You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વર્લ્ડકપ: ઝિમ્બાબ્વે સામે જીતવા છતાં ભારત સામે આ ત્રણ ચિંતાઓ કેમ છે?
ભારતે ટી20 વર્લ્ડકપના સુપર-8ના મુકાબલામાં ઝિમ્બાબ્વે સામે 72 રનથી જીત મેળવી છે.
પરંતુ આ જીત પછી પણ ભારતનું સેમિફાઇનલમાં પહોંચવાનું નક્કી થયું નથી. ભારતે આગામી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ફરજિયાત હરાવવું પડશે.
વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો મુકાબલો 1 માર્ચના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં થશે. વેસ્ટ ઇન્ડીઝને પણ જો સેમિફાઇનલમાં પ્રવેશવું હશે તો આ મુકાબલો જીતવો પડશે.
ઝિમ્બાબ્વે સામેની જીતથી ભારતની ટીમનો આફ્રિકા સામેની હાર પછી આત્મવિશ્વાસ પાછો આવ્યો હશે પરંતુ હજુ કેટલીક ચિંતાઓ છે જે ભારતને પરેશાન કરી શકે છે અને વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતને તેનું ધ્યાન રાખવું પડશે.
ઓપનિંગ જોડીનું પ્રદર્શન હજુ ભારત માટે ચિંતાનો વિષય
ભારત માટે આ વર્લ્ડકપમાં સારી ઓપનિંગ ભાગીદારી ન મળવી એ મોટી ચિંતાનો વિષય બન્યો છે.
ઓપનર અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામેની ગત મૅચ સિવાય નિષ્ફળ નીવડ્યા હતા અને ત્રણ વખત શૂન્યમાં અને એક વખત 15 રને જ આઉટ થઈ ગયા હતા.
ઝિમ્બાબ્વે સામે ભારતને પ્રમાણમાં સારી શરૂઆત મળી હતી અને ઓપનિંગ ભાગીદારી 48 રનની થઈ હતી.
ઇશાન કિશન ઓપનર તરીકે ટૉપ સ્કોરર રહ્યા છે અને છ મૅચમાં 214 રન નોંધાવ્યા છે. પરંતુ ભારતે ઝિમ્બાબ્વે સામેની મૅચમાં તેમને સ્થાને સંજુ સેમસનને ઓપનિંગમાં મોકલ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવામાં એ જોવું રહેશે કે ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે પણ આ સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઊતરે છે કે નહીં.
ઇએસપીએનક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ કૅપ્ટન અનિલ કુમ્બલેએ કહ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારત સામેનો સૌથી મોટો પડકાર પાવરપ્લે છે. ભારત પાવરપ્લેમાં કેવી બૅટિંગ કરે છે તેનાથી મૅચનું પરિણામ નક્કી થશે.
બીજી તરફ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન ફાફ ડુ પ્લૅસિએ કહ્યું હતું કે રોસ્ટન ચેઝ પહેલી ઓવર ફેંકશે તો એ ભારત સામે પડકારજનક રહેશે, ટૂંકમાં તેમનો ઇશારો પણ ભારતની બૅટિંગની શરૂઆત કેવી રહેશે એ તરફ હતો.
ભારત એ વેસ્ટ ઇન્ડીઝ સામે કયું ટીમ કૉમ્બિનેશન લઈને ઊતરે છે એ પણ જોવું રહ્યું.
બૉલરોનું પ્રદર્શન પણ ભારત માટે ચિંતાનો વિષય તો છે
ભારતે ઝિમ્બાબ્વે સામે ભલે 72 રને આરામથી જીત મેળવી હોય, પરંતુ જે રીતે બ્રાયન બેનેટે ભારતના બૉલરોને ફટકાર્યા હતા એ ચિંતા જન્માવનારું છે.
ઝિમ્બાબ્વે સામેની મૅચમાં વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 35 રન આપ્યા અને એક વિકેટ લીધી. તેમની બૉલિંગમાં જે રીતે આરામથી ત્રણ છગ્ગા આવ્યા એ ભારત માટે સારી વાત તો નથી જ. બે મૅચ પછી ટીમમાં આવેલા અક્ષર પટેલે પણ તેમની ચાર ઓવરમાં 35 રન આપ્યા હતા.
શિવમ દુબેએ માત્ર બે ઓવર ફેંકી અને 46 રન આપીને સૌથી ખર્ચાળ સાબિત થયા હતા.
ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટે લગભગ તમામ ભારતના બૉલરોનો આરામથી સામનો કર્યો હતો અને 59 બૉલમાં 97 રન ફટકાર્યા હતા.
વિકેટની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી સિવાય ભારતનો કોઈ બૉલર ટોચના 15 બૉલરોમાં આ વર્લ્ડકપમાં નથી. વરુણ ચક્રવર્તીએ છ મૅચમાં 11 વિકેટ લીધી છે.
શ્રેષ્ઠ બૉલિંગ ઇકોનૉમીનું પણ કંઈક આવું જ છે. જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ ઇકોનૉમીમાં આ વર્લ્ડકપમાં ત્રીજા નંબરે છે પરંતુ બાકીના ભારતના કોઈ બૉલર ટૉપ-20માં પણ નથી.
વેસ્ટ ઇન્ડીઝની મજબૂત બૅટિંગ લાઇનઅપ અને છગ્ગા ફટકારવાની ક્ષમતા
વેસ્ટ ઇન્ડીઝે જે રીતે 71 રનમાં છ વિકેટ ગુમાવ્યા પછી દક્ષિણ આફ્રિકા સામે ધુંઆધાર બૅટિંગ કરીને 176 રન બનાવ્યા હતા.
એ પરથી તેમની બૅટિંગ લાઇનઅપને ભારત હળવાશથી લઈ શકે તેમ નથી. ભારતના બૉલરોએ વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોને રન ફટકારતા રોકવા પડશે.
ભારતના બૅટ્સમેન તિલક વર્માએ એકવાર કહેલું કે, "જે રીતે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમેનો બૅટિંગ કરે છે એ અલગ જ રસ્તો છે. જો વિકેટ પડી જાય તો બીજા જ બૉલે તેઓ સિક્સ ફટકારે છે અને એ પછીના બૉલે ચોગ્ગો ફટકારવાની કોશિશ તો કરે જ છે."
વર્લ્ડકપમાં 11માંથી 4 વખત વેસ્ટ ઇન્ડીઝની ટીમ સૌથી વધારે છગ્ગા ફટકારનાર ટીમ બની ચૂકી છે અને આ વર્ષે પણ તે 66 છગ્ગા ફટકારીને ટોચના ક્રમે યથાવત છે.
શિમરોન હેટમાયરે છ મૅચમાં 17 છગ્ગા, શેરફાન રૂધરફોર્ડે 11 છગ્ગા અને જેસન હૉલ્ડરે 10 છગ્ગા ફટકાર્યા છે.
વેસ્ટ ઇન્ડીઝની બૅટિંગમાં ડૅપ્થ છે અને છેક નવમા નંબર સુધી આવનાર તેના ખેલાડીઓ સારી બૅટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝનું વર્લ્ડકપમાં પ્રદર્શન
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોનું આ વર્લ્ડકપમાં પ્રદર્શન સારું રહ્યું છે. બંને ટીમોએ ગ્રૂપ સ્ટેજમાં પોતાની ચારેય મૅચ જીતી હતી.
ભારતે પાકિસ્તાન, અમેરિકા, નેધરલૅન્ડ્ઝ અને નામીબિયાને હરાવ્યું હતું તો બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇટાલી અને નેપાળને હરાવ્યું હતું.
પરંતુ સુપર-8માં ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાર થઈ છે અને વેસ્ટ ઇન્ડીઝની પણ દક્ષિણ આફ્રિકા સામે હાર થઈ છે.
હાલમાં વેસ્ટ ઇન્ડીઝનો રનરેટ +1.791 છે અને ભારતનો રનરેટ -0.100 છે.
2016 પછી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વર્લ્ડકપમાં પહેલી વાર આમને સામને ટકરાઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં બંને ટીમો ઘણી બદલાઈ ચૂકી છે, એવામાં મુકાબલો રસપ્રદ રહે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન