રાતના અંધારામાં ચોરીછૂપીથી મહિલાઓના વીડિયો ઉતારીને નાણાં રળવાનો ધીકતો ધંધો : બીબીસીની તપાસમાં ઘટસ્ફોટ

- લેેખક, શોના ઈલિયટ તથા અબી સ્મિટન
- પદ, બીબીસી ન્યૂઝ ઇન્વેસ્ટિગેશન્સ
- વાંચવાનો સમય: 9 મિનિટ
રાતના સમયે મહિલાઓ બહાર ફરી રહી હોય, તે સમયે પુરુષો ચોરીછૂપીથી તેમનો વીડિયો ઉતારીને તેને ઓનલાઇન પોસ્ટ કરીને કમાણી કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બીબીસીની એક તપાસમાં બહાર આવી છે.
આવા વીડિયો "વૉકિંગ ટૂર્સ" કે પછી "નાઇટલાઇફ કન્ટેન્ટ" તરીકે ઓળખાતા હોય છે અને તે યૂટ્યૂબ, ટિકટૉક, ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાય છે. આવા વીડિયો મોટા ભાગે ડ્રેસ તથા સ્કર્ટ્સ પહેરેલી સ્ત્રીઓ પર કેન્દ્રિત હોય છે, ઘણી સ્ત્રીઓને પાછળથી કે નીચા ઍંગલથી ફિલ્માવવામાં આવે છે, જેના કારણે કેટલીક વખત તેમના શરીરના ગુપ્ત ભાગો પણ દેખાતા હોય છે.
અમે એવી લગભગ 50 જેટલી મહિલાઓ શોધી કાઢી, જેમના વીડિયો બનાવવામાં આવ્યા હતા. આ પૈકીની ઘણી સ્ત્રીઓને જાણ જ નહોતી કે તેમની સાથે શું થયું હતું. તેમણે ડર અને અપમાનની લાગણી વ્યક્ત કરી હતી.
વિશ્વનાં અગ્રણી શહેરોમાં બની રહ્યા છે મહિલાઓના આવા વીડિયો
21 વર્ષની એક યુવતીનું સ્કર્ટ દેખાય તે રીતે તેમની ક્લિપ ઉતારાઈ હતી.
તેમણે કહ્યું હતું કે, પોતાની સંમતિ વિના લેવાયેલું અને અપલોડ કરાયેલું ફૂટેજ જોયા પછી તેમને એટલો આઘાત લાગ્યો હતો કે, હવે ઘરની બહાર નીકળતાં જ ડરની લાગણી તેમને ઘેરી વળે છે.
બીબીસીએ આ પ્રકારની સામગ્રી ધરાવતી 65 કરતાં વધારે ઓનલાઇન ચૅનલોની ઓળખ કરી છે, જેમના વીડિયો સંયુક્તપણે છેલ્લાં ત્રણ વર્ષોમાં કુલ મળીને ત્રણ અબજ કરતાં વધુ વખત જોવાઈ ચૂક્યા છે.
આ વીડિયો લંડન, ઓસ્લો, મિયામી અને બૅંગકોક જેવાં વિશ્વનાં અગ્રણી શહેરોની નાઇટ લાઇફ પર કેન્દ્રિત છે. તેમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક માન્ચેસ્ટર શહેર છે.
અમારી ટીમે રાતના સમયે બહાર ફરતી યુવતીઓનું છુપાઈને રેકૉર્ડિંગ કરતા પુરુષોને કૅમેરામાં કેદ કર્યા હતા, જેના પગલે 12 એકાઉન્ટ્સ સાથે જોડાયેલા કેટલાક અત્યંત સક્રિય અપરાધીઓનો પર્દાફાશ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમાં એક સ્થાનિક ટૅક્સી ડ્રાઇવર અને વીડિયો બનાવવા માટે સ્વીડનથી બ્રિટન આવેલા બે પુરુષોનો સમાવેશ થતો હતો.
અન્ય બે પુરષો પણ ફિલ્મ ઉતારતા જોવા મળ્યા હતા, પણ અમે તેમની ઓળખની પુષ્ટિ કરી શક્યા નહોતા. તેમની ચૅનલોના દાવા અનુસાર, તેઓ નૉર્વે અને મોનેકોના છે.
અમારી તપાસ પુરુષો ઘણી વખત નફા માટે મહિલાઓની સંમતિ વિના અને તેમની જાણ બહાર જાહેરમાં તેમની ક્લિપ ઉતારતા હોવાનું વધુ એક ઉદાહરણ છે.
હજુ ગયા મહિને જ બીબીસીની એક અન્ય તપાસમાં એવો ખુલાસો થયો હતો કે, સ્ત્રીઓને પ્રભાવિત કરવાની સલાહ આપવાનો દાવો કરનારા પુરુષ ઇન્ફ્લુએન્સર્સ મહિલાઓ સાથેની વાતચીત રેકૉર્ડ કરવા માટે સ્માર્ટ ગ્લાસિસ (ચશ્માં)નો ઉપયોગ કરે છે અને પછી તે ફૂટેજ ઑનલાઇન પોસ્ટ કરે છે.
ગૃહ સચિવ શબાના મહમૂદે તેના જવાબમાં કહ્યું હતું કે સરકાર મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા અને પજવણી માટે નવી ટૅકનૉલૉજીના દુરુપયોગને સાંખી નહીં લે.
જાહેર સ્થળોએ વીડિયો ઉતારવો એ ગુનો નથી, પણ ઇમેજ-આધારિત દુર્વ્યવહારના વિશેષજ્ઞ એવા એક વકીલે કહ્યું હતું કે આ પ્રકારના વીડિયો કાનૂની દૃષ્ટિએ "સંદિગ્ધ ક્ષેત્ર"માં આવે છે અને તેનાથી પજવણી અને છૂપી રીતે જોવાની વિકૃતિને લગતા કાયદાઓનો ભંગ થઈ શકે છે.
અમે યૂટ્યૂબ સાથે શૅર કરેલા ઘણા વીડિયો હજુય ઑનલાઇન ઉપલબ્ધ છે.
અમે વીડિયોશૅરિંગ પ્લૅટફૉર્મ સમક્ષ અમારી તપાસનાં તારણો રજૂ કર્યાં, તે પછી તેણે બે ઍકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધાં હતાં.
ટિકટૉકે ચાર ચૅનલ્સ હઠાવી દીધી છે. પણ, ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પરના વીડિયો હજુય ઉપલબ્ધ છે.
ઑક્ટોબર મહિનો પૂરો થવામાં હતો અને ગ્રેસ (નામ છુપાવ્યું છે) માન્ચેસ્ટરમાં એક ક્લબની બહાર ફોનમાં તેમનાં મિત્રની 21મી વર્ષગાંઠની ઉજવણીના ફોટોગ્રાફ્સ લઈ રહ્યાં હતાં.
તેમનાં નાનાં બહેન સોફી (નામ બદલ્યું છે) પણ તેમની સાથે હતાં. સોફી હમણાં જ 18 વર્ષનાં થયાં હતાં અને શહેરની ક્લબમાં જવાનો આ તેમનો પ્રથમ અનુભવ હતો.
ગ્રેસ કહે છે, "તે એક સામાન્ય રાત જેવી જ રાત હતી. અમે કલ્પના સુધ્ધાં નહોતી કરી કે અમારી વીડિયો ક્લિપ ઉતારવામાં આવી રહી છે."
અમે ગ્રેસનો સંપર્ક સાધ્યો, ત્યારે તેમને તે સમયનો વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ થયો હોવાની ખબર પડી.
ફૂટેજમાં તેમનું સ્કર્ટ દેખાતું હતું અને આ વીડિયો અજાણ્યા લોકો 30 લાખ કરતાં વધુ વખત જોઈ ચૂક્યા હતા.
"મેં મારાં વસ્ત્રોની પસંદગી કાળજીપૂર્વક કરી હતી. ઉપરથી જોતાં બધું ઢંકાયેલું હતું, પણ ફૂટેજનો ઍંગલ નીચેથી લેવાયો હતો. આના પરથી મને વિચાર આવે છેઃ તે મારી કેટલો નજીક હતો?"
વીડિયોમાં સોફી પણ દેખાય છે, પણ તેમના પર ફોકસ નથી કરવામાં આવ્યું. તેઓ કહે છે, જે કંઈ બન્યું, તેના કારણે તેમની બહેનની માફક તેઓ પણ ડરી ગયાં છે.
તેઓ જણાવે છે, "ડરના લીધે હું બહાર નથી નીકળી શકતી. આ કોઈ સામાન્ય વાત નથી. આવું નહોતું થવું જોઈતું."
મહિલાઓ માટે દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ

ઇમેજ સ્રોત, Brijesh Patel
અમે તપાસ દરમિયાન ગ્રેસ અને સોફી સહિતની હજારો મહિલાઓના સેંકડો વીડિયો જોયા હતા.
બંને બહેનોને પરેશાન કરી રહેલો સવાલ છેઃ વીડિયો કોણ ઉતારી રહ્યો હતો અને તેણે આવું શા માટે કર્યું?
અમે વિવિધ એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોઝ પર કલાકો સુધી દેખરેખ રાખી છે.
કેટલીક અત્યંત લોકપ્રિય ચૅનલ્સે 200 મિલિયન કરતાં વધારે વ્યૂ મેળવ્યા છે.
પોસ્ટ કરવામાં આવેલા લગભગ દરેક વીડિયોના થમ્બનેલમાં યુવતીઓને ડ્રેસ કે સ્કર્ટ્સ તથા હાઇ હીલ્સ પહેરેલી બતાવાઈ છે અને ટાઇટલ પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, ફૂટેજમાં યુવતીઓ દેખાશે.
માન્ચેસ્ટરમાં ઉતારાયેલા ઘણા વીડિયોઝમાં ક્લબોની આસપાસ ચાલતી અને ફૂટપાથ પર બેઠેલી યુવતીઓ બતાવાઈ છે તથા તેઓ કપડાં બરાબર કરી રહી હોય કે સ્કર્ટ નીચે ખેંચી રહી હોય, તેના પર કૅમેરાનું ફોકસ રખાય છે. લગભગ દરેક વીડિયોનું કૉમેન્ટ સેક્શન મહિલાઓ પ્રત્યેની દ્વેષપૂર્ણ ટિપ્પણીઓથી ઊભરાય છે.
એક વ્યક્તિએ હાસ્યના ઇમોજી સાથે પોસ્ટ કરી હતી, "જરા આ યુવતીઓનાં કપડાં તરફ નજર કરો. તેમના પર હુમલા થાય છે, તેમાં કોઈ નવાઈ નથી."
"તેઓ બજારુ છે", "સેલ્યુલાઇટિસ નાઇટ આઉટ" અને "ઠેરઠેર ફરતાં ભૂંડનાં બચ્ચાં" - આવી કૉમેન્ટ્સ વીડિયોઝની નીચે હતી.
વીડિયોમાં દેખાતી ઘણી યુવતીઓની ઓળખ કરવી પ્રમાણમાં સરળ હતી, પણ ચૅનલ ચલાવતા પુરુષોની ઓળખ કરવાનું કામ મુશ્કેલ હતું.
પુરુષો ઑનલાઇન તેમનું સાચું નામ નથી વાપરતા, પણ જાહેર સ્તરે ઉપલબ્ધ ડેટા પરથી તે પૈકીના ઘણા પુરુષો ઓળખી શકાયા હતા.
મહિલાઓને જાણ નહોતી કે તેમના વીડિયો ઊતરી રહ્યા છે

ગ્રેસ અને સોફીનો વીડિયો પોસ્ટ કરનારી ચૅનલ ફ્લોરજાન રેકા નામના 35 વર્ષના પુરુષ દ્વારા ચલાવવામાં આવે છે.
ફ્લોરજાન આ પ્રકારની સૌથી લોકપ્રિય યૂટ્યૂબ ચૅનલ પૈકીની એક ચૅનલ ચલાવે છે, જે આશરે 20 કરોડ વ્યૂઝ તથા 3,99,000 સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. વળી, ફ્લોરજાનના ફેસબુક પેજના છ લાખથી વધુ ફોલોઅર્સ છે.
અમને જાણવા મળ્યું કે આ ચૅનલ સ્વીડનમાં ચૅનલની બિઝનેસ સ્વરૂપે નોંધાયેલી છે, જ્યાં ફ્લોરજાને ઇન્ફ્લુએન્સર પ્રવૃત્તિ, માર્કેટિંગ અને જાહેરાતો કરી રહ્યો હોવાનો દાવો કર્યો હતો.
અમે જોવા માગતા હતા કે ફ્લોરજાન કેવી રીતે કામ કરે છે, આથી અમે હેલોવીન વીકેન્ડના વ્યસ્ત સમયમાં માન્ચેસ્ટર શહેરમાં ગુપ્ત રીતે નજર રાખી.
પ્રથમ રાતે, કલાકો સુધી રાહ જોયા પછી અમે મધરાત બાદ બે વાગ્યા પહેલાં રેકાને અન્ય એક વ્યક્તિ સાથે ઝડપથી આવતા જોયા. તે વ્યક્તિ તેમનો ભાઈ રોલેન્ડ હતો.
એક તબક્કે એવું લાગ્યું કે, બંને ભાઈ કમર સુધીની ઊંચાઈ પર રાખેલા તેમના ફોન જોવાનો ડોળ કરી રહ્યા છે.
પણ, વાસ્તવમાં તેમણે અલગ-અલગ કૅમેરા સમાન લેવલે ગોઠવેલા હતા અને નજીકથી પસાર થઈ રહેલી યુવતીઓના વીડિયો ઉતાર્યા હતા.
બંને ભાઈઓ જાણતા નહોતા કે અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ.
અમે જોયું કે, બંને ભાઈ જુદી-જુદી ક્લબોની બહાર વીડિયો બનાવવા માટે છૂટા પડતા હતા અને પછી ફરી ભેગા થઈ જતા હતા.
વીકેન્ડની બીજી રાતે તેમણે કાળાં માસ્ક પહેર્યાં હતાં, જેથી તેઓ પાર્ટીમાં જનારા લોકો સાથે ભળી ગયા હતા.
તે પછીના કેટલાક દિવસોમાં, માન્ચેસ્ટરના માર્ગો પરના નવા વીડિયો ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દેખાવા માંડ્યા.
અમે જાણતા હતા કે, તે વીડિયો ફ્લોરજાન રેકા સાથે જોડાયેલા છે. પોસ્ટ કરવામાં આવેલા ફૂટેજનો રેકા ભાઈઓએ વીડિયો બનાવવા માટે લીધેલા ઍંગલ સાથે મેળ ખાતો હતો.
રોલેન્ડ રેકાની ચૅનલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોની શરૂઆતમાં એક યુવતીને તેના નીચે સરકી ગયેલા સ્કર્ટને ઉપર ખેંચતી જોઈ શકાય છે. તો, અન્ય ફૂટેજમાં દૂર ચાલી રહેલી મહિલાઓને નીચા ઍંગલથી દર્શાવાતાં તેમનાં નિતંબ દેખાઈ રહ્યાં હતાં. તો, ફ્લોરજાન રેકાના ફેસબુક પેજ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં પોતાનું ટૉપ સરખું કરી રહેલી યુવતીની ક્લીવેજ દેખાય, તે રીતે કૅમેરા રાખવામાં આવ્યો છે.
આ તમામ વીડિયોમાં એક પણ મહિલાને તેનો વીડિયો ઊતરી રહ્યો હોવાની જાણ નથી, એવું પ્રતીત થઈ રહ્યું છે.
અમે હેલોવીન પછીના મહિનાઓમાં આ વિશે ટિપ્પણી મેળવવા માટે ફ્લોરજાન રેકાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. તેણે જવાબ ન આપતાં અમે તેની સાથે વાત કરવા સ્વીડન જઈ પહોંચ્યા.
તેણે બંને વખત અમારા પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું અને તેના મેઇલબૉક્સમાં મૂકેલા પત્રનો પણ ઉત્તર ન આપ્યો.
કરોડો રૂપિયાની કમાણીવાળો ધીકતો ધંધો?

માન્ચેસ્ટરમાં હેલોવીન (એક તહેવારનો દિવસ) પર અમે મહિલાઓના વીડિયો ઉતારી રહેલી અન્ય ત્રણ વ્યક્તિને જોઈ.
તે એકબીજાને અને રેકા બંધુઓને ઓળખતા હોય, એવું લાગતું હતું. કારણ કે, તેઓ રાત્રે જુદી-જુદી જગ્યાએ વાત કરવા માટે રોકાતા હતા.
તે પૈકીનો એક ડીન હિલ હતો, જે સ્થાનિક સ્તરે કામ કરતો ટૅક્સી ડ્રાઇવર છે. અમે તેને છાતી પાસે નાનો કૅમેરા રાખીને છોકરીઓની પાછળ ચાલીને વીડિયો ઉતારતા જોયો.
બીબીસીએ તેના સેંકડો કલાકોના વીડિયો જોયા. રેકા ભાઈઓની પોસ્ટ્સની માફક હીલના ફૂટેજમાં પણ મહિલાઓ તેમનાં સ્કર્ટ્સ નીચે ખેંચતાં કે કપડાં સરખાં કરતાં જોવા મળે છે.
એક વીડિયોમાં કૅમેરા હેલોવીનનાં વસ્ત્રો પહેરેલી એક મહિલાની પાછળ લગભગ બે મિનિટ સુધી ચાલે છે અને તે મહિલાની ઝડપને અનુસરવા માટે કૅમેરાની ગતિ વધી જાય છે.
હીલે પોતે કંઈ ખોટું કર્યાનો ઇનકાર કરતાં બીબીસીને કહ્યું હતું કે તે કોઈ વ્યક્તિઓ કે શરીરના ચોક્કસ અંગોનો વીડિયો નથી બનાવતો અને તેનો કૅમેરા તમામ સમયે જોઈ શકાય એવી સ્થિતિમાં હોય છે.
તેણે એક મૅસેજમાં કહ્યું હતું, "હું સ્કર્ટની નીચેના ભાગો, શરીરનાં ચોક્કસ અંગો કે કોઈ પણ પ્રકારની નગ્નતા નથી ફિલ્માવતો. મેં સ્કર્ટની નીચેથી વીડિયો બનાવવાના કામમાં ભાગ નથી લીધો અને મારા વીડિયોઝમાં જાતીય દૃષ્ટિએ સ્પષ્ટ સામગ્રી નથી હોતી."
વીડિયોના બચાવમાં તે કહે છે, "આ ફૂટેજ પસંદગીયુક્ત નથી અને તે કોઈ ચોક્કસ જૂથને નિશાન બનાવતી નથી. ફિલ્માંકનના સમયે સાર્વજનિક સ્થળો પર જે કોઈ હાજર હોય, તે તેમાં દેખાય છે."
"હું જાણું છું કે, કેટલાક ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટર્સ અનુચિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, પણ મારી ચૅનલ આવું કામ નથી કરતી. આનાથી વિરુદ્ધ કોઈ પણ સૂચન મારા કન્ટેન્ટના સ્વરૂપને પ્રતિબિંબિત કરતું નથી."
અમે અન્ય એક શખ્સનો તેની મીડિયા ચૅનલ્સ થકી સંપર્ક સાધ્યો હતો, પણ તેની ઓળખ થઈ શકી નથી. તેણે પણ કંઈ ખોટું કર્યાનો કે નિયમોનો ભંગ કર્યાનો ઇનકાર કરી દીધો હતો.
તેણે કહ્યું હતું કે, તેણે માત્ર નાઇટલાઇફ અને ચાલવાના વીડિયો જ ઉતાર્યા હતા અને તેણે તેની ઘણી પોસ્ટ્સ ડિલીટ કરી દીધી હતી.
અમે જે લોકોની પૂછપરછ કરી, તે પૈકી કોઈના પર પણ પોલીસે ગુનાહિત પ્રવૃત્તિનો આરોપ લગાવ્યો નથી.
મહિલાઓ રાત્રે બહાર ફરતી હોય, તે સમયે તેમના આ પ્રકારના વીડિયો બનાવવામાં આવતા હોવાના અહેવાલો પ્રગટ થતાં ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે 2024માં પીછો કરવાની અને પજવણી કરવાની શંકાના આધારે એક શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, દેશમાં આ પ્રકારની આ પ્રથમ ધરપકડ હતી. પરંતુ, ચાલુ મહિનામાં પોલીસે જણાવ્યું હતું કે, વર્તમાન કાયદાઓની મર્યાદાને કારણે તેઓ શકમંદો વિરુદ્ધ કોઈ પગલાં ભરશે નહીં. આ સમસ્યાને નિવારવા માટે તેઓ કાનૂની માર્ગો ચકાસી રહ્યા છે.
રાતના સમયે બહાર ફરતી યુવતીઓના છુપાઈને વીડિયો બનાવવાનો આ ઉદ્યોગ લાખો પાઉન્ડની આવક રળતો હોવાની શક્યતા યુનિવર્સિટી ઑફ સરેમાં સેન્ટર ઑફ ડિજિટલ ઇકૉનૉમીનાં ડિરેક્ટર પ્રોફેસર એનાબેલ ગાવરે વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું, "આપણે આ સમગ્ર ઇકૉસિસ્ટમમાં કુલ મળીને અબજો વ્યૂઝ વિશે વાત કરી રહ્યા છીએ. દસ લાખ વ્યૂ ધરાવતા એક વીડિયોમાંથી 5,000 પાઉન્ડ સુધીની કમાણી થઈ શકે છે."
બ્રિટનના કાયદા હેઠળ, જાહેર સ્થળો પર ફિલ્માંકન કરવું ભાગ્યે જ ગેરકાયદેસર છે, પણ અમે જે મહિલાઓ સાથે વાત કરી, તે પૈકીની ઘણી મહિલાઓ એ હકીકત જાણીને ક્રોધિત અને નિરાશ થઈ હતી કે, આ વીડિયોઝ થકી ક્રિએટર્સ ઘણાં નાણાં કમાયા છે.
આ પ્રકારની સામગ્રીને લગતો કાયદો "સંદિગ્ધ ક્ષેત્ર"માં હોવાનું મેકએલિસ્ટર ઓલિવેરિયસના વકીલ તથા ઇમેજ આધારિત જાતીય પજવણીના વિશેષજ્ઞ હોન્ઝા સેર્વેન્કાએ જણાવ્યું હતું.
તેઓ કહે છે કે, "તે કોઈની અંગત જગ્યામાં ડોકિયું કરવું અને પજવણી સહિતના વિવિધ પ્રકારના અપરાધોની વચ્ચે આવે છે, અને તેથી જ તેને ફૂલવાફાલવાનો અવકાશ મળી ગયો છે."
સેર્વેન્કા જણાવે છે કે, સતામણીના અપરાધ માટે, હેરાનગતિના બે કે તેથી વધુ બનાવોનું આચરણ થયું હોવું જરૂરી છે, જેમાં "માર્ગ પર સતામણી કરવી અને પછી ઑનલાઇન હેરાનગતિ કરવી (જેમ કે, વીડિયો પોસ્ટ કરવો કે તે શૅર કરવો), વગેરેનો સમાવેશ થઈ શકે છે."
તેઓ ઉમેરે છે કે વીડિયો પોસ્ટ કરવો અને તે પછી અન્ય વીડિયોઝ પર થમ્બનેલ તરીકે કોઈ મહિલાની તસવીરનો ઉપયોગ કરવો, તે સતામણી ગણી શકાય.
અમે અમારી તપાસનાં તારણો સાથે યૂટ્યૂબનો સંપર્ક સાધ્યો, તે પછી કંપનીએ ફ્લોરજાન રેકા સાથે જોડાયેલાં બે એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરી દીધાં છે.
ઍક્સ પરની એક પોસ્ટમાં ફ્લોરજાન રેકાએ યૂટ્યૂબને નિર્ણયની સમીક્ષા કરવાની વિનંતી કરતાં કહ્યું કે, તેણે માત્ર "જાહેર સ્થળ પર ચાલી રહેલા લોકોના વીડિયોઝ" લીધા હતા.
યૂટ્યૂબ સાથે અમે શૅર કરેલા ઘણા વીડિયો હજુય ઑનલાઇન છે. વીડિયોશૅરિંગ પ્લૅટફૉર્મનું કહેવું છે કે, તે તેની સામુદાયિક માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે છે.
તેણે ઉમેર્યું હતું કે, 2025ના અંતમાં તેણે તેની પજવણીની નીતિઓના ભંગ બદલ 18 લાખ વીડિયોઝ દૂર કરી દીધા હતા.
આવી જ અન્ય વ્યક્તિઓ સાથે જોડાયેલાં અન્ય એકાઉન્ટ્સ આજે પણ ઑનલાઇન છે.
તે પૈકીના એક શખ્સે તેની ચૅનલનું નામ બદલી દીધું હોવાનું જણાય છે, જ્યારે બીજાએ તેની તમામ સામગ્રી હઠાવી દીધી છે.
ટિકટૉકે અમે તેની સાથે શૅર કરેલી ચાર ચૅનલ્સ દૂર કરી દીધી છે.
જ્યારે, અમે (ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામનું સંચાલન કરતી) મેટાને મોકલેલી ચૅનલ્સ હજુ પણ સક્રિય છે.
કંપનીએ અમને જણાવ્યું હતું કે, તેણે તેની નીતિઓનો ભંગ કરતી સામગ્રી દૂર કરી દીધી છે.
જે વીડિયોઝ દૂર કરી દેવાયા, તેમાં ગ્રેસ અને સોફીનો વીડિયો પણ છે.
બંને બહેનો જણાવે છે કે, તેમના માટે આ નાની જીત છે, પણ તેનાથી કોઈ ફરક પડશે કે કેમ, તે બાબતે ગ્રેસને હજુય શંકા છે.
ગ્રેસે સવાલ કર્યો હતો, "તે માણસે તેના ફોનમાં કે કમ્પ્યૂટરમાં મારો વીડિયો લઈ લીધો છે. તે ફરીથી તે વીડિયો શૅર નહીં કરે, તેની શું ખાતરી?"
"આ આખી સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવાનો કદાચ કોઈ માર્ગ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












