You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વિપક્ષે ઇમાનદાર પ્રયાસની ભ્રૂણહત્યા કરી', મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી
લોકસભામાં મહિલા અનામત અને ડિલિમિટેશન સાથે જોડાયેલાં સંવિધાન સંશોધનનાં બિલો પાસ થયાં નથી. આ ઘટનાક્રમ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ બિલ પસાર ન થવા બદલ વિપક્ષને જવાબદાર ગણાવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નામે કરેલા સંબોધનમાં નારી શક્તિ વંદન અધિનિયમ સંશોધન વિધેયક પાસ ન થવા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
તેમણે કહ્યું કે દેશની કરોડો મહિલાઓનાં સપનાં કચડાઈ ગયાં છે.
પીએમ મોદીએ કહ્યું કે "અમારા તમામ પ્રયાસો છતાં અમે સફળ ન થઈ શક્યા. નારી શક્તિ વંદન અધિનિયમમાં સંશોધન ન થઈ શક્યું. હું તમામ માતાઓ, બહેનોની માફી માગું છું."
તેમણે વિપક્ષ પર હુમલો કરતા કહ્યું, "કેટલાક લોકો માટે પાર્ટીથી ઉપર કશું નથી હોતું. આ પ્રસ્તાવ પડ્યો ત્યારે કૉંગ્રેસ, સપા, ટીએમસી, ડીએમકે જેવી પરિવારવાદી પાર્ટી ખુશી મનાવી રહી હતી."
તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "દેશની નારી શક્તિ જોઈ રહી હતી. આ બિલ પડ્યું ત્યારે મને ઘણું દુ:ખ થયું હતું."
પીએમ મોદીએ કહ્યું, "કૉંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને સમાજવાદી પાર્ટી જેવાં દળોના સ્વાર્થી રાજકારણનુ પરિણામ મહિલાઓએ ભોગવવું પડ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે "મહિલા અનામતનો વિરોધ કરીને જે વિપક્ષોએ પાપ કર્યું છે તેની સજા તેમને જરૂર મળશે. આ દળોએ બંધારણનિર્માતાઓની ભાવનાનું પણ અપમાન કર્યું છે. જનતાની સજાથી પણ તેઓ નહીં બચી શકે."
ઉલ્લેખનીય છે કે લોકસભામાં શુક્રવારે મહિલા અનામત કાયદામાં સુધારા અંગેનું બિલ મતદાન બાદ પસાર ન થઈ શક્યું.
એનડીએ બિલના પક્ષમાં બે-તૃતીયાંશ મત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું.
એનડીએ બિલના પક્ષમાં બે-તૃતીયાંશ વોટ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું. બિલના પક્ષમાં 298 વોટ મળ્યા જ્યારે કે વિરોધમાં 230 વોટ મળ્યા.
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે બાકી બંને સંશોધન બિલને આગળ નહીં વધારવાનો નિર્ણય લેવાયો છે.
સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના કાયદામાં સંશોધન તથા ડિલિમિટેશન સાથે જોડાયેલાં બિલો પર સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદોની ચર્ચા બાદ ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. તેમના જવાબ બાદ વોટિંગ થયું હતું. જેમાં બિલ પસાર થવા જરૂરી બે-તૃત્યાંશ બહુમત નહોતો મળી શક્યો.
'21મી સદીની નારી જોઈ રહી છે'
પીએમ મોદીએ વધુમાં કહ્યું, "ગઈ કાલે સંસદમાં નારીશક્તિ અધિનિયમમાં સંશોધનનો જેમણે વિરોધ કર્યો છે, તેમને હું સીધો કહીશ કે તેઓ નારીને ફૉર ગ્રાન્ટેડ લઈ રહ્યાં છે. 21મી સદીની નારી બધું જોઈ રહી છે."
"સંસદમાં નારી શક્તિ વંદન સંશોધન કોઈની પાસેથી કંઈ છીનવી લેવા અંગેનો નહોતો, એ તો બધાને કંઈક આપવાની વાત હતી."
તેમણે આરોપ લગાવતા કહ્યું, "આ ઇમાનદાર પ્રયાસની કૉંગ્રેસ અને તેના સહયોગીઓએ ગૃહમાં આખા દેશની સામે ભ્રૂણ હત્યા કરી છે. કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકે, સમાજવાદી પાર્ટી જેવાં દળ આના માટેના અપરાધી છે, નારીશક્તિ અને દેશના અપરાધી છે."
"કૉંગ્રેસ મહિલા અનામતના વિષયથી જ નફરત કરે છે, તેણે હંમેશાંથી મહિલા અનામતને રોકવા માટે ષડ્યંત્ર કર્યાં છે. પહેલાં જેટલી પણ વખત પ્રયાસ થયા, તેમાં આ દળ તેનામાં અવરોધ ઊભા કર્યા છે. આ વખતે પણ કૉંગ્રેસ અને તેના સાથીઓએ આને રોકવા માટે એક પછી એક નવા જૂઠાણાનો આશરો લીધો."
પીએમ મોદીએ કૉંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું, "આ એ જ કૉંગ્રેસ છે, જનધન, આધાર, ડિજિટલ પેમેન્ટ, જીએસટી, સામાન્ય વર્ગના ગરીબોને અનામત, ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો, આર્ટિકલ 370 હઠાવવાનો વિરોધ કર્યો. આપણું બંધારણ અને કોર્ટો જે યુસીસીને જરૂરી ગણાવે છે, કૉંગ્રેસ તેનો પણ વિરોધ કરે છે. સુધારાનું નામ સંભળાતાં જ કૉંગ્રેસ વિરોધ કરવા લાગે છે. દેશને મજબૂત કરવાનાં બધાં કામ સામે એ વિરોધ કરવા આગળ આવી જાય છે."
"કૉંગ્રેસની એક જ પૅટર્ન રહી છે, જૂઠ બોલો અને ડર ફેલાવો."
"દેશ માટે જરૂરી નિર્ણય હોય છે, કૉંગ્રેસ તેને કાર્પેટની નીચે ધકેલી દે છે. કૉંગ્રેસના આ જ વલણના કારણે દેશ વિકાસની એ ઊંચાઈ હાંસલ નથી કરી શક્યો, જેનો એ અધિકાર છે," તેમણે કહ્યું.
વધુમાં પીએમ મોદીએ કહ્યું, "આપણી સાથે ઘણા અન્ય દેશો પણ આઝાદ થયા, એ પૈકી ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે."
"બાબતોને લટકાવવી-ભટકાવવી તેમની વૃત્તિ છે," વડા પ્રધાને વિપક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું - દક્ષિણ ભારતને કમજોર કરવા ઇચ્છે છે ભાજપ
લોકસભામાં બિલ નિષ્ફળ થયા બાદ શનિવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મહિલા અનામત અધિનિયમ નામે જૂઠ બોલવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ તામિલનાડુમાં એક જનસભામાં કહ્યું, "ગઈ કાલે તમે જોયું હશે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સંસદમાં શું કરવાનો પ્રાસ કરી રહ્યા હતા. તેઓ દેશ સમક્ષ જૂઠું બોલ્યા."
તેમણે કહ્યું, "તેઓ મહિલાઓના પ્રતિનિધિત્વ માટે એક બિલ પાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બિલ પાછલ એક ખૂબ જ ખતરનાક ઇરાદો છુપાયેલો છે. તેઓ ભારતના ચૂંટણીલક્ષી નકશાને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે."
રાહુલ ગાંધીએ કહ્યું, "તેઓ દરેક રાજ્યને મળનારી બેઠકોની સંખ્યા બદલવા માગતા હતા. તેઓ દક્ષિણ ભારતીય રાજ્યો, પૂર્વોત્તર રાજ્યો અને અન્ય નાનાં રાજ્યોને નબળાં પાડવા માગતા હતા. વડા પ્રધાન આપણા બંધારણ પર હુમલો કરી રહ્યા છે."
આ પહેલાં કૉંગ્રેસના સાંસદ પ્રિયાંક ગાંધીએ બંધારણીય સુધારા બિલ સંદર્ભે કહ્યું કે ગઈ કાલે જે થયું એ લોકશાહીની બહુ મોટી જીત છે. તેમણે કહ્યું કે સરકારની લોકશાહીને નબળી પાડવાનું ષડ્યંત્ર હતું, તેને રોકવામાં આવ્યું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું - 'મોદી સરકારને પહેલી વખત આંચકો લાગ્યો, આ આંચકો જરૂરી હતો'
કૉંગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધીએ બંધારણીય સુધાર બિલ પસાર ન થવા સંદર્ભે શનિવારે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ગઈકાલે જે કંઈ થયું, તેમાં લોકશાહીનો વિજય થયો છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે સરકારે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેને અટકાવવામાં આવ્યો હતો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "મોદી સરકારે લોકશાહીને નબળી પાડવાનો અને સંઘીય માળખામાં ફેરફાર કરવાનું કાવતરું કર્યું, જેને અમે નિષ્ફળ બનાવી દીધું છે."
તેમણે કહ્યું, "આ બંધારણનો વિજય છે, દેશનો વિજય છે. વિરોધપક્ષોની એકતાની જીત છે. જે સત્તારુઢ પક્ષના નેતાઓના ચહેરા ઉપર સ્પષ્ટપણે જોઈ શકાય છે."
"આ વાત મહિલા આરક્ષણ સંબંધે ન હતી. આ વાત પુનઃસીમાંકન સાથે જોડાયેલી હતી. મોદી સરકારે એવી રીતે પુનઃસીમાંકન કરવું હતું કે જેમાં જાતિઆધારિત વસતિગણતરીના આંકડા જોવા ન પડે અને તેમને મનમરજી કરવાની સ્વતંત્રતા મળી જાય."
"આમા વિપક્ષ સાથ આપે તે શક્ય જ ન હતું. સમગ્ર દેશે જોયું છે કે કેવી રીતે જો વિપક્ષ એક થાય, તો મોદી સરકારને હરાવી શકાય છે."
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "મોદી સરકારને પહેલી વખત આંચકો લાગ્યો છે, એટલે તેને 'બ્લૅક ડે' કહે છે. આ આંચકો લાગવો ખૂબ જ જરૂરી હતો. આજે મહિલાઓનો સંઘર્ષ ખૂબ જ વધી ગયો છે. તેઓ સરકારનું પીઆર (પબ્લિક રિલેશન્સ) અને મીડિયાબાજી જુએ છે અને સમજે છે. એટલે આ બધું નહીં ચાલે."
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "કેન્દ્ર સરકારે વિચાર્યું કે બિલ પસાર થઈ જશે, તો તેમનો વિજય થયો હોત. અને જો એમ ન થયું તો અમે તમામ વિપક્ષી નેતાઓને મહિલાવિરોધી સાબિત કરીને મહિલાઓ માટે મસીહા બની જઈશું."
શુક્રવારે લોકસભામાં 131મા બંધારણીય સુધાર માટેનું બિલ રજૂ થયું હતું. જેના માટે વોટિંગ થયું, પરંતુ આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન