ઈરાની સંસદના સ્પીકરે અમેરિકા-ઇઝરાયલને શું ચેતવણી આપી? – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાને અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી આપી છે કે તેમના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવાયા તો એ કઠોર કાર્યવાહી કરશે.

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગર ઘાલિબાફે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, "જો અમેરિકા અને ઇઝરાયલે દેશના પાવર પ્લાન્ટ્સ પર નિશાન સાધ્યું, તો તે ખાડી ક્ષેત્રનાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાછાં રિપૅર ન કરી શકાય એ રીતે નષ્ટ કરશે."

ગાલિબાફે લખ્યું, "અમારા પાવર પ્લાન્ટ્સ પર હુમલો થયો તો ખાડી ક્ષેત્રમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને ક્રૂડઑઇલની સુવિધાઓને 'કાયદેસર નિશાન' માનવામાં આવશે."

સાથે જ સ્પીકરે એવી પણ ચેતવણી ઉચ્ચારી કે તેમની જવાબી કાર્યવાહીથી 'ક્રૂડઑઇલની કિંમતો લાંબા સમય સુધી વધેલી રહેશે.'

આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ નેટવર્ક 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, "જો ઈરાને 48 કલાકની અંદર હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે ન ખોલી, તો અમેરિકન સૈન્ય ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે."

ક્યૂબામાં એક અઠવાડિયામાં બીજી વખત અંધકાર છવાયો, અમેરિકાની કેવી ભૂમિકા?

ક્યૂબામાં એક અઠવાડિયામાં બીજી વખત દેશની નૅશનલ ગ્રિડ ઠપ થવાને કારણે એક કરોડ કરતાં વધુ લોકોનાં ઘરો અને કારોબારનાં ઠેકાણાંની વીજળી કપાઈ ગઈ છે.

ક્યૂબાના ઊર્જા મંત્રાલયે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું, "નૅશનલ ઇલેક્ટ્રિક સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તેને ઠીક કરવા માટે કામ શરૂ થઈ ગયું છે."

ક્યૂબાના ગ્રિડ ઑપરેટરે કહ્યું કે તે ધીરે ધીરે વીજળી પુન:સ્થાપિત કરી રહ્યું છે, જેમાં હૉસ્પિટલો અને પાણી જેવાં 'જરૂરી' કેન્દ્રોને પ્રાથમિકતા અપાઈ રહી છે.

આ કેરિબિયન દેશમાં આ મહિને ત્રણ મોટા બ્લૅકઆઉટ થયાં છે, કારણ કે અમેરિકા તરફથી ઈંધણ પર લગાવાયેલા પ્રતિબંધને કારણે વિદેશી ક્રૂડઑઇલની આયાત બંધ થઈ ગઈ છે, જે વીજળીઘરોના સંચાલન માટે જરૂરી છે.

કૉમ્યુનિસ્ટ શાસનવાળા આ દેશનું વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું થઈ ગયું છે અને ત્યાં ઈંધણની હંમેશાં કમી રહે છે.

હાલના સંકટ અને સમગ્ર દેશમાં વીજકાપને કારણે લોકોની નારાજગીમાં વધારો થયો છે.

સોમવારે પાટનગર હવાના વચ્ચે લોકોએ વાસણ વગાડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

મધ્ય ક્યૂબાના મોરોન શહેરમાં પણ પ્રદર્શનકારીઓએ એ દિવસે કૉમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્યાલય પર હુમલો કર્યો અને આગચંપી કરી, નોંધનીય છે કે ક્યૂબામાં પરવાનગી વગર પ્રદર્શન યોજવું એ ગેરકાયદેસર છે.

'અમને સંયમ માટેની અપીલ કરવી અયોગ્ય', ઈરાની વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે 'ઈરાનને સંયમ વર્તવાની અપીલ કરવાનો કોઈ અર્થ નથી.'

ઈરાની સરકારની ન્યૂઝ એજન્સી 'ઇરના' (આઈઆરએનએ) પ્રમાણે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્લાઇલ બાગેઈએ તર્ક આપ્યો, "જે દેશ પર હુમલો થયો હોય, તેની પાસે આ પ્રકારની અપેક્ષા રાખવી અનુચિત છે."

'ઇરના' પ્રમાણે, વિદેશ મંત્રાલયે એ વાત પર ભાર મૂક્યો કે જે દેશોએ હુમલો કરીને દુશ્મની શરૂ કરી છે, તેને રોકવાની જવાબદારી પણ તેમની જ છે.

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ સાથે મળીને ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ નેતા ખામેનેઈ સહીત ઘણા નેતા માર્યા ગયા હતા. ત્યાર પછી ઈરાન સાથે બંને દેશોનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ઈરાને આ કાર્યવાહીના ભાગરૂપે ખાડી ક્ષેત્રમાં ઉપસ્થિત અમેરિકાના સહયોગીઓ તથા તેનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો.

આ સંઘર્ષમાં બંને પક્ષોને નુકસાન થયું છે. ઊર્જાનાં ઘણાં ક્ષેત્રો પર હુમલા કરવામાં આવ્યા છે. આ યુદ્ધને કારણે ઑઇલ અને ગૅસની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જેને કારણે કેટલાક દેશોમાં સંકટ પેદા થયું છે.

ઈરાન દ્વારા મિસાઇલ અને ડ્રૉનથી થયેલા હુમલા મામલે યુએઈએ શું કહ્યું?

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેણે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલો અને ડ્રૉન હુમલાને ઇન્ટરસેપ્ટ કર્યાં છે.

રવિવારે વહેલી સવારે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં મંત્રાલયે કહ્યું, "જે અવાજો આવતા હતા, તે ઍર ડિફેન્સ સિસ્ટમ તરફથી મિસાઇલો અને ડ્રૉન રોકવાના અવાજો છે."

યુએઈના સંરક્ષણ મંત્રાલય દ્વારા શનિવારે સાંજે પણ ઈરાન તરફથી કરવામાં આવેલા આવા હુમલાને રોકવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ઈરાને ફારસની ખાડીના બે દ્વીપોના મુદ્દે યુએઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને લઈને યુએઈના શહેર રાસ અલ-ખૈમાહ પર જોરદાર હુમલાની ધમકી આપી હતી.

ફારસની ખાડીમાં સ્થિત 'અબૂ મૂસા' અને 'ગ્રેટર ટુનબ' દ્વીપોના મુદ્દે ઈરાન અને યુએઈ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ દ્વીપો પર ઈરાનનો કબજો છે અને તેને રણનીતિક રીતે મહત્ત્વના માનવામાં આવે છે.

કતારનું મિલિટરી હેલિકૉપ્ટર થયું ક્રૅશ, શું થયું હતું?

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કતારનું એક મિલિટરી હેલિકૉપ્ટર દેશના સમુદ્રી ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. કતારના સંરક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી છે.

કતારના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, "તેનું એક હેલિકૉપ્ટર ટૅક્નિકલ ખરાબીને કારણે સમુદ્રી ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે."

હેલિકૉપ્ટરના ચાલકદળ તથા અન્ય સવાર લોકોની તલાશ માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

કતારના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનાના સમયે હેલિકૉપ્ટર 'નિયમિત ડ્યૂટી' પર હતું.

ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાને અમેરિકાને વળતો પ્રહાર કરવાની આપી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું છે કે જો ઈરાનનાં ઈંધણ અને ઊર્જા કેન્દ્રો પર હુમલો થશે તો દેશની સેના અમેરિકા સાથે જોડાયેલાં ઊર્જા કૅન્દ્રોને નિશાન બનાવશે.

ઈરાનની આ ચેતવણી ટ્રમ્પની નવી ચેતવણી બાદ આવી છે.

ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાને 48 કલાકની અંદર હોર્મુઝ સામુદ્રધુનીને નહીં ખોલી તો અમેરિકા ઈરાનનાં વીજળી કેન્દ્રોને 'સંપૂર્ણ પ્રકારે તબાહ' કરી દેશે.

આ પહેલાં ઈરાને દક્ષિણ ઇઝરાયલ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. નિશાન બનાવવામાં આવેલાં ક્ષેત્રોમાં ઇઝરાયલના અઘોષિત પરમાણુ હથિયાર ભંડાર ધરાવતું શહેર ડિમોના પણ સામેલ છે.

ઈરાને કહ્યું છે કે 'જંગ હવે નવા ચરણ'માં પહોંચી ગઈ છે.

ઇઝરાયલમાં ઈરાનના ભયંકર મિસાઇલ હુમલા, અનેક લોકોને ઇજા

ઇઝરાયલની ઇમરજન્સી સેવાઓનું કહેવું છે કે દક્ષિણમાં આવેલા અરદ શહેરમાં થયેલા ઈરાની મિસાઇલ હુમલામાં ભારે નુકસાન થયું છે.

માગેન ડૅવિડ એડોમ નામની ઇમરજન્સી સર્વિસ મુજબ હુમલા પછી 88 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમાંથી 10 લોકો ગંભીર રીતે ઘાયલ છે, 19 લોકોને મધ્યમ ઈજા થઈ છે અને 55 લોકોને સાધારણ ઈજા થઈ છે.

આ હુમલા પછી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અરદના મેયર સાથે વાત કરી હતી. તેમણે આ હુમલાને 'અત્યંત મુશ્કેલ સાંજ' ગણાવી હતી.

નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "અમારા ભવિષ્ય માટે ચાલતા આ અભિયાનમાં આજની સાંજ બહુ મુશ્કેલ છે. મેં અમારી ઑફિસના ડાયરેક્ટર જનરલને સૂચના આપી છે કે તેઓ તમામ સરકારી મંત્રાલયો સાથે મળીને દરેક જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવે."

ઈરાનના હુમલા પછી ઇઝરાયલમાં તમામ શાળાઓ બંધ, ઑનલાઇન શિક્ષણ અપાશે

ઇઝરાયલના શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ડિમોના અને અરદમાં થયેલા ઈરાની હુમલા પછી તેમણે હોમ ફ્રન્ટ કમાન્ડના મેજર જનરલ સાથે વિચારવિમર્શ કર્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે મેં એવો નિર્ણય લીધો છે કે "રવિવાર અને સોમવારે તમામ પ્રકારની છૂટ સમાપ્ત થઈ જશે અને કોઇ પણ ફિઝિકલ ક્લાસની મંજૂરી નહીં અપાય."

શિક્ષણ મંત્રી યોઆવ કીશે જણાવ્યું કે આ દરમિયાન વિશેષ શિક્ષણ માટે અપાયેલી રજાઓ પણ રદ કરાશે અને આખા દેશમાં ઑનલાઇન ક્લાસ ચલાવવામાં આવશે. તેમમે કહ્યું કે આ દરમિયાન યલો એરિયા (બાળકો માટે) બંધ રહેશે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે મંગળવાર અગાઉ ફરી પરિસ્થિતિની સમીક્ષા કરીને પછી જ નિર્ણય લેવાશે.

હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટ, મંત્રીઓના પગારમાં કાપ

હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટની સ્થિતિ છે જેના કારણે મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ પોતાના વેતનમાં 50 ટકા કાપ મૂકવાની જાહેરાત કરી છે. જ્યારે મંત્રીઓના વેતનમાં 30 ટકા અને ધારાસભ્યોના વેતનમાં 20 ટકાનો કામચલાઉ કાપ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત આઈએએસ, આઈપીએસ અને આઈએફએસના ટોચના અધિકારીઓનું વેતન 30 ટકા સુધી રોકવામાં આવશે. મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને પ્રિન્સિપાલ સેક્રેટરીનું વેતન 30 ટકા અને બાકીના સચિવ અને વિભાગ અધ્યક્ષોનું 20 ટકા વેતન સ્થગિત કરવામાં આવશે.

પોલીસ વિભાગમાં ડીજીપી અને એડીજીપીના સ્તરે 30 ટકા વેતન સ્થગિત કરાશે. જ્યારે આઈજી, ડીઆઈજી, એસએસપી અને એસપીના સ્તરે 20 ટકા વેતન સ્થગિત કરવામાં આવશે.

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ માટે પણ આવી જ વ્યવસ્થા રહેસે. ગ્રૂપ એ અને ગ્રૂપ બીના અધિકારીઓના વેતનનો ત્રણ ટકા હિસ્સો છ મહિના માટે સ્થગિત થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન