હતી. તેમને હજુ સુધી લેખિત આદેશ મળ્યા નથી. આ મામલાની હવે પછીની સુનાવણી યવતમાલની સિવિલ કોર્ટમાં થશે.
ખેડૂતના વારસદારો શું કહે છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૃત્યુ પામેલા ખેડૂત કેશવ શિંદેએ એક કરોડના વળતરમાંથી 50 લાખ રૂપિયા કાઢી લીધા હતા અને એમાંથી 50 લાખ રૂપિયા સંતાનોમાં વહેંચી દીધા હતા. એવામાં જો હવે વળતરની રકમ ઓછી સાબિત થાય તો તેઓ કેવી રીતે રેલવેને ચૂકવણી કરશે એ સવાલ પેદા થઈ ગયો છે.
કેશવ શિંદેના સૌથી મોટા પુત્ર પંજાબ શિંદેએ બીબીસી મરાઠી સાથે વાત કરતાં કહ્યું કે, "અમે પુન: મૂલ્યાંકન પછી પૈસા પાછા આપવા માટે તૈયાર છીએ."
કેશવ શિંદેનાં સંતાનોમાંથી પંજાબ જ એકમાત્ર વ્યક્તિ છે જે શિક્ષિત છે.
તેમણે રેલવે દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા એ રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ ઝાડની કિંમત 10 હજાર રૂપિયા છે.
તેમણે કહ્યું હતું કે, "અમારું ઝાડ 100 વર્ષ જૂનું છે એટલે તેના દ્વારા આપવામાં આવતો ઑક્સિજન અને તેની પારિસ્થિતિકીને પણ ધ્યાનમાં લેવી જોઈએ."
"અમને લાગે છે કે મૂલ્યાંકન ખોટી રીતે કરવામાં આવ્યું છે. 100 વર્ષ જૂના આ ઝાડનું મૂલ્ય આપવામાં આવેલા 50 લાખ કરતાં વધુ થશે."
તેમણે આગળ કહ્યું કે, "ખેતરમાં રહેલા 31 ઝાડ સહિત અન્ય વસ્તુઓને ધ્યાનમાં લઈએ તો અમને આપવાનું થતું વળતર એક કરોડથી વધુ થાય છે."
"પરંતુ તેનું સરખું મૂલ્યાંકન અને કાયદેસરતા સ્થાપિત થવી જોઈએ. એક વાર આવું થઈ જાય તો અમે નિયમ પ્રમાણે પૈસા આપવાના થશે એ આપી દઈશું."
હકીકતમાં મામલો શું હતો?
યવતમાલના ખારશીના રહેવાસી ખેડૂત કેશવ શિંદેએ સાત ઑક્ટોબર, 2024ના રોજ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને લાલ ચંદનના ઝાડ માટે વળતરની માગ કરી હતી.
પુસાદ તાલુકાના ખારશી ગામના કેશવ શિંદે પાસે 2.29 હૅક્ટર જમીન છે.
જોકે, વર્ધા-યવતમાલ-પુસાદ-નાંદેડ રેલવે તેમના ખેતરમાંથી પસાર થવાની હોવાથી કેન્દ્રીય રેલવેએ તેમની જમીનનું અધિગ્રહણ કરી લીધું છે.
તેમને અધિગ્રહિત જમીન માટે વળતર પણ મળ્યું છે. પરંતુ શિંદેએ જમીન સાથે ખેતરમાં રહેલા લાલ ચંદનનું ઝાડ, તથા અન્ય આઠ-દસ વૃક્ષ તથા જમીનમાં રહેલી પાઇપલાઇન માટે પણ વળતર માંગ્યું હતું.
તેમણે લાલ ચંદદના ઝાડનું મૂલ્યાંકન કરાવવા માટે વનવિભાગને પત્ર પણ લખ્યો હતો.
કેશવ શિંદેના પુત્ર અને અરજીકર્તા પંજાબ શિંદે દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, તેમની જમીન પર આંબા અને અન્ય ફળોનાં પણ ઝાડ હતાં. તેમને તેના માટે વળતર પણ મળ્યું હતું. પરંતુ ચંદનનું ઝાડ અને અન્ય વસ્તુના વળતર માટે તેમણે 2014ના જિલ્લા કલેક્ટર, વનવિભાગ, રેલવે અને સિંચાઈ વિભાગને પત્રો પણ લખ્યા હતા. પરંતુ તેમને વળતર ન મળતાં આઠ વર્ષ પછી તેઓ કોર્ટમાં ગયા.

ઇમેજ સ્રોત, Bhagyashree Raut
ગત વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય રેલવેને ખેડૂતનો વળતરરૂપે એક કરોડ આપવાનો આદેશ અપાયો હતો. તે અનુસાર રેલવેએ એક કરોડ જમા પણ કરી દીધા હતા અને 50 લાખ હાઇકોર્ટે કાઢવાની અનુમતિ પણ આપી હતી. ખેડૂતે 50 લાખ કાઢી લીધા હતા.
પરંતુ એ સમયે વૃક્ષનું મૂલ્યાંકન કરવામાં નહોતું આવ્યું અને કોર્ટે મૂલ્યાંકનનો આદેશ આપ્યો હતો.
કોર્ટે એ સમયે એ પણ કહ્યું હતું કે જો વળતર વધશે તો રેલવેએ વધુ ચૂકવણી પણ કરવી પડશે.
એ પછી પુસાદ વનવિભાગના ઉપ-સંરક્ષકે મૂલ્યાંકનનું કામ બેંગલુરુ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ વુડ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીને સોંપ્યું હતું.
આ મૂલ્યાંકનમાં પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, આ લાલ ચંદનનું ઝાડ નહોતું પરંતુ બીજસાલ હતું. તેનું વૈજ્ઞાનિક નામ પ્ટેરોકાર્પસ માર્સુપિયમ છે.
આ રિપોર્ટના આધારે સેન્ટ્રલ રેલવેએ ફરી કોર્ટનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે આનું મૂલ્ય માત્ર 10 હજાર છે.
વકીલ અંજના રાઉતે જણાવ્યું હતું કે આ મામલો હવે નીચલી અદાલતમાં ચાલશે અને પુન:મૂલ્યાંકન કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












