અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા વાટાઘાટો થઈ, ટ્રમ્પે બીજું શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ઈરાન અને અમેરિકા યુદ્ધ, ઇઝરાયલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

વાંચવાનો સમય: 7 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે મધ્યપૂર્વ એશિયામાં જે તણાવ ચાલી રહ્યો છે, તેને 'સંપૂર્ણપણે ખતમ' કરવા માટે 'સકારાત્મક વાટાઘાટો' થઈ છે.

ટ્રમ્પે કહ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ઈરાનના વીજઉત્પાદન-મથકો કે અન્ય ઊર્જા માળખા ઉપર હુમલા નહીં કરે.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું, "મને એ વાત જણાવતા આનંદ થાય છે કે ગત બે દિવસ દરમિયાન મધ્યપૂર્વ એશિયામાં ટકરાવના સંપૂર્ણ સમાધાન અંગે ખૂબ જ સારી અને સકારાત્મક વાતચીત થઈ."

"આ સર્જનાત્મક વાટાઘાટોનાં વલણ અને માહોલને જોતાં આ વાતચીત આખું અઠવાડિયું ચાલશે. મેં વૉર ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપ્યા છે કે આગામી પાંચ દિવસ માટે ઈરાનનાં વીજઉત્પાદન એકમો તથા ઊર્જા માળખા ઉપરના તમામ સૈન્યહુમલા અટકાવી દેવામાં આવે. આ નિર્ણય બેઠકો અને ચર્ચાઓની સફળતા ઉપર આધાર રાખશે."

ટ્રમ્પના નિવેદન બાદ શૅરબજારોમાં તેજી જોવા મળી હતી. બ્રૅન્ટ ક્રૂડના ભાવોમાં 13 ટકા જેટલો ઘટાડો (96 ડૉલર પ્રતિ બૅરલ) આવી ગયો હતો. લંડનના શૅરબજારમાં બે ટકા જેટલો કડાકો બોલી ગયો હતો, પરંતુ આ અહેવાલ પછી તેમાં અડધા ટકા જેટલો ઊછાળો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ખોલવા માટે ઈરાનને 48 કલાકની મહેતલ આપી હતી. સાથે જ ધમકી આપી હતી કે જો ઈરાન એમ નહીં કરે તો તેના પાવર પ્લાન્ટ્સ ઉપર હુમલા કરવામાં આવશે તથા તેની શરૂઆત સૌથી મોટા પાવરપ્લાન્ટ સાથે કરવામાં આવશે.

લોકસભામાં મધ્યપૂર્વના સંઘર્ષ અંગે પીએમ મોદીએ કહ્યું - 'ભારત સામે અભૂતપૂર્વ પડકારો છે' – ન્યૂઝ અપડેટ

પીએમ મોદી, મધ્ય પૂર્વ એશિયા સંકટ, નરેન્દ્ર મોદી લોકસભામાં ભાષણ, એલપીજી સંકટ, મધ્યપૂર્વ એશિયા અંગે શું બોલ્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sansad tv

મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ભારત સામે 'અભૂતપૂર્વ પડકાર' છે.

પીએમ મોદીએ કહ્યું, "પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે. આ સંકટને ત્રણ અઠવાડિયાં જેટલો સમય થઈ રહ્યો છે. આ યુદ્ધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા તથા લોકોના જીવનને અસર પડી રહી છે."

"આ યુદ્ધને કારણે ભારતની સામે અભૂતપૂર્વ સમસ્યા ઊભી થઈ છે. આ પડકાર આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાસંબંધિત છે. આ સિવાય માનવીય પડકાર પણ ઊભો થયો છે."

"પ્રભાવિત દેશોમાં રહેલા ભારતીય મિશન ત્યાં ગયેલા ભારતીય પર્યટકો તથા ત્યાં રહેલા લોકો સાથે 24 કલાક સંપર્કમાં છે અને મદદ કરે છે. યુદ્ધ શરૂ થયું, ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ ત્રણ લાખ 75 હજાર ભારતીય સુરક્ષિત પરત ફર્યા છે."

પીએમ મોદીએ કહ્યું, "કોવિડ-19ની મહામારી સમયે આપણે અનેક પડકારોનો સામનો કર્યો હતો. હવે આપણે ફરી પડકારોનો સામનો ધીરજ, સંયમ અને શાંતિપૂર્વક કરવાનો છે. તે આપણે ઓળખ પણ છે અને શક્તિ પણ છે."

પીએમ મોદીએ કહ્યું હતું કે ઘર-ઘરને અસર કરતા એલપીજીનો પુરવઠો સરકાર માટે ચિંતાનો વિષય છે.

તેમણે મધ્યપૂર્વ એશિયાના સંકટને દૂર કરવા માટે ભારત જે કોઈ રીતે મદદરૂપ થઈ શકે એમ હશે, તે મદદ કરશે, એમ પણ જણાવ્યું હતું.

અમેરિકા: ન્યૂયૉર્ક ઍરપૉર્ટ પર વિમાન એક ટ્રક સાથે અથડાયું, કેટલાક ઘાયલ

ન્યૂયૉર્કના ઍરપૉર્ટ પર ઍર કૅનેડાનું એક વિમાન સોમવારના પૉર્ટ ઑથોરિટીની એક ટ્રક સાથે અથડાયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂયૉર્કના ઍરપૉર્ટ પર ઍર કૅનેડાનું એક વિમાન સોમવારના પૉર્ટ ઑથોરિટીની એક ટ્રક સાથે અથડાયું

ન્યૂયૉર્કના લા ગાર્ડિયા ઍરપૉર્ટ પર એક વિમાન એક ટ્રક સાથે અથડાઈ ગયું. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે.

અમેરિકામાં બીબીસીના પાર્ટનર સીબીએસ ન્યૂઝે જણાવ્યું કે આ વિમાન કૅનેડાના મૉન્ટ્રિયલથી આવી રહ્યું હતું અને લૅન્ડિંગ કરી લીધું હતું.

સીબીએસ ન્યૂઝ અનુસાર, જ્યારે વિમાન રનવે પર લૅન્ડિંગ પછી રોકાવા જઈ રહ્યું હતું ત્યારે તેની ન્યૂયૉર્ક અને ન્યૂ જર્સી પૉર્ટ ઑથોરિટીની એક ટ્રક સાથે ટક્કર થઈ. આ ઑથોરિટી આ ઍરપૉર્ટનું સંચાલન કરે છે.

દુર્ઘટનાગ્રસ્ત વિમાન સીઆરજે 900 મૉડલનું એક નાનું વિમાન હતું અને જેમાં 70થી 90 લોકો સવાર હતા. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ દુર્ઘટના પછી ન્યૂયૉર્કના લા ગાર્ડિયા ઍરપૉર્ટની આગલા સૂચન સુધી બંધ કરવામાં આવ્યું છે.

અમેરિકાના સંઘીય એવિએશન પ્રશાસને રવિવાર રાત્રે ઍરપૉર્ટ માટે 'ગ્રાઉન્ડ સ્ટૉપ' (ઉડાણો રોકવાનો આદેશ) આપ્યો અને કહ્યું કે આ આદેશ લંબાવી શકાય છે.

અબુ ધાબીમાં મિસાઇલના ટુકડાથી એક ભારતીય વ્યક્તિ ઈજાગ્રસ્ત, અધિકારીઓએ શું જણાવ્યું

સોમવાર સવારે ઇઝરાયલના દરિયાકાંઠાના શહેરના આકાશમાં ઈરાની હુમલાની તસવીર, કેટલાક ખાડી દેશોનો દાવો છે કે તેમના ઍર ડિફેન્સ સિસ્ટમે મિસાઇલ અને ડ્રોન હુમલાને રોક્યા છે.

ઇમેજ સ્રોત, JACK GUEZ / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સોમવાર સવારે ઇઝરાયલના દરિયાકાંઠાના શહેરના આકાશમાં ઈરાની હુમલાની તસવીર, કેટલાક ખાડી દેશોનો દાવો છે કે તેમના ઍર ડિફેન્સ સિસ્ટમે મિસાઇલ અને ડ્રોન હુમલાને રોક્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની રાજધાની અબુ ધાબીમાં મિસાઇલનો કાટમાળ પડવાથી એક ભારતીય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ થઈ ગઈ છે.

અબુ ધાબીના સરકારી મીડિયાએ અધિકારીઓને ટાંકતા કહ્યું છે કે આ ઘટના ઍર ડિફેન્સ સિસ્ટમથી એક બૅલેસ્ટિક મિસાઇલને સફળતાપૂર્વક રોક્યા બાદ થઈ. આ ઘટનામાં એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે.

અધિકારીઓએ કહ્યું કે સામાન્ય જનતાને માત્ર આધિકારિક સ્રોતથી જ જાણકારી લેવી જોઈએ અને અફવા અથવા અપુષ્ટ માહિતીથી સાવચેત રહેવું જોઈએ અને આવી માહિતી અન્ય લોકોને પણ ન આપવી જોઈએ.

સમાચાર એજન્સી પીટીઆઈએ પણ અબુ ધાબીમાં મિસાઇલનો કાટમાળ પડવાથી એક ભારતીય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાની માહિતી આપી છે.

પીટીઆઈ અનુસાર, "અધિકારીએ જણાવ્યું કે સોમવારના અબુ ધાબીમાં એક બૅલેસ્ટિક મિસાઇલને સફળતાપૂર્વક રોક્યા બાદ, અલ-શવામેખ વિસ્તારમાં તેના ટુકડા પડવાથી એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે."

સંયુક્ત આરબ અમીરાતના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે દેશના ઍર ડિફેન્સ સિસ્ટમ ઈરાની મિસાઇલ અને ડ્રોનનો ખતરો રોકવામાં લાગી છે.

રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે જે અવાજ સંભળાઈ રહ્યો છે તે મિસાઇલો અને ડ્રોનને રકવાને કારણે છે.

હોર્મુઝની સામુદ્રધુની અંગે હવે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે આપી આ ચેતવણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)એ કહ્યું છે કે જો અમેરિકા ઈરાનનાં ઊર્જા ઠેકાણાં પર હુમલો કરે તો હોર્મુઝ સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરી દેવાશે.

જોકે, ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ નથી અને માત્ર અમેરિકા અને ઇઝરાયલના વલણને કારણે આ રસ્તેથી સમુદ્રી જહાજ પસાર થવામાં ખચકાઈ રહ્યાં છે.

આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 21 માર્ચના રોજ કહ્યું હતું કે ઈરાન પાસે 48 કલાકનો સમય છે. જો તેણે હોર્મુઝની સામુદ્રધુની ન ખોલી તો તેના તમામ પાવર પ્લાન્ટ્સ તબાહ કરી દેવાશે.

ઈરાની મીડિયાને આપેલા નિવેદનમાં આઇઆરજીસીએ કહ્યું, "ઈરાનનાં ઊર્જા ઠેકાણાં પર હુમલા થયા તો હોર્મુઝની સામુદ્રધુનીને ત્યાં સુધી નહીં ખોલીએ, જ્યાં સુધી અમારા તબાહ થયેલા પાવર પ્લાન્ટ્સ ફરી વાર ન બની જાય."

બહરીન, યુએઇ, કુવૈતે નવા મિસાઇલ હુમલા અને ડ્રોન હુમલાનું ઍલર્ટ જાહેર કર્યું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Saeed Qaq/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં તેલ અવીવના આકાશમાં પણ સોમવારે ઈરાનથી છોડાયેલી મિસાઇલો જોવા મળી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા જંગ વચ્ચે ઘણા દેશોએ મિસાઇલ અને ડ્રોન હુમલા અંગે માહિતી આપી.

બહરીનમાં ગૃહ મંત્રાલયે હાલ જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "એલાર્મ સાયરનને સક્રિય કરી દેવાયું છે. લોકોને વિનંતી છે કે તેઓ શાંત રહે અને નિકટના સુરક્ષિત સ્થળે પહોંચે."

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે લોકો આધિકારિક માધ્યમો વડે મળનારી માહિતીનું પાલન કરે.

તેમજ સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે થોડી વાર પહેલાં કહ્યું છે કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમ ઈરાન તરફથી આવી રહેલાં મિસાઇલ અને ડ્રોનના ખતરાનો જવાબ આપી રહી છે.

સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે જે અવાજો સંભળાઈ રહ્યા છે એ મિસાઇલો અને ડ્રોનોને રોકવાને કારણે આવી રહ્યા છે.

જ્યારે કુવૈતના સૈન્યે અમુક સમય પહેલાં જણાવ્યું કે ઍર ડિફેન્સ દુશ્મનનાં મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા છે.

આર્મીના જનરલ સ્ટાફે જણાવ્યું કે ઍર ડિફેન્સ સિસ્ટમ વડે દુશ્મના હુમલા રોકવાના કારણે આ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે.

કુવૈત આર્મીએ તમામ લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ સંબંધિત અધિકારીઓ તરથી જાહેર કરાયેલા સુરક્ષા નિર્દેશોનું પાલન કરે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિએર સ્ટાર્મરે હોર્મુઝની સામુદ્રધુની મુદ્દે ચર્ચા કરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ વડા પ્રધાન સર કિએર સ્ટાર્મર વચ્ચે ફોન પર વાતચીત થઈ છે (ફાઇલ તસવીર)

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાતચીત કરી છે.

ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તા પ્રમાણે, "બંને નેતાઓએ મધ્ય પૂર્વની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. ખાસ કરીને ગ્લોબલ શિપિંગને ફરી શરૂ કરવા અંગે હોર્મુઝની સામુદ્રધુનીને ફરી શરૂ કરવાની જરૂરિયાત અંગે વાત કરી."

"બંને નેતા એ વાતે સંમત થયા કે વિશ્વના ઊર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવી જરૂરી છે."

પ્રવક્તાએ જણાવ્યું કે બંને નેતા જલદી જ ફરી એક વાર વાતચીત કરશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે ઈરાનને એક નવી ડેડલાઇન આપી છે. તેમણે કહ્યું હતું કે હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવા માટે 'ઈરાન પાસે 48 કલાકનો સમય છે.'

આમ, ટ્રમ્પની ડેડલાઇન પ્રમાણે હવે ઈરાન પાસે એક દિવસનો સમય છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ઈરાન વગર શરતે હોર્મુઝની સામુદ્રધુનીને નહીં ખોલે તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ સંપૂર્ણપણે તબાહ કરી દેશે.

ટ્રમ્પની ધમકી બાદ ઈરાને પણ બદલાની કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી.

ઈરાનના હુમલા બાદ ઇઝરાયલની બધી સ્કૂલો બંધ, હવે શિક્ષણ ઑનલાઇન અપાશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શનિવારે મોડી રાત્રે થયેલા ઈરાની હુમલા બાદ ઇઝરાયલના અરદમાં રાહતકાર્યમાં લાગેલા કર્મચારી

ઇઝરાયલના શિક્ષણમંત્રીએ જણાવ્યું કે ડિમોના અને અરદમાં થયેલા ઈરાની હુમલા બાદ તેમણે હોમ ફ્રન્ટ કમાન્ડના મેજર જનરલ સાથે ચર્ચા કરી છે.

તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, "મેં નિર્ણય કર્યો છે કે રવિાર અને સોમવારે તમામ પ્રકારની છૂટ સમાપ્ત થઈ જશે અને કોઈ પણ ફિઝિકલ ક્લાસની પરવાનગી નહીં હોય."

શિક્ષણમંત્રી યોઆવ કીશે જણાવ્યું કે આ દરમિયાન વિશેષ શિક્ષણ માટે અપાયેલી છૂટ પણ રદ રહેશે અને આખા દેશમાં ડિસ્ટન્સ ઍજ્યુકેશન રિમોટ લર્નિંગ (ઓનલાઇન ક્લાસ) જ થશે. તેમણે કહ્યું કે આ દરમિયાન યલો એરિયા (બાળકો માટે) પણ બંધ રહેશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે મંગળારે પહેલાં સ્થિતિનું ફરી એક વાર આકલન કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવાશે.

ઇઝરાયલમાં ઇમર્જન્સી સેવાઓનું કહેવું છે કે દક્ષિણે આવેલા શહેર અરદ ખાતે ઈરાની મિસાઇલ હુમલામાં ઘણું નુકસાન થયું છે. આ હુમલામાં 88 લોકોના ઈજાગ્રસ્ત થવાની જાણકારી અપાઈ છે, ઈજાગ્રસ્તો પૈકી ઘણાની સ્થિતિ ગંભીર છે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને 'અત્યંત મુશ્કેલ સાંજ' ગણાવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન