યુદ્ધની પરિસ્થિતિઓ પર ટ્રમ્પે પીએમ મોદી સાથે શું વાત કરી?- ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ' પર ચર્ચા કરી છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ વડા પ્રધાન મોદી સાથે વાત કરી. બંનેએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ પર વાત કરી છે. તેમાં હોર્મુઝ સામુદ્રધુનીને ખુલ્લી રાખવાની વાત અંગે પણ ચર્ચા કરી છે."

પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો હતો અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સારી વાતચીત થઈ. ભારત તણાવ ઓછો કરવા અને વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કરે છે. એ જરૂરી છે કે હોર્મુઝ સામુદ્રધુની ખુલ્લી રહે, સુરક્ષિત રહે અને બધા માટે સુલભ રહે. તે સમગ્ર વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ છે. અમે શાંતિ અને સ્થિરતા માટેના પ્રયાસો અંગે સંપર્કમાં રહેવા સહમત થયા છીએ."

આ પહેલા, વડા પ્રધાન મોદીએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે 'હોર્મુઝ સામુદ્રધુની જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં અવરોધ અસ્વીકાર્ય છે'.

તેમણે કહ્યું, "દુનિયાભરનાં ઘણાં જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાં ફસાયેલાં છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ મૅમ્બર્સનો સમાવેશ થાય છે. યુદ્ધ પછી, હોર્મુઝ સામુદ્રધુનીમાંથી જહાજોની અવરજવર ખૂબ જ પડકારજનક બની ગઈ છે."

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે યુદ્ધની શરૂઆતથી જ તેમણે 'પશ્ચિમ એશિયાના મોટા ભાગના નેતાઓ સાથે બે રાઉન્ડ ફોન પર વાતચીત' કરી છે.

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશોને હોર્મુઝ સામુદ્રધુનીને ખુલ્લી રાખવામાં મદદ કરવા અપીલ કરી હતી.

"મેં પશ્ચિમી એશિયાના દેશોના વડા સાથે વાત કરી છે..." - રાજ્યસભામાં પીએમ મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી રાજ્યસભામાં

ગઈકાલે લોકસભામાં પીએમ મોદીએ સંબોધન કર્યા પછી આજે રાજ્યસભામાં પણ સંબોધન કર્યું હતું.

તેમણે અખાતના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, "મેં મોટા ભાગના પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે વાત કરી છે. અમે અખાતના દેશો સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ અને ઈરાન, અમેરિકા, ઇઝરાયલ સાથે પણ સતત સંપર્કમાં છીએ."

તેમણે કહ્યું હતું કે, "અમારું એ લક્ષ્ય છે કે સમગ્ર ક્ષેત્રમાં વાતચીત અને કૂટનીતિથી આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત થાય. આ સાથે જ હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો પર હુમલા અને અવરોધો પણ અસ્વીકાર્ય છે. ભારતે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે એનર્જી, ટ્રાન્સપોર્ટ પર હુમલાઓનો પણ કાયમ વિરોધ કર્યો છે."

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધ માનવતાના હિતમાં નથી.

ગુજરાત વિધાનસભામાં આજે યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ મુકાશે, હર્ષ સંઘવીએ શું કહ્યું?

હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, Harsh Sanghavi/FB

ઇમેજ કૅપ્શન, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં સરકાર યુનિફોર્મ સિવિલ કોડનું બિલ રજૂ કરવા જઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે, "આજે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની બહેનો, દીકરીઓ, માતાઓ માટે એકસમાન નિયમ લાવતું બિલ ગુજરાત વિધાનસભામાં મૂકવા જઈ રહ્યા છે."

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "1947માં આપણને આઝાદી તો મળી, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત, જ્ઞાતિ આધારિત અને ધર્મ આધારિત રહ્યા હતા. તેનાથી સૌથી મોટું નુકસાન માતાઓ, બહેનો અને દીકરીઓને થયું છે. "

તેમણે જણાવ્યું હતું કે લગ્નની બાબત હોય કે દીવાની બાબતો હોય, તેના માટે યુસીસી હેઠળ એકસમાન નિયમો અમે લાવવા જઈ રહ્યા છીએ. તેનાથી બધા સમાજની દીકરીઓને આ યુસીસી બિલથી ફાયદો થશે.

હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે, "આ બિલ કોઈ એક ધર્મ માટે નથી, તેનાથી તમામ ધર્મની બહેનો, દીકરીઓને ફાયદો થશે."

હોર્મુઝ સામુદ્રધુની પર 'સંયુક્ત નિયંત્રણ' મામલે ટ્રમ્પે શું કહ્યું?

હોર્મુઝ સામુદ્રધુની

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ વિશે પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું કે , "તના પર સંયુક્ત નિયંત્રણ હશે. કદાચ હું અને આગલા આયતુલ્લાહ હશે, બંનેનું તેના પર નિયંત્રણ હશે."

ઈરાનમાં સર્વોચ્ચ નેતાને આયતુલ્લાહ કહેવાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને સંપૂર્ણ રીતે ખતમ કરવા મામલે વાત થઈ છે.

પણ ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીતના નિવેદનને ફગાવ્યું છે.

આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે ઈરાન સાથે 'સંભાવિત વાતચીત'ને લઈને કરવામાં આવેલા અંદાજને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બીબીસીને આવેલા એક નિવેદનમાં કહ્યું કે, "આ સંવેદનશીલ કૂટનીતિક ચર્ચા છે અને અમેરિકા પ્રેસના માધ્યમથી વાતચીત નહીં કરે."

લેવિટે કહ્યું કે, "આ એક અસ્થિર પરિસ્થિતિ છે, અને બેઠકોને લઈને લગાવવામાં આવી રહેલા કયાસને ત્યાર સુધી અંતિમ નહીં માનવામાં આવે જ્યાર સુધી વ્હાઇટ હાઉસ આની અધિકારિક જાહેરાત ન કરે."

મહારાષ્ટ્રથી 25 દીપડા ગુજરાતમાં રિલાયન્સના વનતારા ખાતે ખસેડાયા

મહારાષ્ટ્રથી 25 દીપડા ગુજરાતમાં રિલાયન્સના વનતારા ખાતે ખસેડાયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં દીપડા અને વાઘની સંખ્યામાં ઝડપી વધારો થયો છે.

મહારાષ્ટ્રના વન મંત્રી ગણેશ નાઇકે કહ્યું છે કે રાજ્ય સરકારે મહારાષ્ટ્રના 25 દીપડા જામનગર ખાતે વનતારામાં સમાવી લેવા રિલાયન્સ ફાઉન્ડેશનને જણાવ્યું હતું અને આ દીપડાઓને ત્યાં ખસેડવામાં આવ્યા છે.

નાઇકે વિધાનસભા પરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં દીપડાની સંખ્યા છેલ્લાં 10 વર્ષમાં ચાર ગણી વધી છે. સાતથી આઠ વર્ષ અગાઉ મહારાષ્ટ્રમાં 101 વાઘ હતા જેની સંખ્યા હવે વધીને 444 થઈ છે. મહારાષ્ટ્રમાં વન્યજીવન સુરક્ષા ધારામાં સુધારા લાગુ કરવા વિશે વાત કરતી વખતે તેમણે આ માહિતી આપી હતી.

ગયા અઠવાડિયે સુધારણા ખરડો વિધાનસભામાં પસાર થઈ ગયો હતો અને સોમવારે પરિષદે મંજૂરી આપી હતી.

તેમણે કહ્યું કે 25 દીપડા વનતારા મોકલાયા છે. અમે દીપડા લેવા માટે જણાવ્યું હતું કારણ કે પૂણે જિલ્લામાંથી 150 દીપડા પકડાયા હતા. વનતારામાં 50 દીપડા ખસેડવા સરકારે કરાર કર્યા હતા.

ઈરાને ટ્રમ્પનો 'શાંતિ સમજૂતી'નો દાવો ફગાવ્યા બાદ ઑઇલના ભાવ ફરી વધ્યા

ઑઇલના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારના ભારે ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરીથી 100 અમેરિકન ડૉલર પ્રતિ બૅરલથી ઉપર પહોંચી ગયા છે.

મંગળવાર સવારે એશિયામાં બ્રેન્ટ ક્રૂડ 3.75 ટકાથી વધીને 103.69 અમેરિકન ડૉલર સુધી પહોંચી ગયો છે.

આની પહેલાં સોમવારના બ્રેન્ટના ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા હુમલાને ટાળવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે જલદી કોઈ શાંતિ સમજૂતી થઈ શકે છે.

જોકે ત્યાર બાદ ઈરાને ટ્રમ્પના આ દાવાને ફગાવ્યો હતો અને પછી ઑઇલના ભાવ ફરી વધી ગયા છે.

કોલંબિયામાં સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 66 લોકોનાં મોત

બીબીસી ગુજરાતી કોલંબિયા વિમાન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલંબિયામાં પેરુની સરહદ નજીક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

કોલંબિયાના અધિકારીઓનું કહેવું છે કે દેશના દક્ષિણ ભાગમાં ઉડાન ભર્યા પછી વાયુ સેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ઓછામાં ઓછા 66 લોકોનાં મોત થયાં છે અને ડઝનબંધ લોકોને ઈજા થઈ છે.

વાયુ સેનાના કમાન્ડર કાર્લોસ ફર્નાન્ડો સિલ્વા રુએડાએ જણાવ્યું કે વિમાનમાં સેનાના 114 જવાનો અને ચાલકદળના 11 સભ્યો હતા. આ અમેરિકામાં બનેલું સી-130 હરક્યુલસ વિમાન હતું, જેનો ઉપયોગ સૈનિકોની હેરાફેરી માટે થાય છે.

વિમાન પુટુમાયો પ્રાંતના પ્યુર્ટો લેગુઇઝામો શહેર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિસ્તારમાં મોકલવામાં આવેલા બચાવ કર્મચારીઓ વિમાનના કાટમાળમાં લોકોની શોધખોળ કરી રહ્યા છે.

કોલંબિયાના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે "લૉકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલું હરક્યુલસ સી-130 વિમાન પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભર્યા પછી એક દુખદ દુર્ઘટનાનો શિકાર થયો છે, જેમાં અમારી સુરક્ષાદળોની ટુકડીઓને લઈ જવાતી હતી."

ઈરાન સાથે વાતચીત અંગે લગાવાતા અંદાજને અંતિમ ન માનો, વ્હાઇટ હાઉસની જાહેરાત

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન ઇઝરાયલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પનો દાવો છે કે ઈરાન સાથે સકારાત્મક વાતચીત ચાલે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસે ઈરાન સાથે સંભવિત વાતચીતને લગાવવામાં આવતા કયાસને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.

અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે બંને પક્ષ વાતચીતની દિશામાં બહુ મોટી પ્રગતિ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મધ્યપૂર્વમાં ચાલતા ટકરાવને "સંપૂર્ણપણે ખતમ" કરવા માટે વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે સંપૂર્ણ સમાધાનના મુદ્દે સકારાત્મક વાતચીત થઈ છે.

જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતવાળા નિવેદનને નકારી કાઢ્યું છે.

દરમિયાન અલગ અલગ નેતાઓનાં નિવેદનો વચ્ચે એવા સમાચાર પણ આવ્યા કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પાકિસ્તાનમાં આ વાતચીતમાં સામેલ થઈ શકે છે.

પરંતુ વ્હાઇટ હાઉસનું કહેવું છે કે હાલમાં સ્થિતિ અસ્થિર છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને ઈરાનના કોઈ ટોચના નેતાઓ વચ્ચે ઔપચારિક બેઠક માટે જાહેરાત કરવામાં આવી નથી.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બીબીસીને એક નિવેદનમાં જણાવ્યું કે, "આ સંવેદનશીલ કૂટનીતિક ચર્ચા છે અને અમેરિકા પ્રેસના માધ્યમથી વાતચીત નહીં કરે."

ટ્રમ્પના દાવા વચ્ચે બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, 'ઇઝરાયલના હુમલા યથાવત'

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ઇઝરાયલ ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના હિતોનું રક્ષણ કરવાની વાત કરી છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઍક્સ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં નિવેદન આપ્યું છે.

નેતન્યાહૂએ કહ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે અમેરિકન સેના સાથે અમે જે જબરજસ્ત સફળતા મેળવી છે, તેનો ફાયદો લઈને સમજૂતીમાં યુદ્ધના હેતુને સાકાર કરવાની તક છે. એક એવી સમજૂતી જે અમારા જરૂરી હિતોનું રક્ષણ કરે."

નેતન્યાહૂએ કહ્યું કે "સાથે સાથે અમે ઈરાન અને લેબનોન બંને જગ્યાએ હુમલા ચાલુ રાખ્યા છે."

"અમે (ઈરાનના) મિસાઇલ અને ન્યુક્લિયર પ્રોગ્રામને ખતમ કરી રહ્યા છીએ અને હિઝબુલ્લાહ પર સતત મોટા હુમલા કરી રહ્યા છીએ."

તેમણે કહ્યું કે, "થોડા દિવસો અગાઉ જ અમે વધુ બે ન્યુક્લિયર સાયન્ટિસ્ટને મારી નાખ્યા. અમે કોઈ પણ હાલતમાં અમારા જરૂરી હિતોનું રક્ષણ કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન