ટ્રાન્સજેન્ડરની નવી ઓળખનો વિવાદ શું છે, લોકસભામાં રજૂ કરાયેલા આ નવા સંશોધન બિલમાં શું છે?

    • લેેખક, શુભાંગી મિશ્રા
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
  • વાંચવાનો સમય: 6 મિનિટ

તાજેતરમાં લોકસભામાં ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રૉટેક્શન ઑફ રાઇટ્સ) અમૅન્ડમેન્ટ બિલ, 2026 રજૂ થયું હતું, જેના કારણે ટ્રાન્સજેન્ડર સમુદાયમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

આ સુધાર બિલમાં ટ્રાન્જેન્ડરની ઓળખની પરિભાષાને બદલવાનો પ્રસ્તાવ છે. આ સુધારમાં 'જેન્ડર સૅલ્ફ આઇડૅન્ટિફિકેશન'ને (સ્વ-ઓળખ) માન્યતા આપવામાં નથી આવી.

સરકારનું કહેવું છે કે વર્ષ 2019ના કાયદાને લાગુ કરવામાં કેટલીક મુશ્કેલી પડી રહી છે, એટલે આ સુધાર (સંશોધન) જરૂરી હતો.

સરકારનું કહેવું છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિની વ્યાખ્યાને ફરીથી પરખવી જરૂરી હતી, જેથી કરીને ખરેખર જેમને તેની જરૂર હોય, માત્ર એવા લોકોને જ આ કાયદાનો લાભ મળે.

દેશના અલગ-અલગ ભાગોના ટ્રાન્સજેન્ડર સમુદાયના કેટલાક તબક્કામાં આ સુધાર વિધેયક પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

ટ્રાન્સજેન્ડર સમુદાયના કેટલાક પ્રતિનિધિઓના કહેવા પ્રમાણે, આ સુધારને કારણે ટ્રાન્સની ઓળખ જોખમમાં મૂકાશે. તેમનો આરોપ છે કે આ બિલ ટ્રાન્સ ઓળખને અપરાધિક દૃષ્ટિકોણથી જુએ છે.

અમે આ સુધાર તથા તેના કારણે ઊભા થતા કેટલાક સવાલોને તપાસવાનો પ્રયાસ કર્યો.

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકાર તથા સંબંધિત કાયદા

ભારતમાં ટ્રાન્સજેન્ડરની ઓળખ તથા હક્ક સંબંધિત કાયદાનો ઇતિહાસ નવો જ છે. સૌપ્રથમ વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ (એનએએલએસએ-નાલસા) સંબંધિત ચુકાદામાં ટ્રાન્સજેન્ડરોના હક્કોને માન્યતા આપી હતી.

સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો અને નાગિરકોને પોતાની જેન્ડર (લિંગ) જાતે જ નક્કી કરવાનો અધિકાર આપ્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે તેમને 'થર્ડ જેન્ડર'નો અધિકાર આપ્યો હતો.

સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ટ્રાન્સજેન્ડર લોકોને સામાજિક તથા શૈક્ષણિક દૃષ્ટિએ પછાતવર્ગ માનવામાં આવે. તેમને શિક્ષણ, રોજગાર તથા આરોગ્ય સંબંધે યોગ્ય સુવિધા તથા અનામત આપવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ ચુકાદા પછી સરકારે ટ્રાન્સ સમુદાયને અધિકારો આપવા માટે ઘડ્યો. જોકે, તેમાં પાંચ વર્ષ લાગ્યાં હતાં.

વર્ષ 2019માં પસાર થયેલા ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (હક્કોનું સંરક્ષણ) કાયદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની વ્યાખ્યા કાયદેસર રીતે નક્કી કરવામાં આવી. તે વ્યાખ્યા હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની પરિઘમાં અનેક પ્રકારના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

તેમાં એવી વ્યક્તિઓને પણ સામેલ કરવામાં આવી હતી, જેમને જન્મ સમયે જે લૈંગિક ઓળખ આપવામાં આવી હતી, તેનાથી અલગ જેન્ડર આઇડૅન્ટિટી આપવામાં આવી હોય. આ વ્યાખ્યામાં ટ્રાન્સજેન્ડર પુરુષ તથા મહિલા બંને સામેલ છે.

તેના માટે કોઈ વ્યક્તિએ જેન્ડર પરિવર્તન માટે કોઈ સર્જરી કરાવી હોય, તે જરૂરી ન હતું. આ વ્યાખ્યાની પરિઘમાં જેન્ડર, ક્વિર, ઇન્ટરસેક્સ વ્યક્તિની સાથે 'કિન્નર', 'હિજડા', 'અરાવની' તથા 'જોગતા' જેવી સામાજિક-સાંસ્કૃતિક ઓળખ ધરાવનારા સમુદાયો પણ સામેલ છે.

વર્ષ 2019ના કાયદા હેટળ પોતાના જેન્ડરની ઓળખ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો, પરંતુ ટ્રાન્સજેન્ડરની ઓળખ માટે જિલ્લા મૅજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર લેવાની પ્રક્રિયા પણ રાખવામાં આવી.

એ સમયે ટ્રાન્સજેન્ડરોના અધિકાર માટે કામ કરતા કર્મશીલોએ આ પ્રક્રિયાની ટીકા કરી હતા. તેમનું કહેવું હતું કે આ જોગવાઈ 'નાલસા' ચુકાદા દ્વારા મળેલા 'સ્વ-ઓળખના અધિકાર'ની વિરુદ્ધ છે.

એટલું જ નહીં, આ કાયદા હેઠળ ટ્રાન્સજેન્ડર સમુદાયની નીતિઓ માટે રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર પરિષદનું પણ કરવામાં આવ્યું હતું.

સુધાર કરવા પાછળ સરકારનો હેતુ

બીજી બાજુ, સરકારનું કહેવું છે કે હાલના કાયદામાં સુધાર કરવાનો હેતુ માત્ર એવા લોકોની મદદ કરવાનો છે, જેઓ જૈવિક કારણોસર સામાજિક ભેદભાવનો સામનો કરે છે. લોકસભામાં રજૂ થયેલા સંશોધન બિલના છેલ્લા ભાગમાં સરકારે તેનો હેતુ તથા કારણો જણાવ્યાં છે.

સરકારનું માનવું છે કે વર્ષ 2019ના કાયદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની જે વ્યાખ્યા આપવામાં આવી છે, તે અસ્પષ્ટ છે. તેના કારણે ખરા અર્થમાં જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડવામાં સરકારને મુશ્કેલી પડી રહી છે.

પરિભાષા સ્પષ્ટ ન હોવાના કારણે પોલીસ, કોર્ટ તથા પર્સનલ લૉ સંબંધના નિયમોને લાગુ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

સરકારનું કહેવું છે કે આ કાયદાનો હેતુ અલગ-અલગ જેન્ડર ધાવનાર, જાતે જેન્ડર પસંદ કરનાર અથવા તો સમયની સાથે જેમની ઓળખ બદલાતી રહે છે (જેન્ડર ફ્લયૂઇડ) વ્યક્તિઓને સુરક્ષા આપવાનો ન હતો.

સરકારનું એમ પણ કહેવું છે કે કેટલાક ગુનાને ધ્યાને લેતા આ સુધારા કરવા જરૂરી બની ગયા છે.

સરકારનો દાવો છે કે 'પુખ્તો અને બાળકોનું અપહરણ કરવામાં આવે છે તથા તેમને શારીરિક રીતે ગંભીર નુકસાન પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, તેમની ઉપર જાત-જાતનું દબાણ લાવીને તેમને 'ટ્રાન્સજેન્ડર'ની ઓળખ અપનાવવા માટે મજબૂર કરવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને તેમની પાસે ભીખ મંગાવી શકાય અને તેમનું આર્થિક શોષણ કરી શકાય.'

ટ્રાન્સજેન્ડર સમાજે આ પ્રકારની વાતો સામે સજ્જડ વિરોધ નોંધાવ્યો છે. તેમનો આરોપ છે કે તેમાં જે ભાષા વાપરવામાં આવી છે, તે સમગ્ર સમાજને શંકાસ્પદ તથા ગુનેગાર તરીકે રજૂ કરે છે.

ટ્રાન્સજેન્ડર તરીકે કોણ ઓળખાશે?

પ્રસ્તાવિત કાયદાની જોગવાઈઓ હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની પરિભાષાને મર્યાદિત કરી દેવામાં આવી છે.

એટલું જ નહીં, નવા કાયદામાં વર્ષ 2019ના કાયદાની કલમ 4(2) હઠાવવાનો પ્રસ્તાવ છે. આ કલમમાં જેન્ડરની સ્વ-ઓળખના અધિકારનો ઉલ્લેખ છે.

નવી વ્યાખ્યા મુજબ, કોઈપણ વ્યક્તિ જેઓ 'કિન્નર', 'હિજડા', 'અરાવની' કે 'જોગતા' જેવી સામાજિક-સાંસ્કૃતિક ઓળખ ધરાવનારા સમુદાયનો હોય, તો તેમને જ ટ્રાન્સજેન્ડર માનવામાં આવશે.

આ સિવાય 'ઇન્ટરસેક્સ' લોકોને પણ નવી વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યા છે. 'ઇન્ટરસેક્સ' એટલે એવા લોકો જેમના શારીરિક ગુણ, જેમકે જાતીય અંગો, ક્રૉમોઝોમ કે હૉર્મોન, જન્મ સમયે સામાન્ય પુરુષ કે સ્ત્રી કરતાં અલગ હોય છે.

જે બાળકો તથા વ્યક્તિઓને દગાથી ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખ અપનાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હોય, તેમને પણ સામેલ કરવામાં આવ્યા છે.

નવી વ્યાખ્યા વર્ષ 2019ના કાયદાની સરખામણીએ ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખને મર્યાદિત કરી દે છે. જેમાં 'સ્વ-ઓળખ' વાળી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સામેલ કરવામાં નથી આવી. જે મોટો સુધાર છે.

વર્ષ-2019ના કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ સીધી જ જિલ્લા કલેક્ટર પાસેથી ટ્રાન્સજેન્ડર તરીકેનું ઓળખપત્ર બનાવડાવી શકતી હતી.

પ્રસ્તાવિત સુધાર અનુસાર, આના માટે પહેલાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ કે સીએમઓ (ચીફ મેડિકલ ઑફિસર) પાસેથી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું પડશે.

આ સર્ટિફિકેટની સાથે જિલ્લા મૅજિસ્ટ્રેટને (ડીએમ) અરજી કરવાની રહેશે. જિલ્લા મૅજિસ્ટ્રેટ તપાસ કરશે અને જો તેમને સંતોષ થશે, તો જ ટ્રાન્સજેન્ડર તરીકેનું ઓળખપત્ર આપશે.

હૉસ્પિટલ મૅનેજમૅન્ટ દ્વારા જેન્ડર આઇડૅન્ટિટી સંબંધિત સર્જરીઓ વિશે ડીએમને સીધી માહિતી આપવાની રહેશે.

ટ્રાન્સજેન્ડર સમાજનું શું કહેવું છે?

બિલ સાર્વજનિક થયા બાદ દેશભરમાં ટ્રાન્સજેન્ડર સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેમની માંગ છે કે તેને પરત ખેંચવામાં આવે.

દિલ્હી, મુંબઈ, પુના અને હૈદરાબાદ જેવાં દેશનાં અલગ-અલગ શહેરોમાં પત્રકારપરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ઇન્ડિયન વુમન પ્રેસ કોરે ટ્રાન્સજેન્ડર યુવક-યુવતીઓએ આ સુધાર વિરુદ્ધ પત્રકારપરિષદ યોજીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

તેમનું કહેવું છે કે આ બિલને કારણે તેઓ ગભરાઈ ગયાં છે અને તેમને પોતાના ભવિષ્ય વિશે ચિંતા સતાવી રહી છે. આ સુધારને કારણે તેમની નિજતા ઉપર પ્રહાર થયો છે અને તેમનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે.

તેમની માગ છે કે સરકાર દ્વારા આ બિલને પરત ખેંચવામાં આવે. તેમનું કહેવું છે કે તેમણે આ સુધાર વિરુદ્ધ સંસદમાં અવાજ ઊઠાવવામાં આવે, તે માટે કેટલાક સંસદસભ્યોને અપીલ કરી છે.

એટલું જ નહીં વિરોધપ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં આ બિલની નકલ ફાડવામાં આવી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં રિસર્ચર કૃશાનુએ કહ્યું, "અમે સતતપણે મંત્રીઓને રજૂઆત કરી છે કે અમારા સમાજ સંબંધિત કાયદા ઘડતા પહેલાં અમારી સાથે વાટાઘાટો કરો, પરંતુ સરકારે અમારી સાથે કોઈ ચર્ચા-વિચારણા નથી કરી."

બીબીસી ન્યૂઝ હિંદી સાથે વાતચીત કરતાં કૃશાનુએ કહ્યું કે આ સુધારને કારણે ટ્રાન્સ-અધિકારોની બાબતમાં ભારત 200 વર્ષ પાછળ ધકેલાઈ જશે.

ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા ઋતુના કહેવા પ્રમાણે, "આ સુધાર અમારા અધિકારોને મર્યાદિત કરી દે છે. કોઈપણ વ્યક્તિને પોતાનાં શરીર વિશે નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઈએ. આ સુધાર પછી તે સરકારનાં નિયંત્રણ હેઠળ આવી જશે."

આ કાર્યકર્તાઓનું કહેવું છે કે સરકાર દ્વારા જે સુધાર બિલ રજૂ કરવામાં આવ્યું છે, તે સુપ્રીમ કોર્ટના 'નાલસા ચુકાદા'ની વિભાવના વિરુદ્ધ છે તથા તે ટ્રાન્સની ઓળખને વર્ગિકૃત કરે છે.

ટ્રાન્સજેન્ડર પ્રતિનિધિઓ દ્વારા સમાજ માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની પણ ટીકા કરી છે.

તેમણે પોતાના નિવેદનમાં આરોપ મૂક્યો છે, "આ ભાષા કુખ્યાત 'ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ'ની યાદ અપાવે છે. આ કાયદા હેઠળ 'ટ્રાન્સજેન્ડર' સમુદાય સહિત અનેક જાતિઓને 'જન્મજાત ગુનેગાર'ની શ્રેણીમાં મૂકી દેવામાં આવી હતી. તેમની ઉપર સતત નજર રાખવામાં આવતી હતી તથા સામાજિક રીતે તેમને બહિષ્કૃત કરી દેવામાં આવી હતી."

વકીલ રાઘવી શુક્લાએ બીબીસી હિંદી સાથે વાત કરતાં કહ્યું કે આ સુધાર વિધેયક હેઠળ જે દંડનીય જોગવાઈઓ કરવામાં આવી છે, તે ખૂબ જ અસ્પષ્ટ છે. તેની જોગવાઈઓ હેઠળ એકબીજાને મદદ કરનારી ટ્રાન્સ વ્યક્તિને પણ સરકાર ગુનેગાર જાહેર કરી શકે છે.

તેમનો આરોપ છે, "ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા બળજબરીપૂર્વક અન્ય વ્યક્તિને ટ્રાન્સજેન્ડર બનાવી દેવામાં આવે છે, એવું કહેવાનો પ્રયાસ થયો છે. એટલું જ નહીં અમે આદતપૂર્વક ગુના આચરતા હોય, તેવી છાપ ઊભી કરવામાં આવી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન