ઈરાનનો દાવો, 'નતાંઝ પરમાણુ કેન્દ્ર પર ફરી હુમલો થયો' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Satellite image (c) 2026 Vantor
ઈરાનની એટૉમિક ઍનર્જી ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે આજે સવારે ફરી ઈરાનના કેન્દ્રમાં સ્થિત નતાંઝ પરમાણુ કેન્દ્ર પર હુમલો કરાયો છે.
ઈરાની મીડિાયમાં જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે, "તપાસમાં ખબર પડી છે કે કેન્દ્રમાંથી રેડિયો ઍક્ટિવ પદાર્થ લીક નથી થયું."
એટૉમિક ઍનર્જી ઑર્ગેનાઇઝેશને આ હુમલાની નિંદા કરી છે. તેણે કહ્યું છે કે, "આ એનપીટી (પરમાણુ હથિયારોના પ્રસારને રોકવાની સંધિ) અને પરમાણુ સુરક્ષા સાથે સંકળાયેલા બીજા નિયમોનું ઉલ્લંઘન છે."
ઇન્ટરનૅશનલ એટૉમિક ઍનર્જી એજન્સી (આઇએઇએ)એ એક્સ પોસ્ટમાં લખ્યું, "અમને ઈરાને જણાવ્યું કે આજે નતાંઝ પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો છે. આ હુમલા બાદ બહારના વિસ્તારમાં રેડિયેશન લેવલમાં કોઈ વધારો નથી નોંધાયો. એજન્સી આ રિપોર્ટની તપાસ કરી રહી છે."
"આઇએઇએના ડાયરેક્ટર જનરલે ફરી વાર અપીલ કરી છે કે સૈન્ય સંયમ જાળવવામાં આવે, જેથી કોઈ પરમાણુ અકસ્માતનો ખતરો ન ઉદ્ભવે."
એટૉમિક ઍનર્જી ઑર્ગેનાઇઝેશન પહેલાં પણ નતાંઝ પર હુમલાની વાત સ્વીકારી હતી. તેણે 3 માર્ચે કહ્યું હતું કે બે દિવસ પહેલાં થયેલા હુમલા બાદ પણ રેડિયોઍક્ટિવ પદાર્થનું લીકેજ નથી જોવા મળ્યું.
ગત વર્ષે જૂન માસમાં અમેરિકાએ ત્રણ પરમાણુ કેન્દ્રો નતાંઝ અને ઇસ્ફહાન પર બૉમ્બ ફેંક્યા. એ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ હુમલાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને 'સંપૂર્ણપણે ખતમ કરી દીધો.
મથુરામાં પથ્થરમારા બાદ પોલીસે ટિયરગૅસ સેલ છોડ્યા

ઇમેજ સ્રોત, Suresh Kumar Saini
ઉત્તરપ્રદેશના મથુરામાં એક 'ગોરક્ષક'ના મૃત્યુ પર હંગામો થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગરા રેન્જના ડીઆઇજી શૈલેશકુમાર પાંડેએ જણાવ્યું કે કોસી ક્ષેત્ર પોલીસ સ્ટેશનમાં શનિવારે એક ઘટનામાં ફરસાબાબા નામની એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, જેઓ એક 'ગોરક્ષક' હતા.
ડીઆઇજીએ જણાવ્યું, "એ લોકોએ એક ટ્રક રોકી હતી અને તેની તલાશી લઈ રહ્યા હતા. આજે ગાઢ ધુમ્મસ હતું અને પાછળથી એક ટ્રકે રોકાયેલી ટ્રકને ટક્કર મારી દીધી અને એ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થવાને કારણે ફરસાબાબાનું મૃત્યુ થઈ ગયું. એ બાદ લોકોએ તેમનો મૃતદેહ છાતા-શેરગઢ ત્રણ રસ્તે મૂકીને જામ લગાવી દીધો."
તેમણે આગળ કહ્યું, "એ લોકો સાથે ઘણી વાર સુધી વાતચીત થઈ, પરંતુ અમુક લોકોએ પોલીસ પાર્ટી પર પથ્થરમારો કર્યો અને ટિયરગૅસ સેલ છોડીને ભીડને હઠાવવામાં આવી. મૃતદેહને સ્થળ પરથી હઠાવી લેવાયો છે અને એ વિસ્તારમાં સ્થિતિ એકદમ નિયંત્રણમાં છે."
ડીઆઇજીએ જણાવ્યું છે કે રોકવામાં આવેલી ટ્રકમાં ગોવંશ કે તેની સાથે સંકળાયેલી કોઈ વસ્તુ નહોતી અને 'ઉપદ્રવ મચાવનાર લોકોની ઓળખ કરાઈ રહી છે અને કેટલાક લોકોની ધરપકડ પણ કરાઈ છે. જે લોકો પથ્થરમારામાં સામેલ છે, તેમના વીડિયો ફૂટેજ અમારી પાસે છે, તેમને છોડવામાં નહીં આવે.'
ઈરાન જાપાની જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી રસ્તો આપવા તૈયાર, જાપાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, OLIVIER HOSLET/EPA/Shutterstock
ઈરાનના વિદેશ મત્રી અબ્બાસ અરાગચીએ જાપાનની ક્યોડો ન્યૂઝને જણાવ્યું કે ઈરાન, હોર્મુઝ સ્ટ્રેટથી જાપાનની સાથે જોડાયેલાં જહાજોને પસાર થવાની અનુમતિ આપવા તૈયાર છે.
ક્યોડો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, અરાગચીએ કહ્યું છે કે પ્રતિબંધોને અસ્થાયી રીતે હઠાવવાના પ્રયાસના ભાગરૂપે, જાપાની પક્ષ સાથે પહેલેથી જ વાતચીત શરૂ થઈ ગઈ છે.
અરાગચીની ટિપ્પણીઓના જવાબમાં, જાપાન સરકારના એક અધિકારીએ ક્યોડોને કહ્યું, "પ્રતિબંધો હઠાવવાનો સૌથી પ્રભાવી પ્રયાસ ઈરાની પક્ષ સાથે સીધી વાતચીત છે."
તેમણે કહ્યું કે ભલે જાપાની જહાજોને આ સમુદ્રી માર્ગથી પસાર થવાની અનુમતિ મળે, પરંતુ તેનાથી હાલ પેદા થયેલા ઊર્જા સંકટનું સમાધાન નહીં થાય.
જાપાનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ક્યોડોને કહ્યું કે અરાગચીના નિવેદન પાછળના 'અસલ ઉદ્દેશ'નું 'સાવધાનીપૂર્વક આકલન' કરવું જોઈએ.
બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને કમલા માનકેકર ઍવૉર્ડમાં 'સ્પેશિયલ મેન્શન' મળ્યું

બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને 'કમલા માનકેકર ઍવૉર્ડ ફૉર જર્નાલિઝમ ઑન જેન્ડર' માં સ્પેશિયલ મેન્શન મળ્યું છે.
નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સેન્ટર ખાતે વરિષ્ઠ પત્રકાર પી. સાઇનાથ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમને જેન્ડર આધારિત સ્ટિરિયોટાઇપ્સને તોડતા અહેવાલો માટે આ સન્માન મળ્યું છે. અમદાવાદમાં રોટલીઓ બનાવીને ગુજારો કરતી મહિલાઓ, ગુજરાતનાં ગામડાંમાં હૉકી રમતી મહિલા ખેલાડીઓ વિશેનો અહેવાલ તથા જળવાયુ પરિવર્તન મહિલાઓને કેવી રીતે અસર કરી રહ્યું છે તેવા અહેવાલો માટે તેમને આ સન્માન મળ્યું છે.
આ પુરસ્કાર 'ધ મીડિયા ફાઉન્ડેશન' સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

તેમને ગત અઠવાડિયે નવી દિલ્હીમાં પત્રકારિતા ક્ષેત્રમાં 'કાકા કાલેલકર સન્માન' પણ આપવામાં આવ્યું હતું. આ સન્માન તેમને ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા અને વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન, નોઇડા દ્વારા આપવામાં આવ્યું હતું.
તેજસ વૈદ્યને આ અગાઉ બે વખત પ્રતિષ્ઠિત રામનાથ ગોયન્કા પુરસ્કાર મળી ચૂક્યો છે.
તેમને વર્ષ 2023માં પ્રાદેશિક ભાષા શ્રેણી તથા વર્ષ 2024માં ગુજરાતી વૅબ ફિચર વીડિયો શ્રેણીમાં લાડલી પુરસ્કાર પણ મળ્યો હતો.
ઇરાકમાં ઇસ્લામિક રેજિસ્ટન્સે અમેરિકાનાં ઠેકાણાં પર હુમલાનો દાવો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
ઇરાકમાં ઇસ્લામિક રેજિસ્ટન્સે કહ્યું છે કે "છેલ્લા 24 કલાકમાં 25 ઑપરેશન્સ કર્યાં છે. જેમાં ઇરાક અને તેના ક્ષેત્રમાં દુશ્મનનાં ઠેકાણાંની સામે ડઝનો ડ્રૉન અને મિસાઇલથી હુમલા કરવામાં આવ્યા."
આ એવા સમયે થયું છે જ્યારે બગદાદમાં ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટની પાસે અમેરિકાના રાજનાયિકની સુવિધા પર ફરીથી ડ્રૉન વડે હુમલાની ખબર મળી રહી છે.
સૂત્રોએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, રાજનાયિક અને લૉજિસ્ટિક્સ હબ પર ઓછામાં ઓછા ત્રણ હુમલા થયા. મનાય છે કે તે અમેરિકાના સૈનિકોનું રહેઠાણ છે.
એક અધિકારીએ એએફપીને પુષ્ટિ કરી છે કે ત્રીજા હુમલા બાદ એ ઠેકાણાની પાસે આગ લાગી ગઈ હતી.
કેટલાક દિવસો પહેલા બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર કેટલાંક ડ્રૉન અને રૉકેટથી હુમલા થયા હતા. જ્યારે કે ગત સપ્તાહે પણ બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો થયો હતો.
અમેરિકાએ ઈરાનના ઑઇલ પર લાગેલો પ્રતિબંધ ઉઠાવી લીધો

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાની ઑઇલ પર લાગેલાં પ્રતિબંધોને અસ્થાયી રીતે હઠાવી દીધાં છે. આ ઑઇલ સમુદ્રમાં છે અને તેને અન્ય દેશોને વેચવાની અનુમતિ આપવામાં આવી રહી છે.
અમેરિકાના આ નિર્ણયનો ઉદ્દેશ વૈશ્વિક બજારમાં ઑઇલની કિંમતોને ઓછી કરવાનો છે.
અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે ઍક્સ પર એક નિવેદનમાં કહ્યું, "આ અલ્પકાલિક અનુમતિથી લગભગ 14 કરોડ બેરલ ઑઇલ વૈશ્વિક બજારોમાં આવી શકશે."
બેસેન્ટે કહ્યું કે ઈરાનના આ વેચાણ થકી તેને કોઈ 'નાણાકીય લાભ' પહોંચી શકે તે મુશ્કેલ છે.
બેસેન્ટે કહ્યું, "આ પરવાનગી કડકથી માત્ર એ જ ઑઇલ સુધી મર્યાદિત છે, જે પહેલેથી જ રસ્તામાં અટવાઈ ગયું છે. નવી ખરીદારીને પરવાનગી નથી. અમે ઑઇલની કિંમત ઓછી કરવા માટે ઈરાનનાં ઑઇલનો ઉપયોગ તેની સામે જ કરીશું."
યુદ્ધ શરૂ થયું ત્યાર પછી મધ્યપૂર્વમાં ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાની હુમલા બાદ ઑઇલ અને ગૅસની કિંમત વધી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























