You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ આદિવાસી–મુસ્લિમ સમાજો વચ્ચે મતભેદ વધશે?
આવનારા સમયમાં ગુજરાતમાં (યુનિફૉર્મ સિવિલ કોડ) એટલે કે UCCનો કાયદો લાગુ થવાની શક્યતા છે.
આ બિલ ગુજરાતની વિધાનસભામાં પસાર થઈ ચૂક્યું છે અને હવે તેને ગવર્નર પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે.
એક તરફ રાજ્ય સરકારનો દાવો છે કે આ બિલ તૈયાર કરતી વખતે રાજ્યની "ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા"ને ધ્યાનમાં રાખવામાં આવી છે, જેથી "કોઈપણ સમુદાય સાથે અયોગ્ય વ્યવહાર ન થાય".
ત્યારે બીજી બાજુ ઘણા લોકોનું માનવું છે કે આ બિલના કારણે અમુક સમાજ વચ્ચે મતભેદો વધવાની શક્યતા છે.
કેટલાકનું કહેવું છે કે આ બિલને ખરેખર 'સમાન નાગરિકતા ધારો' કહેવો યોગ્ય નથી, કારણ કે તે રાજ્યની વસ્તીના કેટલાક હિસ્સાને કાયદાની પરિધિમાંથી બહાર રાખે છે.
જ્યારે હિંદુ સમાજનાં રીતિ-રિવાજો અને નિયમો અનુસાર તમામ ધર્મના લોકોને વ્યવહાર કરવાની વાત કરવામાં આવી છે.
આદિવાસી અને મુસ્લિમ સમાજને અસર
ગુજરાત સરકારના ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અનુસાર, રાજ્યમાં આશરે 14.8 ટકા આદિવાસી વસ્તી છે, જે સાબરકાંઠાથી વાપી સુધીના વિસ્તારોમાં વસેલી છે.
જ્યારે સેન્સસ ઑફ ઇન્ડિયા 2011ના આંકડા મુજબ, રાજ્યમાં 9.67 ટકા મુસ્લિમ વસ્તી છે. મુસ્લિમ સમાજ ગુજરાત આખામાં ફેલાયેલો છે. કેટલાક અહેવાલો મુજબ, તે રાજ્યની 30 જેટલી વિધાનસભા બેઠકોનાં પરિણામ ઉપર અસર ઊભી કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકોમાંથી 27 બેઠકો આદિવાસી સમુદાયો માટે અનામત છે, જ્યારે લોકસભામાં રાજ્યની 26 બેઠકોમાંથી ચાર બેઠક આદિવાસી સમાજ માટે અનામત છે, એટલે રાજ્યમાં સરકાર રચવામાં આદિવાસી મત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હાલમાં ઘણા આદિવાસી સમુદાયોમાં 'બહુપત્નીત્વ'ની પ્રથા જોવા મળે છે, તેમજ લગ્ન અને છૂટાછેડાના મામલામાં સામાજિક પંચાયતો દ્વારા મોટાભાગના નિર્ણયો લેવાતા હોય છે.
આ સમાજમાં બહુ ઓછાં લગ્નો કોર્ટમાં નોંધાય છે અને છૂટાછેડા માટે તો બહુ ઓછા લોકો કોર્ટ સુધી પહોંચે છે.
જો કે ગુજરાતના નવા કાયદા અનુસાર, બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જેમના પરંપરાગત અધિકારો સુરક્ષિત રાખવામાં આવ્યા છે, તેવા વ્યક્તિઓ અથવા વ્યક્તિગત જૂથો પર આ કાયદો લાગુ પડશે નહીં, એટલે કે અનેક આદિવાસી સમુદાયો આ કાયદાની પરિધિ બહાર રહેશે.
બીજી તરફ, પોતાના ધર્મ અને પર્સનલ લૉના આધારે મુસ્લિમ સમુદાયના લોકો વર્ષોથી મુસ્લિમ પર્સનલ લૉનું પાલન કરતા આવ્યા છે, પરંતુ તેમને આ કાયદામાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.
હાલમાં મુસ્લિમ સમાજના ઘણા લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમને એ પણ ભય છે કે આ કાયદાના અમલથી 'મુસ્લિમ અને આદિવાસી સમુદાયો વચ્ચે મતભેદો વધી શકે' છે.
ગુજરાત વિધાનસભામાં આ બિલ પસાર થયું, ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેને આવકારતા કહ્યું હતું, "યુનિફૉર્મ સિવિલ કોડના અમલીકરણથી રાજ્યમાં તમામ ધાર્મિક અને સામાજિક સમુદાયોને લગતા મુદ્દાઓ—જેમ કે લગ્ન, તલાક, વારસો અને અપનાવા—માટે એકસરખું કાનૂની માળખું અમલમાં આવશે. ખાતરી કરવામાં આવશે કે તમામ ધર્મ અને જાતિની મહિલાઓને સમાન અધિકારો મળે, જેથી તેમનો સન્માન અને સુરક્ષા વધુ મજબૂત બને."
જો કે બીજી તરફ મુસ્લિમ સમાજના અગ્રણીઓનું માનવું છે કે આ કાયદો લાગુ ન કરવો જોઈએ.
મુસ્લિમ માઇનૉરિટી કૉ-ઑર્ડિનેશન કમિટીના રાષ્ટ્રીય કન્વીનર મુજાહિદ નફીસે ગવર્નરને પત્ર લખી આ કાયદો લાગુ ન કરવા વિનંતી કરી છે.
પત્રમાં તેમણે લખ્યું છે, "ભારતનું બંધારણ વ્યક્તિગત હકો, સમુદાયિક સ્વતંત્રતા અને સમાજની બહુલતાવાદી પરંપરાઓ વચ્ચે નાજુક સંતુલન જાળવે છે. કલમ (બંધારણના અનુચ્છેદ) 14, 15, 19, 21, 25, 26 અને 29 સમાનતા, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા, ધર્મની સ્વતંત્રતા તેમજ લઘુમતી સમુદાયોની સંસ્કૃતિના સંરક્ષણના અધિકારોને સુરક્ષા આપે છે."
"પ્રસ્તાવિત UCC અધિનિયમ આ સંતુલનમાં ખલેલ પહોંચાડી શકે છે, કારણ કે તે વિવિધતાને પૂરતી સુરક્ષા આપ્યા વિના એકરૂપતા લાદવાનો પ્રયાસ કરે છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મુજાહિદ નફીસે જણાવ્યું, "આ કાયદો લઘુમતી સમુદાયોને અસમાન પ્રમાણમાં અસર કરી શકે છે, જેના કારણે પરોક્ષ ભેદભાવ ઊભો થવાનું જોખમ રહેલું છે. સમાનતા અને લિંગ ભેદભાવને દૂર કરવા જેવા ઉદ્દેશ્યો મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તે હાંસલ કરવા માટે એવા પગલાં લેવાં જોઈએ કે જે બંધારણીય સુરક્ષાને માન આપતા હોય અને કોઈ સમુદાયને નિશાન ન બનાવે."
તેઓએ વધુમાં જણાવ્યું હતું, "ગુજરાતના અનેક વિસ્તારોમાં મુસ્લિમ અને આદિવાસી સમુદાયો સાથે રહે છે અને લગ્ન જેવા મુદ્દાઓમાં બંને સમાજોના નિયમો અત્યાર સુધી સાથોસાથ ચાલ્યા છે. આવી સ્થિતિમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવશે તો બંને સમુદાયો વચ્ચે મતભેદો વધી શકે છે."
બંને સમાજોના આગેવાનો શું કહે છે?
આ મુદ્દે બીબીસી ગુજરાતીએ આમ આદમી પાર્ટીના આદિવાસી સમુદાયના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાત કરી.
તેમણે કહ્યું, "આ કાયદાના કારણે બંને સમાજોની સામાજિક એકતા પર નકારાત્મક અસર પડી શકે છે. બહુપત્નીત્વ અને વારસાના નિયમો બંને સમાજોએ તેમની પરંપરા મુજબ અનુસર્યા છે, પરંતુ હવે એક સમાજને કાયદામાંથી બહાર રાખવામાં આવ્યો છે, જે ગેરસમજ અને અસંતોષને જન્મ આપી શકે છે."
જો કે આદિવાસી સમાજના નિષ્ણાત ડૉ. આનંદ વસાવાનું કહેવું છે કે ભેદભાવ થવાની શક્યતા બહુ ઓછી છે.
ડૉ. આનંદ વસાવાએ કહ્યું, "આદિવાસીઓની પરંપરા અને રીતિ-રિવાજોને ધ્યાનમાં રાખીને તેમને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યા છે. આદિવાસી સમાજ ધીમે-ધીમે આધુનિક બની રહ્યો છે- પહેરવેશ, ભાષા અને જીવનશૈલી બદલાઈ રહી છે - એવા સમયમાં તેમની પરંપરાઓ તેમને સમાજ સાથે જોડીને રાખે છે. જ્યારે મુસ્લિમ સમાજને આવી પ્રકારની છૂટછાટ આપવી શક્ય નથી."
બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તલાકની સ્થિતિમાં કોર્ટની મંજૂરી પછી જ તલાક માન્ય ગણાશે.
કોર્ટની મંજૂરી વિના થયેલો તલાક અમાન્ય રહેશે. આવા અમાન્ય તલાક માટે ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને મહિલાઓને ફરી લગ્ન કરવા માટે કોઈ શરત વગરનો અધિકાર આપવામાં આવ્યો છે.
આ મુદ્દે બીબીસી ગુજરાતીએ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની લીગલ કમિટીના સભ્ય, ઍડ્વોકેટ તાહીર હકીમ સાથે પણ વાત કરી હતી.
તેમણે જણાવ્યું, "આ બિલને 'યુનિફૉર્મ' કહેવું ખોટું છે. એક તરફ લગભગ 15 ટકા વસ્તીને કાયદાની બહાર રાખવામાં આવી છે અને બીજી તરફ હિંદુ સમાજના રીતિ-રિવાજો મુજબ મુસ્લિમ સમાજને લગ્ન અને છૂટાછેડા જેવી બાબતોમાં વર્તણૂક કરવા કહેવામાં આવી રહ્યું છે. આ તો લઘુમતીઓ ઉપર બહુમતવાદ લાદવાનો પ્રયાસ છે."
સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈનાં અધ્યક્ષસ્થાને રચાયેલી એક ઉચ્ચસ્તરીય કમિટીએ UCC અંગેનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
રાજ્ય સરકારનો દાવો છે કે આ બિલ તૈયાર કરવા માટે વિવિધ જિલ્લાઓની મુલાકાત લેવામાં આવી અને લોકોના અભિપ્રાય જાણવામાં આવ્યા. ત્યાર બાદ વિસ્તૃત ચર્ચા કર્યા પછી તેનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો.
સરકારનું માનવું છે કે UCCના અમલથી રાજ્યની સામાજિક બંધારણ વધુ મજબૂત બનશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન