મોરબી પુલ દુર્ઘટના : 141થી વધુ લોકોનાં મૃત્યુ, બચાવ કામગીરી આખો દિવસ ચાલશે

મોરબી દુર્ઘટનાની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

વાંચવાનો સમય: 6 મિનિટ
લાઇન
  • મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 141 લોકોનાં મોત થયાંની પુષ્ટિ
  • પાણીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ
  • બ્રિજની મૅનેજમેન્ટ ટીમ સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
  • મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
  • ગુજરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા અને સરકારના મંત્રીઓ બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી દુર્ઘટનાસ્થળે પહોંચ્યા.
  • એક સદી જૂનો પુલ સમારકામ બાદ દિવાળી પછી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર પહોંચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
  • મોરબીમાં જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર 02822 243300
  • આ અહેવાલ સતત અપડેટ થઈ રહ્યો છે.
લાઇન

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ પડી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હતા.

આઈજી અશોક યાદવે જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 141થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 177 લોકોને રેસ્ક્યુ કરાયા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જોકે આ મામલે મોરબી સિવિલ હૉસ્પિટલ દ્વારા બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાને આપવામાં આવેલી માહિતી પ્રમાણે હૉસ્પિટલમાં 122 મૃતદેહ આવ્યા છે.

ત્યારે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ કાર્યાલય અનુસાર 170 લોકોને બચાવવામાં આવ્યા છે.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાત્રે એક વાગ્યે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોનાં મૃત્યુ થયાંની પુષ્ટિ થઈ છે.

તેમણે કહ્યું કે, "ઘટના ઘટી એ બાદ ખૂબ જ ઝડપથી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી આવી પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળ અને હૉસ્પિટલની મુલાકાત લીધી હતી."

"પુલની કામગીરી માટે જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સરકાર પીડિતોને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છે."

તેમણે જણાવ્યું હતું કે, "આખી રાત હું અહીં હાજર હોઈશ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કલેક્ટરકચેરીથી બચાવકામગીરીનું મૉનિટરિંગ કરશે."

ગુજરાત સરકારના મંત્રીઓ

ઇમેજ સ્રોત, Gujarat Information Department

અગાઉ મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાએ સમાચાર એજન્સી એએનઆઈને માહિતી આપતા કહ્યું હતું કે "સાંજે 6.40 વાગ્યે પુલ તૂટી પડવાની ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી ઝડપથી શરૂ કરી દેવાઈ હતી."

"હજી 70થી વધારે લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે."

મોરબીના સાંસદ મોહન કુંડારિયાએ બીબીસી ગુજરાતી સાથ વાત કરતા કહ્યું હતું કે, "ઈજાગ્રસ્તોમાંથી કોઈ ગંભીર નથી. તેમને સામાન્ય ઈજાઓ થયેલી નથી. જે લોકો બહાર હતા તેમને કાઢી લેવાયા છે પરંતુ જે પાણીમાં કેટલા છે એ તંત્ર અને પરિવારો કહે ત્યારે માલૂમ પડે. તપાસ કરે એટલે ખબર પડે કે કેટલા લોકો પુલ પર હતા. પુલ પર ટિંગાતા હતા એમને બચાવી લેવાયા છે. "

તેમનું કહેવું છે કે, "ચાર જ દિવસ થયા પુલ ચાલુ થયા અને રજાનો દિવસ હતો એટલે વધુ લોકો આવ્યા એવું બની શકે."

"હજી મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે. સિંચાઈવિભાગની મશીનરી આવી ગઈ છે, જેની મદદથી ચેક ડૅમ તોડવામાં આવશે."

પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, UGC/Rajesh Ambaliya

"પાણી નીકળી જાય પછી ખબર પડશે કે અંદર કેટલા મૃતદેહો ફસાયેલા છે. કેમ કે માટી અને વેલ વધારે છે, એટલે પાણી કાઢ્યા બાદ જ ખબર પડશે."

"રાજકોટ, જામનગર અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી ટીમ અહીં મોકલવામાં આવી રહી છે."

બ્રિજેશ મેરજાએ મોરબી કૅબલ બ્રિજ દુર્ઘટના અંગે વાત પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે વડા પ્રધાન અને મુખ્ય મંત્રીએ મારી સાથે વાત કરી અને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર સત્વરે મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે."

વડોદરા અને અમદાવાદની બચાવ ટુકડી પણ ત્વરિતપણે મોરબી પહોંચશે. એનડીઆરએફને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

line

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાની તપાસ

હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, ANI

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, "એસડીઆરએફ અને પોલીસ બંને દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બ્રિજની મૅનેજમેન્ટ ટીમ સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે."

ગુજરાત સરકારે આઈએએસ અધિકારીના નેતૃત્વમાં પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. મ્યુનિસિપાલિટીઝના કમિશ્નર રાજકુમાર બેનીવાલ એસઆઈટીના વડા હશે અને રોડ તથા બિલ્ડિંગ વિભાગના સચિવ સંદીપ વસાવા, આઈજીપોલીસ સભાષ ત્રિવેદી અને સ્ટ્રક્ચરલ અને ક્વૉલિટી કંટ્રોલના નિષ્ણાત બે એન્જિનિયર્સ આ તપાસ ટીમના સભ્ય હશે.

line

દુર્ઘટનામાં ફસાયેલા લોકોની માહિતી માટે ટેલિફોન નંબર અને સહાયની જાહેરાત

દુર્ઘટનાસ્થળ

ઇમેજ સ્રોત, ANI

અધિકારીઓ તરફથી મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટેલિફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતીકરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારજનોને વડા પ્રધાન રાહત નીધિ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

વડા પ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, "વડા પ્રધાન મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે મોરબીમાં થયેલી દુર્ઘટના વિશે વાત કરી છે. તેમણે રાહતકાર્ય માટે ટીમો રવાના કરવાનું કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા અને અસરગ્રસ્તોને શક્ય એવી બધી મદદ આપવાનું કહ્યું છે."

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, "મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઈજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં છું."

line

ક્યારે ખુલ્લો મુકાયો હતો પુલ

મોરબી દુર્ઘટના

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

શહેરની પાસેથી પસાર થતી નદી પર આવેલો આ પુલ વર્ષોથી બંધ હતો. જોકે, તાજેતરમાં જ તેને સમારકામ બાદ ફરીથી લોકો માટે ખુલ્લો મુકાયો હતો.

મોરબી ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, નગરપાલિકામાં ઝૂલતો પુલ ઝરઝરિત હાલતમાં હતો એટલે તેનો વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. અજન્તા ઓરેવા ગ્રૂપે પુલના સમારકામ અને મેઇનટેનન્સની તૈયારી દર્શાવી હતી.

દિવાળી બાદની રજાઓ અને રવિવારને કારણે પુલ પણ ઘણા લોકો હોવાના અહેવાલો છે. પુલ શા કારણે તૂટ્યો તેના વિશે હજી કોઈ માહિતી નથી.

મોરબીના પ્રતિનિધિ અને ગુજરાત સરકારમાં મંત્રી બ્રિજેશ મેરજાએ ટ્વીટ કર્યું છે, "મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના ખુબ જ કમનસીબ છે. હું સ્થળ પર જ છું. સૌને નમ્ર અપીલ કે આ દુઃખની ઘડીમાં આપણે સૌ સાથે મળી શક્ય તેટલા લોકોને મદદરૂપ થઈએ."

તેમણે ઉમેર્યું છે કે જે જગ્યાએ બચાવ કાર્ય ચાલુ છે ત્યા ખોટી ભીડ ના કરીએ જેથી રાહતકાર્યમાં કોઈ અડચણ ના આવે.

line

મોરબીમાં રાહત અને બચાવકાર્ય

પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, AFP

  • મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવી છે.
  • આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને ઍરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કૉલમ અને ફાયર બ્રિગેડની ટીમો રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી મોરબી જવા માટે રવાના થયા છે.
  • એસ.ડી.આર.એફની ત્રણ તથા એસઆરપીની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે
  • રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં એક વૉર્ડ દુર્ઘટનાના અસરગ્રસ્તોની સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
  • એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. એએનઆઈ અનુસાર રક્ષા મંત્રાલયના અધિકારીઓ કહ્યું છે કે મોરબીમાં દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમોને લઈને વડોદરાથી ભારતીય વાયુસેનાનું વિમાન રવાના થયું છે. હજી વધુ એક વિમાન મોકલવામાં આવશે.
line

ક્યારે બન્યો હતો પુલ?

મોરબીમાં દુર્ઘટના

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/ UGC

દિવાળી બાદ ગુજરાતીઓના નવા વર્ષના દિવસે જ આ પુલને ખુલ્લો મુકાયો હતો.

યુરોપમાં ઉપલબ્ધ નવીનતમ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને મોરબીને એક આગવી ઓળખ આપવા માટે આ ઝૂલતા પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પૂલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનાને પગલે પુલ પર આવેલા પ્રવાસીઓ પૈકી અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા છે.

પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya/UGC

મોરબી નગરની સરકારી વેબસાઇટ અનુસાર, સો વર્ષ પહેલાં બાંધવામાં આવેલો આ ઝૂલતો પુલ એન્જિનિયરિંગ અજાયબી, મોરબીના શાસકોના પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક સ્વભાવને પ્રતિબિંબિત કરે છે.

તે દિવસોમાં યુરોપમાં ઉપલબ્ધ નવીનતમ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને મોરબીને એક આગવી ઓળખ આપવા માટે આ ઝૂલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો છે અને દરબારગઢ પૅલેસ અને લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડતી મચ્છુ નદી પર 233 મીટરની લંબાઈમાં ફેલાયેલો હતો.

આ અહેવાલ સતત અપડેટ થઈ રહ્યો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન