ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતના મધ્યસ્થી તરીકે પાકિસ્તાનનું નામ આવવું એ શું પીએમ મોદીની 'કૂટનીતિક હાર' છે?

વાંચવાનો સમય: 5 મિનિટ

જ્યારથી પાકિસ્તાનનું નામ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતના સંભવિત મધ્યસ્થી તરીકે ઊભર્યું છે, ત્યારથી વિપક્ષોએ મોદી સરકાર પર સવાલો ઉઠાવવાના શરૂ કરી દીધા છે.

આ ઘટનાને વિપક્ષોએ મોદી સરકારની 'કૂટનીતિક હાર' ગણાવી છે.

કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે ભારત મોકાનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું અને પાકિસ્તાને આ મામલે સરસાઈ મેળવી લીધી.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે સતત સંપર્કમાં છે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના સંપર્કમાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 માર્ચે પીએમ મોદીને ફોન પણ કર્યો પરંતુ પાકિસ્તાનનું નામ 'પીસ ટૉક'માં આવવાની વાતને કેટલાક વિશેષજ્ઞો ભારત માટે 'ઝાટકા સમાન' માની રહ્યા છે.

'પીસ ટૉક'માં પાકિસ્તાનનું નામ ભારત માટે કેટલો મોટો ઝાટકો?

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "પાકિસ્તાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને વાતચીત દ્વારા સમાપ્ત કરવાના ચાલી રહેલા પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થઈ શકે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શાહબાઝ શરીફના આ નિવેદનને ટ્રુથ સોશિયલ પર શૅર કર્યું હતું, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ અમેરિકા પણ પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ વાતચીત માટે તૈયાર છે.

બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચેની સંભવિત વાટાઘાટો અંગે, એક ઈરાની રાજદ્વારીએ બીબીસી ન્યૂઝ ઉર્દૂને જણાવ્યું હતું કે આવી વાટાઘાટોની થોડીઘણી શક્યતા તો છે.

'અલ જઝીરા' ચૅનલે પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂતને ટાંકીને જણાવ્યું હતું કે, "પાકિસ્તાન જેવા મિત્ર દેશો ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો માટે જરૂરી પાયો નાખી રહ્યા છે, અને આશા છે કે આનાથી સકારાત્મક પરિણામો મળશે."

એ સિવાય મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે પણ પાકિસ્તાનની પ્રશંસા કરી અને કહ્યું હતું કે, "અમે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનું આયોજન કરવાની પાકિસ્તાનની પહેલની પ્રશંસા કરીએ છીએ. હું શાહબાઝ શરીફ અને અન્ય મિત્ર દેશોના પ્રયાસોની પ્રશંસા કરું છું."

ભારત સરકારનું વલણ

ભારતની કૂટનીતિક ક્ષમતા અંગે ઉઠી રહેલા સવાલો વચ્ચે લોકસભામાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ 24 માર્ચ, મંગળવારના રોજ કહ્યું હતું કે, "આ મુદ્દા પર ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. અમે શરૂઆતથી જ આ સંઘર્ષ પર અમારી ચિંતા વ્યક્ત કરી છે. મેં પશ્ચિમ એશિયાના તમામ નેતાઓ સાથે વાત કરી અને દરેકને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. અમે ટ્રાન્સપૉર્ટ, ઊર્જા ક્ષેત્રો અને સામાન્ય નાગરિકો પર હુમલાઓનો વિરોધ કર્યો છે."

મોદીએ મંગળવારે એ પણ માહિતી આપી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ફોન કર્યો હતો અને બંનેએ ખાડીદેશોમાં ચાલી રહેલા તણાવ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે, 'તેમણે શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો.'

વિપક્ષો શું કહે છે?

ત્યારબાદ મોદી સરકારે ઈરાન યુદ્ધથી ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે 25 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં વિપક્ષે સરકાર પાસે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માગ મૂકી હતી.

બેઠકમાં હાજર રહેલા કૉંગ્રેસના સાંસદ તારિક અનવરે બીબીસી સંવાદદાતા ચંદન જજવાડેને જણાવ્યું હતું કે, "વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કરતી વખતે જે કહ્યું તેનાથી અમે સંતુષ્ટ નથી."

પાકિસ્તાન દ્વારા શાંતિ મંત્રણાના સંભવિત આયોજનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 24 માર્ચે કહ્યું હતું કે , "દેશની વિદેશનીતિ સાથે સમાધાન કરી લેવામાં આવ્યું છે. કારણ કે વડા પ્રધાને પોતે જ સમાધાન કરી લીધું છે. મોદી ફક્ત એ જ કરે છે જે અમેરિકા અને ઇઝરાયલ તેમની પાસેથી કરાવવા માંગે છે. મોદી ક્યારેય ભારતનાં હિતમાં નિર્ણયો લઈ શકતા નથી અને આ સ્પષ્ટપણે દેખાય છે."

ઈરાન યુદ્ધની શરૂઆતથી જ મોદી સરકારની વિદેશનીતિનો બચાવ કરી રહેલા કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ આ વખતે સરકાર પર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું , "જો પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા થાય છે, તો ભારતને તેની સાથે શું લેવાદેવા છે? પરંતુ હું ત્રણ અઠવાડિયાથી કહી રહ્યો છું કે ભારતે અમેરિકા અને ઈરાન સાથેના તેના સારા સંબંધોનો લાભ લેવો જોઈએ અને આ મામલે નેતૃત્વ કરતું વલણ અપનાવવું જોઈએ. પરંતુ બન્યું એવું કે આમ પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્તે કર્યું, આપણે ન કર્યું. તેમને શુભકામનાઓ, કારણ કે આપણે સૌ શાંતિ ઇચ્છીએ છીએ. પરંતુ ભારતને કોઈ શ્રેય મળશે નહીં, જ્યારે પાકિસ્તાન બધો શ્રેય લેશે."

આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર બ્રહ્મ ચેલાનીએ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કરેલા ફોનને 'ડૅમેજ કન્ટ્રોલ'ની કોશિશ ગણાવી છે.

તેમણે કહ્યું , "સત્ય એ છે કે ટ્રમ્પે મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વાતમાં પાકિસ્તાનને પસંદ કર્યું. પછી તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરીને ડૅમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, જેથી મોદી તેને વ્યક્તિગત રીતે ન લે. આ વધુ એક ઉદાહરણ છે જેમાં ટ્રમ્પે તેમના સારા મિત્ર મોદીને ઓછા આંક્યા છે."

સરકારનો બચાવ

વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તા માને છે કે ભારત માટે આ સંભવિત શાંતિ કરારથી દૂર રહેવું જ વધુ સારું છે.

તેઓ કહે છે, "ભારતના ઇઝરાયલ સાથે સારા સંબંધો છે જ્યારે પાકિસ્તાન અને ઇરાને ઇઝરાયલને માન્યતા પણ આપી નથી."

શેખર ગુપ્તાના મતે પાકિસ્તાન એ વિશ્વસનીય દેશ નથી.

શેખર ગુપ્તા કહે છે, "પાકિસ્તાન અમેરિકા અને મુસ્લિમ બહુમતી ધરાવતા ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોને સરળ બનાવવા માંગે છે. એ જ સમયગાળામાં તે બીજા ઇસ્લામી દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. ઈરાને પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ છે અને ભારતે તેમાં સામેલ થવું જોઈએ નહીં."

ઇઝરાયલ સરકારના ભૂતપૂર્વ પ્રવક્તા ઍલિયન લેવીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "ઇઝરાયલ આ મામલે પાકિસ્તાનની દખલગીરીથી સહજ રહેશે નહીં. પાકિસ્તાને હંમેશા ઇઝરાયલ પ્રત્યે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તેણે ક્યારેય ઇઝરાયલને માન્યતા પણ આપી નથી..."

તેમણે કહ્યું કે આમ છતાં જો ઈરાન અત્યાર સુધી જે બાબતોનો ઇન્કાર કરતું આવ્યું છે તેને સ્વીકારી લે તો તેનું સ્વાગત થવું જોઈએ. પરંતુ આવું થતું દેખાઈ રહ્યું નથી.

ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે કહ્યું , "ભૌગોલિક રીતે, પાકિસ્તાનને આ બાબતમાં ફાયદો છે."

પરંતુ તેમણે કહ્યું કે પાકિસ્તાનનો સાઉદી અરેબિયા સાથે સુરક્ષા કરાર છે અને સાઉદી અરેબિયા ઇચ્છે છે કે અમેરિકા ઈરાન પર હુમલાઓ વધારે, જેથી ગલ્ફ ક્ષેત્રમાં ઈરાનની શક્તિ નબળી પડે અને તે હવે સાઉદી અરેબિયા માટે ખતરો ન બને.

સિબ્બલ કહે છે કે પાકિસ્તાનને ડર છે કે સાઉદી અરેબિયા તેની સાથે કરેલા સુરક્ષા કરારને ક્યાંક લાગુ ન કરી દે. જો આમ થાય તો પાકિસ્તાન પણ અજાણતાં ઈરાન યુદ્ધમાં ખેંચાઈ શકે છે.

સિબ્બલનું પણ કહેવું છે કે ભારત આ સમગ્ર પ્રક્રિયાથી દૂર રહે એ જ વધુ સારું છે. તેમણે કહ્યું, "જો આપણે આ મામલે મધ્યસ્થી કરવાની ઑફર કરીએ છીએ, તો આપણે ઈરાન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના દરવાજા પણ ખોલીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન