વિધાનસભા ચૂંટણી 2026: સાંજે પાંચ વાગ્યા સુધી કયાં રાજ્યોમાં કેટલું મતદાન? - ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 5 મિનિટ

આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે.

મતદારો આસામની 126, કેરળની 140 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદાન કરી રહ્યા છે.

ચૂંટણીપંચ પ્રમાણે સાંજે પાંચ વાગ્યા સુધી આસામમાં 84.42 ટકા મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 94.08 ટકા મતદાન દક્ષિણ સાલમારા-મનકાચર જિલ્લામાં થયું છે.

કેરળમાં સાંજના પાંચ વાગ્યા સુધી 75.01 ટકા મતદાન થયું છે. એ સિવાય, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 86.92 ટકા મતદાન થયું છે.

અમેરિકા સાથે શું વાતચીત થઈ, ઈરાને જણાવ્યું

ઈરાન અને અમેરિકા વચ્ચે ગત રાત્રિ દરમિયાન સંદેશાનું આદાનપ્રદાન થયું છે. બંને દેશો વચ્ચે વાતચીત પાકિસ્તાન મારફતે થઈ.

બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઈરાનના ઉપવિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહે આ વાતની પુષ્ટિ કરી.

સઈદ ખતીબઝાદેહે જણાવ્યું, "બંને દેશો વચ્ચે સંદેશાનું આદાનપ્રદાન ગઈ કાલે રાત્રે પાકિસ્તાન મારફતે થયું."

તેમના પ્રમાણે, અમેરિકા પહેલાં તો વાતચીત માટે વિનંતી કરે છે અને પછી શરતોનું ઉલ્લંઘન કરે છે.

ખતીબઝાદેહે કહ્યું, "તમે (અમેરિકા) યુદ્ધવિરામની માગ કરો અને પછી શરતો માની લો, યુદ્ધવિરામમાં લેબનનનું નામ પણ હોય છે."

"છતાં તમારા સાથી (ઇઝરાયલ) ત્યાં કત્લેઆમ શરૂ કરી દે, એવું ન થઈ શકે."

ખતીબઝાદેહે એવું પણ જણાવ્યું કે તેમને ખબર પડી છે કે અમેરિકાની તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાનની તરફથી સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ઘાલિબાફ વાતચીતનું નેતૃત્વ કરશે.

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીઓ દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં રહેલા રાજુ કરપડા આજે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

બીબીસીના સહયોગી સચીન પીઠવાના અનુસાર, "હાલમાં તેઓ તેમના નિવાસસ્થાન સુરેન્દ્રનગરથી ગાંધીનગર રવાના થયા છે, સાથે જ તેવી શક્યતાઓ પણ છે કે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે."

ઑક્ટોબર 2025માં બોટાદના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના કૉટન યાર્ડમાં કડદાપ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ યોજેલી જાહેર સભા દરમિયાન બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે હિંસા થઈ હતી, જેને લઈને રાજુ કરપડા સહિત ઘણા લોકોને જેલમાં જવું પડ્યું હતું

જેલમુક્ત થયા બાદ તેમણે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી.

આજે સવારે તેઓ સુરેન્દ્રનગરથી 100થી વધુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર જવા નીકળ્યા હતા.

આસામમાં આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન

આસામ વિધાનસભાની 126 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું. રાજ્યની બધી બેઠકો માટે મતદાન એક જ તબક્કામાં થઈ રહ્યું છે.

આ દરમિયાન, ચૂંટણીપંચે રાજ્યભરમાં મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે. આસામના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ ગોયલે તમામ સંબંધિતોને માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે અને ચેતવણી આપી કે ઉલ્લંઘન બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ વર્ષે આસામમાં સ્પેશિયલ રિવિઝન પછી જાહેર કરાયેલી અંતિમ મતદારયાદીમાં 2 કરોડ 49 લાખથી વધુ મતદારો છે.

આ અંતિમ મતદારયાદીમાં 1કરોડ 24 લાખ 82 હજાર 213 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે 1કરોડ 24 લાખ 75 હજાર 583 મહિલા મતદારો છે. વધુમાં રાજ્યમાં 343 થર્ડ જેન્ડરના મતદારો છે.

આ વખતે, પક્ષના પ્રતીકો ઉપરાંત, રાજ્યમાં ચૂંટણી વર્તમાન મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અને કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈના ચહેરા પર લડાઈ રહી છે.

મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા તેમની જૂની બેઠક જાલુકબારી પરથી ચૂંટણી લડી રહ્યા છે, ગૌરવ ગોગોઈ જોરહાટ બેઠક પરથી ઉમેદવાર છે.

રાજ્યમાં મતગણતરી 4મે, 2026ના રોજ થશે.

ઇઝરાયલનો લેબનોન પર હુમલો, યુદ્ધવિરામને સફળ થવા દેશે કે નહીં?

ઇઝરાયલનું કહેવું છે કે લેબનોનમાં તેનું યુદ્ધ હજુ નથી પત્યું.

હિઝબુલ્લાહ કહે છે કે, તેને ઇઝરાયલી હુમલાઓનો જવાબ આપવાનો અધિકાર છે અને તેણે ઉત્તર ઇઝરાયલ પર રૉકેટ છોડ્યાં છે, કારણ કે લેબનોન યુદ્ધવિરામનો ભાગ છે કે નહીં તે અંગે હજુ અસંમતિ છે.

બુધવારે આ સંઘર્ષમાં ઇઝરાયલ દ્વારા લેબનોન પર સૌથી ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. 10 મિનિટ સુધી દેશ પર ભારે હુમલો કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, કમસે કમ 182 લોકો માર્યા ગયા છે અને 800થી વધુ ઘાયલ થયા છે.

બેરુત પર થયેલા સૌથી મોટા હવાઈ હુમલામાં ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ કલાકો સુધી ક્ષતિગ્રસ્ત ઇમારતોના કાટમાળ વચ્ચે ઘણા હસતાં પરિવારોના તસવીરો, કપડાના ટુકડા, કોઈ બાળકનું શાળાનું હોમવર્ક જે અધૂરું રહી ગયું હતું જેવી ચીજવસ્તુઓ મળી આવી હતી. રાજધાનીના કેન્દ્રની આટલી નજીક આવેલા વિસ્તારમાં કેટલો વિનાશ થયો તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો.

અબ્દેલકાદર મહફૂઝ હુમલામાં ઘાયલ થયેલા તેના ભાઈને મળવા આવ્યા હતા.

તેઓ કહે છે, "અહીં શરીરનાં જુદાં જુદાં અંગો પડેલાં મળ્યાં હતાં. સામાન્ય માણસોને નુકસાન થઈ રહ્યું છે, લોકો શું કરી શકે? આપણે કંઈ કરી શકતા નથી. કદાચ હું એક બૉમ્બ હોત તો, જે પણ આ માટે જવાબદાર છે તેના પર જઈને પડત. દુશ્મન સહેજ પણ દયા રાખતો નથી."

લેબનોનમાં ઘણા લોકો હિઝબુલ્લાહથી ગુસ્સામાં છે, તેઓ કહે છે કે તેણે દેશને અનિચ્છનીય યુદ્ધમાં ધકેલી દીધો છે. તેઓ આ દેશમાં આટલો વિનાશ લાવવા માટે ઇઝરાયલને પણ દોષી ઠેરવે છે.

ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું - 'યુદ્ધવિરામ અને યુદ્ધ એકસાથે ન થઈ શકે'

ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું છે, અમેરિકાએ નક્કી કરવું પડશે કે તે યુદ્ધવિરામ ઇચ્છે છે કે યુદ્ધ, કારણ કે બંને એકસાથે થઈ શકતા નથી.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું."ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ માટેની શરતો સ્પષ્ટ છે - અમેરિકાએ યુદ્ધવિરામ કે ઇઝરાયલ દ્વારા યુદ્ધ ચાલુ રાખવા વચ્ચે પસંદગી કરવી પડશે. બંને એકસાથે નહીં થઈ શકે."

તેમણે આગળ લખ્યું કે "લેબનોનમાં થઈ રહેલા નરસંહાર પર દુનિયા નજર રાખી રહી છે. હવે બૉલ અમેરિકાના પક્ષે છે, દુનિયા જોઈ રહી છે કે તે પોતાનાં વચનોનું પાલન કરે છે કે નહીં."

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે યુદ્ધવિરામની ઘોષણાને સમર્થન આપ્યું હતું. જોકે, તેણે કહ્યું હતું કે યુદ્ધવિરામ "લેબનોન પર લાગુ પડતું નથી." તે હાલ પણ લેબનોન પર હુમલો કરી રહ્યું છે.

જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે 'લેબનોનમાં પણ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે'.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન