You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પે 'નાટો' સહયોગી દેશોને કહ્યું 'કાગળનો વાઘ' અને 'કાયર' – ન્યૂઝ અપડેટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના સહયોગી દેશોને 'કાયર' કહ્યા છે.
ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરેલી પોસ્ટમાં તેમણે લખ્યું, "અમેરિકા વગર નાટો એક કાગળનો વાઘ છે. તે પરમાણુ શક્તિ ધરાવતા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ થવા નહોતા માગતા."
તેમણે લખ્યું, "અત્યારસુધીની આ લડાઈ સૈન્યની દૃષ્ટિએ જીતી લેવાઈ છે. તેનાં જોખમો પણ ઓછાં છે. તો તેમને ઑઇલની ઊંચી કિંમતોને લઈને ફરિયાદો છે. જે તેમને ચુકવવી પડે છે. પરંતુ તેઓ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ખોલવામાં મદદ નથી કરવા માગતા. જે એક સરળ સી-મિલેટ્રી કાર્યવાહી છે."
ટ્રમ્પે તેને જ ઑઇલની ઊંચી કિંમતનું કારણ ગણાવ્યું છે.
ટ્રમ્પે આગળ લખ્યું, "તેમના માટે આમ કરવું સરળ છે. તેમાં જોખમ પણ ઓછું છે. કાયર, અમે યાદ રાખીશું."
ગત રવિવારે ટ્રમ્પે યુરોપિય દેશોને ચીમકી આપી હતી કે જો તેઓ હોર્મુઝને ખોલવામાં મદદ નહીં કરે, તો તેઓ નાટોના ભવિષ્ય માટે ઘણું ખરાબ રહેશે.
આ ધમકી છતાં કોઈ યુરોપિય દેશે તેના માટે હામી નહોતી ભરી.
14મી માર્ચે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, "આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશ જહાજ મોકલે, જેથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝને એવા દેશથી જોખમ ન હોય, જે પૂર્ણત: સમાપ્ત થઈ ગયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રીમિયમ પેટ્રોલ મોંઘું થયું, સામાન્ય પેટ્રોલની કિંમતને લઈને ઇન્ડિયન ઑઇલે શું કહ્યું?
ભારતીય ઑઇલ કંપની ઇન્ડિયન ઑઇલે કહ્યું છે કે વૈશ્વિક ક્રૂડઑઇલની કિંમતોમાં વૃદ્ધિ છતાં ભારતમાં ઑટોમોટિવ ઈંધણની કિંમતોમાં વધારો કરવામાં નથી આવ્યો.
ક્રૂડઑઇલની કિંમતોને લઈને એક સાર્વજનિક સૂચનામાં ઇન્ડિયન ઑઇલે કહ્યું, "ગત 20 દિવસોમાં વૈશ્વિક ક્રૂડઑઇલની કિંમતો 71 અમેરિકન ડૉલરથી વધીને 156 અમેરિકન ડૉલર થઈ ગઈ છે."
"દુનિયાભરમાં ઈંધણની કિંમતોમાં વૃદ્ધિ છતાં ભારતમાં ઑટોમોટિવ ઈંધણની કિંમતોમાં વધારો નથી કરવામાં આવ્યો."
"ઇન્ડિયન ઑઇલે માત્ર પ્રીમિયમ પેટ્રોલ એક્સપી-95 ( જે કુલ પેટ્રોલ વેચાણના લગભગ પાંચ ટકા છે)ની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે."
પ્રીમિયમ પેટ્રોલ એક હાઈ-ઑક્ટેન ઈંધણ હોય છે, જે હાઈ-પર્ફોર્મન્સ કે હાઈ-કમ્પ્રેશન ધરાવતાં એન્જિન માટે હોય છે.
ત્યાં હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડે શુક્રવારે ઍક્સમાં પોસ્ટ કરીને કહ્યું, "ક્રૂડઑઇલની આપૂર્તિમાં કોઈ અવરોધ નથી. વધારાની ખેપ પહેલાંથી જ રસ્તામાં છે. આવનારા દિવસોમાં આ ભારતની આપૂર્તિ સ્થિતિને વધુ મજબૂત કરશે."
ઈરાની મિસાઇલના હુમલા બાદ ઇઝરાયલની રિફાઇનરીની હાલત કેવી છે?
ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, હાઇફામાં એક ઇઝરાયલી ઑઇલ રિફાઇનરીના ઑપરેટરનું કહેવું છે કે ગુરુવારે થયેલા ઈરાની મિસાઇલના હુમલામાં રિફાઇનરીને નુકસાન થયું છે.
જોકે, ઑપરેટરનું કહેવું છે કે ઑઇલ રિફાઇનરીનાં ઉત્પાદનની મહત્તમ સુવિધા ચાલુ છે.
હાઇફાની ઑઇલ રિફાઇનરી લિમિટેડનું કહેવું છે કે ગુરુવારના હુમલામાં જરૂરી માળખાને નુકસાન પહોંચ્યું છે, જેમાં કોઈના મોતની કે ઘાયલ થયાની ખબર નથી.
તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે રિફાઇનરીમાં જે ઉત્પાદન બંધ થઈ ગયું હતું તે પણ ચાલુ કરવામાં આવી રહ્યું છે.
ઉત્તર ઇઝરાયલની હાઇફા ખાડીમાં સ્થિત આ રિફાઇનરી, ઇઝરાયલની સૌથી મોટી ઑઇલ પ્રોસેસિંગ ફૅસિલિટી છે.
એસએન્ડપી ગ્લોબલના રિપોર્ટ અનુસાર, ઇઝરાયલની બે રિફાઇનરીમાં એક હાઇફા મહત્ત્વની છે. કારણકે તેનાથી ઇઝરાયલ તેની જરૂરિયાતનું 60 ટકા ડિઝલ અને 50 ગૅસોલીન મેળવે છે.
ઇઝરાયલે હવે દક્ષિણ સીરિયામાં કર્યો હુમલો, શું થયું?
ઇઝરાયલ સેનાએ કહ્યું છે ક સીરિયાના અલ-સુવેદા વિસ્તારમાં દ્રૂઝ વસ્તી પર થયેલા હુમલાના જવાબમાં તેણે સીરિયાઈ સરકાર સાથે જોડાયેલાં ઠેકાણાં પર હુમલા કર્યા છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે આ હુમલા તેમણે દક્ષિણ સીરિયામાં કર્યા હતા.
ઇઝરાયલી સેનાએ ઍક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, "ઇઝરાયલી સેના (આઈડીએફ)એ ગુરુવારે રાત્રે દક્ષિણ સીરિયામાં સરકારનાં સૈન્ય શિબિરોમાં આવેલા મુખ્યાલય અને હથિયારોનાં ઠેકાણાં પર હુમલો કર્યો. આ હુમલો ગુરુવારની એ ઘટનાઓના જવાબમાં કહ્યો હતો, જેમાં અલ-સુવેદા વિસ્તારમાં દ્રૂજ નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો હતો."
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલ લેબનોનમાં પણ હિઝબુલ્લાહ સામે સતત હુમલો કરી રહ્યું છે હવે તેણે સીરિયા પર પણ હુમલો કર્યો છે.
ઇઝરાયલે ગત વર્ષે પણ દ્રૂઝ સમુદાયની સુરક્ષાનો હવાલો આપીને સીરિયા પર સૈન્ય હુમલા કર્યા હતા.
કોણ છે દ્રૂઝ સમુદાય?
દ્રૂઝ સમુદાય સીરિયા, લેબનોન, ઇઝરાયલ તથા ઇઝરાયલના કબજા ધરાવતા ગોલાન હાઇટ્સમાં રહેતો ધાર્મિક લઘુમતિ સમુદાય છે. જે અરબી ભાષા બોલે છે.
દ્રૂજ ધર્મ શિયા ઇસ્લામની શાખા છે. જે પોતાની અલગ ઓળખ ધરાવે છે અને તેની માન્યતા અલગ છે.
તેના લગભગ દસ લાખ અનુયાયી છે અને તે પૈકી અડધા સીરિયામાં રહે છે. સીરિયાની કુલ વસ્તીના ત્રણ ટકા દ્રૂસ સમુદાય છે.
ઇઝરાયલ દ્રૂસ સમુદાયના લોકો સૈન્ય સેવાઓમાં પોતાની ભાગેદારી ધરાવે છે તેને કારણે ઇઝરાયલ તેમને વફાદાર માને છે.
ઇઝરાયલની સરકારી વસ્તી ગણતરી કરતી એજન્સી પ્રમાણે, ઇઝરાયલ તથા તેના કબજા ધરાવતા ગોલાન હાઇટ્સમાં લગભગ એક લાખ પચાર હજાર દ્રૂઝ રહે છે.
અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાની સેનાના પ્રવક્તાનું મોત, ઈરાને શું કહ્યું?
ઈરાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના પ્રવક્તા તથા જનસંપર્ક અધિકારી અલી મોહમ્મદ નૈનીનું મોત થઈ ગયું છે.
આઈઆરજીસી સાથે જોડાયેલા 'ફાર્સ' ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, અલી મોહમ્મદ નૈનીએ ચાર દશકો સુધી આઈઆરજીસીમાં સેવા આપી હતી. છેલ્લાં બે વર્ષથી તેઓ સંગઠનના પ્રવક્તા તરીકે કામ કરતા હતા.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ પણ અલી મોહમ્મદ નૈનીના ખતમ થવાની ખબર સાથેની પોસ્ટ કરી છે.
ઇઝરાયલી સેના ઈરાનની રાજધાની તહેરાન પર લગાતાર બૉમ્બમારો કરી રહી છે.
ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે ઈરાની શાસનના બુનિયાદી ઢાંચાને નિશાન બનાવાઈ રહ્યા છે. જોકે, એ સ્પષ્ટ નથી કે તેમનું લક્ષ્યાંક શું છે.
સતત બૉમ્બમારા છતાં ઈરાનનું કહેવું છે કે મિસાઇલોનું ઉત્પાદન ચાલુ છે. તેનું કહેવું છે કે મિસાઇલ ભંડારમાં કોઈ સમસ્યા નથી.
ત્યાં અમેરિકા અને ઇઝરાયલનું કહેવું છે કે તેમના હુમલામાં ઈરાનની મિસાઇલ ક્ષમતા કમજોર પડી ગઈ છે.
કતારના LNG પ્લાન્ટ પર હુમલા બાદ 'ગૅસના સપ્લાય પર પાંચ વર્ષ સુધી અસર'
સિંગાપોરથી એશિયા બિઝનેસ રિપોર્ટ નિક માર્શ લખે છે કે કતારના રાસ લાફાન એલએનજી પ્લાન્ટ પર ઈરાનના હુમલાની અસર પહેલાં જ વ્યાપક થશે એવું માનવામાં આવી રહ્યું છે.
હવે કતારના ઊર્જા મંત્રીએ કહ્યું છે કે તેમના દેશને અબજો ડૉલરનું નુકસાન થશે.
કતાર ખાતે રાસ લાફાન દુનિયાનો સૌથી મોટો એલએનજી પ્લાન્ટ છે.
કતારના ઊર્જા મંત્રી સાદ બિન શેરિદા અલ કાબીએ કહ્યું કે આવનારાં પાંચ વર્ષોમાં કતારની લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (એલએનજી) નિર્યાત ક્ષમતા 17 ટકા સુધી ઘટી જશે, જેનાથી દેશને દર વર્ષે લગભગ 20 અબજ ડૉલરનું નુકસાન થશે.
એલએનજીને બનાવવા માટે નૅચરલ ગૅસને ખૂબ નીચા તાપમાન પર ઠુંડું કરવામાં આવે છે. આના માટે મોટા ઔદ્યોગિક યુનિટનો ઉપયોગ થાય છે જેને "ટ્રેન" કહેવાય છે. ઊર્જા મંત્રી અનુસાર ઈરાનના હુમલામાં પ્લાન્ટની 14માંથી બે ટ્રેનને નુકસાન થયું છે.
ઈરાને ઇઝરાયલના હુમલાના જવાબમાં રાસ લાફાન પર હુમલો કર્યો છે. ઇઝરાયલે પર્શિયન ગલ્ફમાં સાઉથ પાર્સ ગૅસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો.
સિંગાપોર ખાતે ક્લીન ફ્યૂલ્સ માર્કેટ ઇન્ટેલિજન્સ કંપની હાઇસાઇટ્સના ચીફ કમર્શિયલ ઑફિસર સિયારન રોએ બીબીસી કહ્યું કે, "પાંચ વર્ષ સમારકામ માટે નથી, આનું ફરીથી સંપૂર્ણ રીતે નિર્માણ થશે."
એશિયન દેશ કતારના એલએનજી પર સૌથી વધારે આધાર રાખે છે, ખાસ જાપાન, દક્ષિણ કોરિયા, ભારત અને ચીન.
યુરોપમાં ઇટાલી અને બેલ્જિયમ પહેલાં જ મોટા ગ્રાહક છે પણ યુક્રેન યુદ્ધ બાદ રશિયન ગૅસથી દૂર થવાને કારણે સમગ્ર યુરોપ મધ્ય-પૂર્વના ગૅસ પર ઝડપથી નિર્ભર બની રહ્યું છે.
વિશ્વ સ્તર પર જોઈએ તો કતાર નૅચરલ ગૅસ બજારમાં સૌથી પ્રમુખ દેશ માનવામાં આવે છે.
રો કહે છે કે, "બજારમાં ભય કેટલાક મહિનાઓ જ નહીં પણ કેટલાંક વર્ષો સુધી રહી શકે છે. આનાથી એલએનજી આયાતને લઈને સરકારોનો વિચાર બદલી શકે છે."
એલએનજી એક મહત્ત્વપૂર્ણ ઊર્જા સ્રોત છે જેનો ઉપયોગ ઘરને ગરમ રાખવા, રસોઈ બનાવવા, જહાજો અને કારખાનાં ચલાવવામાં થાય છે. ખાતર બનાવવા માટે પણ તેની જરૂર પડે છે.
વડા પ્રધાન મોદી અને કતારના અમીર વચ્ચે ઊર્જા મથકો પર હુમલા પર શું વાત થઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ ગુરુવારે ફોન કરીને વાત કરી. બંને નેતાઓ વચ્ચે મધ્યપૂર્વનાં ઊર્જા મથકો પર થયેલા હુમલા પર વાત કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીરને ઈદનાં અભિનંદન આપ્યાં. મોદીએ આ મામલે ઍક્સ પર માહિતી આપી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "મેં મારા ભાઈ, કતારના અમીર તમીમ હમાદ અલ થાની સાથે વાત કરી અને તેમને તથા કતારના લોકોને ઈદના હાર્દિક અભિનંદન આપ્યા. મેં કહ્યું કે અમે કતાર સાથે એકજૂટ થઈને ઊભા છીએ અને ક્ષેત્રમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની કડક ટીકા કરીએ છીએ."
આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે કતારમાં ભારતીય સમુદાયની સંભાળ લેવા અને સહયોગ માટે શેખ તમીમ બિન હમાદ અલ થાનીનો આભાર વ્યક્ત કર્યો.
તેમણે એવું પણ કહ્યું કે, "અમે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત અને સ્વતંત્ર પરિવહનના પક્ષમાં છીએ."
કતારનાં ગૅસ મથકો પર ઈરાનના હુમલા પછી વડા પ્રધાને શું કહ્યું
કતારના વડા પ્રધાન અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ કહ્યું છે કે ઈરાન દ્વારા કતાર અને અખાતના નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
તેમણે ગુરુવારે તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.
ઈરાન આ યુદ્ધમાં કહેતું આવ્યું છે કે તે મધ્યપૂર્વમાં બીજા કોઈ દેશના ઠેકાણાને નહીં, પરંતુ માત્ર અમેરિકન મથકોને નિશાન બનાવે છે.
કતારના વડા પ્રધાને કહ્યું કે અફસોસ સાથે કહેવું પડે છે કે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા કતાર અને ક્ષેત્રના અન્ય દેશોમાં અમેરિકન હિતો અથવા ઠેકાણાને નિશાન બનાવાય છે. આ દાવાને નકારવામાં આવે છે અને કોઈ પણ આધાર પર તેને સ્વીકારી શકાય નહીં.
બુધવારે ઈરાન દ્વારા કતારનાં ઊર્જા મથકો પર હુમલા કરવામાં આવ્યા હતા.
એસ. જયશંકરે ઇઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી
ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારે ગુરુવારે એસ જયશંકર સાથે વાત કરી હતી અને પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વિશે માહિતી આપી હતી.
ગિદોન સારે ઍક્સ પર પોસ્ટમાં લખ્યું કે "મેં ભારતના વિદેશ મંત્રીને ઇરાનના આતંકી શાસન વિરુદ્ધ અમારી કાર્યવાહીની માહિતી આપી. મેં કહ્યું કે તેઓ હોર્મુઝની સામુદ્રધુનીમાં 'સમુદ્રી આતંકવાદ' કરે છે."
"આ માત્ર અમેરિકા અને ઇઝરાયલનો મામલો નથી, પરંતુ આખી દુનિયાની વ્યવસ્થા અને વૈશ્વિક અર્થતંત્રને પ્રભાવિત કરવાની બુનિયાદી સમસ્યા છે. આ ગંભીર સ્થિતિને રોકવામાં નહીં આવે તો તે આખી દુનિયામાં ફેલાઈ શકે છે."
નોરા ફતેહી અને સંજય દત્ત સહિત સાત લોકોને મહિલા પંચે સમન્સ મોકલ્યા
'સરકે ચુનર' ગીતના શબ્દોને લઈને વિવાદ થયો છે. હવે રાષ્ટ્રીય મહિલાપંચે ફિલ્મના નિર્માતા તથા અભિનેતા-અભિનેત્રીને સમન્સ પાઠવ્યા છે.
રાષ્ટ્રીય મહિલાપંચે જણાવ્યું કે આ ગીત પર જાતે સંજ્ઞાન લઈને તેમણે અભિનેત્રી નોરા ફતેહી, અભિનેતા સંજય દત્ત, ગીતકાર રકીબ આલમ, પ્રોડ્યુસર વેંકટ નારાયણ અને ડાયરેક્ટર કિરણ કુમારને પોતાની સમક્ષ હાજર થવા કહ્યું છે.
પંચે કહ્યું કે ગીતના શબ્દો પહેલી નજરમાં યૌન સંકેત આપનારા અને વાંધાજનક છે. સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા, આઈટી ઍક્ટ અને પૉક્સો ઍક્ટની જોગવાઈઓનો ભંગ કરતા જોવા મળે છે. આ મામલાને પંચે ગંભીરતાથી લીધું છે.
મહિલાપંચે અભિનેતા-અભિનેત્રીને 24 માર્ચ 2026ના બપોરે 12.30 વાગ્યે જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા કહ્યું છે. તેઓ હાજર નહીં થાય તો કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
'કેડી-ધ ડેવિલ' ફિલ્મના 'સરકે ચુનર' ગીત પર વિવાદ થયા પછઈ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન