દુખાવો મટાડવાની દવા એસ્પિરિન શું કૅન્સરનું જોખમ ઘટાડી શકે છે, કયા લોકો આ દવા લઈ શકે?

    • લેેખક, મિરિયમ ફ્રેન્કેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 9 મિનિટ

4000 વર્ષ જૂની આ દવા સામાન્ય રીતે દુઃખાવો મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તે કેટલાક પ્રકારની ગાંઠો શરીરમાં બનતી અને ફેલાતી અટકાવે છે. આવાં પરિણામો પહેલાંથી જ આરોગ્ય નીતિઓમાં ફેરફાર લાવી રહ્યાં છે.

બ્રિટનમાં ફર્નિચર બનાવવાનું કામ કરતા નિક જેમ્સ, જ્યારે ચાલીસીના દાયકામાં હતા ત્યારે તેમનાં માતાનું કૅન્સરથી મૃત્યુ થયું હતું.

પછી તેમના ભાઈ અને પરિવારના અન્ય ઘણા સભ્યો પણ આંતરડાના કૅન્સરથી પીડાતા હતા.

તેમને પોતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતા થઈ. તેમણે આનુવંશિક પરીક્ષણ કરાવવાનું નક્કી કર્યું, અને તેમને જાણવા મળ્યું કે તેમનામાં એક ખામીયુક્ત જનીન છે, જે લિંચ સિન્ડ્રોમનું કારણ છે, એક એવી સ્થિતિ જે તે પ્રકારના કૅન્સર થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે.

પરંતુ જેમ્સ જ્યારે એક ક્લિનિકલ ટ્રાયલ માટે સાઇન અપ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા, ત્યારે તેમને એક અણધારી મદદ મળી. આ ક્લિનિકલ ટ્રાયલમાં એસ્પિરિન, જે સામાન્ય રીતે પેઇનકિલર તરીકે વપરાય છે, તેનો દૈનિક ડોઝ કૅન્સર થવાથી બચાવી શકે છે કે કેમ તે ચકાસવામાં આવી રહ્યું હતું.

જનીન પરિવર્તનના પ્રકાર પર આધાર રાખીને લિંચ સિન્ડ્રોમ ધરાવતા 10 ટકાથી 80 ટકા લોકો તેમના જીવનકાળ દરમિયાન આંતરડાના કૅન્સરનો શિકાર થાય છે. પરંતુ અત્યાર સુધી જેમ્સ માટે સ્થિતિ સારી દેખાઈ રહી છે.

આ ટ્રાયલનું નેતૃત્વ કરનાર ન્યુકેસલ યુનિવર્સિટીના ક્લિનિકલ જિનેટિક્સના પ્રોફેસર જોન બર્ને કહ્યું કે, "તેઓ 10 વર્ષથી અમારી સાથે એસ્પિરિન લઈ રહ્યા છે, અત્યાર સુધી તેમને કોઈ પ્રકારનું કૅન્સર થયું નથી."

આ વાત માનવી લગભગ અશક્ય લાગે છે, છતાં લાંબા સમયથી એવા સંકેતો મળ્યા છે કે આ દવા કોલોરેક્ટલ કૅન્સર ફેલાતું અથવા તો પ્રાથમિક સ્થાને જ થતું અટકાવી શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલ અનેક ટ્રાયલો અને અભ્યાસોની શ્રેણીએ આવા પુરાવાઓને મજબૂત આધાર પૂરો પાડ્યો છે.

કેટલાક દેશોએ તો પહેલેથી જ તેમના તબીબી માર્ગદર્શનમાં ફેરફાર કરીને વધુ જોખમ ધરાવતા લોકો માટે આ ગોળીને પ્રાથમિક સુરક્ષા તરીકે સામેલ કરી છે. (જોકે નિષ્ણાતો ભારપૂર્વક કહે છે કે આ કામ ફક્ત ડૉક્ટરની દેખરેખ હેઠળ જ થવું જોઈએ).

અને હવે આખરે આપણે સમજી રહ્યા છીએ કે આ દવા આટલી રહસ્યમયી અસર કેમ કરે છે.

એસ્પિરિનના પ્રાચીન મૂળની કહાણી શું છે?

એસ્પિરિન સૌથી જૂની અને સૌથી અસરકારક દવાઓમાંથી એક રહી છે. અને તાજેતરની નવીનતમ શોધોનાં તારણોને કારણે એસ્પિરિન વિશેની આપણી સમજણમાં નવો વળાંક આવ્યો છે.

19મી સદીના અંતમાં પુરાતત્વવિદોએ પ્રાચીન મેસોપોટેમીયાના શહેર નિપ્પુરમાંથી, જે હવે ઇરાકમાં છે, 4400 વર્ષ જૂની માટીની ગોળીઓ શોધી કાઢી હતી.

જેમાં વનસ્પતિ, પ્રાણી અને ખનિજ સંયોજનોમાંથી બનાવેલી વિવિધ દવાઓની યાદી આપવામાં આવી હતી.

તેમાં વિલો વૃક્ષમાંથી મેળવેલા પદાર્થ માટેની સૂચનાઓ પણ હતી. આપણે જાણીએ છીએ કે તેમાં સેલિસિન નામનું રસાયણ હોય છે, જેને શરીર સેલિસિલિક એસિડમાં રૂપાંતરિત કરી શકે છે, જે પીડાને શાંત કરવામાં મદદ કરે છે.

તે આધુનિક એસ્પિરિન, એસિટિલસાલિસિલિક એસિડ, જેવું જ છે, પરંતુ તે પેટમાં બળતરા ઊભી કરે છે. ઇજિપ્શિયન, ગ્રીક અને રોમનો સહિત અન્ય પ્રાચીન સંસ્કૃતિઓએ પણ આ ઉપચારનો ઉપયોગ કર્યો હતો.

આ સંયોજનનો આધુનિક અભ્યાસ 1763માં, જ્યારે અંગ્રેજ પાદરી એડવર્ડ સ્ટોને રોયલ સોસાયટીને વિલો છાલમાંથી બનાવેલા પાવડરમાં તાવ નિવારવાના ગુણધર્મો છે તેવું વર્ણન કરતો પત્ર લખ્યો, ત્યારે શરૂ થયો હતો.

લગભગ એક સદી પછી વૈજ્ઞાનિકો સેલિસિલિક એસિડનું સંશ્લેષણ કરીને ઓછા હાનિકારક એવા એસિટિલસાલિસિલિક એસિડમાં રૂપાંતર કરવામાં સફળ થયા, અને તેને 'બેયર' બ્રાન્ડ નામ હેઠળ બજારમાં મૂક્યું હતું.

ત્યાર બાદ એક સદી પછી વૈજ્ઞાનિકોએ કાર્ડિયોવેસ્ક્યુલર રોગને રોકવામાં એસ્પિરિનના કેટલાક અણધાર્યા ફાયદાઓ નોંધવાનું શરૂ કર્યું.

તે લોહીને પાતળું કરીને લોહીના પ્લેટલેટ્સને ઓછા ચીકણા બનાવીને લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડે છે.

આ કારણોસર યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ જેવી સંસ્થાઓ હૃદયરોગના હુમલા અથવા સ્ટ્રોકનું વધારે જોખમ ધરાવતા લોકોને દરરોજ થોડી થોડી માત્રામાં એસ્પિરિન લેવાની ભલામણ કરે છે.

1972 સુધીમાં ઉંદરો પર કરવામાં આવેલા ગાંઠના કોષોના મહત્ત્વપૂર્ણ અભ્યાસ પરથી જાણવા મળ્યું કે તેનો ફાયદો સંભવિત લાભ કૅન્સરને અટકાવવામાં પણ થઈ શકે છે.

અમેરિકન વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે ઉંદરોના પીવાના પાણીમાં એસ્પિરિન નાખવાથી શરીરમાં કૅન્સર ફેલાવાના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, (આ એક પ્રક્રિયા છે, જેને મેટાસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે) ખાસ કરીને જે ઉંદરોને દવા આપવામાં આવી નહોતી તેની સરખામણીમાં.

યુનિવર્સિટી કૉલેજ લંડનમાં ઑન્કોલોજી અને મેડિકલ ટ્રાયલ્સના પ્રોફેસર રૂથ લેંગલી કહે છે કે, "આ શોધથી થોડી ઉત્તેજના પેદા થઈ, પણ તરત સ્પષ્ટ નહોતું થતું કે આ દવાની ક્લિનિકલ પ્રેક્ટિસ પર કેવી અસર પડશે."

"આ દવા માનવીઓ પર પણ આવી જ અસર કરશે કે કેમ તે પણ સ્પષ્ટ નહોતું. એટલે આ શોધ જીવન બદલી નાખનારી સારવારને બદલે એક રસપ્રદ માહિતી બનીને રહી ગઈ."

2010માં એક મોટો વળાંક આવ્યો, જ્યારે યુકેમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ક્લિનિકલ ન્યુરોલૉજીના પ્રોફેસર પીટર રોથવેલે કાર્ડિયોવેસ્ક્યુલર રોગના નિવારણ તરીકે એસ્પિરિન પરના વિપુલ ડેટાની ફરીથી તપાસ કરી.

તેમના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે આ દવા કૅન્સર થવાનું પ્રમાણ અને તેનો ફેલાવો બંને ઘટાડે છે.

આથી રોગ સામે લડવામાં એસ્પિરિન કઈ રીતે અને શા માટે મદદ કરે છે તે બંનેમાં નવી રુચિ જાગી.

જોકે, એસ્પિરિન સામાન્ય લોકોમાં કૅન્સરને અટકાવી શકે કે કેમ તે સાબિત કરવું પડકારજનક છે.

આદર્શ સંશોધનમાં સંશોધકો લોકોનું એક વિશાળ જૂથ લેશે, જેમાંથી અડધા લોકોને એસ્પિરિન આપશે, જ્યારે બાકીનાને પ્લેસબો ગોળી આપશે.

પછી તુલના કરવામાં આવશે કે કોને કૅન્સર વધારે થાય છે.

જોકે, શરૂઆતમાં કૅન્સર થવામાં ઘણા દાયકાઓ લાગી શકે છે, જેનો અર્થ એ છે કે રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ ખૂબ જ ખર્ચાળ અને લાંબો સમય લઈ લે છે.

સ્વીડનમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટનાં સર્જરીના પ્રોફેસર અન્ના માર્ટલિંગ જણાવે છે કે, "હકીકતમાં તો આ લગભગ અશક્ય જેવું છે."

આ કારણોસર વૈજ્ઞાનિકોએ ચોક્કસ જૂથો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમ કે જેમને પહેલાંથી જ કૅન્સર થઈ ચૂક્યું છે અથવા જેમને આનુવંશિક રીતે તેનું જોખમ વધારે છે.

એસ્પિરિનની અસરકારકતાના કેવા પુરાવા છે?

અહીં જોન બર્નનો લિંચ સિન્ડ્રોમ ધરાવતા દર્દીઓ પરનો અભ્યાસ સામે આવે છે, જેમાં કોલોરેક્ટલ અને અન્ય પ્રકારના કૅન્સરનું જોખમ ખૂબ વધી જાય છે.

2020માં બર્ને આ સ્થિતિ ધરાવતા 861 દર્દીઓના સીમાચિહ્નરૂપ રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલનાં પરિણામો પ્રકાશિત કર્યાં હતાં.

10 વર્ષ સુધી સહભાગીઓનું અનુસરણ કરતા તેમની ટીમે શોધી કાઢ્યું કે જે લોકોએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી એસ્પિરિનનો દૈનિક 600 મિલિગ્રામ ડોઝ લીધો હતો તેમનું કોલોરેક્ટલ કૅન્સરનું જોખમ અસરકારક રીતે અડધું થઈ ગયું હતું.

ત્યારથી તેમની ટીમે બીજી ટ્રાયલ હાથ ધરી છે, જે હાલમાં સમીક્ષા હેઠળ છે.

શરૂઆતનાં પરિણામો સૂચવે છે કે એસ્પિરિનનો ખૂબ ઓછી માત્રા (75-100 મિલિગ્રામ)માં ઉપયોગ પણ એટલો જ કે વધારે અસરકારક હોઈ શકે છે.

"જે લોકોએ બે વર્ષ સુધી એસ્પિરિન લીધી હતી તેમને આંતરડાના કૅન્સરનું જોખમ 50 ટકા ઘટી ગયું હતું."

તેમણે કહ્યું, "અમે હજી થોડાં વધારે વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવા માગીએ છીએ, કેમ કે સમય જતાં ડેટામાં સુધારો થશે."

(ટ્રાયલમાં પ્રવેશનારા પહેલા દર્દી નિક જેમ્સ એવા લોકોમાં સામેલ હતા જેમને ફાયદો થયો હોય તેવું લાગતું હતું.)

ઓછી માત્રામાં લેવાતી એસ્પિરિન (75-100 મિલિગ્રામ) કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓને રોકવા માટે લોકો જે લે છે તેના જેવી જ છે.

આ મહત્ત્વનું છે, કેમ કે એસ્પિરિનની બીજી પણ આડઅસરો હોઈ શકે છે, જેમાં અપચો, આંતરિક રક્તસ્રાવ, પેટનું અલ્સર અને મગજમાં રક્તસ્રાવ વગેરેનો સમાવેશ થઈ શકે.

તેથી ઓછી માત્રા વધુ સારી રીતે સહન કરી શકાય છે. આ તારણોને લીધે નીતિઓ પર પણ અસર થઈ છે.

2020થી હવે લિંચ સિન્ડ્રોમ ધરાવતા લોકોને સામાન્ય રીતે 20 વર્ષની ઉંમરે એસ્પિરિન લેવાની ભલામણ કરવામાં આવે છે, જ્યારે ઓછા ગંભીર કિસ્સાઓમાં 35 વર્ષની ઉંમરે એસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પરિણામોને જોતાં, એસ્પિરિન અન્ય દર્દીઓને પણ લાભ આપી શકે કે કેમ તે અંગે આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.

માર્ટલિંગે તપાસ કરી છે કે શું એસ્પિરિન એવા લોકોમાં કૅન્સર ફેલાવાનું જોખમ ઘટાડી શકે છે, જેમને પહેલાથી જ આંતરડાના કૅન્સરનું નિદાન થયું હોય.

તેમની ટીમે આંતરડા અથવા મળદ્વારની ગાંઠોમાં સામાન્ય આનુવંશિક પરિવર્તન ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેમણે કહ્યું, "કોલોરેક્ટલ કૅન્સર ધરાવતા તમામ દર્દીઓમાંથી 40 ટકા દર્દીઓમાં આનુવંશિક પરિવર્તન જોવા મળે છે, જેનો અમે અભ્યાસ કર્યો છે."

અગાઉનાં સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે, આ લોકો એસ્પિરિન પ્રત્યે સારો પ્રતિભાવ આપી શકે છે.

ત્રણ વર્ષના રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલમાં 2980 દર્દીઓનો સમાવેશ થયો હતો, જેમાં એક જૂથે સર્જરીના ત્રણ મહિનાની અંદર દરરોજ 160 મિલિગ્રામ એસ્પિરિન લીધું હતું, જ્યારે બીજા જૂથને પ્લેસબો આપવામાં આવ્યો હતો.

" એસ્પિરિન દ્વારા સારવાર કરાયેલા જૂથમાં ફરીથી કૅન્સર થવાનું જોખમ અડધા કરતાં પણ ઓછું હતું, જે ખૂબ નોંધપાત્ર પરિણામ કહી શકાય." ઉપરાંત, માર્ટલિંગ અને બર્ન બંનેની ટ્રાયલમાં એસ્પિરિન લેતા લોકોમાં સાઇડ ઇફેક્ટના કેસ બહુ ઓછા જોવા મળ્યા હતા.

સપ્ટેમ્બર 2025માં પ્રકાશિત થયેલા માર્ટલિંગના અભ્યાસે સ્વીડનમાં સારવારની પદ્ધતિ ઝડપથી બદલી નાખી.

જાન્યુઆરી 2026થી દેશમાં આંતરડાના કૅન્સરના દર્દીઓમાં આનુવંશિક ફેરફારોની તપાસ કરવામાં આવી રહી છે.

અને જો તેમનમાં આ મ્યુટેશન (આનુવંશિક ફેરફારો) જોવા મળે તો તેમને એસ્પિરિન ઓછી માત્રામાં આપવામાં આવે છે.

હજુ સુધી સ્પષ્ટ નથી કે એસ્પિરિન અન્ય કૅન્સરથી પણ દર્દીઓને બચાવી શકે છે કે નહીં, પરંતુ ટૂંક સમયમાં તેના જવાબો પણ મળી શકે છે.

લેંગલી હાલમાં યુકે, આયર્લેન્ડ અને ભારતમાં આંતરડા, સ્તન, ગેસ્ટ્રોએસોફેગલ અથવા પ્રોસ્ટેટ કૅન્સર ધરાવતા 11000 સહભાગીઓ સાથેની એક મોટી રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલ ચલાવી રહ્યાં છે.

તેમની ટીમ એસ્પિરિનના દૈનિક 100mg અથવા 300mg માત્રાની અસરો તપાસી રહી છે, અને તેમને આશા છે કે આવતા વર્ષ સુધીમાં પરિણામો આવી જશે.

લેંગલીએ કહ્યું કે, "અન્ય પ્રકારની ગાંઠોમાં એસ્પિરિનની ભૂમિકાનું અન્વેષણ કરનારાઓમાં અમે પ્રથમ છીએ."

તેમને આંતરડાના કૅન્સર માટે માર્ટલિંગનાં તારણોને દોહરાવવાં છે, સાથે સાથે અન્ય પ્રકારના કૅન્સરમાં થતી આનુવંશિક અસરોની તપાસ કરવા માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ પણ કરી રહ્યાં છે.

તેઓ કહે છે કે પરિણામો દોહરાવવા ખૂબ જ જરૂરી છે, કેમ કે અધિકારીઓ સામાન્ય રીતે દર્દીઓને કોઈ પણ સલાહ આપતા પહેલા ટ્રાયલના બે અલગ અલગ બે સેટનાં પરિણામો જોવા માગે છે.

તે કેવી રીતે કામ કરે છે?

એસ્પિરિન કૅન્સરને કેવી રીતે અટકાવે છે તેની પદ્ધતિ લાંબા સમયથી રહસ્ય બની રહી છે.

માર્ટલિંગ જણાવે છે કે, "આ અદ્ભુત દવા કોષની અંદર અને કોષની બહાર બંને રીતે કાર્ય કરે છે.''

તેથી તેમાં ઘણી અલગ અલગ પદ્ધતિઓ સામેલ હોઈ શકે છે.

તેમનાં પોતાનાં સંશોધન પરથી ખબર પડે છે કે કોશિકાઓ અંદર રહેલા કોક્સ-2 નામના એન્ઝાઇમને સામેલ કરે છે. આપણે જાણીએ છીએ કે એસ્પિરિન આ એન્ઝાઇમને રોકે છે.

તેઓ જણાવે છે કે આ એન્ઝાઇમ પ્રોસ્ટાગ્લાન્ડિન નામના હોર્મોન જેવા સંયોજનો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે બદલામાં એક સિગ્નલિંગ માર્ગને સક્રિય કરે છે, જેમાં કોશિકાઓ અનિયંત્રિત રીતે વધવા લાગે છે.

યુકેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કૅન્સર ઇમ્યુનોલૉજીના પ્રોફેસર રાહુલ રૉયચૌધરી અને તેમના સાથીદારો દ્વારા કરવામાં આવેલાં તાજેતરનાં સંશોધનો સૂચવે છે કે કદાચ જનીન સાથે સંકળાયેલી બીજી પદ્ધતિ પણ હોઈ શકે છે, જે રોગપ્રતિકારક તંત્રમાં ટી-કોષોને મેટાસ્ટેટિક કૅન્સર કોષો શોધવા અને ખતમ કરતા અટકાવે છે.

તેમને જાણવા મળ્યું કે આ જનીન થ્રોમ્બોક્સેન A2 નામના ક્લોટિંગ ફૅક્ટર દ્વારા સક્રિય થઈ શકે છે.

તેના નામ પરથી જ ખબર પડે છે કે આ ફૅક્ટર ઘાવ વાગે ત્યારે લોહીને ગંઠાઈ જવામાં મદદ કરે છે. કારણ કે એસ્પિરિન થ્રોમ્બોક્સેનને અટકાવે છે, તેથી તે કૅન્સરગ્રસ્ત કોષોને રોગપ્રતિકારક શક્તિ માટે વધારે સરળતાથી ઓળખી શકાય તેવા બનાવી શકે છે. આ વાત ટીમ માટે આશ્ચર્યજનક હતી.

રોયચૌધરીનું સંશોધન ઉંદરો પર કરવામાં આવ્યું હતું, તેથી તેનાં પરિણામો માણસો પર પણ એ જ રીતે લાગુ પડી શકશે કે નહીં તે ચોક્કસપણે કહી શકાતું નથી.

પરંતુ લેંગલી અને તેમના સાથીદારો દ્વારા કરવામાં આવેલાં રસપ્રદ સંશોધનો દર્શાવે છે કે જે લોકોને કોલોરેક્ટલ કૅન્સર અથવા ગેસ્ટ્રોએસોફેજલ કેન્સર થયું હોય તેમનામાં સ્વસ્થ લોકોની સરખામણીમાં થ્રોમ્બોક્સેનનું સ્તર ઘણું વધારે હોય છે, છેક ત્યાં સુધી કે સફળ સારવારના પછીના છ મહિના પછી પણ.

જે સૂચવે છે કે માણસોમાં પણ કૅન્સરના ફેલાવામાં તેની ભૂમિકા હોઈ શકે છે.

બધાં દર્દોનો ઇલાજ આ જ છે?

કોણે અને ક્યારે નિયમિત એસ્પિરિન લેવી જોઈએ તે હજી ચર્ચાનો વિષય છે. કેટલાક સંશોધકો માને છે કે હૃદયરોગ અને કૅન્સર બંનેમાં મળેલા ફાયદા જોતા તેનો ઉપયોગ વધારે લોકોએ કરવો જોઈએ. ભૂતકાળમાં સારવાર અર્થે એસ્પિરિન લેનાર બર્ન જાહેર સ્વાસ્થ્ય માટે તેની સંભાવના વિશે આશાવાદી છે.

બર્ને કહે છે, "અમે એક મોટું સંશોધન કર્યું, જેમાં અમે દર્શાવ્યું કે જો 50 વર્ષની ઉંમરની દરેક વ્યક્તિએ દસ વર્ષ સુધી બેબી એસ્પિરિન લીધી હોત તો દેશભરમાં તમામ કારણોથી થતાં મૃત્યુમાં લગભગ 4 ટકા ઘટાડો થઈ જાત."

પરંતુ મોટાભાગના સંશોધકો એવી દલીલ કરે છે કે તેનો ઉપયોગ અમુક ચોક્કસ દર્દીઓ સુધી જ મર્યાદિત હોવો જોઈએ.

માર્ટલિંગ કહે છે કે, "કૅન્સરગ્રસ્ત દર્દીને એસ્પિરિન આપવી એ એક વાત છે, પરંતુ સ્વસ્થ લોકોને એવી વસ્તુ આપવી જે તેમને પણ નુકસાન પહોંચાડી શકે, તે અલગ વાત છે."

આવું એટલા માટે કે એસ્પિરિનથી ગંભીર આડઅસરો પણ થઈ શકે અને તે દરેક વ્યક્તિ કે દરેક પ્રકારના કૅન્સરમાં પણ અસરકારક થાય જ તે જરૂરી નથી.

જો તમને લિંચ સિન્ડ્રોમ છે અથવા તમને આંતરડાના કૅન્સરની સારવાર મળી હોય તો પણ નિયમિત ઓછી માત્રામાં એસ્પિરિન લેવી ફાયદાકારક હોઈ શકે કે કેમ તે પૂછવું વધારે યોગ્ય રહેશે.

લેંગલી કહે છે કે, "એસ્પિરિન શરૂ કરતા પહેલાં હંમેશાં ડૉક્ટર અથવા અન્ય આરોગ્ય નિષ્ણાતની સાલહ લો."

જેમ જેમ એસ્પિરિન પરનું સંશોધન વધતું જાય છે, તેમ તેમ શક્ય છે કે આગળ હજુ વધારે આશ્ચર્યજનક પરિણામો જોવા મળે. પરંતુ શું એસ્પિરિનનો લાંબો ઇતિહાસ ભવિષ્યમાં બીજા 4000 વર્ષ સુધી લંબાશે?

કદાચ આવનારી પેઢીઓ આ દવાનો અલગ અલગ એવી રીતે ઉપયોગ કરશે કે જેની આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન