You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્કૂલ યુનિફૉર્મમાં ગોળી મારી દીધી : નેપાળમાં જેન ઝી પ્રદર્શનકર્તાઓ પર પોલીસ વડાના આદેશને પગલે કરાયો હતો ગોળીબાર- બીબીસીની તપાસ
- લેેખક, સુબીના શ્રેષ્ઠા અને દીપક ખરેલ
- પદ, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન
- વાંચવાનો સમય: 8 મિનિટ
નેપાળમાં હજારો યુવા, નિઃશસ્ત્ર પ્રદર્શનકર્તાઓ સામે ઘાતક ગોળીબારની મંજૂરી આપતો આદેશ દેશના ભૂતપૂર્વ પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યો હોવાનો ખુલાસો બીબીસીની તપાસમાં થયો છે.
દેશની રાજધાની કાઠમંડુમાં ગયા વર્ષે આઠ સપ્ટેમ્બરે માર્યા ગયેલા 19 લોકોમાં સ્કૂલ યુનિફૉર્મ પહેરેલો એક કિશોર પણ હતો. તે ભીડથી દૂર જઈ રહ્યો હતો ત્યારે તેના માથાના પાછળના ભાગમાં ગોળી વાગી હતી. આ ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા.
રાજકીય ભ્રષ્ટાચાર સંબંધે લાંબા સમયથી ઊકળતા રોષને પગલે આ કહેવાતું જનરેશન ઝેડનું (જેન ઝી) વિરોધપ્રદર્શન શરૂ થયું હતું.
તેમાં બનેલી ઘટનાઓએ વધુ ઉગ્ર વિરોધપ્રદર્શનને વેગ આપ્યો હતો. તેના પરિણામે નેપાળના વડા પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું અને એક દિવસ પછી તેમની સરકારનું પતન થયું હતું.
આઠમી સપ્ટેમ્બરની (2025) ઘટનાઓની વિગત આપતો પોલીસનો આંતરિક દસ્તાવેજ બીબીસી વર્લ્ડ સર્વિસની ટીમે જોયો છે.
તે દર્શાવે છે કે "'પીટર વન'" નામની કૉલ સાઇનનો ઉપયોગ કરતી કોઈ વ્યક્તિએ કર્ફ્યૂ અમલી થયાના 10 મિનિટ પછી અને સ્થળ પર તહેનાત અધિકારીઓ દ્વારા ઘાતક બળનો ઉપયોગ કરવાની વારંવારની વિનંતી પછી, તેના અધિકારીઓને "જરૂરી દળો તહેનાત" કરવા જણાવ્યું હતું.
'પીટર વન' કૉલ સાઇનનો ઉપયોગ નેપાળના ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ ચંદ્ર કુબેર ખાપુંગ કરતા હોવાનું માહિતગાર સૂત્રોએ બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશનને જણાવ્યું હતું.
પોતે પ્રસ્તુત આદેશ આપ્યો હોવાનો ઇનકાર ખાપુંગે કર્યો નથી, પરંતુ નેપાળ પોલીસ કહે છે કે સરકારી સુરક્ષા સમિતિ દ્વારા તેમને અધિકૃતતા આપવામાં આવ્યા પછી અને નેપાળી કાયદા અનુસાર અન્ય તમામ પ્રકારના બળના ઉપયોગ બાદ જ તે આદેશ આપવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાપુંગ નવેમ્બર-2025માં નિવૃત્ત થયા હતા. આ ઘટના બાબતે ટિપ્પણીની વિનંતીનો ખાપુંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
બીબીસીએ વીડિયો પુરાવાની તપાસ કરી હતી, જે દર્શાવે છે કે 19 પીડિતો પૈકીનો 17 વર્ષનો શ્રીયમ ચૌલાગેન સૌથી નાનો હતો, નિઃશસ્ત્ર હતો અને તેનું મૃત્યુ થયું, ત્યારે તે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
હજારો વીડિયો, ફોટોનું વિશ્લેષણ શું કહે છે?
આઠમી સપ્ટેમ્બરની ઘટનાઓની હવે પબ્લિક ઇન્ક્વાયરી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી તેનો કોઈ અહેવાલ બહાર આવ્યો નથી. અત્યાર સુધી કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી અને સામાન્ય ચૂંટણી પાંચમી માર્ચે યોજાવાની છે.
બીબીસીએ ગોળીબાર તરફ દોરી ગયેલી ઘટનાઓની સિલસિલાવાર માહિતી મેળવી છે. તેની વિગત લીક થયેલા પોલીસ લૉગમાંથી મળી છે અને ફરજ પરના અધિકારીઓના આંતરિક સંદેશા વ્યવહારમાંથી તેને સમર્થન મળે છે.
4,000થી વધારે વીડિયો તથા ફોટોગ્રાફ્સ સહિતનાં દૃશ્ય પુરાવાઓ તેમજ રસ્તાઓ અને કમાન્ડ સેન્ટર્સમાંથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને અમે નેપાળના તાજેતરના ઇતિહાસના સૌથી નાટકીય તથા ખૂનખાર દિવસો પૈકીના એકની સંપૂર્ણ જાણકારી મેળવી છે.
રસ્તાઓ અને કમાન્ડ સેન્ટર્સમાંથી સલામતી અધિકારીઓ ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા.
(ચેતવણીઃ આ સ્ટોરીમાં મૃતદેહોના ફોટોગ્રાફ્સ છે)
સોશિયલ મીડિયા પર આયોજન
નેપાળમાં લોકશાહી યુવાવસ્થામાં છે. લાંબા આંતરવિગ્રહ પછી 2008માં નેપાળ ગણરાજ્ય બન્યું હતું. 10 વર્ષ સુધી ચાલેલા તે આંતરવિગ્રહમાં 17,000થી વધારે લોકો માર્યા ગયા હતા.
દેશના નવા બંધારણમાં નવેસરથી શરૂઆતનું વચન આપવામાં આવ્યાના એક દાયકા પછી પણ અનેક યુવાઓનું કહેવું છે કે એ અપેક્ષાઓ હજુ સંતોષાઈ નથી. કેટલાક અનુમાન મુજબ, દેશમાં પ્રત્યેક પાંચમાંથી એક નેપાળી યુવા બેરોજગાર છે.
મોટાભાગના નિરાશા ઑનલાઇન અને ખાસ કરીને જનરેશન ઝેડ દ્વારા જાહેર કરવામાં આવી છે. જનરેશન ઝેડમાં અત્યારે જેમની વય 14થી 29 વર્ષની હોય તેવા લોકોનો સમાવેશ થાય છે.
જનરેશન ઝેડના કર્મશાલીઓ સોશિયલ મીડિયા પર ગયા ઑગસ્ટમાં 'નેપો બેબી' જેવા શબ્દ શેર કરવાનું શરૂ કર્યું હતું. ફેસબૂક, યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ઍક્સ જેવા કેટલાંક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર સરકારે ચોથી સપ્ટેમ્બરે પ્રતિબંધ લાદ્યો હતો.
તેથી કર્મશીલો ડિસ્કૉર્ડ જેવા ગેમિંગ ચૅટ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવા લાગ્યા હતા અને આ પ્લૅટફૉર્મ આયોજનનું કેન્દ્ર બની ગયું હતું.
યૂથ અગેન્સ્ટ કરપ્શન નામના એક સંગઠનના સભ્યોએ નેપાળી સંસદની બહાર આઠમી સપ્ટેમ્બરે વિરોધપ્રદર્શન યોજવાનું નક્કી કર્યું હતું.
શ્રીયમ ચૌલાગૈનના માતા ઇચ્છતાં ન હતાં કે તેમનો દીકરો તેમાં ભાગ લે.
તેમણે બીબીસીને કહ્યું હતું, "મેં તેને વિરોધપ્રદર્શનમાં ભાગ ન લેવા જણાવ્યું હતું. વિરોધપ્રદર્શનમાં કંઈ પણ થઈ શકતું હોય છે."
જોકે, શ્રીયમ રાજકારણમાં સક્રિય રીતે સંકળાયેલો હતો. શ્રીયમના પિતાના કહેવા મુજબ, "શ્રીયમ કહેતો હતો કે ભ્રષ્ટાચારે નેપાળને ખોખલું કરી નાખ્યું છે. તે મારા કરતાં વધુ જાણતો હતો."
શ્રીયમે તેના માતાને ખાતરી આપી હતી કે વિરોધપ્રદર્શનકર્તાઓને નિશાન બનાવવામાં આવશે નહીં, કારણ કે વિરોધપ્રદર્શનકર્તાઓ યુવા છે અને સ્કૂલના યુનિફૉર્મમાં છે.
શ્રીયમનાં માતાએ કહ્યું હતું, "એ ખૂબ જ જિજ્ઞાસુ હતો. એ જાણવા ઇચ્છતો હતો કે દુનિયામાં શું ચાલી રહ્યું છે."
રક્તપાત પૂર્વેના કલાકો
09.00 – મધ્ય કાઠમંડુના એક વ્યસ્ત ચોક મંડલા ખાતે યુવાનો એકઠા થવાનું શરૂ થયું હતું. આ ચોકમાં ઘણીવાર વિરોધપ્રદર્શનો થાય છે.
સંસદથી અનેક મીટર દૂર બૅરિકેડ લગાવવામાં આવી હતી.
નેપાળી દૈનિક ઑનલાઇન ન્યૂઝ પૉર્ટલ 'ઑનલાઇન ખબર'ના તંત્રી બસંત બસનેટ કહે છે, સુરક્ષા અધિકારીઓએ ધાર્યું હતું કે "ખૂબ જ ઓછી ભીડ એકઠી થશે. મેં સુરક્ષા કર્મચારીઓ તેમજ રાજકીય વર્ગના સભ્યો સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બાળકો જોડાઈ રહ્યાં છે."
લગભગ 30,000 લોકો વિરોધ પ્રદર્શિત કરવા આવ્યા, જે સંખ્યા પોલીસની અપેક્ષા કરતાં દસ ગણી વધારે હતી.
એક પોલીસ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું હતું, "અમારી પાસે (વિરોધ સંદર્ભે) અપેક્ષિત પૅટર્ન છે, પરંતુ આ નવી પેઢી સંદર્ભે અમે તેમના સોશિયલ મીડિયાને કે તેઓ એકઠા કઈ રીતે થાય છે તે સમજી શકતા નથી."
વિરોધપ્રદર્શન કરનારાઓએ સંસદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું, પરંતુ પોલીસ બૅરિકેડને કારણે તેઓ આગળ વધતા અટકી ગયા હતા.
- 11.47 – પ્રદર્શનકર્તાઓના એક જૂથને ઘેરાબંધીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળ્યો. તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયેલી પોલીસે બૅરિકેડ ત્યજી દીધી.
ભીડ આગળ વધી અને વિરોધપ્રદર્શનકર્તાઓ સંસદના દરવાજા સુધી પહોંચી ગયા.
12.15 – પ્રદર્શનકર્તાઓનું એક જૂથે સંસદ ભવન પરિસરની દિવાલ તોડી નાખી. પોલીસે ટિયરગૅસ છોડ્યો અને લાઠીચાર્જ કર્યો. આયોજકોએ ડિસ્કૉર્ડ પર લોકોને પાછા હઠવાની અપીલ કરી, પરંતુ પ્રદર્શનકર્તાઓની ભીડે પારોઠના પગલાં ન ભર્યા.
એ વીડિયો ફૂટેજમાં શ્રીયમ ગેટની બહાર જોવા મળે છે. તેણે લીલા રંગનું સ્કૂલ જમ્પર પહેર્યું છે. તેની પીઠ પર બૅકપૅક છે. તેના હાથમાં 'યૂથ અગેન્સ્ટ કરપ્શન' લખેલું એક બૅનર છે.
અન્ય સ્થળોએ વિરોધપ્રદર્શન વધારે હિંસક બને છે.
એવી રીતે ગોળીઓ મારી જાણે કોઈ દુશ્મન હોય
લગભગ ત્રણ કિલોમીટર દૂર, સરકારી કચેરીઓના સંકુલની પાસે આવેલા એક કંટ્રૉલ રૂમમાં વરિષ્ઠ અધિકારીઓ એકઠા થયા.
સિવિલ પોલીસ, સૈન્ય, આર્મ્ડ પોલીસ અને ગુપ્તચર અધિકારીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. સલામતી સમિતિનું અધ્યક્ષપદ રાજધાનીના ચીફ ડિસ્ટ્રિક્ટ ઑફિસર, સિનિયર સિવિલ સર્વન્ટ છબી લાલ રિજાલ સંભાળી રહ્યા છે.
કમાન્ડ સેન્ટરમાંના અધિકારીઓ સંસદીય સંકુલની ચારે તરફ લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરામાંથી લાઇવ વિઝ્યુઅલ ફીડ મેળવી રહ્યા છે. એક અજાણ્યા અધિકારીના જણાવ્યા અનુસાર, તેમની પાસે ટેલિવિઝન તો હતું, પરંતુ ડેડિકેટેડ ઇન્ટરનેટ લાઇન ન હતી અને તેમણે કનેક્શન સ્થાપવાના પ્રયાસ કર્યા ત્યારે એ "સ્ટેબલ થયું ન હતું."
એ દિવસે જે પોલીસ અધિકારીઓ ત્યાં હતા તેમની સાથે અમે વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ત્યાં ઉપસ્થિત એકેય વ્યક્તિને કે યુનિટને સંપૂર્ણ સ્થિતિની વ્યાપક સમજ ન હતી.
12.30 – મુખ્ય જિલ્લા અધિકારીએ તાત્કાલિક કર્ફ્યૂ લાદવાનો આદેશ આપ્યો. પરિણામે વિરોધપ્રદર્શન ગેરકાયદે બની ગયું. લોકોને ઘરે જવાનો આદેશ આપવા માટે અધિકારીઓએ લાઉડસ્પિકર્સનો ઉપયોગ કર્યો.
સરકારી આદેશનું પાલન કરવાને બદલે કેટલાક વિરોધપ્રદર્શનકર્તાઓએ એક પોલીસ યુનિટને ઘેરી લીધું અને તેમના પર ઇંટો ફેંકી તથા પથ્થરમારો કર્યો.
લગભગ એ જ સમયે સંસદના ગેટહાઉસમાં આગ લાગી હોવાનું ફૂટેજમાં દેખાય છે.
સંખ્યાબંધ પોલીસ સૂત્રો અને પોલીસ નોંધ અનુસાર, સંસદ રેડિયો અને કમાન્ડ સેન્ટરની આસપાસના ગભરાયેલા અધિકારીઓએ મદદ માટે વિનંતી કરી.
એક અનામ પોલીસ સૂત્રે અમને કહ્યું હતું, "અમારા પૈકીના કેટલાકને ખૂબ જ ગંભીર ઇજા થઈ હતી. અમારા પૈકીના એકને ઉગારવા માટે કહેવામાં આવ્યું હતું."
ગોળીબારનો આદેશ કોણે આપ્યો?
લાઠીચાર્જ, વૉટર કૅનન અને રબર બુલેટ્સ ભીડને વિખેરવામાં નિષ્ફળ રહી એ પછી જીવંત દારુગોળાના ઉપયોગની પરવાનગી આપવા તેમણે તેમના ઉપરી અધિકારીઓને વારંવાર વિનંતી કરી.
12.40 – અમે જોયેલી પોલીસ નોંધ અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમયે પરવાનગી આપવામાં આવી હતી.
'' 'પીટર વન' કૉલ સાઇન દ્વારા આ મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
'પીટર વન' તરફથી આપવામાં આવેલી સૂચના પોલીસ લૉગમાં નોંધાયેલી છેઃ "કર્ફ્યૂનો અમલ પહેલેથી જ ચાલુ છે. હવે પરવાનગી લેવાની જરૂર નથી. જરૂરી દળો તહેનાત કરો."
ચંદ્ર કુબેર ખાપુંગ આ 'પીટર વન' છે, જેઓ ઘટના બની ત્યારે પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ હતા.
બાદમાં નેપાળની સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીમાં ખાપુંગે આ જવાબદારીનો ઇનકાર કર્યો હતો અને નેપાળ પોલીસે બીબીસીને જણાવ્યું હતું કે ગોળીબારનો આદેશ આપવાનો નિર્ણય રિજાલના વડપણ હેઠળની સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.
પોલીસે એક પત્રમાં જણાવ્યું હતું કે ખાપુંગે "સમિતિના નિર્ણય પહેલાં બળનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો ન હતો."
જાહેર વ્યવસ્થાની પરિસ્થિતિમાં પોલીસને બદલે સુરક્ષા સમિતિ પાસે બળનો ઉપયોગ વધારવાના નિર્ણય વિશેનો કાનૂની અધિકાર હોય છે.
જોકે, પોતે ગોળીબાર કરવાની મંજૂરી આપી હોવાનો સમિતિના તત્કાલીન વડા રિજાલે કોર્ટમાં ઇનકાર કર્યો હતો.
અમે જે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી એ પૈકીના કેટલાકે ગુપ્ત માહિતીના એકત્રીકરણ, આયોજન અને આદેશ સંબંધી નિષ્ફળતાઓનો સ્વીકાર કર્યો હતો. ઘણાએ જણાવ્યું હતું કે ડિસ્કૉર્ડ (ચૅટ કરવા માટેની મોબાઇલ ઍપ્લિકેશન) મારફત ઝડપથી એકઠી થયેલી ભીડનો સામનો કરવા તેઓ તૈયાર ન હતા. લશ્કરી સહાય ઝડપથી કેમ ન પહોંચી, તેવો સવાલ કેટલાકે કર્યો હતો.
બેફામ ગોળીબાર, લોકો જીવ બચાવીને ભાગ્યા
ઘણા લોકો કહે છે કે તેઓ એ દિવસની સ્મૃતિ ભૂલી શકતા નથી.
એક વ્યક્તિએ કહ્યું હતું, "તેઓ જાણે કે દુશ્મન હોય એવી રીતે અમારા અધિકારીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો."
13.15 – જીવંત ગોળીબારથી થયેલું પહેલું મૃત્યુ બીબીસીએ રેકૉર્ડ કર્યું છે. વીડિયો પુરાવા દર્શાવે છે કે 34 વર્ષની વયના એક વિરોધપ્રદર્શનકર્તા બિનોદ મહાજનને માથામાં ઇજા સાથે લઈ જવામાં આવી રહ્યા છે. બાદમાં તેમનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
કર્ફ્યૂના આદેશ પછીના ધ ગોળીબારનું વિશ્લેષણ બીબીસી કરી શક્યું છે. અમે જે ફૂટેજની તપાસ કરી હતી તેમાં એકેય પીડિત હિંસામાં સામેલ હોવાનું જોવા મળ્યું નથી.
14.09 – એ દિવસે ગોળીબારનો ભોગ બનેલી સૌથી નાની વયની વ્યક્તિ શ્રીયમ હતો. તે શાંતિથી આગલી હરોળ તરફ જતો જોવા મળે છે. આગલી હરોળમાં અન્ય પ્રદર્શનકર્તાઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા. સ્કૂલ બૅગ સાથે આગળ વધતો શ્રીયમ તાળીઓ પાડે છે. તેના હાવભાવ શાંત દેખાય છે.
તેના માથાના પાછળના ભાગમાં એક ગોળી વાગે છે અને તે જમીન પર ફસડાઈ પડે છે.
14.21 – બીબીસીએ મેળવેલા વીડિયો પુરાવામાં પોલીસ સંસદીય સંકુલની અંદરથી વિરોધપ્રદર્શનકર્તાઓ પર ગોળીબાર કરતી જોવા મળે છે. પોલીસે લોકો પર સાત શૉટ્સ ફાયર કર્યાની પુષ્ટિ અમે કરી શક્યા છીએ.
વિરોધપ્રદર્શનકર્તાઓ ઇમારતો વચ્ચેની જગ્યામાં છુપાયા અને ફૂટપાથો પરથી ભાગીને વિખેરાઈ ગયા. કેટલાકે પોતાના રક્ષણ માટે પોતાના માથા ઢાંકી દીધાં. 24 વર્ષના યોગેન્દ્ર ન્યાઉપનેને ગોળી વાગી અને જીવલેણ ઇજા થઈ.
બીબીસીએ જે છેલ્લા ગોળીબારની નોંધ કરી છે તે લગભગ ચાર વાગ્યે કરવામાં આવ્યો હતો અને સાંજ સુધીમાં સંસદની બહારનું વિરોધપ્રદર્શન શાંત થઈ ગયું હતું, પરંતુ છૂટોછવાયો વિરોધ આખી રાત ચાલતો રહ્યો હતો.
77નાં મોત, કોઈએ જવાબદારી ન લીધી
સંસદના પ્રવેશદ્વાર પર આઠમી સપ્ટેમ્બરે થયેલી હત્યાઓને કારણે ગુસ્સે ભરાયેલા તમામ વયના નેપાળી લોકો બીજા દિવસે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમનો વિરોધ ઝડપથી ટોળાની હિંસામાં પરિવર્તિત થઈ ગયો હતો અને પોલીસ તેમનું પહેલું નિશાન બની હતી.
પોલીસ સ્ટેશનોને આગ ચાંપવામાં આવી હતી, અધિકારીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા.
સંસદીય પરિસર, સુપ્રીમ કોર્ટ અને અન્ય સરકારી ઇમારતોમાં આગ ચાંપવામાં આવી હતી. અશાંતિ દરમિયાન કુલ 77 લોકો માર્યા ગયા હતા.
રાજકારણીઓ, પોલીસ અને વિરોધપ્રદર્શનકર્તાઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાજકીય હિત ધરાવતા લોકો વતી કામ કરતાં સંગઠિત જૂથો અને ઘૂસણખોરોએ વિનાશમાં મદદ કરી હતી. જોકે, આ દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા અમને મળ્યા નથી.
તત્કાલીન વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ નવમી સપ્ટેમ્બરે બપોરે લગભગ અઢી વાગ્યે રાજીનામું આપ્યું હતું અને નેપાળની સરકાર ભાંગી પડી હતી. સમગ્ર કાઠમંડુમાં રાત સુધી ઇમારતો સળગતી રહી હતી અને 50થી વધુ લોકોનાં મોત થયાના અહેવાલ છે.
સૈન્યએ રાતે નવ વાગ્યે દેશનું નિયંત્રણ સંભાળ્યું હતું.
જે બન્યું તેની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.
તત્કાલીન ગૃહ મંત્રી રમેશ લેખક અને ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી ઓલીએ, ખાપુંગ તથા રિજાલની માફક, જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
નેપાળ પોલીસે બીબીસીને કહ્યું હતું, "અસાધારણ પરિસ્થિતિ હતી અને અમારા એક સાથે અનેક ઘટનાઓ સામે પ્રતિસાદ આપવો પડ્યો હતો."
દરમિયાન, બધા પીડિતોના પરિવારો ન્યાયની પ્રતિક્ષા કરી રહ્યા છે. શ્રીયમનાં માતા કાર્કી કહે છે કે તેઓ રડી શકતાં નથી.
તેઓ કહે છે, "મને નથી લાગતું કે શ્રીયમ મૃત્યુ પામ્યો છે. મને લાગે છે કે તે ટૂંક સમયમાં પાછો આવશે. મારા મનમાં સ્કૂલ યુનિફૉર્મમાં સજ્જ શ્રીયમની છબી છે. એ તેની સ્કૂલ બૅગ ઉલાળતો પાછો આવશે."
(પૂરક માહિતીઃ ઍન્ટોઇન શિરર, રફિદ હુસૈન અને વિક્ટૉરિયા અરાકેલ્યાન)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન