You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ : જાણો ક્યાં કેટલું થયું મતદાન?
આજે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાઈ ગયું.
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, આ લખાય છે ત્યાં સુધીમાં મહાનગરપાલિકામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ કુલ 49.14 ટકા મતદાન નોંધાયું છે.
મહાનગરપાલિકામાં મતદાનની ટકાવારીની વાત કરીએ તો આ લખાય છે ત્યાં સુધી મોરબીમાં 58.75 ટકા, મહેસાણામાં 53.33 ટકા, નડિયાદમાં 56. 5 ટકા, નવસારીમાં 59.68 ટકા, વાપીમાં 65.68 ટકા, કરમસદ-આણંદમાં 55.23 ટકા, સરેન્દ્રનગરમાં 52.39 ટકા, સુરતમાં 53.85 ટકા, ભાવનગરમાં 47.26 ટકા, વડોદરામાં 47.01 ટકા, જામનગરમાં 51.71 ટકા, રાજકોટમાં 46.54 ટકા, ગાંધીધામમાં 41.78 ટકા, પોરબંદરમાં 41.67 ટકા અને અમદાવાદમાં 45.72 ટકા મતદાન નોંધાયું હતું.
નગરપાલિકામાં અત્યાર સુધી 59.81 ટકા મતદાન થયું છે.
જિલ્લા પંચાયતોમાં સરેરાશ 61.83 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયતોમાં 62.05 ટકા મતદાન થયું છે.
જો કે, ચૂંટણી પહેલાં જ ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી ભાજપે જીતી લીધી હતી.
મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.
એક બાજુ બેઠકો બિનહરીફ થવાની વાત છે, તો બીજી તરફ એવાં પણ કેટલાંક બેઠકો અને વૉર્ડ છે, જ્યાં ભાજપના ઉમેદવારોએ પ્રજાના 'ઉગ્ર વિરોધ'નો સામનો કરવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગ્નના દિવસે વરરાજા મતદાન કરવા આવ્યા, મત ન આપી શક્યા
ગુજરાતમાં આજે મતદાન ચાલી રહ્યું છે, એવા સમયે વડોદરામાં એક વરરાજા મતદાનથી વંચિત રહ્યા હતા.
પાર્થ હરાલ લગ્ન કરીને મતદાન કરવા પહોંચ્યા હતા, પણ તેમનું નામ મતદારયાદીમાં નહોતું.
તેઓ વૉર્ડ-3ના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલમાં મતદાન કરવા આવ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "આજે મારાં લગ્ન હોવાથી મારા માટે જીવનનો ખાસ દિવસ હતો. મારા માટે મતદાન કરવું જરૂરી હતું. એટલે અહીં આવ્યો હતો. લગ્ન હોવા છતાં હું અહીં મતદાન કરવા આવ્યો હતો. તેમણે કહ્યું કે મેં એસઆઇઆરની બધી પ્રક્રિયા કરી હતી, પણ કોઈ કારણસર મારું નામ મતદારયાદીમાં નથી આવ્યું."
મતદાન નહીં કરવાનો નિર્ણય
ગુજરાતમાં રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે, એવામાં એક ગામમાં 685 મતદારો હોવા છતાં એક પણ મત બૂથમાં પડ્યો નથી.
બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, પહેલાં લુણાવાડા અને હવે નવા કોઠંબા તાલુકામાં આવેલા ખાતુપગીના મુવાડા ગામે એક પણ મત પડ્યો નથી.
ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી અમારા ગામનું બૂથ અને મતદાન કોઠંબા ગામમાં નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગ્રામજન મતદાન કરીશું નહીં.
ગામનનો સાત કિમી દૂર અન્ય ગ્રામપંચાયતમાં સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો.
આ વખતનો ચૂંટણીપ્રચાર સામાન્ય કરતાં વિશેષ રહ્યો હતો, તેમાં ઘણી બધી બેઠકો પર ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચ્યાં, ત્યારે કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તા પક્ષનો લોકો દ્વારા વ્યાપક વિરોધ પણ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીનાં પરિણામો 28મી એપ્રિલે જાહેર થશે.
ત્યારે તંત્ર તરફથી પણ સુરક્ષા અને શાંતિ વચ્ચે મતદાન તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આણંદમાં નેતાઓ પર કથિત હુમલો, કૉંગ્રેસ-ભાજપના એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ
શનિવારે રાત્રે આણંદ ખાતે આંકલાવ પાલિકાના કારોબારી સભ્યને માર મરાયાનો મામલો સામે આવ્યો હતો. તેમની ગાડીને પણ નુકસાન પહોંચાડાયાની વાત સામે આવી રહી છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી નચિકેત મહેતાના જણાવ્યા અનુસાર, "રાત્રે રસ્તા વચ્ચે રોકી, અહીં 'અમારા વિસ્તાર માં કેમ આવો છો કહી ઢોર માર માર્યા'નો આક્ષેપ કરાઈ રહ્યો છે. ઘટના બાદ મામલો આંકલાવ પોલીસમથકે પહોંચ્યો હતો."
પોલીસ ફરિયાદમાં કૉંગ્રેસ ઉમેદવાર મનુભાઈ પઢિયાર અને અન્ય ત્રણ વ્યક્તિઓ આ ઘટનાને અંજામ આપ્યાનો આરોપ કરાયો છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત શનિવારે મોડી રાત્રે આણંદ વૉર્ડ નં. 13ના ઉમેદવાર હર્શિલ દવે પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
નચિકેત મહેતાના જણાવ્યા પ્રમાણે, "કૉંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવેનું કહેવું છે કે ચૂંટણી પહેલાં દારૂ વહેંચાતું હોવાનું માલૂમ પડતાં ઘટનાસ્થળે પહોંચતાં તેમના પર કેટલાક લોકોએ કથિતપણે 'જીવલેણ હુમલો' કર્યો હતો."
બીબીસી ગુજરાતી કૉંગ્રેસના ઉમેદવારના આરોપોની ખરાઈ કરી શક્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બીજી તરફ કૉંગ્રેસના ઈજાગ્રસ્ત ઉમેદવારને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, તેમણે ઘટના અંગે જાહેર થયેલા વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે તેમના પર 'ભાજપના લોકોએ હુમલો કર્યો' હતો.
ભાજપે આ મામલે હજુ પ્રતિક્રિયા આપી નથી, જ્યારે તેઓ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપશે ત્યારે અહીં ઉમેરવામાં આવશે.
હાલ તો સમગ્ર મામલો આણંદ પોલીસમથકે પહોંચતાં, પોલીસ દોડતી થઈ હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'બિનહરીફ'
ગુજરાત ભાજપનો દાવો છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 કરતાં વધુ બેઠકો પર અન્ય ઉમેદવારોએ ઉમેદવારી ફૉર્મ પાછાં ખેંચતાં ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ પૈકી મોટા ભાગની બેઠકો પર કૉંગ્રેસ સહિત વિપક્ષ અને અપક્ષના ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચ્યાં હોવાના બનાવો સામે આવ્યા, જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.
આનો અર્થ છે કે રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની કુલ 9,992 બેઠકોમાંથી 733 બેઠકો બિનહરીફ જાહેર થતાં આ બેઠકોના મતદારો આ વખત મતદાન કરવાથી વંચિત રહેશે.
આ બાદ સ્થિતિ એવી બની કે ગુજરાતની ત્રણ નગરપાલિકાઓ, કડી, ઊના અને ગણદેવી ભાજપે ચૂંટણી પહેલાં પણ જીતી લીધી હતી.
જોકે, ભાજપના આ બિનહરીફ વિજય સામે વિપક્ષ સતત એવા આરોપો લગાવી રહ્યો છે કે, "ભાજપ લોભ લાલચ, ડર સત્તાનો દુરુપયોગ અને ખોટા પોલીસ કેસનો ડર બતાવીને ઉમેદવારોનાં ફૉર્મ પાછાં ખેંચાવી રહ્યો છે."
બીજી તરફ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે વિપક્ષના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું, "સત્ય એ છે કે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઉમેદવારો મળતા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન