You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકાર શા માટે અત્યારે યુસીસીનો ખરડો લાવી, શું છે તેની રાજકીય ગણતરી?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
મંગળવારે ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડનો ખરડો બહુમતીથી પસાર થયો હતો. આના વિશે સાત કલાકની ચર્ચા બાદ મોડીરાતે બહુમતીથી આ ખરડો પસાર થયો હતો.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આને ગુજરાત તથા દેશ માટે 'ઐતિહાસિક ક્ષણ' ગણાવી હતી.
રાજ્યના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે આ બિલ કોઈ ધર્મવિરોધી નથી, પરંતુ મહિલા સશક્તિકરણ માટે છે.
કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ વિધાનગૃહમાં આ બિલનો વિરોધ કર્યો હતો અને સરકાર ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આ બિલ લાવી હોવાનો આરોપ મૂક્યો હતો.
આગામી સમયમાં રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તથા તેની જોગવાઈઓ અમલમાં આવશે. આ સાથે જ ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બનશે કે જ્યાં યુસીસીનો કાયદો લાગુ થશે.
વર્ષ 1995માં ભાજપે વિધાનસભાની ચૂંટણી લડી, ત્યારે યુસીસી લાવવાની વાત કરી હતી, જેને વર્ષ 2026માં કાયદાકીય માન્યતા મળી હતી.
રાજનેતાઓ અને રાજકીયપક્ષો શું કહે છે?
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ વિશે ચર્ચા કરતી વેળાએ કહ્યું હતું કે, 'આ બિલને કારણે બળજબરી, ધાકધમકી અને છેતરપિંડીથી લગ્ન થતાં અટકશે. એક કરતાં વધુ લગ્ન કરનારને સાત વર્ષની જેલની સજા થશે.'
'લગ્નની નોંધણી 60 દિવસમાં નહીં કરાવનારને રૂ. 10 હજારનો દંડ થશે, જેથી ખોટી માહિતી આપીને થતાં લગ્ન અટકશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'લિવઇનમાં રહેનાર તથા અગાઉથી પરિણીત હોય અને લિવઇન રહે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. જો લિવઇનમાં રહેનાર પાત્ર 18થી 21 વર્ષનું હોય, તો માતા-પિતાને જાણ કરવાની રહેશે.'
'ગુજરાત યુનિફૉર્મ સિવિલ કોડ, 2026' ગુજરાત અને ગુજરાતની હદ બહાર રહેતા ગુજરાતીઓની ઉપર પણ લાગુ થશે.
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે, 'યુસીસીથી સ્ત્રીઓનું સશક્તિકરણ થશે. આ બિલ કોઈ ધર્મ, આસ્થા કે પૂજા પદ્ધતિની વિરુદ્ધ નથી. કોઈ રિવાજ છિનવી લેવા માટે નથી, પરંતુ વર્ષો સુધી કાયદાની અસમાનતાને કારણે અન્યાય સહન કરતી મહિલાઓના હક્ક માટે છે. મહિલા સશક્તિકરણ માટે છે.'
ગુજરાત વિધાનસભામાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'આ બિલ લઘુમતી સમુદાયની ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચાડનારું છે. એનાથી શરિયતના નિયમોને સીધી અસર થાય છે. હું સમાજના આગેવાનોને મળીને આ બિલનો વિરોધ કરીશ અને બિલની હોળી કરીશ.'
ફેબ્રુઆરી-2025માં ગુજરાત સરકારે યુસીસીના ઘડતર માટે પાંચ સભ્યોની સમિતિની જાહેરાત કરી હતી, જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈએ કરી હતી.
આ કમિટીએ માર્ચ-2026ના બીજા અઠવાડિયામાં તેનો રિપોર્ટ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો.
આ પહેલાં ઉત્તરાખંડે યુસીસી માટે જે સમિતિ નિમી હતી, તેનાં વડાંપદે પણ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ જ હતાં.
કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું, 'ચૂંટણી સમયે આ બિલ લાવીને સરકાર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બિલ રાજકીય ઇરાદાથી લવાઈ રહ્યું છે. જો નારી સશક્તિકરણની વાત હોય, તો પૉસ્કોના (પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ) હજારો પૅન્ડિંગ કેસનો નિકાલ નથી આવ્યો. એ બતાવે છે કે ભાજપ પાછલા બારણેથી રાજકીય લાભ લેવા પ્રયાસ કરી રહ્યો છે. માટે અમે આ બિલને સમર્થન નથી આપતા.'
આ બિલની જોગવાઈઓ આદિવાસી સમાજ તથા બંધારણ દ્વારા સંરક્ષિત સમૂહોના રીતરિવાજોને અસર નહીં કરે.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિલની જોગવાઈઓમાંથી આદિવાસીઓને બાકાત રાખવા બદલ સરકારનો આભાર માન્યો હતો.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકાર આ બિલ લાવીને રાજકીય લાભ લઈ રહી છે."
ગુજરાતમાં રાજકીય પગ જમાવવા માટે પ્રયાસરત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) પાર્ટીએ રસ્તા ઉપર ઊતરીને આ બિલનો વિરોધ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એઆઈએમઆઈએમનાં કાઉન્સેલ તથા નેતા જેનાબ શેખે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, 'તમામ મુસ્લિમ બહેનો શરિયતને માને છે તથા અમે આ બિલનો સખત વિરોધ કરીશું.'
શું કહે છે રાજકીય નિષ્ણાતો?
માનવામાં આવી રહ્યું છે કે લગ્ન અને છૂટાછેડાને લઈને આ બિલમાં કરવામાં આવેલી જોગવાઈઓથી મહિલાઓ પ્રભાવિત થાય તેથી મહિલા મતદારોનો આ મામલે મત મહત્ત્વપૂર્ણ બની જાય છે. પરંતુ શું આ બિલ આવવાથી ભાજપને મહિલા મતોનો લાભ થશે?
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "આ બિલે રૂઢિવાદી લોકોનો સામનો કરવો પડશે. લિવઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન કરવાની જોગવાઈ સારી છે, પરંતુ રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા લોકો માટે આ વાત ખૂબ જ આધુનિક છે, કારણ કે ગુજરાતમાં ઘણી જ્ઞાતિઓ લગ્ન તથા છૂટાછેડા માટે પરંપરાગત વ્યવસ્થાને માને છે. એટલે જ અમુક સમાજમાં 'સાટા-પાટા' કે 'દાપું' આપીને લગ્ન કરવાનો રિવાજ છે."
"આદિવાસીઓને આ બિલમાંથી બાકાત રખાયા છે, એ મુદ્દો પણ ભાજપ માટે પડકારરૂપ છે. બંધારણમાં યુનિફૉર્મ સિવિલ કોડની વાત છે, એટલે તેનો અમલ થાય એમાં કશું ખોટું નથી, પણ આ બિલ દ્વારા વર્ષ 2022ની ચૂંટણી દરમિયાન પ્રમાણમાં ઉદાસીન રહેલાં મહિલા મતદાતાઓને આકર્ષી શકાય એમ નથી લાગતું."
વિદ્યુત જોશી માને છે કે આ પગલાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લાભ થઈ શકે છે. તેઓ કહે છે :
"આપણે હ્યુમન ઇન્ડેક્સમાં ઘણા પાછળ છીએ. આવા રિફૉર્મને કારણે વિદેશમાં ભારતની ટીકા કરનારા લાકો આપણી તરફેણમાં આવી શકશે, પણ આ ઘણી આગળની વાત છે. નજીકના સમયગાળામાં આનો કોઈ મોટો રાજકીય લાભ દેખાતો નથી."
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ભાજપ આ મુદ્દે હિંદુઓને આકર્ષવા પ્રયાસ કરી રહ્યો હોય તેમ જણાય છે."
"જોકે, આ મુદ્દો હવે બહુ ચાલે એમ નથી, કારણ કે હિંદુઓ માટે વારસાઈ, છૂટાછેડા અને લગ્નના જે કાયદા હતા, એ જ છે."
"બિહારની જેમ મહિલાઓનાં ખાતામાં સીધા પૈસા જમા કરાવવાની વાત હોય, તો મહિલાઓને આકર્ષી શકાય, પરંતુ આના માટે ગુજરાતનાં મહિલાઓમાં જાગૃતિ લાવવી પડશે."
આ પગલાથી ભાજપને નજીકના સમયમાં રાજકીય લાભ થવાની શક્યતાને શાહ નથી જોતા.
ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ પહેલાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે, તેને જોતાં આ બિલનું પસાર થવું એ મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યું છે.
વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય નિષ્ણાત દેવાંગ ભટ્ટનું માનવું છે, "આ બિલને કારણે નજીકના દિવસોમાં આવી રહેલી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની 'મિનિ વિધાનસભા જેવી' ચૂંટણીમાં ફાયદો થશે, કારણ કે 1995માં ગુજરાતમાં ભાજપની સરકાર બની, તે ચૂંટણીઢંઢેરામાં રામ મંદિરનું નિર્માણ, 370ની કલમ હઠાવવી, યુનિફૉર્મ સિવિલ કોડ તથા અમદાવાદનું નામ કર્ણાવતી કરવું, જેવી બાબતોનો સમાવેશ કર્યો હતો."
"સત્તાવિરોધી વલણને (ઍન્ટિ-ઇન્કમ્બન્સી) ખાળવા તથા પોતે આપેલાં વચનો પૂર્ણ કરે એટલે પોતે આપેલાં વચનો ઉપર જનતા વિશ્વાસ કરે એમ દેખાડવાનો પ્રયાસ કરશે."
"લગ્ન અને છૂટાછેડાના કાયદામાં જે રિફૉર્મ (સુધાર) થયા છે, તેના કારણે નવાં ભેણેલાં ફર્સ્ટ ટાઇમ મહિલા મતદાતાની નજરમાં ભાજપની સુધારાવાદી પક્ષ તરીકેની છાપ ઊભી થશે, જેનો આવનારા દિવસોમાં એમને ફાયદો થઈ શકે છે."
"આ કાયદામાંથી આદિવાસીઓને બાકાત રાખવામાં આવ્યા છે, એટલે ભાજપની વોટબૅન્કને કોઈ અસર નહીં થાય."
દેવાંગ ભટ્ટનું માનવું છે કે જો ભાજપ તેનાં સંગઠનનો ઉપયોગ કરીને મહિલા મતદારોમાં આ અંગે જાગૃતિ લાવવામાં સફળ થાય તો 'મિનિ વિધાનસભા' તથા વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં તેને લાભ થઈ શકે છે.
કાયદાની નોંધપાત્ર જોગવાઈઓ
- પિત્રાઈ લગ્નને મંજૂરી અપાઈ છે, પરંતુ લોહીના સંબંધમાં લગ્નને મંજૂરી અપાઈ નથી
- સમાજના કાયદા મુજબ અપાયેલા છૂટાછેડા માન્ય નહીં ગણાય
- વારસાઈ તથા છૂટાછેડાના તમામ કાયદાને સમાન બનાવાયા છે
- એક વર્ષથી અલગ રહેતાં પતિ-પત્ની પરસ્પર સહમતિથી છૂટાછેડા લઈ શકે છે
- કોર્ટમાંથી છૂટાછેડા મળ્યા બાદ જ વ્યક્તિ બીજું લગ્ન કરી શકશે
- જે મિલ્કતમાં વસિયત (વિલ) ન હોય, એમાં મહિલાઓ માટે વારસાની મિલ્કતમાં સમાન હક્કની વાત
- લિવઇન રિલેશનને એક મહિનામાં રજિસ્ટર નહીં કરાવનારને સજા તથા દંડ
- લિવઇનમાં રહેતી તથા ત્યજી દેવાયેલી મહિલાને ભરણપોષણ આપવાની જોગવાઈ
- માત્ર એક લગ્ન માન્ય. જોકે, આદિવાસી પરંપરાને ધ્યાનમાં રાખીને તેમને બાકાત રાખવામાં આવ્યા છે
- દરેક ધર્મ અને પરંપરા મુજબ થયેલ લગ્નની નોંધણી ફરજિયાત રહેશે, અને નોંધણી ન કરાવવાથી સજાની જોગવાઈ
- નિભાવખર્ચ સહિત તમામ મુદ્દે સમાન નિયમો
- ફરજિયાત લગ્ન નોંધણી ન કરાવવામાં આવે તો 10 હજાર સુધીનો દંડ, બળજબરી કે ધાકધમકીથી લગ્ન કરાવવામાં આવ્યા હોય તો સાત વર્ષ સુધીની સજા, અને એકથી વધુ લગ્ન કરવાના કિસ્સામાં સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ.
- સગીરા સાથે લિવઇન સંબંધના કિસ્સામાં પોક્સો ઍક્ટ હેઠળ સજાની જોગવાઈ.
- નિકાહ-હલાલા જેવી પ્રથાનો કાયમી અંત લાવવામાં આવશે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન