બાંગ્લાદેશ ચૂંટણી : ભારત શું શેખ હસીનાની પાર્ટી અવામી લીગથી ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Narendra Modi/X
- લેેખક, શુભજ્યોતિ ઘોષ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
ભારત અને બાંગ્લાદેશની અવામી લીગ વચ્ચેના સંબંધો માત્ર ઐતિહાસિક જ નથી, પરંતુ ઊંડા વિશ્વાસ પર પણ ટકેલા રહ્યા છે.
1971ના બાંગ્લાદેશ મુકિત સંગ્રામ દરમિયાન બનેલો આ સંબંધ છેલ્લાં 50 વર્ષથી પણ વધુ સમયથી ઉતારચઢાવ સાથે કાયમ છે.
પરંતુ દોઢ વર્ષ પહેલાં, જ્યારે અવામી લીગ પાર્ટી તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ભારતે પાર્ટીનાં નેતા શેખ હસીનાને શરણ આપી હતી. તેમને ભારતીય ધરતી પર સુરક્ષિત શરણ આપવામાં આવ્યું હતું અને તેઓ આજે પણ કડક સુરક્ષાના વચ્ચે ભારતનાં માનનીય મહેમાન તરીકે રહે છે.
આ ઉપરાંત, 5મી ઑગસ્ટ, 2024થી અત્યાર સુધી અવામી લીગના હજારો નેતા અને કાર્યકરો, પૂર્વ સાંસદ, મંત્રી, સમર્થક અને રાજકીય આયોજક પણ ભારતમાં શરણ લઈ ચૂક્યા છે.
આ દરમિયાન ભારતે વારંવાર અને સત્તાવાર રીતે કહ્યું હતું કે તે બાંગ્લાદેશમાં 'સમાવેશી' અને 'સહભાગી' ચૂંટણી ઇચ્છે છે. જેનો સ્પષ્ટ અર્થ એ હતો કે ભારત ઇચ્છતું હતું કે અવામી લીગને પણ ચૂંટણી લડવાનો અવસર મળે.
પરંતુ એવું થયું નથી. અવામી લીગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગ્યા પછી બાંગ્લાદેશ ચૂંટણી પંચે પાર્ટીને ચૂંટણી લડવાનો અવસર આપ્યો નહોતો. પરિણામે, 12 ફેબ્રુઆરી એટલે કે ચૂંટણી માટે આજે થઈ રહેલા મતદાનમાં અવામી લીગ ચૂંટણી મેદાનમાં નથી.
તો, સતત એક વર્ષ સુધી સમાવેશી ચૂંટણીની વાત કર્યા પછી હવે ભારત બાંગ્લાદેશમાં અવામી લીગ વિના થતી ચૂંટણીને એક હકીકત તરીકે સ્વીકારી રહ્યું હોય તેમ દેખાય છે.
ભારતે આ નિર્ણય સામે કોઈ સત્તાવાર વાંધો પણ નોંધાવ્યો નથી. તેનાથી વિપરીત, તેણે ઢાકામાં સત્તામાં આવવાની સૌથી વધુ શક્યતા ધરાવતી બે પાર્ટીઓ — બીએનપી અને જમાત એ ઇસ્લામી, સાથે સાવચેતીપૂર્વક સંપર્કો પણ શરૂ કરી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડા દિવસો પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહમાનને ખાનગી પત્ર મોકલ્યો હતો જેમાં પૂર્વ વડાં પ્રધાન ખાલિદા જિયાના અવસાન પર સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઢાકાની મુલાકાત દરમિયાન તે પત્ર જાતે જ તેમને સોંપ્યો હતો.
આ પૃષ્ઠભૂમિમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે કે ભારતનું એક સમયથી પોતાના વિશ્વાસુ સાથી અવામી લીગ પ્રત્યેનું દીર્ધકાલિન વલણ હવે કેવું દેખાય છે?
ઢાકામાં નવાં રાજકીય સમીકરણો ઊભાં થઈ રહ્યાં છે. તો શું ભારત પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને પોતાના જૂના મિત્રથી અંતર વધારી રહ્યું છે?
'સ્થાયી મિત્ર જેવું કંઈ નથી'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્લીમાં ઘણા જાણકારો માને છે કે ભારત બાંગ્લાદેશમાં હંમેશાં એક જ રાજકીય પાર્ટીની સાથે ઊભું રહેશે, એવું માનવું હકીકતથી દૂર છે.
ભારતના પૂર્વ રાજદૂત સૌમેન રૉયે બીબીસીને કહ્યું, "આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્થાયી મિત્ર જેવી કોઈ વસ્તુ નથી અને એ જ રીતે સ્થાયી દુશ્મન જેવી પણ નથી."
તેમણે આગળ કહ્યું, "તો હા, જ્યારે અવામી લીગ પાર્ટી મિત્ર હતી ત્યારે તે મિત્ર હતી. કામ થયું. પરંતુ સૌથી મહત્ત્વની વાત રાષ્ટ્રીય હિત છે. ભારત હંમેશાં પોતાનાં રાષ્ટ્રીય હિતોને જ પ્રાથમિકતા આપશે."
તેમણે ઉમેર્યું, "અવામી લીગના સમર્થકો પણ સામાન્ય લોકો જ છે. પરંતુ એવું કહેવું કે અમે ફક્ત અવામી લીગ સાથે જ સંબંધ રાખીશું અને બીજા કોઈ સાથે નહીં, એ ન તો યોગ્ય છે અને ન તો વાસ્તવિક. ભારતીય સરકાર એવું નહીં કરે."
તેમના કહેવા પ્રમાણે, ભારતની વિદેશ નીતિ રણનીતિક સ્વહિતથી ચાલે છે અને આગળ પણ એ જ સિદ્ધાંત બાંગ્લાદેશ પ્રત્યે ભારતનાં વલણોને નક્કી કરશે.
સરળ શબ્દોમાં કહીએ તો વાત એ છે કે જો ભારત આ નિષ્કર્ષે પહોંચે કે તેનું રાષ્ટ્રીય હિત અવામી લીગ સિવાય બીજી કોઈ પાર્ટી સાથે સંબંધ વધારવામાં વધુ સુરક્ષિત છે, તો તે નિઃસંકોચ એવું પગલું ભરી શકે છે.
અવામી લીગની 'રાજકીય પુનઃસ્થાપના' માટે ભારત વકીલાત કરશે?

ભારતમાં રહેલા કેટલાક અવામી લીગના નેતાઓ આશા રાખે છે કે ભારત બાંગ્લાદેશની નવી સરકાર સામે પાર્ટીની 'રાજકીય પુનઃસ્થાપના'નો મુદ્દો ઉઠાવી શકે છે.
તેમનો મત છે કે ભારત બાંગ્લાદેશના સંબંધોમાં ભારતનો પ્રભાવ વિશાળ છે અને તે પ્રભાવનો ઉપયોગ અવામી લીગને ફરીથી મુખ્ય રાજકીય પ્રવાહમાં લાવવામાં કરી શકાય છે.
પરંતુ દિલ્હીમાં બધા આ સાથે સહમત નથી. ઘણા વિશ્લેષકો માને છે કે અંતે 'આ કામ અવામી લીગને પોતે જ કરવું પડશે'.
ઇન્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ ઍનાલેસિસ એટલે કે આઈડીએસએનાં સિનિયર ફૅલો સ્મૃતિ પટનાયકે કહ્યું, "મને નથી લાગતું કે ભારત આ રીતે અવામી લીગની પુનઃસ્થાપના માટે સક્રિય ભૂમિકા ભજવશે."
તેમણે કહ્યું, "ભારતનું માનવું છે કે બાંગ્લાદેશમાં જે થયું તેની જવાબદારી અવામી લીગને જ લેવાની રહેશે. તેમણે સંકેતોને અવગણ્યા હતા."
પટનાયક કહે છે, "અવામી લીગવિરોધી ભાવના ધીમે ધીમે ભારતવિરોધી ભાવનામાં ફેરવાઈ ગઈ. ભારત નહીં ઇચ્છે કે તેઓ અવામી લીગનો ઍજન્ડા આગળ ધપાવતા દેખાય અને આ ભાવના વધુ ભડકે."
તેમનો દાવો છે કે બાંગ્લાદેશમાં ભારતનાં વ્યાપક સુરક્ષા, આર્થિક અને વેપારિક હિતોને ધ્યાનમાં રાખીને ભારત ક્યારેય પોતાને માત્ર એક જ રાજકીય પક્ષ સુધી મર્યાદિત નહીં રાખે.
તેમણે કહ્યું, "હા, વિચારધારા અને મતબૅન્કનાં રાજકારણને કારણે કેટલીક પાર્ટીઓ સાથે અમારા સંબંધ સારા રહેશે અને કેટલીક સાથે ઓછા સારા. પરંતુ સત્તામાં કોઈ પણ આવે, ભૂગોળની હકીકત એ જ રહે છે. તેને અવગણી ન શકાય."
શું શેખ હસીના બાંગ્લાદેશને સોંપી શકાય?

ભલે, ભારત બાંગ્લાદેશની અન્ય પાર્ટીઓ સાથે પોતાના સંબંધ મજબૂત કરી રહ્યું હોય, પરંતુ લગભગ સર્વસંમતિ છે કે ભારત અવામી લીગનાં નેતા અને પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશના અધિકારીઓને હવાલે નહીં કરે.
હસીનાને બાંગ્લાદેશની અદાલતે મૃત્યુદંડ આપ્યો છે.
લંડનમાં સ્થિત લેખક અને ભૂ-રાજકીય વિશ્લેષક પ્રિયજિત દેબસરકારે બીબીસીને કહ્યું, "ભારત હંમેશાં ધર્મ અથવા જાતિયતા ઉપર નહીં પરંતુ સેક્યુલરિઝમ, લોકતંત્ર, બહુલવાદ અને સહિયારા બાંગ્લા સાંસ્કૃતિક ઓળખના સંરક્ષણ પર ભાર મુકતું આવ્યું છે."
"આ મૂલ્યો અને મૂળભૂત અધિકારોની રક્ષા માટે ભારત હંમેશાં પોતાના દરવાજા ખુલ્લા રાખે છે."
"આ પરિસ્થિતિ આગળ પણ એવી જ રહેશે. અને મને લાગે છે કે બાંગ્લાદેશના ઇતિહાસમાં અવામી લીગનો સમય હજી બાકી છે."
તેમના જણાવ્યા મુજબ, હાલ શેખ હસીનાને પ્રતિર્પણ કરવાની કોઈ વાસ્તવિક શક્યતા નથી.
તેમણે કહ્યું, "હા, ભારત નવી સરકાર સાથે સારા સંબંધ ઇચ્છશે. પરંતુ અવામી લીગના નેતાઓ, જેમાં શેખ હસીના પણ શામેલ છે, હાલ માટે ભારતમાં જ રહે તેવી સંભાવના છે. આગળ શું થશે, તે ચૂંટણી પછીની પરિસ્થિતિઓ પર આધારિત રહેશે."
'અવામી લીગ રાજકીય રીતે પ્રાસંગિક રહેશે'

દિલ્લીના ઘણા લોકો માને છે કે હાલ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં અવામી લીગને બાંગ્લાદેશની રાજનીતિમાંથી હંમેશાં માટે દૂર રાખી શકાતી નથી.
બાંગ્લાદેશમાં ભારતનાં ભૂતપૂર્વ રાજદૂત રીવા ગાંગુલી દાસ કહે છે, "તમે તેમને કેટલો સમય બહાર રાખશો? છેલ્લાં વર્ષોના ચૂંટણી આંકડા જુઓ, લગભગ 30 ટકાથી વધુ મતદારો સતત અવામી લીગને સમર્થન આપે છે."
તેમણે કહ્યું, "પાર્ટી સેન્ટર લેફ્ટ રાજનીતિનું પ્રતિનિધિત્વ કરે છે અને બાંગ્લાદેશમાં એવી રાજનીતિ માટે સ્પષ્ટ જગ્યા છે, અને સારી એવી જગ્યા છે."
તે જ કારણે તેઓ માને છે કે અવામી લીગ કોઈ ન કોઈ સ્વરૂપે પરત ફરશે. ભલે એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે અને કેવી રીતે?
તેઓ કહે છે, "તે પહેલાં પણ આવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈને પાછી આવી છે. તેમાં સમય લાગે છે."
"આ પ્રશ્નનો જવાબ હજી મળવાનો બાકી છે, પરંતુ જે રાજનીતિનું તે પ્રતિનિધિત્વ કરે છે તે હજી પણ મહત્ત્વ ધરાવે છે. અને તે રાજનીતિને કઈ રીતે દૂર કરી શકાય? મને નથી લાગતું કે એવું શક્ય છે."
ભારતમાં રહેલા અવામી લીગ નેતાઓનું માનવું શું છે?

ભારતમાં શરણ લીધેલા સેંકડો અવામી લીગ નેતાઓ અને કાર્યકર્તાઓ માને છે કે ભારત અને અવામી લીગનો 'ઐતિહાસિક સંબંધ' એટલી સરળતાથી તૂટવાનો નથી.
બીબીસી ન્યૂઝ બાંગ્લાએ ભારતમાં રહેલા અનેક વરિષ્ઠ અવામી લીગ નેતાઓ સાથે વાત કરી. ઘણાએ ખાનગી વાતચીતમાં ખુલ્લું કહ્યું, પરંતુ પોતાનું નામ જાહેર કરવા તૈયાર નહોતા.
જોકે, અભિનેત્રીમાંથી નેતા બનેલાં રોકેયા પ્રાચી, જેઓ તાજેતરમાં દિલ્હીમાં અવામી લીગ દ્વારા યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં હાજર હતાં, તેણે બીબીસીને એક રેકૉર્ડેડ વીડિયોમાં કહ્યું, "ભારત માત્ર અવામી લીગનું મિત્ર નથી, ભારત બાંગ્લાદેશનું મિત્ર છે."
"જેમ ભારતમાં કૉંગ્રેસ વિના અથવા અમેરિકામાં ડેમૉક્રેટ્સ વિના સામેલ લોકતંત્ર કલ્પના મુશ્કેલ છે, તેમ બાંગ્લાદેશમાં અવામી લીગ વિના સમાવેશી લોકતંત્ર અસંભવ છે."
તેમનો દાવો હતો કે 'સમાવેશી લોકતંત્ર' ભારત બાંગ્લાદેશ સંબંધોનાં મૂળમાં છે, તેથી ભારત લાંબા સમય સુધી અવામી લીગ વિના બાંગ્લાદેશની રાજકીય વ્યવસ્થા સ્વીકારી શકતું નથી.
રોકેયા પ્રાચીએ કહ્યું, "1971માં ભારત અને અવામી લીગ વચ્ચે જે વિશ્વાસ, નિર્ભરતા, પ્રેમ અને ભાવનાત્મક સંબંધ બંધાયો હતો, 12 ફેબ્રુઆરીની ચૂંટણી તેના આધારને હઠાવી શકતી નથી."
"તેનાથી વિપરીત, અવામી લીગને ચૂંટણીમાંથી દૂર રાખવું અને સમાવેશી લોકતંત્રને કમજોર કરવું, પાડોશી દેશો માટે પણ અસ્થિરતા અને ચિંતા પેદા કરે છે."
ઘણા અવામી લીગ નેતાઓ માને છે કે અંતે ભારતને આ ચિંતાઓ પર કાર્યવાહી કરવી પડી શકે છે.
1975 પછીની પરિસ્થિતિ — હસીના ફરી ભારતમાં
1975માં શેખ મુજીબુર રહમાનની હત્યા પછી શેખ હસીનાએ ભારતમાં આશ્રય લીધો હતો અને દિલ્હીના પંડારા રોડ પર સરકારી ફ્લૅટમાં તેઓ રહ્યાં હતાં. આજેય તેઓ ભારતનાં મહેમાન છે, જોકે પરિસ્થિતિ સંપૂર્ણ અલગ છે.
ગત સમયે અવામી લીગને બાંગ્લાદેશની સત્તામાં પાછા આવવા 21 વર્ષ લાગ્યાં હતાં.
આ વખતે તે પાછી ફરી શકશે કે નહિ, અને જો ફરે તો કેટલા સમયમાં, તે સંપૂર્ણપણે અવામી લીગ પર જ નિર્ભર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












