You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકન સંસ્થાએ આરએસએસ અને રૉ પર બૅન લગાવવાની માગ કેમ કરી, તેના રિપોર્ટમાં આખરે શું છે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારત સરકારે રૉ (રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રતિબંધ લાદવાની માગ કરનારા અમેરિકન ધાર્મિક સ્વાતંત્ર્ય પંચ (યુએસસીઆઇઆરએફ)ના રિપોર્ટને કડક ટીકા સાથે ખારિજ કર્યો છે.
ભારત સરકારે વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય પર અમેરિકન પંચનો રિપોર્ટ સંપૂર્ણપણે પક્ષપાતભરેલો અને પ્રેરિત છે.
તેમજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હાલ યુએસસીઆઇઆરએફના રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી.
આરએસએસના દિલ્હીસ્થિત વડા મથક કેશવ કુંજના મીડિયા વિભાગે બીબીસી હિંદીને જણાવ્યું, "હાલ આ અંગે આરએસએસે કોઈ નિવેદન જાહેર નથી કર્યું."
આરએસએસના ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે આ અંગે બીબીસીના સવાલનો જવાબ ન આપ્યો.
ભારત સરકારે આ પહેલાં પણ યુએસસીઆઇઆરએફના ધાર્મિક સ્વાતંત્ર્યના રિપોર્ટોને અગાઉથી ચાલતા આવતા પક્ષપાતપૂર્ણ વલણનો હવાલો આપીને નકારતી રહી છે
ભારત સરકારના વિદેશ મંત્રાલયે લેટેસ્ટ રિપોર્ટને પણ પક્ષપાતની એક જૂની પૅટર્નનો ભાગ ગણાવ્યો છે અને કહ્યું છે કે ભારત સરકાર પાછલાં ઘણાં વર્ષોથી આ તારણોને ખારિજ કરતી રહી છે.
આરએસએસને બૅન કરવાની માગ
યુએસસીઆઇઆરએફના લેટેસ્ટ રિપોર્ટમાં અમેરિકન વિદેશ મંત્રાલય પાસેથી ભારતને વિશેષ ચિંતાવાળા દેશ (સીપીસી) તરીકે નોમિનેટ કરવાની માગ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્યની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.
યુએસસીઆઇઆરએફે ભારતની ગુપ્તચર એજન્સી રૉ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ધાર્મિક સ્વાતંત્ર્ય ઉલ્લંઘનના ગંભીર આરોપ કર્યા છે અને કહ્યું છે કે અમેરિકાને રૉ અને આરએસએસ પર ટાર્ગેટેડ પ્રતિબંધ લાદવા જોઈએ.
પોતાની ભલામણોમાં યુએસસીઆઇઆરએફે કહ્યું છે કે રૉ અને આરએસએસ સાથે જોડાયેલાં લોકો અને સંસ્થાનોની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવે અને તેમના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવે.
આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે અમેરિકા ભારતને અપાતી સુરક્ષા સહાય અને દ્વિપક્ષીય કારોબારને ધાર્મિક સ્વાતંત્ર્યમાં સુધારો સાથે સાંકળે અને હથિયાર નિકાસ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત ભારતને હથિયારોના વેચાણ પર પણ રોક લગાવે.
જોકે, આ માત્ર ભલામણો છે, અને તેમને અમેરિકાના વિદેશ મંત્રાલયે સ્વીકારી નથી.
યુએસસીઆઇઆરએફ શું છે?
યુએસસીઆઇઆરએફ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ એક સ્વતંત્ર પંચ અને સરકારી એજન્સી છે, જેમાં અમેરિકાનાં બંને ઇન્ટરનૅશનલ દળો રિપબ્લિકન અને ડેમૉક્રૅટિક પાર્ટીના લોકો સામેલ છે.
આ પંચની સ્થાપના વર્ષ 1998માં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ અંતર્ગત કરાઈ હતી. આ સંઘીય સરકારી એજન્સી અમેરિકાના વિદેશ મંત્રાલયથી જુદી છે અને સ્વતંત્રપણે કામ કરે છે.
યુએસસીઆઇઆરએફ દર વર્ષે પોતાના ધાર્મિક સ્વાતંત્ર્ય રિપોર્ટ તૈયાર કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધાર્મિક સ્વાતંત્ર્ય વધારવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રાલય અને કૉંગ્રેસને નીતિલક્ષી ભલામણો કરે છે.
આ પંચ એ દેશોની ઓળખ કરે છે, જ્યાં ધાર્મિક સ્વાતંત્ર્યનું સતત, ગંભીર અને વ્યવસ્થિત ઉલ્લંઘન થાય છે. પંચની ભલામણો પર અમેરિકાના વિદેશ મંત્રાલય એવા દેશને વિશેષ ચિંતાવાળા દેશ (સીપીસી) અને વિશેષ નિગરાની યાદી (એસડબ્લ્યૂએલ)માં વર્ગીકૃત કરે છે.
આ રિપોર્ટમાં ભારત સિવાય મ્યાંમાર, ક્યૂબા, ચીન, ઇરીટ્રિયા, ઈરાન, નિકારાગુઆ, નાઇજીરિયા, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને ફરીથી સીપીસીમાં સામેલ કરવાની ભલામણ કરાઈ છે.
આ દેશ પહેલાંથી જ 29 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત પાછલી સીપીસી યાદીમાં સામેલ છે. નાઇજીરિયાને વિશેષપણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ઑક્ટોબર 2025માં સીપીસીમાં સામેલ કરી હતી.
આ વખતે યુએસસીઆઇઆરએફે ભારત, અફઘાનિસ્તાન, લીબિયા, સીરિયા અને વિયેતનામને પણ આ યાદીમાં સામેલ કરવાની માગ કરી છે. હાલ અમેરિકાના વિદેશ મંત્રાલયે 2026 માટે આ ભલામણો પર કોઈ કાર્યવાહી નથી કરી.
ભારત અંગે રિપોર્ટમાં શું કહેવાયું છે?
યુએસસીઆઇઆરએફના તાજા રિપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ 2025માં ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્યની સ્થિતિ સતત કથળતી ગઈ છે. આના કારણે ભારતને સીપીસીની યાદીમાં નાખવાની ભલામણ કરાઈ છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એવા કાયદા પસાર થયા છે જેમાં લઘુમતીઓનું ધાર્મિક સ્વાતંત્ર્ય નિશાન પર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં સરકાર શરણાર્થીઓને દેશમાંથી કાઢી રહી છે અને હિંદુત્વવાદી અને રાષ્ટ્રવાદી સમૂહોના લઘુમતીઓ પર હુમલા વધ્યા છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં હિંદુત્વવાદી સમૂહ કાયદાની બીક વિના ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પર હુમલા કરી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, "આખું વર્ષ, ઘણાં રાજ્યોમાં હિંદુ રાષ્ટ્રવાદી ભીડે કોઈ પણ જાતની સજાની બીક વિના મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પરેશાન કર્યા, ઉશ્કેર્યા અને તેમની વિરુદ્ધ હિંસા ભડકાવી."
રિપોર્ટમાં કહેવાયું છે કે, "માર્ચ 2025માં, મહારાષ્ટ્રમાં એક કટ્ટરપંથી હિંદુ રાષ્ટ્રવાદી સમૂહ, વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)એ 17મી સદીના મુઘલ શાસક ઔરંગઝેબની કબર હઠાવવાની માગ કરી, જે બાદ હિંસા ભડકી ઊઠી, એ બાદ થયેલાં રમખાણોમાં ડઝનો લોકો ઘાયલ થયા અને કર્ફ્યૂ લાદી દેવાયો."
ઓડિશામાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહેવાયું છે કે, "જૂન 2025માં, ઓડિશામાં એક હિંદુ રાષ્ટ્રવાદી ભીડે હિંદુ ધર્મમાં પરિવર્તન કરવાનો ઇનકાર કર્યા બાદ 20 ખ્રિસ્તી પરિવારો પર હુમલા કર્યા. આ હુમલા દરમિાયન પોલીસે કોઈ હસ્તક્ષેપ ન કર્યો, આઠ લોકો ઈજાગ્રસ્ત થયા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા."
ગત વર્ષે એપ્રિલમાં પહલગામમાં થયેલા ઉગ્રવાદી હુમલામાં 26 ભારતીયોના મૃત્યુ બાદની ઘટનાઓનો ઉલ્લેખ પણ આ રિપોર્ટમાં કરાયો છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, "કાશ્મીરમાં મુખ્યપણે હિંદુ પર્યટકો પર ધાર્મિક ઓળખને આધારે થયેલા હુમલામાં 26 લોકોનાં મૃત્યુ બાદ ભારતમાં મુસ્લિમવિરોધી ભાવના ભડકી."
"ઉત્તરપ્રદેશમાં, એક હિંદુ રાષ્ટ્રવાદી સમૂહના સ્વયંભૂ સભ્યોએ કથિતપણે કાશ્મીર હુમલામાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવાના સોગંધ લેતા એક મુસ્લિમ રેસ્ટોરાં કર્મચારીની ગોળી મારીને હત્યા કરી નાખી."
રિપોર્ટમાં કહેવાયું, "મે 2025માં, ભારતીય અધિકારીઓએ 15 ખ્રિસ્તી સહિત 40 રોહિંગ્યા શરણાર્થીઓને કસ્ટડીમાં લીધા, જેમને આંતરરાષ્ટ્રીય જેલ લઈ જવાયા અને લાઇફ વેસ્ટ સિવાય અન્ય કંઈ પણ આપ્યા વગર બર્માના કાંઠા સુધી તરવા માટે મજબૂર કરાયા."
"જુલાઈ 2025માં, ભારતીય અધિકારીઓએ ભારતીય નાગરિક હોવા છતાં આસામના સેંકડો બંગાળીભાષી મુસ્લિમોને બાંગ્લાદેશ મોકલી આપ્યા."
"સત્તાધારી ભાજપના અધિકારીઓએ નિષ્કાસિત લોકો પર બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ 'ઘૂસણખોરો' હોવાનો આરોપ લગાવ્યો."
આ રિપોર્ટમાં ખાસ કરીને વકફ કાયદો અને ઉત્તરાખંડ અને રાજ્ય લઘુમતી શિક્ષણ ઑથૉરિટી અધિનિયમ (યુએસએએમઇ)નો ઉલ્લેખ કર્યો છે.
નવા વકફ કાયદા અંતર્ગત વકફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોને સામેલ કરવાની પરવાનગી અપાઈ છે. તેમજ ઉત્તરાખંડના નવા કાયદાને લાગુ કરતા પહેલાં રાજ્યમાં મદરેસા બોર્ડને ખતમ કરી દેવાયું છે.
આ નવા કાયદાથી રાજ્યમાં મુસ્લિમોની મદરેસાની સાથોસાથ શીખો, બૌદ્ધો, જૈનો અને પારસીઓનાં શિક્ષણ સંસ્થાન સીધાં સરકારના નિયંત્રણમાં આવી જશે.
ભારત સરકારની પ્રતિક્રિયા
ભારત સરકારે આ રિપોર્ટને સંપૂર્ણપણે પ્રેરિત અને પક્ષપાતપૂર્ણ ગણાવતા ખારિજ કરી દીધો છે અને કહ્યું છે કે આ રિપોર્ટ નક્કર તથ્યો સિવાય વૈચારિક વિમર્શ પર આધારિત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક નિવેદનમાં કહ્યું કે યુએસસીઆઇઆરએફ પાછલાં કેટલાંક વર્ષોથી ભારતની એક 'વિકૃત અને સિલેક્ટિવ' છબિ રજૂ કરવા પર અડગ છે.
તેમણે રિપોર્ટની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે આ રિપોર્ટ નક્કર તથ્યો સિવાય સંદિગ્ધ સ્રોતો અને વૈચારિક વિમર્શ પર આધારિત છે.
તેમણે કહ્યું કે આ પ્રકારે વારંવાર કરાઈ રહેલી ભૂલો ખુદ પંચની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા કરે છે.
ભારતે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે, "યુએસસીઆઇઆરએફને અમેરિકામાં થઈ રહેલી ઉત્પાત અને હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ અને ભારતીય સમુદાય વિરુદ્ધ વધી રહેલી અસહિષ્ણુતા તરફ ધ્યાન આપવું જોઈએ."
રાજકીય પ્રતિક્રિયા
કૉંગ્રેસે કહ્યું છે કે, "મનુસ્મૃતિને આધારે દેશ ચલાવવાની વકીલાત કરનારા બંધારણવિરોધી આરએસએસ, દેશની એકતા અને ભાઈચારા માટે ઝેર છે"
યુએસસીઆઇઆરએફનો રિપોર્ટ આવ્યા બાદ ભારતમાં મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે ભારતીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે.
કૉંગ્રેસે એક્સ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું, "યુએસસીઆઇઆરએફનું કહેવું છે કે આરએસએસ લોકોની ધાર્મિક સ્વતંત્રતા માટે ખતરનાક છે. એ ધર્મના આધારે ભેદભાવ વધારવા માટે જવાબદાર છે."
કૉંગ્રેસે કહ્યું, "આરએસએસ પર તરત પ્રતિબંધ લાદવામાં આવે, તેની સંપત્તિ જપ્ત કરાય અને અમેરિકામાં આરએસએસની ઍન્ટ્રી પર રોક લગાવાય."
કૉંગ્રેસ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું કે મહાત્મા ગાંધીની હત્યા બાદ સરકાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
કૉંગ્રેસ કહ્યું, "મનુસ્મૃતિને આધારે દેશ ચલાવવાની વકીલાત કરનારો બંધારણવિરોધી આરએસએસ, દેશની એકતા અને ભાઈચારા માટે ઝેર છે."
તેમજ કૉંગ્રેસની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી અને બિહારના પૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું, "તેઓ કયા આધારે બોલી રહ્યા છે, સમજ નથી પડતી, પરંતુ આરએસએનું પોતાનું સ્થાન રહ્યું છે, ભલે સ્વતંત્રતાની વાત હોય કે એ બાદની એ હકારાત્મક કામ કરી રહ્યો છે. સંસ્થા ખરાબ નથી હોતી, કેટલાક માણસો ખરાબ હોય છે. એ માણસને બૅન કરવામાં આવે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન